મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં બહાર આવેલા નશીલી દવાઓના સેવન-ગેરકાયદેસર ધંધાના વેચાણના કૌભાંડ કેસમાં તપાસ કરતી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીના અધિકારીઓએ એક મોટું પગલું ભરીને અભિનેતા અર્જુન રામપાલની સાઉથ આફ્રિકન ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા ડમિટ્રીએડ્સનાં ભાઈ ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સની ધરપકડ કરી છે.
ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સ પણ દક્ષિણ આફ્રિકાનો નાગરિક છે, પણ મોટે ભાગે ભારતમાં જ રહેતો હોય છે. સુશાંતના કેસમાં પકડાયેલા ડ્રગ્સના દાણચોરોના સંપર્કમાં ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સ પણ હતો એવું જાણવા મળ્યા બાદ એનસીબીના અધિકારીઓએ એની ધરપકડ કરી છે.
અધિકારીઓએ આજે તેને એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યો હતો અને ન્યાયાધીશે એને વધુ તપાસ તથા પૂછપરછ માટે એનસીબીની કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે.
ગેબ્રિયેલા અર્જુન રામપાલની લિવ-ઈન પાર્ટનર છે. હવે આ બંને જણની પણ એનસીબી અધિકારીઓ પૂછપરછ કરે એવી ધારા રખાય છે.
ઉલ્લેખનીય છે કે આ કેસના સંબંધમાં એનસીબી એજન્સીએ અગાઉ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, એનાં ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, અંગત સહાયક દિપેશ સાવંત તથા બીજા અનેક જણની પણ ધરપકડ કરી હતી.
રિયાને મુંબઈ હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ એનસીબીએ તેને 28 દિવસ પછી જેલમાંથી મુક્ત કરી હતી.
એનસીબીના અધિકારીઓ બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ ઉપરાંત સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવી યુવા અભિનેત્રીઓની પણ ડ્રગ્સના કેસમાં પૂછપરછ કરી ચૂકી છે.
એનસીબી એજન્સીએ નિર્માતા કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સના ભૂતપૂર્વ એક્ઝિક્યૂટિવ ક્ષિતિજ રવિપ્રસાદની પણ ધરપકડ કરી છે.
સુશાંતસિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત એના ઘરમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન ડ્રગ્સના ઉલ્લેખવાળી અનેક વોટ્સએપ ચેટ્સ ધ્યાનમાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કેન્દ્રીય એજન્સીએ કરેલી વિનંતીને પગલે એનસીબી એજન્સીએ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.






















સ્થાનિક સ્તરે નવા લોકડાઉનની જરૂર નથીઃ સમિતિ
નવી દિલ્હીઃ કોવિડ-19ને પ્રસરતો અટકાવવા માટે જિલ્લા અથવા રાજ્ય સ્તરે કોઈ નવા લોકડાઉનની લાગુ કરવાની જરૂર નથી. જો બધા પ્રોટોકોલનું પાલન કરવામાં આવે તો આગામી વર્ષના પ્રારંભમાં ફેબ્રુઆરીના અંત સુધી કમસે કમ સક્રિય કોરોના સંક્રમણ અને રોગચાળાને નિયંત્રિત કરી શકાય તો કોઈ લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી, એમ સરકાર દ્વારા નિયુક્ત થયેલી IIT હૈદરાબાદના પ્રોફેસરની એમ. વિદ્યાસાગરની અધ્યક્ષતામાં નિમાયેલી સમિતિએ જણાવ્યું હતું.
10 સભ્યોની સમિતિ કે જેણે દેશમાં ‘કોવિડ-19ની પ્રગતિઃ પ્રોગ્નોસિસ એન્ડ લોકડાઉન ઇમ્પેક્સ’ પર એક અભ્યાસ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકડાઉન લાગુ કરવામાં ના આવ્યું હોત તો આવતા જૂન સુધીમાં કોરોનાના 1.40 કરોડથી વધુ કેસ નોંધાયા હોત. સમિતિએ કોવિડ-19ની પ્રગતિ માટે એક મેથેમેટિકલ મોડલ વિકસિત કર્યું છે, જે રાષ્ટ્રીય સ્તરે સુપર મોડલ વિવિધ માપદંડો પર આધારિત છે, જેમાં લોકડાઉનનો સમયગાળો, વૈકલ્પિક લોકડાઉનનો સિનારિયો, પ્રવાસી શ્રમિકો તેમના ઘરે પરત ફર્યા અને રોગચાળાને ધ્યાનમાં રાખતાં સુરક્ષા પ્રોટોકોલનું પાલન ના કરવાથી પડેલી અસરોનો સમાવેશ થાય છે.
જો સૌ દેશવાસીઓ આ પ્રોટોકોલનું પાલન કરીએ છીએ તો આગામી વર્ષના પ્રારંભે ફેબ્રુઆરી સુધીમાં કોરોનાના સક્રિય કેસો પર પણ કાબૂ મેળવી શકાશે. જોકે અમે અત્યાર સુધી આ રોગચાળો સીઝનમાં (ખાસ કરીને શિયાળામાં વધુ સક્રિય થાય છે) અને ભવિષ્યમાં કેટલો પ્રસરશે એ વિશે નથી જાણતા. એટલે વ્યક્તિગત સુરક્ષા પ્રોટોકોલને સંપૂર્ણ રીતે જારી રાખવાની આવશ્યકતા છે, જો લોકો પૂરતી સાવચેતી નહીં રાખે તો કોરોના કેસોમાં ઝડપી ઉછાળો આવશે.જ્યાં સુધી આરોગ્ય સુવિધાઓ માટે મોટું જોખમ નથી, ત્યાં સુધી જિલ્લા અને રાજ્ય સ્તરે લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી, એમ વિદ્યાસાગરે જણાવ્યું હતું.
વૈજ્ઞાનિકો સિવાય IIT અને IIScના પ્રોફેસરો સહિત સમિતિએ કહ્યું હતું કે આગામી દિવાળીનો તહેવાર અને શિયાળામાં કોરોના સંક્રમણ વધુ ફેલાય એવી શક્યતા છે, પરંતુ જો પૂરતા સુરક્ષા માપદંડોનું ધ્યાનમાં રાખવામાં આવે તો બધી કામગીરી ચાલુ રાખી શકાય છે. જોકે પ્રારંભિક લોકડાઉનને લાગુ કરવાથી ભવિષ્યમાં કોરોના કેસમાં ઘટાડો કરી શકાયો છે અને સિસ્ટમ પર લોડને પણ ઓછો કરી શકાયો છે.