રામનું જીવન – સ્વતંત્રતાનો એક પાઠ

(સદગુરૂ જગ્ગી વાસુદેવ) 

રાકુલ પ્રિત સિંહઃ મને લાગે છે કે જ્યારે કોઈ તમારી સાથે વાત કરે છે, અથવા તમારા પ્રવચનો સાંભળે છે કે તમારી વાતને અનુસરે છે. ત્યારે ખરેખર એવું લાગે છે કે જીવન કેટલું સરળ, સુંદર અને પ્રેમથી ભરેલું છે. બધે જ, બધી જ આસ-પાસની વસ્તુઓ પ્રેમ ટપકાવે છે, બધી જ વસ્તુઓ જીવંત છે. પરંતુ શા માટે લોકો સમજી શકતા નથી કે, જીવન સરળ છે. તમારા વિચારે શા માટે માણસે નાનામાં નાની વસ્તુને આટલી બધી જટિલ બનાવી દીધી છે, પછી તે સંબંધ હોય, લગ્ન હોય, પ્રેમ હોય કે પછી તમારું કામ? હવે અહિયાં ઘણી બધી વસ્તુઓ ઉપર-ઉપરથી જ કરવામાં આવે છે અને લોકો જીવનનો નાનો નાનો આનંદ માણવાનું ચુકી જાય છે. તેઓ એ રીતે નથી જીવતા જે રીતે તેમણે જીવું જોઈએ. તમારા મતે એ શું છે જેને બધા પહેલું પગલું ગણીને પોતાનું ધ્યાન જીવનની સુંદરતા તરફ દોરી શકે?

સદગુરૂઃ જીવન ન તો સુંદર છે ન તો ખરાબ છે. તે ન તો, પ્રેમમય છે કે ન તો નફરત વાળુ. તમે સુંદર બની શકો છો કે ખરાબ થઈ શકો છો, તમે પ્રેમાળ બની શકો છો કે તમે પ્રેમાળ નથી બની શકતા. બસ આ આટલું જ હોઈ શકે. “દરેક જગ્યાથી પ્રેમ ટપકે છે- ના! આ તમને સ્વપ્નની દુનિયામાં લઈ જશે.

રાકુલ પ્રિતસિંહ: ના, મારો અર્થ એ છે કે દરેક જણ અહીં સુંદર છે; મને કોઈની સાથે કોઈ સમસ્યા નથી, પણ દરેક વ્યક્તિ તે રીતે જોઈ શકતા નથી.

 

સદગુરૂ: અહિયાં હું તમને કંઈક કહીશ. એક વખતની વાત છે. એક યુવાન વિધવા તેને ફાળવામાં આવેલી કબરની મુલાકાત લેવા તેના સાત વર્ષના દિકરા સાથે કબ્રસ્તાનમાં ગઈ. તેનો છોકરો જે વાંચતા લખતા શીખી રહ્યો હતો, તે કબરો પર લાગેલી તખ્તીઓ દોડી દોડીને વાંચતો હતો. આશરે વીસ થી ત્રીસ મિનિટ પછી તે તેની માતા પાસે આવ્યો અને કહ્યું, “મમ્મી ખરાબ લોકોને ક્યાં દફનાવવામાં આવે છે?”

આ સત્ય નથી કે દરેક વ્યક્તિ સુંદર છે – અમુક લોકો અત્યંત ખરાબ પણ હોઈ શકે છે. જો તમે સુંદર હોવ તો, તમે તેમનું ખરાબપણું અમુક અંશે પરિવર્તિત કરી શકો છો. શું બધા લોકો તમારા માર્ગે આવશે?  ના, તેઓ નહીં આવે. જો તેઓ તમારા માર્ગમાં નહીં આવે તો, શું તમે ખરાબ થઈ જશો? ના. એ મહત્વનું નથી.

જ્યારે વસ્તુઓ તમારા પ્રમાણે નથી થતી, શું છતાં પણ તમે સુંદર મનુષ્ય બની રહેવા સક્ષમ છો? બસ તમારે એ જ ઠીક કરવાનું છે. જો તમે એ એક વસ્તુને ઠીક કરી લેશો તો બાકી બધુ જાતેજ ઠીક થઈ જશે. જ્યારે તમારા પ્રમાણે કશુંજ થતું નથી,  ત્યારે પણ તમે એક સુંદર મનુષ્ય છો? આજ એક વસ્તુ છે જેની આપણી સંસ્કૃતિએ પૂજા કરી છે.

તમે જાણો છો, રામને પૂજવામાં આવે છે. પણ મનુષ્ય તરીકે તેમનું જીવન સતત સંઘર્ષપૂર્ણ રહ્યું હતું: સતત કંઈક ને કંઈક ચાલ્યા કરતું, એક આફત ભર્યું જીવન હતું, પરંતુ તેઓ સ્થિર રહ્યાં હતા. તેમણે તેમનું કાર્ય અને વહીવટ એવી સ્થિરતા અને કુશળતાથી સંભાળ્યું કે આજે હજારો વર્ષો પછી પણ જ્યારે આપણે આદર્શ રાષ્ટ્રની વાત કરીએ છીએ ત્યારે આપણે “રામરાજ” કહીએ છીએ. રામના જીવનમાં જે કંઇપણ પણ બન્યું, તેમાંની એકપણ ઘટના સામાન્ય લોકોના જીવનમાં ઘટે તો તેઓ પડી-ભાંગશે. રામે તેમના જીવનમાં એક પછી એક અનેક સંઘર્ષોનો સામનો કર્યો, તેમ છતાં પણ તેમણે પોતાની ફરજ અને તેમના કાર્યો તે ક્ષણની શ્રેષ્ઠ કુશળતાથી કર્યા.

એમના જીવનમાં આવી રહેલા સંઘર્ષોમાંથી ફક્ત આ જ હતું જેનાથી તે સંપૂર્ણ સ્વતંત્રતા અનુભવતા હતા. આજ મુક્તિ છે. જ્યારે તેઓ જીવિત હતા, તેઓ મુક્ત હતા- આ જ છે જીવન મુક્તિ. એ આજ મુક્તિ છે જેને આપણે નમન કરીએ છીએ –ના કે એટ્લે કે તેઓ એક રાજા, કે ભગવાન કે અન્ય કોઈ હતા, ફક્ત એટ્લે કે એ વ્યક્તિ તેમના જીવનમાં થતાં સતત સંઘર્ષની સ્થિતિમાં પણ બધાથી મુક્ત રહ્યા.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)