કોરોનાના કેસો 75 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 75 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 55,722 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 579 લોકોનાં મોત થયાં છે. દેશમાં હવે કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 75,50,273 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,14,610 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 66,63,608 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 70,338 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,72,055એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.

કેટલાંક રાજ્યોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન

કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધને ગઈ કાલે પહેલી વાર સ્વીકાર કર્યો હતો કે દેશમાં કોવિડ-19નું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. જોકે તેમણે કહ્યું કે આ ફક્ત કેટલાક જિલ્લા અને રાજ્યો સુધી જ સીમિત છે. ડૉ. હર્ષવર્ધને સોશિયલ મિડિયા પર એક સવાલનો જવાબ આપતાં આ વાત કહી, જેમાં તેમણે પોતાના સોશિયલ મિડિયાના ફોલોઅર્સ સાથે વાતચીત કરી.

ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે કે પશ્ચિમ બંગાળ સહિત અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ ભાગોમાં ખાસ કરીને ગીચ વિસ્તારોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતા છે. જો કે આ સંપૂર્ણ દેશમાં નથી થઈ રહ્યું. આ કેટલાક જિલ્લાઓ સુધી સીમિત છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનો પહેલો કેસ આવ્યા બાદ આ પહેલી વાર છે, જ્યારે સરકારે વાઇરસના સામુદાયિક પ્રસારની વાત સ્વીકારી છે. અત્યાર સુધી સરકાર તરફથી કહેવામાં આવ્યું હતુ કે આ જીવલેણ વાઇરસના સામુદાયિક પ્રસારની કોઈ પુષ્ટિ નથી થઈ.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.