લંડનના ચોકમાં શાહરૂખ-કાજોલની કાંસ્યની પ્રતિમા મૂકાશે

લંડનઃ શાહરૂખ ખાન અને કાજોલ અભિનીત હિન્દી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ રિલીઝ થયાને 25 વર્ષ પૂરા થયા છે. એની ખુશાલીમાં લંડનના લેસ્ટર સ્ક્વેરમાં શાહરૂખ અને કાજોલની કાંસ્યની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે. આ પ્રતિમા શાહરૂખ અને કાજોલે તે ફિલ્મમાં ભજવેલા પાત્રો – રાજ અને સિમરનની હશે.

આ ચોક ખાતે હોલીવૂડના બીજા 10 ખ્યાતનામ પાત્રોની પણ પ્રતિમા મૂકવામાં આવી છે. જેમાં હેરી પોટર, લોરેલ અને હાર્ડી, મેરી પોપિન્સ, મિસ્ટર બીન, બેટમેન, બગ્સ બુની, પેડિંગ્ટન, વન્ડર વુમન અને જીન કેલીનો સમાવેશ થાય છે.

આદિત્ય ચોપરા દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ 1995ની 20 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.

લેસ્ટર સ્ક્વેર ખાતે શાહરૂખ-કાજોલનાં પાત્રોની પ્રતિમા મૂકવાની જાહેરાત હાર્ટ ઓફ લંડન બિઝનેસ અલાયન્સ સંસ્થાએ કરી છે.

આ પ્રતિમાનું અનાવરણ 2021માં કરવામાં આવશે એવા અહેવાલો છે. એ પ્રસંગે શાહરૂખ અને કાજોલ પણ હાજર રહે એવી આયોજકોની યોજના છે.

શાહરૂખ-કોજોલની પ્રતિમા ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મના એક બહુ જાણીતા દ્રશ્યને પ્રદર્શિત કરશે. એ દ્રશ્ય લંડનના આ હાર્દ વિસ્તારમાં જ ફિલ્માવાયું હતું. ફિલ્મમાં રાજ અને સિમરન, બંને બિન-નિવાસી ભારતીય પાત્રો હોય છે. જેઓ યુરોપમાં ફરવા ગયા હતા ત્યારે એકબીજાનાં પ્રેમમાં પડે છે. ફિલ્મનું શૂટિંગ ભારત, લંડન અને સ્વિટ્ઝરલેન્ડમાં કરવામાં આવ્યું હતું.

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મનું આ સિલ્વર જ્યુબિલી વર્ષ છે અને તે મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં હજી પણ બતાવવામાં આવી રહી છે.