વિકાસના કામો કે અવગણના?: ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું
અમદાવાદઃ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપતા ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. કેતન ઈનામદારે જણાવ્યું કે મારા વિકાસના કામો થઈ રહ્યા નથી અને એટલે જ હું રાજીનામું આપું છું. આ સાથે જ તેમણે સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ ઉપર સુધી રજૂઆતો કરી ચૂક્યા છે અને આમ છતા પણ મારા વિસ્તારમાં વિકાસના કાર્યો થયા નથી. આ ઉપરાંત તેમણે વહીવટી તંત્ર સામે પણ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
કેતન ઇનામદારે પોતાની અવગણના થઇ રહી હોવાની હૈયાવરાળ સાથે ઇમેઇલ મારફતે પોતાનું રાજીનામું પક્ષ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મોકલી આપ્યું છે. કેતન ઇનામદાર ઘણા સમયથી પક્ષ સામે અસંતોષ વ્યક્ત કરી ચુક્યા છે. સાંસદ રંજના બેન ભટ્ટ દ્વારા અગાઉ અનેક વખત તેમનાં મનામણા કરવામાં આવ્યા હતા. જો કે આખરે અસંતોષ અને અવગણનાને કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ટર્મથી ધારાસભ્ય કેતનભાઇ અગાઉ પણ પોતાની અવગણના થઇ રહી હોવાની રજુઆત પક્ષ અને સાંસદો સહિતનાં અનેક લોકો સમક્ષ કરી ચુક્યા છે.
કેતન ઇનામદારે પોતે લખેલા પત્રમાં વસવસો વ્યક્ત કરતા જણાવ્યું કે, હું જે જનતાનો પ્રતિનિધિ છું તેનાં જ કામો નથી થઇ રહ્યા. મારી વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ તેમની અવગણના થઇ રહી હોવાનું તેમણે રટણ કર્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ પણ તેમની અવગણનાં કરતા હોવાનો વસવસો ઠાલવ્યો હતો. હાલ તો તેમનાં રાજીનામાને પગલે સમગ્ર ભાજપ અને ગુજરાતનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે. તેમને મનાવવા માટે ભાજપનાં ઉચ્ચ કક્ષાનાં નેતાઓને તેમનાં સાવલી ખાતેનાં નિવાસ સ્થાને દોડાવવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક દિને ગુજરાતની આ વિરાસત વિશ્વ આખું નિહાળશે
નવી દિલહીઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી ‘રાણીની વાવ : જલ મંદિર’નો ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે. ગુજરાતના ગૌરવ સમી રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્યતા-સંસ્કૃતિ અને અદભૂત કળાના સમન્વય સમી રાણીની વાવ જળ સંચયની ગુજરાતની પરંપરાનું બેનમૂન ઉદાહરણ છે. ગુજરાતની આ ભવ્ય વિરાસતને રજૂ કરતો ટેબ્લો રાષ્ટ્રીય પરેડમાં સમગ્ર રાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દેશના જુદા-જુદા ૧૬ રાજ્યોના ટેબ્લો આ રાષ્ટ્રીય પરેડ માટે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ ૬ વિભાગોના ટેબ્લો પણ આ પરેડમાં રજૂ થશે.
ગુજરાતના પાટણ જિલ્લામાં ઐતિહાસિક સરસ્વતી નદીના સાનિધ્યમાં ૧૧મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ (પહેલા)ના સ્મરણાર્થે બનાવેલી સાત માળની આ વાવ ખરેખર તો શિલ્પ-સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ મંદિર જેવી ભવ્ય છે. વાવ અને જળાશયો ગુજરાતની જીવાદોરી રહ્યા છે, ત્યારે રાણીની વાવનું વર્ષોથી જલમંદિર તરીકે વિશેષ મહાત્મ્ય રહ્યું છે.
આ ટેબ્લોમાં રાણીની વાવની ભવ્યતાને કલાત્મક રીતે પ્રસ્તુત કરાશે. જળસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના અગ્ર ભાગમાં પાણી ભરેલાં માટલાં સાથેની ગ્રામીણ ગુજરાતણનું વિશાળ શિલ્પ મુકવામાં આવ્યું છે. રાણીની વાવમાં શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુનું શિલ્પ મુખ્ય છે. આ શિલ્પની પ્રતિકૃતિ પણ ટેબ્લોના અગ્ર ભાગને શોભાવશે.
પાટણ હાથશાળનાં પટોળા માટે પણ પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વને ગુજરાતની આ બેનમૂન હસ્તકળાનો પણ પરિચય થાય એ હેતુથી ટેબ્લોની બંને બાજુએ હાથવણાટના પટોળાની ભાત પાડવામાં આવી છે.
ટેબ્લોના ટ્રેલર પાર્ટમાં ભગવાન વિષ્ણુના દશાવતારની મુખ્ય થીમની સાથે-સાથે ભારતીય શાસ્ત્રીય પરંપરામાં સ્ત્રીના સોળ શણગાર દર્શાવતા શિલ્પોને કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે. ટેબ્લોની બન્ને તરફથી નાગરિકો આ સુંદર શિલ્પો નિહાળી શકશે. વાસ્તવિક રૂપે સાત માળની આ વાવના ત્રણ માળ પ્રતિકાત્મક રૂપે દર્શાવવામાં આવ્યા છે. જેને કળાત્મક સ્તંભો અને પગથિયાં સાથે પ્રસ્તુત કરાયા છે. વચ્ચે પાર્ટીશન દીવાલ પર બુદ્ધ અને દેવી-દેવતાની પ્રતિમા કંડારવામાં આવી છે. ટેબ્લોની પાછળના ભાગે ભગવાન વિષ્ણુના વામન અવતારની સુપ્રસિદ્ધ પ્રતિમાની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે. આમ રાણીની વાવનો આ ટેબ્લો પણ કળાનો બેનમૂન નમૂનો બની શક્યો છે.
ગુજરાત સરકારના રાણીની વાવના ટેબ્લો સાથે કુલ ૨૬ કલાકારો પણ ગુજરાતની કલા- સંસ્કૃતિને દિલ્હીના રાજમાર્ગ પર રજૂ કરશે. ટેબ્લોની ઉપર રાણીની વાવમાં વટેમાર્ગુને પાણી પીવડાવતી ગુજરાતી નાર, વાવમાં પાણી ભરવા જતા મા-દીકરી સહિત કુલ 10 કલાકારો હશે. અમદાવાદની પ્રકાશ હાયર-સેકન્ડરી સ્કૂલની પાંચ વર્ષની વિધાર્થીની કુ. આજ્ઞા સોની અને ૧૦ વર્ષની વિદ્યાર્થીની કુ. ધ્યાના સોની બાળ પનિહારી તરીકે પ્રસ્તુત થશે. સૌથી નાની વયની આ બંન્ને બાલિકાઓ સમગ્ર પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ૧૬ કલાકારો હાથમાં મટુકી લઈને ગુજરાતી ગરબો “હું તો પાટણ શે’રની નાર જાઉં જળ ભરવા, મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા….”ગાતાં ગાતાં રાણીની વાવના ટેબ્લો સાથે પરેડમાં જોડાશે.
લ્યો, કહે છે કે બંધારણમાં તો બજેટ જેવો શબ્દ જ નથી!!
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2020-21 રજૂ કરશે. આ તેમનું અને મોદી 2.0 નું બીજું બજેટ હશે. દેશના સામાન્ય લોકો, ઉદ્યોગપતિઓ અને વિશ્લેષકોને આ બજેટથી ખૂબ અપેક્ષાઓ છે. સીતારમણ એવા સમયે આ બજેટ રજૂ કરશે જ્યારે તાજેતરમાં જાહેર પહેલા અનુમાનો અનુસાર દેશનો જીડીપી ગ્રોથ ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ ટકા રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બજેટ શબ્દનો ઉલ્લેખ ભલે દરેક વ્યક્તિ કરે છે પરંતુ શું તમને ખ્યાલ છે કે ભારતના સંવિધાનમાં બજેટનો ઉલ્લેખ પણ નથી. ભારતીય સંવિધાનના આર્ટિકલ 112 માં ‘Annual Financial Statement’ એટલે વાર્ષિક નાણાકીય વિવરણનો ઉલ્લેખ છે. બજેટ શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના શબ્દ બુલ્ગા સાથે થયેલી છે. બુલ્ગાનો અર્થ થાય છે ચામડાનો થેલો.
આઝાદી બાદ દેશનું પ્રથમ કેન્દ્રીય બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ આરકે શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. 26 જાન્યુઆરી, 1950 ના રોજ ગણતંત્ર જાહેર કર્યા બાદ જોન મથાઈ 29 ફેબ્રુઆરી 1950 ના રોજ ભારતીય ગણરાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.
દેવગોડાની સરકારમાં નાણામંત્રી રહેલા પી.ચિદમ્બરમે નાણાકીય વર્ષ 1997-98 ના બજેટમાં ઈન્ડિવિડ્યુઅલ ઈનકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. આ સીવાય ઘણા પ્રકારના આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. એટલા માટે આ બજેટને આજે ડ્રીમ બજેટ નામથી ઓળખવામાં આવે છે.
દેશના પૂર્વ વડાપ્રધાન અને નાણામંત્રી મોરારજી દેસાઈએ સૌથી વધારે દસ વાર કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ આ મામલામાં બીજી અને પ્રણવ મુખર્જી ત્રીજા નંબર પર છે. ચિદમ્બરમે 9 વખત જ્યારે મુખર્જીએ 8 વખત સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે.
તત્કાલીન નાણામંત્રી યશવંતરાવ બી ચૌહાણ દ્વારા 1973-74 ના બજેટને બ્લેક બજેટ કહેવામાં આવે છે. ખૂબ મોટી ખોટ થવાના કારણે તેને બ્લેક બજેટ કહેવામાં આવે છે.
છેવટે રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને શરતી જામીન
અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને કોર્ટે જામીન આપ્યા છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહે તેવો કોર્ટે હાર્દિકને આદેશ આપ્યો છે. તો બીજી તરફ, હાર્દિકના વકીલે પણ કોર્ટને બાંહેધરી આપી છે કે બીજી વાર હાર્દિક દ્વારા આવી ભૂલ નહિ થાય.પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું હતું. હાઈકોર્ટની વારંવાર સૂચના હોવા છતાં વાંરવાર તેઓ કોર્ટમાં ગેરહાજર રહેતા હતાં એવું સેશન્સ કોર્ટનું અવલોકન હતું. આ ઉપરાંત કેસમાં હાજર રહેવામાંથી મુક્તિની હાર્દિકે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી. 18 જાન્યુઆરીના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ હતી.
વર્ષ 2016ના પાટીદાર અનામત આંદોલન સમયના મામલામાં હાર્દિકની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસ હાલ સેશન્સ કોર્ટમાં ચાલે છે. ત્યારે કોર્ટમાં વારંવાર હાજર ન રહેતા તેની ધરપડક કરવામાં આવી હતી. મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું.
ચંદ્રયાન-3 પર કામ શરુ: અંતરિક્ષ યાત્રીઓ તાલીમ માટે રશિયા જશે
બેંગ્લોરઃ ગગનયાન મિશન અને ચંદ્રયાન-3 મામલે ઈસરો ચીફ કે. સિવને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ચંદ્રયાન-3 પર કામ શરુ થઈ ગયું છે. ગગનયાન મિશનને લઈને ઈસરો ચીફે જણાવ્યું કે, 4 અંતરિક્ષયાત્રીઓની આના માટે પસંદગી કરવામાં આવી છે અને તેઓ આ મહિનાના અંત સુધીમાં ટ્રેનિંગ માટે રશિયા જશે. 1984 માં રાકેશ શર્મા, રશિયન મોડ્યૂલ દ્વારા ચંદ્ર પર ગયા હતા પરંતુ આ વખતે ભારતીય અંતરિક્ષ યાત્રીઓ ભારતથી ભારતીય મોડ્યુલમાં જશે. આ સીવાય ગગનયાન મિશનમાં અંતરિક્ષ યાત્રીઓની તબિયતની દેખરેખ માટે ભારતીય ફ્લાઈટ સર્જનોની પણ ટ્રેનિંગ શરુ થઈ ગઈ છે. આ પ્રક્રિયા ફ્રાંસમાં ચાલુ છે.
આ મહિનાની શરુઆતમાં સિવને જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 નું કન્ફિગ્યુરેશન ઘણા અંશે ચંદ્રયાન-2 જેવું જ છે, પરંતુ નવા મિશનમાં પ્રપલ્શન મોડ્યુલ સાથે રોવર હશે. ચંદ્રયાન-2 માં અમારી પાસે ઓર્બિટર, લેન્ડર અને રોવર કન્ફિગ્યુરેશન હતું. તેમણે આગળ જણાવ્યું કે ચંદ્રયાન-3 માટે ખર્ચ આશરે 250 કરોડ રુપિયા હશે.
ઈસરો ચીફે ગગનયાન મિશનને લઈને કહ્યું કે, આનાથી માત્ર મનુષ્યોને અંતરિક્ષમાં નથી મોકલવા ઈચ્છતા પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગના અવસર પેદા કરવા ઈચ્છીએ છીએ. આ મિશન એજન્સિઓ, ભારતીય વાયુસેના અને ઈસરો વચ્ચે સહયોગની મિસાલ છે. તેમણે આગળ કહ્યું કે, અમે ભવિષ્યમાં લોકોનું ભલુ કરવા માટે કામ કરવા ઈચ્છીએ છીએ. આના માટે અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સમજૂતી અને સહયોગ કરીશું.
‘ટોકિયો ઓલિમ્પિક્સમાં મીરાબાઈ વેઈટલિફ્ટિંગમાં મેડલ જીતી શકે છે’
ગુવાહાટી – વેઈટલિફ્ટિંગની રમતમાં પ્રથમ દ્રોણાચાર્ય એવોર્ડવિજેતા પાલસિંહ સંધુનું માનવું છે કે મીરાબાઈ ચાનુ આગામી ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાની ક્ષમતા ધરાવે છે.
ટોકિયો ગેમ્સ આ વર્ષના જુલાઈમાં શરૂ થવાની છે.
સંધુનું કહેવું છે કે ભારતમાં વેઈટલિફ્ટિંગ રમતનું ભવિષ્ય ઉજ્જવળ છે. આપણી પાસે મીરાબાઈ ચાનુ જેવી એથ્લીટ છે, જે વર્લ્ડ ચેમ્પિયન છે અને 2020ની ઓલિમ્પિક્સમાં એ ભારતને મેડલ અપાવે એવી મારી ધારણા છે.
સંધુએ ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’ના આયોજનની પ્રશંસા કરી છે. એમણે કહ્યું કે આ ખેલમહોત્સવથી ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતી શકે એવા એથ્લીટ્સ તૈયાર કરવાની તક મળી રહેશે.
સંધુએ કહ્યું કે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ જો 10 વર્ષ સુધી ચાલુ રહે તો આપણી પાસે આપણા ભાવિ ઓલિમ્પિક મેડલ્સ માટે એક સારું બેક-અપ તૈયાર કરી શકાય. આ ખેલમહોત્સવ દ્વારા ગામડાઓ અને શાળાઓમાં સંદેશા પહોંચ્યા છે કે બાળકોએ આ ગેમ્સમાં રમવું જોઈએ. આ ખૂબ સારી યોજના છે.
સંધુનું કહેવું છે કે ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સના બે-ત્રણ મહિના પહેલાં જો રાષ્ટ્રીય સ્તરે આંતર-શાળા ગેમ્સ યોજવામાં આવે તો વધારે ટેલેન્ટેડ એથ્લીટ્સ હાંસલ કરી શકાય.
ભૂતપૂર્વ વેઈટલિફ્ટર સંધુ પહેલી વાર 1960-61માં સ્પર્ધામાં ઉતર્યા હતા. બાદમાં એ દેશમાં ઘણી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેનેજર પદે પણ રહ્યા હતા.
સંધુ હાલ 79 વર્ષના છે.
સંધુએ 1960-61માં પહેલાં ભારતીય નૌકાદળની ટીમ વતી એક વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓ રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન પણ બન્યા હતા. બાદમાં પુરુષો અને મહિલાઓની ટીમોનાં કોચ પણ બન્યા હતા. ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી સ્પર્ધાઓના આયોજનમાં પણ સામેલ થયા હતા. પોતે કોમ્પીટિશન મેનેજર કે કોમ્પીટિશન ડાયરેક્ટર પદે પણ રહી ચૂક્યા હતા.
પ્રિન્સ હેરી અને મેગનઃ રાજમહેલના સુખચેન છોડી કેનેડામાં નવી શરૂઆત
નવી દિલ્હીઃ રાજકુમારી હેરી અને તેમની પત્ની મેગન મર્કેલે કેનેડામાં નવી રીતે જીવન શરુ કર્યું છે. આ સાથે જ સમુદ્ર કિનારા પર પોતાના ઘરની આસપાસના મેગનના ફોટોગ્રાફ્સ પબ્લિશ કરવાને લઈને મીડિયાને કાયદાકીય ચેતવણી પણ આપી છે. શાહી પરિવારની સક્રિયા સદસ્યતાથી અલગ થયા બાદ હેરી સોમવારના રોજ બ્રિટનથી રવાના થઈને વેંકૂવર દ્વિપ પર વિક્ટોરિયાની બહાર નિકળી ગયા. ડ્યૂક અને ડચેજ ઓફ સસેક્સે આ સ્થાનને પોતાનું સ્થાયી ઠેકાણું બનાવ્યું છે. બંન્ને પોતાના દિકરા આર્ચી સાથે ક્રિસમસ પર છ સપ્તાહ અહીંયા વિતાવી ચૂક્યા છે.
હેરી અને મેગને પોતાની આ યોજનાની જાહેરાતથી આખા દેશને ચોંકાવ્યો હતો કે તેઓ બ્રિટન અને ઉત્તરી અમેરિકા વચ્ચે પોતાનો સમય વિતાવવા માટે પોતાને શાહી ભૂમિકાથી અલગ કરી રહ્યા છે. એક અભૂતપૂર્વ નિવેદન જાહેર કરીને દંપતીએ પોતાની વર્તમાન ભૂમિકાથી પાછા હટવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના આઠ મહિનાના દીકરા આર્ચી સાથે બ્રિટન અને ઉત્તરી અમેરિકામાં સમય વિતાવવા માટે આ પગલું ભરી રહ્યા છે. હેરીએ મે 2018 માં અમેરિકી અભિનેત્રી મેગન મર્કેલ સાથે લગ્ન કર્યા હતા અને મે 2018 માં આર્ચીનો જન્મ થયો હતો.
વર્ષ 2019 બન્ને માટે મુશ્કેલીઓથી ભરેલું રહ્યું હતું. તે સમયે બન્નેએ એક ટેલીવિઝન ડોક્યુમેન્ટ્રીમાં પોતાની ભૂમિકાઓ અંગે મીડિયા રિપોર્ટસ પર નારાજગી વ્યક્ત કરી હતી અને બ્રિટિશ ટેબલોઇડ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા બે વર્ષથી બંન્ને ડચેજ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટનના જન્મદિવસ સમારોહોમાં પણ શામિલ નહોતા થયા. આનાથી એ અફવાઓને હવા મળી કે શાહી પરિવારમાં રાજકુમાર વિલિયમ અને રાજકુમાર હેરી એટલે કે બન્ને ભાઈઓ વચ્ચે અણબનાવ છે.
મહારાષ્ટ્રમાં ‘તાન્હાજી’ ફિલ્મ ટેક્સ ફ્રી કરાઈ
મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે અજય દેવગન અભિનીત ઐતિહાસિક સમય પર આધારિત હિ્નદી ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત જાહેર કરી દીધી છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યો આ ફિલ્મને કરમુક્ત કરી ચૂક્યા છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતાઓએ ‘તાન્હાજી’ ફિલ્મને કરમુક્ત કરવાની માગણી કરતા પત્રો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે.
અગાઉ ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમમાં એમ કહ્યું હતું કે પોતે એમના સાથી પ્રધાનોની સાથે ‘તાન્હાજી’ ફિલ્મ જોશે.
ફિલ્મમાં અજય દેવગને મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેનું પાત્ર ભજવ્યું છે. તાનાજી છત્રપતિ શિવાજી મહારાજના લશ્કરના સેનાપતિ હતા અંગ્રેજો સામે બહાદુરીપૂર્વક લડ્યા હતા.
ફિલ્મમાં કાજોલે તાનાજીના પત્ની સાવિત્રીબાઈનો રોલ કર્યો છે.
સૈફ અલી ખાને નેગેટિવ ભૂમિકા કરી છે. એ રાજપૂત સેનાપતિ ઉદય ભાન બન્યો છે મોગલ બાદશાહ ઔરંગઝેબ માટે કામ કરતો હતો.
ફિલ્મને અજય દેવગનની એડીએફ અને ભૂષણકુમારની ટી-સિરીઝ કંપનીઓએ સાથે મળીને બનાવી છે. ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત છે.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સપાટો બોલાવી દીધો છે અને અત્યાર સુધીમાં રૂ. 180 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.
મુંબઈના અમુક વિસ્તારોમાં હોટલ્સ, મોલ્સ ચોવીસ કલાક ખુલ્લા રહેશે
મુંબઈ – મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ આજે જાહેરાત કરી છે કે મુંબઈ શહેરના કેટલાક વિસ્તારોમાં 27 જાન્યુઆરીથી શોપિંગ મોલ્સ, દુકાનો તથા હોટલ્સ ચોવીસ કલાક ખુલ્લી રાખવાના પ્રસ્તાવને રાજ્ય પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે.
અહીં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ અને નરીમાન પોઈન્ટ જેવા બિન-રહેણાંક વિસ્તારોમાં 27 જાન્યુઆરીથી મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ, દુકાનો તથા હોટલ્સ ચોવીસ કલાક ખુલ્લી રાખી શકાશે.
ઠાકરેએ તે છતાં ઉમેર્યું કે આ સંબંધમાં સરકાર કોઈની ઉપર નિર્ણય લાદશે નહીં. મતલબ કે કોઈને પણ એમની હોટલ્સ કે મોલ્સ ચોવીસ કલાક ખુલ્લાં રાખવાનું દબાણ કરસે નહીં. એ નિર્ણય માલિકોએ પોતે જ લેવાનો રહેશે.
શિવસેનાનાં વરલી વિસ્તારના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે મુંબઈ શહેર લંડન જેવું ઈન્ટરનેશનલ શહેર છે તેથી શહેરમાં કેટલીક દુકાનો અને મોલ્સ ચોવીસ કલાક ખુલ્લાં રહે એ મહત્ત્વનું છે. એનાથી મુંબઈની આવક વધશે અને રોજગારની નવી તકોનું પણ નિર્માણ થશે.
આદિત્ય ઠાકરેએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે કેબિનેટના આ નિર્ણયથી મુંબઈ પોલીસ પર કોઈ દબાણ નહીં વધે, કારણ કે સરકારે કોઈ પબ્સ કે બીયર બારને ચોવીસ કલાક ખુલ્લા રાખવાની પરવાનગી આપી નથી. પબ્સ અને બાર્સ માટેની સમય મર્યાદા રાતે 1.30 વાગ્યા સુધીની જે સેટ કરી દેવામાં આવી છે તે યથાવત્ છે. વળી, સરકાર એક્સાઈઝ ડ્યૂટીને લગતા કાયદામાં પણ કોઈ ફેરફાર કરવાની નથી.