લ્યો, કહે છે કે બંધારણમાં તો બજેટ જેવો શબ્દ જ નથી!!

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2020-21 રજૂ કરશે. આ તેમનું અને મોદી 2.0 નું બીજું બજેટ હશે. દેશના સામાન્ય લોકો, ઉદ્યોગપતિઓ અને વિશ્લેષકોને આ બજેટથી ખૂબ અપેક્ષાઓ છે. સીતારમણ એવા સમયે આ બજેટ રજૂ કરશે જ્યારે તાજેતરમાં જાહેર પહેલા અનુમાનો અનુસાર દેશનો જીડીપી ગ્રોથ ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ ટકા રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બજેટ શબ્દનો ઉલ્લેખ ભલે દરેક વ્યક્તિ કરે છે પરંતુ શું તમને ખ્યાલ છે કે ભારતના સંવિધાનમાં બજેટનો ઉલ્લેખ પણ નથી. ભારતીય સંવિધાનના આર્ટિકલ 112 માં ‘Annual Financial Statement’ એટલે વાર્ષિક નાણાકીય વિવરણનો ઉલ્લેખ છે. બજેટ શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના શબ્દ બુલ્ગા સાથે થયેલી છે. બુલ્ગાનો અર્થ થાય છે ચામડાનો થેલો.

આઝાદી બાદ દેશનું પ્રથમ કેન્દ્રીય બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ આરકે શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. 26 જાન્યુઆરી, 1950 ના રોજ ગણતંત્ર જાહેર કર્યા બાદ જોન મથાઈ 29 ફેબ્રુઆરી 1950 ના રોજ ભારતીય ગણરાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.

દેવગોડાની સરકારમાં નાણામંત્રી રહેલા પી.ચિદમ્બરમે નાણાકીય વર્ષ 1997-98 ના બજેટમાં ઈન્ડિવિડ્યુઅલ ઈનકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. આ સીવાય ઘણા પ્રકારના આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. એટલા માટે આ બજેટને આજે ડ્રીમ બજેટ નામથી ઓળખવામાં આવે છે.

દેશના પૂર્વ વડાપ્રધાન અને નાણામંત્રી મોરારજી દેસાઈએ સૌથી વધારે દસ વાર કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ આ મામલામાં બીજી અને પ્રણવ મુખર્જી ત્રીજા નંબર પર છે. ચિદમ્બરમે 9 વખત જ્યારે મુખર્જીએ 8 વખત સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે.

તત્કાલીન નાણામંત્રી યશવંતરાવ બી ચૌહાણ દ્વારા 1973-74 ના બજેટને બ્લેક બજેટ કહેવામાં આવે છે. ખૂબ મોટી ખોટ થવાના કારણે તેને બ્લેક બજેટ કહેવામાં આવે છે.