મુંબઈના અમુક વિસ્તારોમાં હોટલ્સ, મોલ્સ ચોવીસ કલાક ખુલ્લા રહેશે

મુંબઈ – મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ આજે જાહેરાત કરી છે કે મુંબઈ શહેરના કેટલાક વિસ્તારોમાં 27 જાન્યુઆરીથી શોપિંગ મોલ્સ, દુકાનો તથા હોટલ્સ ચોવીસ કલાક ખુલ્લી રાખવાના પ્રસ્તાવને રાજ્ય પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે.

અહીં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ અને નરીમાન પોઈન્ટ જેવા બિન-રહેણાંક વિસ્તારોમાં 27 જાન્યુઆરીથી મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ, દુકાનો તથા હોટલ્સ ચોવીસ કલાક ખુલ્લી રાખી શકાશે.

ઠાકરેએ તે છતાં ઉમેર્યું કે આ સંબંધમાં સરકાર કોઈની ઉપર નિર્ણય લાદશે નહીં. મતલબ કે કોઈને પણ એમની હોટલ્સ કે મોલ્સ ચોવીસ કલાક ખુલ્લાં રાખવાનું દબાણ કરસે નહીં. એ નિર્ણય માલિકોએ પોતે જ લેવાનો રહેશે.

શિવસેનાનાં વરલી વિસ્તારના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે મુંબઈ શહેર લંડન જેવું ઈન્ટરનેશનલ શહેર છે તેથી શહેરમાં કેટલીક દુકાનો અને મોલ્સ ચોવીસ કલાક ખુલ્લાં રહે એ મહત્ત્વનું છે. એનાથી મુંબઈની આવક વધશે અને રોજગારની નવી તકોનું પણ નિર્માણ થશે.

આદિત્ય ઠાકરેએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે કેબિનેટના આ નિર્ણયથી મુંબઈ પોલીસ પર કોઈ દબાણ નહીં વધે, કારણ કે સરકારે કોઈ પબ્સ કે બીયર બારને ચોવીસ કલાક ખુલ્લા રાખવાની પરવાનગી આપી નથી. પબ્સ અને બાર્સ માટેની સમય મર્યાદા રાતે 1.30 વાગ્યા સુધીની જે સેટ કરી દેવામાં આવી છે તે યથાવત્ છે. વળી, સરકાર એક્સાઈઝ ડ્યૂટીને લગતા કાયદામાં પણ કોઈ ફેરફાર કરવાની નથી.