વોશિંગ્ટનઃ અમેરિકામાં હાલમાં જ યોજાઈ ગયેલી પ્રમુખપદની ચૂંટણીના મતદાનમાં છેતરપીંડી કરાઈ હોવાના દાવાઓ અને આક્ષેપોને ઈલેક્ટ્રોનિક મશીનો દ્વારા મતદાનની સેવા પૂરી પાડનાર કંપનીએ રદિયો આપ્યો છે. અમેરિકામાં ચૂંટણીઓ વખતે મોટે ભાગે જેના બનાવેલા વોટિંગ મશીનોનો ઉપયોગ કરાય છે તે કંપની ડોમિનિયન દ્વારા જણાવાયું છે કે ગઈ 3 નવેમ્બરની પ્રમુખપદની ચૂંટણી દરમિયાન અમારી મતદાન પદ્ધતિમાં સોફ્ટવેરને લગતી સમસ્યા ઊભી થઈ હોવાના કે એક ઉમેદવારના મતો બીજા ઉમેદવારના નામે આપી દેવાયા હોવાના આક્ષેપો ખોટા છે.
ડોમિનિયન કંપનીનું મુખ્યાલય કોલોરાડો જિલ્લાના ડેન્વરમાં છે. ષડયંત્રની થિયરી પર અભ્યાસ કરતા ગ્રુપ ક્યૂએનન દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે ડોમિનિયનના વોટિંગ મશીનો સાથે ચેડાં કરવામાં આવ્યા છે. જેને કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અપાયેલા લાખો મતને ડિલીટ કરી દેવાયા છે અથવા એમના ડેમોક્રેટિક પાર્ટીના હરીફ જૉ બાઈડનના નામે કરી દેવામાં આવ્યા છે.
પ્રમુખપદની ચૂંટણી યોજાઈ તેની પહેલાં જ ટ્રમ્પે ડોમિનિયન વોટિંગ મશીનો-સિસ્ટમને ટાર્ગેટ બનાવ્યા હતા. ચૂંટણીમાં બાઈડને જીતનો દાવો કર્યો છે. પ્રમુખ ટ્રમ્પે હજી સુધી હારનો સ્વીકાર કર્યો નથી તેથી ડોમિનિયન કંપની પરથી મુસીબતના વાદળ હજી સંપૂર્ણપણે દૂર થયા નથી.
પુણેઃ મહારાષ્ટ્રમાં તાજેતરમાં તહેવારોની મોસમ દરમિયાન લોકોના મોટા ટોળા જોવા મળ્યા હોવાને કારણે રાજ્યમાં કોરોના વાઈરસ સંબંધિત લોકડાઉન આગામી દિવસોમાં લાગુ થવાનો સંકેત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આજે આપ્યો છે. એમણે કહ્યું કે દિવાળી અને ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન મોટા ટોળા જોવા મળ્યા હતા. હવે એવી આગાહી કરાઈ છે કે કોવિડ-19ની બીજી લહેર આવી શકે છે. અમે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. અમે આગામી 8-10 દિવસોમાં પરિસ્થિતિની સમીક્ષા કરીને લોકડાઉન વિશેનો નિર્ણય લઈશું. મહારાષ્ટ્રમાં ગઈ કાલે શનિવારે કોવિડ-19ના નવા 5,760 કેસ નોંધાયા હતા અને એ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 17.74 લાખ થઈ છે.
પવારે આ સંકેત આજે પુણેમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આપ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોરોનાના કેસો વધી ગયા બાદ ત્યાંથી મહારાષ્ટ્રમાં આવતી અને અહીંથી દિલ્હી તરફની ટ્રેન તથા વિમાન સેવાઓને સસ્પેન્ડ કરવા પણ રાજ્ય સરકાર વિચારી રહી હોવાના અહેવાલો વચ્ચે પવારે ઉપર મુજબ નિવેદન કર્યું છે.
મુંબઈમાં કોરોનાના કેસો વધી જતાં મહાનગરપાલિકાએ શાળાઓમાં 9-12 ધોરણો અને જુનિયર કોલેજના વર્ગોને 31 ડિસેમ્બર સુધી બંધ જ રાખવાનો નિર્ણય લીધો છે. મુંબઈ શહેરમાં કોરોનાના નવા 1,093 કેસ નોંધાયા હતા. એ સાથે જ કુલ કેસોની સંખ્યા 2,74,579 પર પહોંચી છે. નવા 17 મરણ સાથે કુલ મરણાંક વધીને 10,656 થયો છે.
મુંબઈઃ દુનિયાભરમાં પોતાના બે અબજથી વધારે યુઝર્સ માટે ‘ડિસઅપીયરિંગ મેસેજીસ’ સુવિધા લાગુ કરવાની વોટ્સએપે જે જાહેરાત કરી હતી તે હવે સત્તાવાર છે અને તે આ જ મહિનાથી યુઝર્સને લાગુ થઈ છે. આ ફીચર અનુસાર યુઝર્સના ફોન કે લેપટોપ કે ડેસ્કટોપ વર્ઝનના વોટ્સએપમાંથી સાત દિવસ પછી તમામ મેસેજીસ આપોઆપ ડિલીટ થઈ જશે. જોકે ડિવાઈસમાં ડાઉનલોડ કરેલી ફાઈલ્સ-સામગ્રી સેવ થયેલી રહેશે. આ સુવિધાને કારણે પ્રત્યેક ચેટમાં પ્રત્યેક મેસેજને જાતે ડિલીટ કરવા પાછળ ખર્ચાતો સમય ઘણો બચી જશે.
મેસેજિસ, તસવીરો, વિડિયો, ડોક્યુમેન્ટ સહિતની સામગ્રી સાત દિવસ પછી આપોઆપ ડિલીટ થાય એ પહેલાં યુઝર્સે પોતાની રીતે એને સેવ કરી લેવાની રહેશે. આ ફીચર એન્ડ્રોઈડ, આઈઓએસ અને લાઈનક્સ-બેઝ્ડ કેઈઓએસ ડિવાઈસીઝ સહિત તમામ વોટ્સએફ-સપોર્ટેડ ડિવાઈસીઝ પર આ ઉપલબ્ધ છે.
ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપમાં વ્યક્તિગત તેમજ ગ્રુપ ચેટ્સ માટે આ નવું ફીચર ઉપલબ્ધ છે. ગ્રુપ ચેટ્સમાં ગ્રુપ એડમિન્સે આ ફીચરને એનેબલ કરવાનું રહેશે. એ સાથે જ મેસેજીસ સાત દિવસ બાદ ડિલીટ થતા રહેશે. જે મેસેજને જાળવવો હોય એનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા મેસેજને કોપી કરી લેવા. અથવા તમે ઓટો-ડાઉનલોડને ટર્ન-ઓન કરીને પણ ફોટા કે અન્ય સામગ્રીને સેવ કરી શકો છો. તમે WhatsApp Settings > Data and Storage Usage માં જઈને ઓટો-ડાઉનલોડને ઓફ્ફ પણ કરી શકો છો. આ નવા ફીચરને પગલે યુઝર્સના આ પહેલાના મેળવેલા કે મોકલેલા મેસેજીસને કોઈ અસર નહીં થાય.
ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ગર્ભાવસ્થાના અત્યંત પ્રગતિશીલ તબક્કામાં છે. તે હાલમાં જ મુંબઈ પાછી ફરી હતી અને અમુક કમર્શિયલ બ્રાન્ડ સાથે કરેલા કરાર અનુસાર એણે તેની જાહેરખબરના શૂટિંગમાં ભાગ લીધો હતો. તે મુંબઈમાં અનેક સ્ટુડિયોમાં સાત દિવસ માટે શૂટિંગ કરવાની છે. 21 નવેમ્બર, શનિવારની પોતાની તે પ્રવૃત્તિની અમુક તસવીરો એણે પોતાનાં સોશિયલ મિડિયા પર શેર કરી છે. તે અત્યંત તંદુરસ્ત અને આનંદી દેખાય છે. સેટ ઉપર પણ તે આનંદથી વાતો કરતી હતી એવું નિકટનાં સૂત્રોએ કહ્યું છે. અનુષ્કાને આવતા જાન્યુઆરીમાં બાળક અવતરે એવી ધારણા છે. તે અને વિરાટ આઈપીએલ સ્પર્ધા માટે દુબઈમાં હતાં. અનુષ્કા મુંબઈ પાછી ફરી છે જ્યારે કોહલી ઓસ્ટ્રેલિયા ગયો છે. ત્યાં વન-ડે અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ તથા પહેલી ટેસ્ટ મેચ રમ્યા બાદ એ પિતૃત્ત્વ રજા (પેટરનિટી લીવ) પર મુંબઈ પાછો ફરશે.
શૂટિંગ માટે ગર્ભવતી અનુષ્કા માટે સુરક્ષાને લગતા તમામ બંદોબસ્ત કરવાની નિર્માતાઓએ ખાતરી આપી છે.
મુંબઈઃ જાણીતાં ટેલિવિઝન સિરીયલ અભિનેત્રી લીના આચાર્યનું કિડની ખરાબ થઈ જવાને કારણે ગઈ કાલે દિલ્હીમાં અવસાન નિપજ્યા બાદ ટીવી કલાકારો અને કસબીઓમાં શોકની લાગણી ફરી વળી છે. ‘સેઠજી’, ‘આપકે આજાને સે’, ‘મેરી હાનિકારક બીવી’ જેવી ટીવી સિરિયલો અને રાની મુખર્જી અભિનીત ‘હિચકી’ ફિલ્મમાં અભિનય કરનાર લીનાને એમનાં માતાએ પોતાની કિડનીનું દાન આપ્યા બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કર્યું તે છતાં અભિનેત્રી બચી શક્યાં નહીં. લીનાને લગભગ દોઢ વર્ષથી કિડનીની બીમારી હતી. તે એમની ત્રીસીની વયમાં હતાં.
રોહન મેહરા, વર્શિપ ખન્ના, અભિષેક ગૌતમ, અભિષેક ભાલેરાવ જેવા કલાકારોએ પોતપોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર લીના આચાર્યને શ્રદ્ધાંજલિ આપતા લખાણો પોસ્ટ કર્યા છે.
અભિનેતા રોહન મેહરાએ 2019માં ‘ક્લાસ ઓફ 2020’માં લીના સાથે અભિનય કર્યો હતો. એની યાદ તાજી કરતી એક તસવીર એણે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે. એવી જ રીતે, અભિષેક ભાલેરાવે લીના સાથે પોતે વોટ્સએપ પર કરેલી ચેટનો સ્ક્રીનશોટ પણ દર્શાવ્યો છે.
My last conversation with Leena Acharya…..May your soul Rest in Power @leenaacharya2 An amazing actress a hustler, one who would apply and go regularly to every audition I would share with her. A beautiful soul. #RIPLeenaAcharya#Actresspic.twitter.com/WIRTxkGKEm
ઈન્દોરઃ કોરોના વાઈરસના કેસ વધી ગયા હોવાને કારણે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરામાં શહેરોમાં પણ શનિવારથી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂ લાગી કરી દેવામાં આવ્યો છે. નવો આદેશ ન મળે ત્યાં સુધી રાત્રી-કર્ફ્યૂ અમલમાં રહેશે. ગુજરાતને પગલે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સરકારોએ પણ આવી જાહેરાત કરી છે. ત્યાં શનિવાર રાતથી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. રાજસ્થાનમાં જયપુર સહિત આઠ જિલ્લા મથકોમાં રાતના 8થી સવારે 6 વાગ્યા સુધી રાતનો કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર તેની મંજૂરી વગર રાજ્ય સરકારો આખા રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી શકે નહીં.
આવો જ નિર્ણય મધ્ય પ્રદેશ સરકારે પણ લીધો છે. તેણે ભોપાલ, રતલામ, વિદિશા, ઈન્દોર, ગ્વાલિયર – એમ પાંચ જિલ્લામાં રાત્રી-કર્ફ્યૂ લાગુ કર્યો છે. ગયા શુક્રવારે મધ્ય પ્રદેશમાં કોરોનાના નવા 1,500 કેસ નોંધાતા સરકારે આ નિર્ણય લીધો છે. એક જ દિવસમાં કોરોનાના નોંધાયેલા કેસોનો છેલ્લા 40 દિવસોમાં આ સૌથી મોટો આંકડો છે. સરકારે 8મા ધોરણ સુધી તમામ શાળાઓને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો પણ નિર્ણય લીધો છે. આવશ્યક સેવાઓમાં સામેલ લોકોને, માલસામાનના પરિવહન તેમજ કારખાનાઓમાં નાઈટ-શિફ્ટ કરતા લોકોને આ રાત્રી-કર્ફ્યૂ નિયમ લાગુ નહીં પડે. લોકોએ માસ્ક પહેરવા, સેનિટાઈઝરના ઉપયોગ સહિતની કોવિડ-19 માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.
રાજસ્થાનમાં, જયપુર, જોધપુર, કોટા, બિકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભિલવાડા જિલ્લાઓમાં રાતે 8થી સવારે 6 વાગ્યા સુધીનો રાતનો કર્ફ્યૂ લાગુ કર્યો છે. આ શહેરી વિસ્તારોમાં બજારો, દુકાનો, રેસ્ટોરન્ટ્સ, શોપિંગ મોલ્સ સાંજે સાત વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. માસ્ક નહીં પહેરનારને રૂ. 500નો દંડ કરાશે.
હિન્દી ફિલ્મોના ટોચના નૃત્ય સંયોજક-કોરિયોગ્રાફર સરોજ ખાનને ઇન્ડસ્ટ્રીમાં એમના ચાહકો માનથી ‘માસ્ટરજી’ કહેતા. નૃત્ય સંયોજનની કલાને પોતાના કામથી ગૌરવભર્યું સ્થાન અપાવવા માટે સરોજ ખાનને હંમેશા યાદ કરાશે. નૃત્ય સંયોજન માટે એમને ત્રણ રાષ્ટ્રીય અને આઠ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતા. ફિલ્મ તેજાબના ‘એક દો તીન’ ગીતના નૃત્ય સંયોજનની લોકપ્રિયતાને કારણે જ નૃત્ય સંયોજનનો ફિલ્મફેર એવોર્ડ શરુ થયો હતો અને એના પહેલા ત્રણ એવોર્ડ મેળવવાનો વિક્રમ પણ એમના નામે છે.
૨૨ નવેમ્બર, ૧૯૪૮ના રોજ મુંબઈમાં ખત્રી-શિખ પરિવારમાં જન્મેલા નિર્મલા નાગપાલના માતા-પિતા દેશના ભાગલા વખતે મુંબઈ આવીને વસ્યા હતા. પચાસના દાયકાની અનેક ફિલ્મોમાં સરોજ ખાન બેક ગ્રાઉન્ડ ડાન્સર હતા.
૧૯૭૫માં બિઝનેસમેન સરદાર રોશન ખાનને પરણીને નિર્મલા નાગપાલ પછી સરોજ ખાન બન્યા. વર્ષો સુધી ખૂબ સંઘર્ષ કર્યા પછી ‘મિ. ઇન્ડિયા’ (૧૯૮૭)ના શ્રીદેવીના ‘હવા હવાઈ થી એમને સફળતા મળી. પછી ‘નગીના’ અને ‘ચાંદની’ આવી. એ પછી માધુરી દીક્ષિતના ‘તેજાબ’ (૧૯૮૮)ના ‘એક દો તીન’, ‘થાનેદાર’ના ‘તમ્મા તમ્મા લોગે’ અને ‘બેટા’ના ‘ધક ધક કરને લગા’થી સરોજ ખાન સફળતાની ટોચે પહોંચ્યા. બોલીવૂડના સૌથી સફળ નૃત્ય સંયોજક બની રહ્યા.
ટેલિવિઝન પર રજૂ થતા નૃત્યના રિયાલીટી શોમાં પણ એ જજ તરીકે છવાયેલા રહ્યા. ૨૦૧૨માં ફિલ્મ્સ ડિવિઝને નિધિ તુલીના નિર્દેશનમાં ‘ધ સરોજ ખાન સ્ટોરી’ રૂપે એમના પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.
૩ જુલાઈ, ૨૦૨૦ ના રોજ હૃદય રોગના હુમલાને કારણે 71 વર્ષની વયે એમનું નિધન થયું.
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવુ, વાર્તાલાપમા ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામા ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.
આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનુ આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમા તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવુ બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામા ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સાંભળવા મળી શકે કે લાભની વાત થઈ શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવુ જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવુ, કામકાજમા મહેનત કરતા ઓછુફળ મળે, જીવનસાથી સાથે ખોટીવાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમા થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમા થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમા કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમા તમને સમયનોવ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમા તમને કોઇ મદદ કરતા મળે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટીલોકોથી દુર રહેવાની જરૂર છે, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.
આજનો દિવસ સરસ છે અને તેમા પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમા કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુભક્તિમા સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમા ઉત્સાહ સારો રહે, પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યાકામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમા વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમા કામ કરનારવર્ગમા નવીનતા જોવા મળે, તમે જુનાકામમા અટવાવતો તેમા જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામા બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમા તમારી ગણતરીમુજબ કામ થાય તેવુ બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમા રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામા ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.