અનેક હીરોઇનને નચાવનાર સરોજ ખાન

હિન્દી ફિલ્મોના ટોચના નૃત્ય સંયોજક-કોરિયોગ્રાફર સરોજ ખાનને ઇન્ડસ્ટ્રીમાં એમના ચાહકો માનથી ‘માસ્ટરજી’ કહેતા. નૃત્ય સંયોજનની કલાને પોતાના કામથી ગૌરવભર્યું સ્થાન અપાવવા માટે સરોજ ખાનને હંમેશા યાદ કરાશે. નૃત્ય સંયોજન માટે એમને ત્રણ રાષ્ટ્રીય અને આઠ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતા. ફિલ્મ તેજાબના ‘એક દો તીન’ ગીતના નૃત્ય સંયોજનની લોકપ્રિયતાને કારણે જ નૃત્ય સંયોજનનો ફિલ્મફેર એવોર્ડ શરુ થયો હતો અને એના પહેલા ત્રણ એવોર્ડ મેળવવાનો વિક્રમ પણ એમના નામે છે.

૨૨ નવેમ્બર, ૧૯૪૮ના રોજ મુંબઈમાં ખત્રી-શિખ પરિવારમાં જન્મેલા નિર્મલા નાગપાલના માતા-પિતા દેશના ભાગલા વખતે મુંબઈ આવીને વસ્યા હતા. પચાસના દાયકાની અનેક ફિલ્મોમાં સરોજ ખાન બેક ગ્રાઉન્ડ ડાન્સર હતા.

૧૯૭૫માં બિઝનેસમેન સરદાર રોશન ખાનને પરણીને નિર્મલા નાગપાલ પછી સરોજ ખાન બન્યા. વર્ષો સુધી ખૂબ સંઘર્ષ કર્યા પછી ‘મિ. ઇન્ડિયા’ (૧૯૮૭)ના શ્રીદેવીના ‘હવા હવાઈ થી એમને સફળતા મળી. પછી ‘નગીના’ અને ‘ચાંદની’ આવી. એ પછી માધુરી દીક્ષિતના ‘તેજાબ’ (૧૯૮૮)ના ‘એક દો તીન’, ‘થાનેદાર’ના ‘તમ્મા તમ્મા લોગે’ અને ‘બેટા’ના ‘ધક ધક કરને લગા’થી સરોજ ખાન સફળતાની ટોચે પહોંચ્યા. બોલીવૂડના સૌથી સફળ નૃત્ય સંયોજક બની રહ્યા.

ટેલિવિઝન પર રજૂ થતા નૃત્યના રિયાલીટી શોમાં પણ એ જજ તરીકે છવાયેલા રહ્યા. ૨૦૧૨માં ફિલ્મ્સ ડિવિઝને નિધિ તુલીના નિર્દેશનમાં ‘ધ સરોજ ખાન સ્ટોરી’ રૂપે એમના પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.

૩ જુલાઈ, ૨૦૨૦ ના રોજ હૃદય રોગના હુમલાને કારણે 71 વર્ષની વયે એમનું નિધન થયું.

(નરેશ કાપડીઆ-સુરત)