વોટ્સએપમાં નવી સુવિધાઃ ‘ડિસઅપીયરિંગ મેસેજીસ’ ફીચર

મુંબઈઃ દુનિયાભરમાં પોતાના બે અબજથી વધારે યુઝર્સ માટે ‘ડિસઅપીયરિંગ મેસેજીસ’ સુવિધા લાગુ કરવાની વોટ્સએપે જે જાહેરાત કરી હતી તે હવે સત્તાવાર છે અને તે આ જ મહિનાથી યુઝર્સને લાગુ થઈ છે. આ ફીચર અનુસાર યુઝર્સના ફોન કે લેપટોપ કે ડેસ્કટોપ વર્ઝનના વોટ્સએપમાંથી સાત દિવસ પછી તમામ મેસેજીસ આપોઆપ ડિલીટ થઈ જશે. જોકે ડિવાઈસમાં ડાઉનલોડ કરેલી ફાઈલ્સ-સામગ્રી સેવ થયેલી રહેશે. આ સુવિધાને કારણે પ્રત્યેક ચેટમાં પ્રત્યેક મેસેજને જાતે ડિલીટ કરવા પાછળ ખર્ચાતો સમય ઘણો બચી જશે.

મેસેજિસ, તસવીરો, વિડિયો, ડોક્યુમેન્ટ સહિતની સામગ્રી સાત દિવસ પછી આપોઆપ ડિલીટ થાય એ પહેલાં યુઝર્સે પોતાની રીતે એને સેવ કરી લેવાની રહેશે. આ ફીચર એન્ડ્રોઈડ, આઈઓએસ અને લાઈનક્સ-બેઝ્ડ કેઈઓએસ ડિવાઈસીઝ સહિત તમામ વોટ્સએફ-સપોર્ટેડ ડિવાઈસીઝ પર આ ઉપલબ્ધ છે.

ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપમાં વ્યક્તિગત તેમજ ગ્રુપ ચેટ્સ માટે આ નવું ફીચર ઉપલબ્ધ છે. ગ્રુપ ચેટ્સમાં ગ્રુપ એડમિન્સે આ ફીચરને એનેબલ કરવાનું રહેશે. એ સાથે જ મેસેજીસ સાત દિવસ બાદ ડિલીટ થતા રહેશે. જે મેસેજને જાળવવો હોય એનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા મેસેજને કોપી કરી લેવા. અથવા તમે ઓટો-ડાઉનલોડને ટર્ન-ઓન કરીને પણ ફોટા કે અન્ય સામગ્રીને સેવ કરી શકો છો. તમે WhatsApp Settings > Data and Storage Usage માં જઈને ઓટો-ડાઉનલોડને ઓફ્ફ પણ કરી શકો છો. આ નવા ફીચરને પગલે યુઝર્સના આ પહેલાના મેળવેલા કે મોકલેલા મેસેજીસને કોઈ અસર નહીં થાય.