હવે મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં પણ રાત્રિ-કર્ફ્યૂ

ઈન્દોરઃ કોરોના વાઈરસના કેસ વધી ગયા હોવાને કારણે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરામાં શહેરોમાં પણ શનિવારથી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂ લાગી કરી દેવામાં આવ્યો છે. નવો આદેશ ન મળે ત્યાં સુધી રાત્રી-કર્ફ્યૂ અમલમાં રહેશે. ગુજરાતને પગલે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સરકારોએ પણ આવી જાહેરાત કરી છે. ત્યાં શનિવાર રાતથી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. રાજસ્થાનમાં જયપુર સહિત આઠ જિલ્લા મથકોમાં રાતના 8થી સવારે 6 વાગ્યા સુધી રાતનો કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર તેની મંજૂરી વગર રાજ્ય સરકારો આખા રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી શકે નહીં.

આવો જ નિર્ણય મધ્ય પ્રદેશ સરકારે પણ લીધો છે. તેણે ભોપાલ, રતલામ, વિદિશા, ઈન્દોર, ગ્વાલિયર – એમ પાંચ જિલ્લામાં રાત્રી-કર્ફ્યૂ લાગુ કર્યો છે. ગયા શુક્રવારે મધ્ય પ્રદેશમાં કોરોનાના નવા 1,500 કેસ નોંધાતા સરકારે આ નિર્ણય લીધો છે. એક જ દિવસમાં કોરોનાના નોંધાયેલા કેસોનો છેલ્લા 40 દિવસોમાં આ સૌથી મોટો આંકડો છે. સરકારે 8મા ધોરણ સુધી તમામ શાળાઓને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો પણ નિર્ણય લીધો છે. આવશ્યક સેવાઓમાં સામેલ લોકોને, માલસામાનના પરિવહન તેમજ કારખાનાઓમાં નાઈટ-શિફ્ટ કરતા લોકોને આ રાત્રી-કર્ફ્યૂ નિયમ લાગુ નહીં પડે. લોકોએ માસ્ક પહેરવા, સેનિટાઈઝરના ઉપયોગ સહિતની કોવિડ-19 માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.

રાજસ્થાનમાં, જયપુર, જોધપુર, કોટા, બિકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભિલવાડા જિલ્લાઓમાં રાતે 8થી સવારે 6 વાગ્યા સુધીનો રાતનો કર્ફ્યૂ લાગુ કર્યો છે. આ શહેરી વિસ્તારોમાં બજારો, દુકાનો, રેસ્ટોરન્ટ્સ, શોપિંગ મોલ્સ સાંજે સાત વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. માસ્ક નહીં પહેરનારને રૂ. 500નો દંડ કરાશે.