ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે સર્વનાશક યુદ્ધમાં ફેરવાઈ જવાની અણી પર છે. બંને પક્ષો ખૂબ જ મોટા પાયે સૈન્ય તૈયારીઓમાં વ્યસ્ત છે. અહેવાલો અનુસાર, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાન સામે એક મોટા અને નિર્ણાયક સૈન્ય અભિયાનની યોજના બનાવી રહ્યા છે. વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સમક્ષ નવી સૈન્ય યોજનાઓનું માળખું રજૂ કરવામાં આવ્યું છે, જે વર્તમાન સૈન્ય ગતિવિધિઓ કરતા ઘણી આગળ વધીને હુમલો કરવાનો ઈરાદો ધરાવે છે. હવે આ યુદ્ધ માત્ર હોર્મુઝ જળસંધિ (Strait of Hormuz) સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ અમેરિકા હવે ઈરાનના મુખ્ય વ્યૂહાત્મક મથકો અને તેના પરમાણુ પ્લાન્ટ્સ પર સીધો બોમ્બમારો કરવાની ફિરાકમાં છે. જોકે, ટ્રમ્પે હજુ આખરી નિર્ણય લીધો નથી, પરંતુ અમેરિકા અને ઇઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં યુદ્ધ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.

અમેરિકાની સૈન્ય વ્યૂહરચના
અમેરિકા આ વખતે ઈરાનને અંદરથી તોડી પાડવા માંગે છે. તે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ખાસ કરીને ત્યાંના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવવાની યોજના ધરાવે છે. અમેરિકા ઈરાનના એનરિચ્ડ યુરેનિયમ (Enriched Uranium) ના જથ્થાને એવી રીતે તબાહ કરવા માંગે છે કે તે ફરી ક્યારેય તેને મેળવી ન શકે. આ સિવાય, ઈરાનની અંડરગ્રાઉન્ડ પિકાક્સ માઉન્ટેન સાઇટ (Pikax Mountain Site) પર પણ હુમલાની આશંકા છે, જ્યાં ઈરાન ગુપ્ત પરમાણુ મથક બનાવી રહ્યું હોવાની શંકા છે. ‘એક્સિયોસ’ (Axios) ના અહેવાલ મુજબ, ટ્રમ્પ ઈરાનને એટલું મોટું નુકસાન પહોંચાડવા માંગે છે કે તે હોર્મુઝ જળમાર્ગને ખુલ્લો કરવા અને અમેરિકાની અન્ય તમામ શરતો માનવા માટે મજબૂર થઈ જાય. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ ના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સંરક્ષણ સચિવ પીટ હેગસેથ અને માર્કો રુબિયો સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આગામી લશ્કરી પગલાં અંગે ગંભીર ચર્ચા કરી રહ્યા છે.
ઇઝરાયેલમાં ડઝનબંધ અમેરિકી એરક્રાફ્ટ તૈનાત
આ યુદ્ધની તૈયારીના ભાગરૂપે અમેરિકાના આશરે 30 મિલિટ્રી રિફ્યુલિંગ એરક્રાફ્ટ (હવામાં ઇંધણ ભરવામાં સક્ષમ વિમાનો) તેલ અવીવ નજીક આવેલા બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આશરે એટલા જ એરક્રાફ્ટ દક્ષિણ ઇઝરાયેલમાં પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. હવામાં ઇંધણ ભરનારા આ વિમાનોને કારણે ફાઇટર જેટ્સ અને બોમ્બર વિમાનો લાંબા સમય સુધી હવામાં રહીને યુદ્ધ લડી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) ને વધુ વિમાનો ઉપલબ્ધ કરાવવા કહ્યું છે, જેમના તરફથી અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
અન્ય તરફ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (US Central Command) જણાવ્યું છે કે તેણે સતત 7th નાઇટ ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ચાલુ રાખી છે. શનિવારે વહેલી સવારે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, આ હુમલાઓમાં ઈરાનના સર્વેલન્સ સેન્ટર્સ, સૈન્ય સાધનો, ભૂગર્ભ હથિયાર ભંડાર અને નૌકાદળની ક્ષમતાઓને નિશાન બનાવવામાં આવી છે. ઈરાની સત્તાવાળાઓના મતે આ હુમલાઓમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે, જ્યારે અમેરિકી સેનાએ પણ તેના સૈનિકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે.
કુવૈત અને અન્ય મુસ્લિમ દેશોમાં ભારે અફરાતફરી
આ યુદ્ધની આગમાં આસપાસના મુસ્લિમ દેશો પણ હોમાઈ રહ્યા છે:
કુવૈત: કુવૈતે શનિવારે જણાવ્યું કે તે ઈરાનની મિસાઈલો અને ડ્રોનને હવામાં જ નષ્ટ કરી રહ્યું છે, તેમ છતાં એક વોટર ડિસેલિનેશન પ્લાન્ટ (પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ) પર મિસાઈલ પડતા ત્યાં ભયાનક આગ લાગી ગઈ હતી. રણ વિસ્તાર ધરાવતા આ દેશમાં 2 દિવસમાં આ બીજો હુમલો છે, જે પોતાના પીવાના પાણીનો 90% હિસ્સો આ જ પ્લાન્ટ્સમાંથી મેળવે છે. કુવૈત ફાયર ફોર્સના જણાવ્યા અનુસાર, આગ ઓલવવાની કામગીરીમાં ઘણા કર્મચારીઓ ઘાયલ થયા છે. મિસાઈલના જોખમને કારણે કુવૈતે થોડા સમય માટે પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરવું પડ્યું હતું અને કુવૈત એરવેઝે મોટાભાગની ફ્લાઈટ્સના સમય બદલી નાખ્યા છે.
ઈરાક અને જોર્ડન: ઈરાકે દાવો કર્યો છે કે તેણે ઇરબિલ (Erbil) શહેર પર હુમલો કરવા આવી રહેલા ઈરાની ડ્રોનને તોડી પાડ્યું છે. જોર્ડનની સરકારી ન્યૂઝ એજન્સી ‘પેટ્રા’ એ પણ જણાવ્યું કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાનની મિસાઈલોને હવામાં તોડી પાડી છે. બહેરીનમાં પણ સતત એર સાયરન વાગી રહ્યા છે.
ગ્લોબલ ઓઈલ માર્કેટ પર મોટો ફટકો
ઈરાને યુદ્ધ ફાટી નીકળ્યા બાદ હોર્મુઝ જળસંધિમાંથી જહાજોની અવરજવરને અસરકારક રીતે અટકાવી દીધી છે, જે વિશ્વનો સૌથી મોટો દરિયાઈ ઓઈલ સપ્લાય રૂટ છે. આ કારણે વૈશ્વિક તેલ બજાર હચમચી ગયું છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ની કિંમત પ્રતિ બેરલ 86 US ਡૉલરથી ઉપર પહોંચી ગઈ છે, જ્યારે આ માર્ગ પરથી પસાર થતા જહાજોની સંખ્યા 3 અઠવાડિયાના લઘુત્તમ સ્તરે આવી ગઈ છે.




