Home Blog Page 4559

સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી અજાણી વાતો

નવી દિલ્હીઃ “તુમ મુજે ખુન દો, મે તુમ્હે આઝાદી દૂંગા” ના પોતાના વાયદા અંતર્ગત દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપનાર સુભાષચંદ્ર બોઝનું જીવન આમતો તેની વીરતાના દ્રષ્ટાંતો અને વાતો સાથે યાદ કરવામાં આવે છે પરંતુ સંઘર્ષ સાથે જીવનના રહસ્યો માટે તો માત્ર સુભાષચંદ્ર બોઝને જ યાદ કરવામાં આવે છે. તેમના 123 મા જન્મ દિવસ પર તેમના જીવનના રહસ્યો વિશે વાત કરીએ કે જેનાથી ઘણા લોકો અજાણ છે.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી, તે બધાને ખબર છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ પહેલા તેમણે યૂનિફોર્મ વોલેન્ટિયર કોર નામથી એક ફોર્સ બનાવી હતી. નેતાજી શરુઆતથી સૈન્ય શિસ્તમાં માનતા હતા. આ જ ઉદ્દેશ્યથી તેમણે આ ફોજ બનાવી હતી. નેતાજી યૂનિફોર્મ વોલેન્ટિયર કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ હતા. નેતાજી વોલેન્ટિયર કોરના સભ્યો સાથે રોજ સવારો કોલકત્તામાં લોંગ માર્ચ, ડ્રિલ, ઘોડેસવારી, બંદૂકબાજી, કસરત કરતા હતા. આ સૈન્ય તાલીમ જેવું જ હતું.

ઓડીસાના કટકમાં આજના દિવસે જ 1887 માં એક સંપન્ન બંગાળી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ ઓડિસામાં વિત્યું હતું. પ્રાથમિક અભ્યાસ બાદ દર્શનશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન માટે કોલકત્તાના પ્રેસીડેન્સી કોલેજમાં એડમિશન લીધું હતું. દેશને આઝાદી અપાવવામાં તેમની લાંબી યાત્રા બાદ તેમની સાથે જોડાયેલા ઘણા રહસ્યો આજે અકબંધ છે. વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા ભલે તેમના મૃત્યુના કારણોને સ્પષ્ટ કરી દેવામાં આવ્યા પરંતુ આ નિર્ણય તેમના પરિવાર અને તેમની સાથે જોડાયેલા લોકોના મન અને હ્યદયમાં દર્દ સાથે ઘણા સવાલો પણ ઉભા કરી જાય છે.

1919 માં તેઓ બ્રિટન ગયા અને આઈસીએસની પરિક્ષા પણ પાસ કરી. વિદેશી સરકાર સાથે કામ ન કરવાની ઈચ્છાના કારણે તેમણે 1921 માં રાજીનામુ આપ્યું અને પાછા ભારત આવી ગયા.

1937 માં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. 1939ના કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે પણ તેઓ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. મહાત્મા ગાંધીએ પટ્ટાભિ સીતારમૈયાને ઉભા રાખ્યા હતા અને ચૂંટણીમાં સીતારમૈયા હારી ગયા. કોંગ્રેસના અસહયોગને લઈને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

22 જૂન 1939 ના રોજ આ સંસ્થાનું ગઠન કર્યું. બે જુલાઈ, 1940 ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી અને કોલકત્તાના પ્રેસીડેન્સી જેલમાં તેમને રાખવામાં આવ્યા.

અફઘાનિસ્તાનના રસ્તે તેઓ સોવિયત સંઘ પહોંચ્યા. ત્યાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સ્ટાલિન પાસે મદદ માંગી પરંતુ તેણે ઈનકાર કર્યો. 1943 માં સિંગાપુર પહોંચીને આઝાદ હિંસ ફોજની કમાન સંભાળી. જાપાને સમર્થન આપ્યું. 1945 માં તેમનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હોવાના સમાચારો આવ્યા.

બાદમાં 1982 નો માર્ચ મહિનો અને લગભગ અડધી રાત્રી પસાર થઈ ચૂકી હતી અને વ્હીલ ચેર પર એક વૃદ્ધને લઈને કેટલાક શિષ્યો ગેટની અંદર પ્રવેશ્યા. ભવનના પૂર્વી ઉત્તરી ભાગમાં આ વૃદ્ધ રહેવા લાગ્યા. તેમનો સામાન ધીરે-ધીરે એક માસ સુધી આવતો રહ્યો. ત્યારબાદ છ મહીના પછી ચર્ચાઓ શરુ થઈ કે આ વૃદ્ધ સુભાષચંદ્ર બોઝ છે. અઢી વર્ષ સુધી તેઓ આ ઘરમાં રહ્યા પરંતુ તેમને કોઈએ જોયા નહોતા. વર્ષમાં બે વાર કોલકત્તાથી એક વિશેષ સભ્યોની ટીમ અહીંયા દુર્ગા પૂજા માટે આવતા હતી.

ભારતની પાક.ને સલાહઃ પોતાના દેશની સ્થિતિનો ખ્યાલ રાખો

નવી દિલ્હી: બે દિવસ પહેલા આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વિભિન્ન નેતાઓ સાથે મુલાકાતમાં જે પ્રકારે કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે તેને ભારતે નવી રીતે ફગાવ્યો છે. સ્વિત્ઝરલેન્ડના શહેર દાવોસમાં વિશ્વ આર્થિક મંચથી ઇતર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રંપે કાશ્મીર પર મદદની વાત મુદ્દે ભારતે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. અહીં ત્રીજા પક્ષની મધ્યસ્થતાને કોઇ સ્થાન નથી.

કાશ્મીર પર પાકિસ્તાનની નિવેદનબાજી પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકની ટિપ્પણીઓમાં કોઇ નવી વાત નથી. તે આમ તો ઘણા મહિનાઓથી બોલી રહ્યા છે. તેમના નિવેદન વિરોધાભાસી અને તથ્યોથી પરે છે. તેમના બેવડા માપદંડ અને હતાશાને દર્શાવે છે. પાકિસ્તાન એક તરફ તો પીડિત કાર્ડ રમે છે અને બીજી તરફ આતંકવાદીઓને આશરો આપે છે. જો તે ગંભીર છે તો આતંકવાદીઓ વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કેમ નથી કરતા? તેમને આ પ્રકારની નિવેદનબાજીથી બાજ આવતું નથી. પોતાના દેશના પડકારોનો કેવી રીતે સામનો કરવો, તેના પર ધ્યાન આપવું જોઇએ.

 

ચીનમાં કોરૉનાનો કહેર: બે શહેર સીલ, લોકોને ઘર ન છોડવા સૂચના

બેઈજિંગ: કોરૉના વાયરસના કહેરને પગલે બે શહેરને સીલ કરી દેવામાં આવ્યા છે. અગત્યનું કામ હોય તો જ બહાર નિકળવા કે શહેર છોડવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. ટ્રેન અને વિમાન સેવા પર પ્રતિબંધ મૂકવાને કારણે હુઆંગગેંગ અને વુહાન શહેરમાં 2 કરોડ લોકો આ બંધનો સામનો કરી રહ્યા છે. વુહાનમાં આ બિમારી ઝડપથી ફેલાઈ રહી છે તેને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હવે આ વાયરસની ઝપેટમાં આવેલા 17 લોકોના લોકોના મોત થઈ ગયા છે અને દેશમાં આ સંબંધિત લગભગ 571 કેસ સામે આવ્યા છે.

અધિકારીઓએ સૌથી પહેલા વુહાન શહેરને સીલ કર્યું છે. આ શહેરની વસ્તી 1.1 કરોડ છે. અહીંના લોકોને સૂચના આપવામાં આવી છે કે, કોઈ ઈમરજન્સી કામ વગર શહેર છોડવું નહીં. ત્યારપછી આ પ્રકારની જ સૂચના પાડોશી શહેર હુઆંગગેંગ માટે પણ આપવામાં આવી. વુહાનથી આવતી ટ્રેનો અને માર્ગ પરિવહન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જેથી લોકોમાં ઘબરાહટનો માહોલ છે. હુઆંગગેંગ શહેરમાં 75 લાખ લોકો રહે છે. અધિકારીઓએ જણાવ્યું તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને બાર તેમજ સિનેમાઘર બંધ રહેશે. ત્રીજું નજીકનું શહેર ઝોઉનું રેલવે સ્ટેશન પણ રાત સુધીમાં બંધ કરી દેવામાં આવશે.

વુહાન શહેરને સીલ કરાયાના થોડા સમય પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (who)એ તેમના સ્થાનિક પ્રતિનિધિ ગોડેન ગાલિયાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળને સ્થિતિનીનું નિરીક્ષણ કરવા માટે મોકલી છે. ગાલિયાના નેતૃત્વમાં પાંચ સભ્યોની ટીમે ચીન રોગ નિયંત્રણ કેન્દ્રની સ્થાનિક બોયસેફ્ટી પ્રયોગશાળા, હોસ્પિટલો અને એરપોર્ટની મુલાકાત લીધી. આ દરમિયાન ગાલિયાએ આરોગ્ય કર્મચારીઓ, ડિઝાસ્ટર ઇન્સ્પેક્ટર અને શહેર અધિકારીઓ સાથે વાતચીત કરી જેમણે જણાવ્યું કે વહીવટીતંત્ર કેવી રીતે પીડિતોને ઓળખી અને રોગને ફેલાતો અટકાવવા માટે પગલાં લઈ રહ્યું છે.

ભારત પણ સતર્ક

ચીનમાં ફેલાયેલા આ જીવલેણ કરૉના વાયરસને લઈને ભારતમાં ચીનમાં રહેતા ભારતીય નાગરિકોને લઈને ચિંતિત છે અને તેમના માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ભારત આ મામલે સતર્ક છે અને ચીન સ્થિતિ અમારા દૂતાવાસે પણ એડવાઈઝરી જાહેર કરી છે. અહીં આવતા લોકોને સ્ક્રીનિંગ પ્રોસેસમાંથી પસાર થવું પડશે અને ત્યાં રહેલા ભારતીયોએ સતર્ક રહેવું પડશે.

મોડાસા દુષ્કર્મ મામલોઃ અચંબિત કરતા તથ્યો બહાર આવ્યા

અરવલ્લી: મોડાસાના સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન યુવતીનાં અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. PM રિપોર્ટ સામે આવ્યા બાદ ખ્યાલ આવ્યો છે કે, 19 વર્ષીય કોલેજીયન યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. યુવતીના મૃતદેહનાં બીજા અહેવાલમાં સામે આવ્યું કે, રાક્ષસી વ્યક્તિઓએ વિકૃતીની તમામ હદ વળોટી દીધી હતી. પાંચ ડોક્ટર્સની પેનલ દ્વારા કરવામાં આવેલા પીએમમાં સામે આવ્યું કે, યુવતીને ઘસડવામાં આવી હતી. વારંવાર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને ગાળીયો બનાવીને લટકાવી દેવામાં આવી હતી.

તેનાં મળદ્વારનાં પોસ્ટમોર્ટમમાં ખુબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. કોલેજિયન યુવતી સાથે ખુબ જ ક્રુરતાપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. કોલેજિયન યુવતી 5 જાન્યુઆરી ગામનાં વડનાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. તેનાં મળદ્વારનો એક હિસ્સો (આંતરડા) બહાર આવી ગયા હતા. તેના ડાબા સ્તન પર ઇજાનાં નિશાનો હતા. ડાબા અંગુઠા પર પણ ઇજાના નિશાન હતા. ગળાનાં ભાગે નિશાન જોતા પણ તેને ફાંસી પર લટકાવવામાં આવી હોવાનું સ્પષ્ટ થતું હતું.

પોલીસ દ્વારા વિમલ ભરવાડ અને તેનાં મિત્ર દર્શન ભરવાડ, સતીશ ભરવાડ અને જિગર પરમાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે પૈકી ત્રણ લોકોએ પોલીસમાં આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે એક આરોપી સતીષ ભરવાડ હજુ પણ ફરાર છે. આ તમામ પર સામુહિક દુષ્કર્મનો આરોપ છે. આ મુદ્દો ત્યારે ગરમાઇ ગયો જ્યારે પીડિતાનાં પક્ષે તો દેખાવો થયા જ પરંતુ આરોપીઓને બચાવવા માટે પણ રેલી નિકળી જેથી આ સમગ્ર મુદ્દો ગુંચવાયો અને આખરે પ્રકાશમાં આવ્યો હતો.

હીરાઉદ્યોગના ગોવિંદકાકા હવેથી ડૉક્ટર ગોવિંદભાઈ ધોળકિયા તરીકે ઓળખાશે!

ભારતના હીરાઉદ્યોગમાં શ્રી રામકૃષ્ણ ડાયમંડ્સના ચૅરમૅન ગોવિંદભાઈ ધોળકિયા એ મુઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈને આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દૂધાળાના વતની ગોવિંદભાઈએ સાઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરીને તળિયેથી ટોચે પહોંચીને હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો.

સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી સૂઝબૂઝ અને પ્રામાણિકતાપૂર્વક ‘એસઆરકે’ એમ્પાયરનું નિર્માણ કર્યું, જેમાં આજની તારીખે છ હજાર કર્મચારી કામ કરે છે.

એક સફળ ઉદ્યોગપતિ ઉપરાંત એમની સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી, શ્રીમંત હોય કે ગરીબ દરેક સાથે સમવ્યવહાર… ગોવિંદભાઈની જીવવાની આ ફિલોસોફી અને સામાજિક કાર્યોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં અમદાવાદસ્થિત ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. હીરાઉદ્યોગના ગોવિંદકાકા હવેથી ડૉક્ટર ગોવિંદભાઈ ધોળકિયા તરીકે ઓળખાશે.

યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિવિધ અન્ડર ગ્રૅજ્યુએટ્સ પ્રોગ્રામ્સ અને પોસ્ટ ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ્સના લગભગ ૪૦૦ જેટલા વિર્દ્યાીઓને પણ ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ગોવિંદભાઈને મળેલી ડૉક્ટરેટની ઉપાધિ વિશે એમની જીવનસફરને નજીકથી જાણતા મિત્ર કહે કે આ ડૉક્ટર એટલે દૂધાળાની ડેલીથી માંડીને દુનિયાની દરેક વ્યક્તિને માટે કલ્યાણ, સુખાકારી અને સુવિધાની ભાવના રાખનારા ડૉક્ટર… શરીરની સ્વસ્થતાને નહીં, પરંતુ મનની સ્વચ્છતાને માપે એવા ડૉક્ટર… નાની-મોટી ઈચ્છા અને અપેક્ષા પૂરી કરવા માટે ક્યારેય નૈતિકતા સાથે બાંધછોડ નહીં કરે એવા ડૉક્ટર…!

અહેવાલઃ દેવાંશુ દેસાઈ

ગાઝીયાબાદમાં ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર એક ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મળતા જ ઈન્ડિયન એરફોર્સે પાયલટને સુરક્ષિત પ્લેનમાંથી બહાર કાઢ્યા અને આમાં કોઈ જાન હાનિ થઈ નથી પરંતુ એક્સપ્રેસ-વે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાઝિયાબાદના સદરપુર ગામમાં આજે બપોરે ચાર્ટર્ડ પ્લેનમાં અચાનક ખરાબી આવી જવાના કારણે ઈસ્ટર્ન પેરિફેલ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. લેન્ડિંગ દરમિયાન વિમાનનું લેફ્ટ વિંગ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે અને સમાચાર મળતા જ એરફોર્સના જવાનોએ પાયલટને બચાવી લીધા છે.

એક્સપ્રેસ-વે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. એક્સપ્રેસ-વેની આસપાસ ઘણા ગામના લોકો પણ જમા થઈ ગયા હતા જેમને દૂર કરવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી.

ઘટના સ્થળે પહોંચેલી ગાઝિયાબાદ પોલીસ અનુસાર, જલ્દી જ અહીંયા વાહન વ્યવહાર પૂર્વવત થઈ જશે. ઈમરજન્સી લેન્ડિંગની જાણકારી મળતા જ લોકો અને એમાં પણ ખાસ કરીને યુવાનો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં ચાર્ટર્ડ પ્લેન સાથે તેઓ સેલ્ફી લેવા લાગ્યા અને કેટલાકે તો વીડિયો પણ બનાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર જે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું તે, નેશનલ કેડેટ કોરનું હતું. દુર્ઘટના દરમિયાન પાયલટ ટ્રેનિંગ આપી રહ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, વિમાનમાં પાયલટ સહિત બે લોકો સવાર હતા.

કોઈપણ પ્રકારની ઈમરજન્સીમાં વિમાનને નજીકના એરપોર્ટ પર લેન્ડ કરી દેવામાં આવે છે. આ ઈમરજન્સી ટેક્નિકલ અને માનવીય અને વાતાવરણ સંબંધિત પણ હોઈ શકે છે. ગાઝિયાબાદમાં જે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ ઈન્ડિયન એરફોર્સના જવાનોની મદદ દ્વારા કરવામાં આવ્યું, તે વિમાન નાનું વિમાન હતું અને એટલા માટે તેને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર ઉતારી દેવામાં આવ્યું.

કરીમ લાલાની માનેલી બહેન હતી સૌરાષ્ટ્રની ગંગુબાઈ

રીમ લાલા અને હાજી મસ્તાનની જુદા જુદા રાજકારણીઓ સાથેની તસવીરો સમયાંતરે કોઈ ને કોઈ બહાને પુનઃ પ્રગટ થતી રહે છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ઉલ્લેખ કર્યો એટલે કરીમ લાલાની આવી એક તસવીરનો વિવાદ ચગ્યો. પણ વિવાદ ઠારી દેવો પડ્યો કે રાઉતને રાતા પાણીએ રોવું પડે તેવા બીજા જાણીતા નેતાઓની તસવીર આ જ લાલાની સાથે પડેલી છે. પડેલી છે એટલે બંને રીતે – તસવીર પાડવામાં આવી હતી અને સાચવીને પડેલી છે.

એટલે સાચવીને આ તસવીરનો વિવાદ શમાવી દેવાની કોશિશ થઈ રહી છે. તેમાં મદદરૂપ થાય તેવી બીજી ઘટના પણ બની છે એટલે કામ સહેલું થયું છે. કરીમ લાલાની એક માનીતી બહેન હતી. હતી એ કોઠાવાળી અને કમાટીપુરાના કોઠામાં કામ કરતી દેહ વ્યાપાર કરવા મજબૂર સ્ત્રીઓની નેતા હતી. તે બંનેની ભેગી કોઈ તસવીર પડેલી નથી – બંને અર્થમાં પડેલી નથી, ગંગુબાઈ સાથેની તસવીર પાડવામાં આવી નહોતી અને પાડવામાં આવી હશે તો સચવાઈને પડી રહી નથી.

લાલા કે મસ્તાન જેવા ગુંડાસરદારોને સ્વાભાવિક છે કે ગંગુબાઈ જેવી નેતાણી કરતાં, વધારે મોટા નેતાઓ સાથે તસવીરો પડાવીને તેને સાચવી રાખવાની હતી. આ ગંગુબાઈ કરીમ લાલાની માનેલી બહેન બની હતી અને તેને રાખડી બાંધી હતી તેવી કથા 2020ના આખા વર્ષ દરમિયાન ચાલતી રહેશે, કેમ કે તેના પરથી એક ફિલ્મ બનવાની છે. ફિલ્મની પબ્લિસિટી કરવા માટે આવા ઘણા નખરાં કરવામાં આવશે.

પણ સ્ટોરીમાં દમ છે. આપણા વાચકોને ગમે તેવી છે એટલે પણ તેની ચર્ચા થશે, કેમ કે ગંગુનું અસલી નામ ગંગા હતું. ગંગા મુંબઈમાં હિરોઈન બનવાના સપનાં સાથે પહોંચી હતી. આશા પારેખ જેવી ગુજરાતી નારી લોકપ્રિય હિરોઈન બને તો પોતે પણ બની શકે એવા સપનાં જોનારી ગંગાને એક યુવાને પ્રેમમાં પાડી હતી. એ યુવાન તેને મુંબઈ લઈ જવા તૈયાર હતો. મુંબઈમાં આવા સપનાં લઈને આવી પહોંચતી કે પછી આવા કોઈ યુવાન સાથે પહોંચી જતી યુવતી પછી ક્યાં પહોંચતી હતી? મુંબઈના કમાટીપુરાના કોઠામાં.

કાઠિયાવાડના કોઇક ગામમાંથી ગંગા હરજીવનદાસ આવી રીતે જ મુંબઈના કમાટીપુરામાં પહોંચી ગઈ હતી. સૌરાષ્ટ્રના કયા ગામની તે હતી તે થોડા ખાખાખોળા છતાં મળ્યું નથી. ચિત્રલેખાનો વિશાળ વાચક વર્ગ સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાંથી મુંબઈ જઈને વસેલો છે. તેમાંથી ચિત્રલેખાની જૂની પેઢીના કોઈક વાચકને ગંગા હરજીવનદાસ, ગંગા કાઠિયાવાડી, કમાટીપુરાની ગંગુ કોઠાવાલી વિશે માહિતી મળે તો જણાવે.

ગંગા હરજીવનદાસ એવું નામ અને હરજીવનદાસે હિસાબનીસને નોકરીએ રાખ્યો હતો એટલે અંદાજ આવે છે કે વેપારી પરિવારની દીકરી હતી. હિસાબી કામકાજ માટે નોકરીએ રાખેલો તે માણસ કોઈ મુનીમ કે ખજાનચી જેવો મોટી ઉંમરનો નહોતો, પણ વીસેક વર્ષનો યુવાન હતો. રમણિક લાલ નામના એ યુવાન સાથે જ ગંગા પ્રેમમાં પડી અને ભાગીને મુંબઈ પહોંચી ગઈ.

બંને ખરેખર પ્રેમમાં પડ્યા હતા અને સુખી સંસાર માટે ભાગ્યા હતા કે પછી યુવાને ગંગાને ફિલ્મનગરીના સપનાં દેખાડ્યા હતા તે આપણે જાણતા નથી. પેઢીમાં કામ કરતાં કરતાં યુવાનને ખ્યાલ આવ્યો હશે કે શેઠની દીકરી ફિલ્મોની શોખીન છે. મુંબઈની મોહમાયા સાથે સંસારની માયા જોડાઈ હશે અને બંને યુવાનપ્રેમીઓ મુંબઈ પહોંચ્યા.

ફિલ્મની હિરોઈન તો ગંગા ના બની શકે, પણ ફિલ્મોમાં (અને વાસ્તવિક જીવનમાં પણ) બને એવી ઘટના બની. ગંગાને કમાટીપુરાને એક કોઠામાં 500 રૂપિયામાં વેચી દેવામાં આવી. અહીં સુધીની સ્ટોરી રાબેતા મુજબની છે આમ તો. ભારતના અનેક નગરોમાંથી આ રીતે કન્યાઓને પ્રેમમાં કે બીજી રીતે ફસાવીને મુંબઈના કમાટીપુરાના દેહવ્યાપારના કોઠામાં વેચી દેવામાં આવતી હતી. ઘણી કન્યાને પ્રેમમાં લલચાવાની પણ જરૂર ના પડે. અમર્યાદ ગરીબીમાં કુટુંબના જ લોકો તેને વેચી દેતા હતા અને વેચાયેલી ગંગાઓ પણ કોઠામાં પહોંચતી રહે છે.

કમાટીપુરા કે પછી કોલકાતા, દિલ્હી, લખનૌ, કાનપુરના કોઠામાં પુરાઈ ગયેલી યુવતીની પછી કોઈ ઓળખ રહેતી નથી. દેહવ્યાપાર કરનારો માત્ર દેહ રહી જાય છે, પણ તેમાંથી ઉમરાવજાન જેવી કોઈક આગળ વધે છે કોઠાની માલકણ પણ બને છે. કોઠામાં વેચાયા પછી ધીમે ધીમે તે કોઠાવાળી બને અને બીજી કન્યાઓને ખરીદતી થાય.

સૌરાષ્ટ્રના કોઈ ગામેથી આ જ રીતે કમાટીપુરામાં પહોંચી ગયેલી ગંગા થોડા વર્ષોમાં કોઠાવાલી બની ગઈ હતી અને હીરામંડીમાં તેનો કોઠો જાણીતો બન્યો હતો. મુંબઈની અંધારીઆલમની ચમક પણ સતત વધતી રહી હતી અને ફિલ્મોમાં પણ તે ચમકતી રહી હતી. એ ચમકદમક અને લાલા અને મસ્તાનના રાજકારણીઓ સાથેના સંબંધો અને સાઠગાઠ દાણચોરીથી આગળ વધીને દેશદ્રોહની આતંકવાદી પ્રવૃત્તિ સુધી પહોંચી હતી. તેના કારણે મુંબઈના માફિયા ડોન વિશે ઘણા પુસ્તકો લખાયા છે. એવી જ રીતે હુસૈન જૈદી અને જેન બોર્ગેસ મુંબઈમાં કેટલી નારીઓ પણ અંધારીઆલમની દાદીઓ બની હતી તેનું પુસ્તક લખ્યું છે. મુંબઈની લેડી ડોન લાલા કે મસ્તાન કે દાઉદ કે છોટા અને બડા રાજન ગવલી જેટલી કુખ્યાત થઈ શકી નહોતી, પણ તેમના વિશે જૈદી-બોર્ગેસના ‘માફિયા ક્વિન્સ ઑફ મુંબઈ’ સહિતના પુસ્તકો આવ્યા પછી થોડી ઘણી જાણીતી બની હતી. તેમાંથી એકાદ બે લેડી ડોન વિશેની ફિલ્મ બની પણ ચૂકી છે અને ગંગામાંથી ગંગુ કોઠાવાલી બનેલી લેડી ડોનની ફિલ્મ પણ બનવાની છે.

જોકે મુંબઈના ગુંડા જેવી ગંગુ ગુંડી નહોતી બની, પણ કોઠાવાલી અને કમાટીપુરાની પ્રવક્તા જેવી બની ગઈ હતી. લાલા કે મસ્તાનની મુલાકાત નેતાઓ સાથે હતી, તે રીતે ગંગુબાઈ પણ વડાપ્રધાન નહેરુને મળી હતી, પણ તેની કોઈ સત્તાવાર નોંધ રખાઈ નથી તેમ માફિયા ક્વિન્સ ઑફ મુંબઈના લેખકોનું કહેવું છે. ગંગુબાઈ એટલા માટે વડાપ્રધાનને મળી હતી કે કમાટીપુરામાંથી કોઠા બંધ કરાવી દેવાની માગણી થઈ હતી.

કમાટીપુરા વિસ્તારમાં સેન્ટ એન્થની ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ હતી. એક તરફ અહીં કન્યાઓ ભણવા આવે અને તે આવતા જતા જુએ કે તેમની જ ઉંમરની અભાગી કન્યાઓની હાલત શું થઈ રહી છે. સમાજના કહેવાતા અગ્રણીઓને આ સ્થિતિ અસહ્ય લાગતી હતી, પણ કહેવાતા અગ્રણીઓના આદર્શો પણ કહેવાતા જ હોય છે. તેમણે માગણી કરી કે કમાટીપુરામાં કોઠા બંધ કરો અને આ બધી કન્યાઓને અહીંથી હટાવો. તેમનું શું થશે કે બીજે ક્યાં જઈને દેહવ્યાપાર કરશે તેની તેમને ચિંતા નહોતી. ઉકરડો પોતાના ઘરની સામે ના હોવો જોઈએ બસ.

સ્કૂલના સંચાલકો અને વાલીઓએ ઝુંબેશ ચલાવી હતી. સરકાર પણ તૈયાર થઈ ગઈ હતી. કમાટીપુરામાંથી દેહવ્યાપાર કરનારી બધી નારીઓને ત્યાંથી હટાવી દેવાની હતી, પણ આવી રીતે તેને હટાવી દેવાશે તો તેમનું ભરણપોષણ કેવી રીતે થશે અને કોણ તેમની જવાબદારી લેશે તેવી માગણી સાથે ગંગુબાઈ રાજકારણીઓ અને નેતાને મળવા દોડી હતી.

પુસ્તકમાં જણાવ્યા અનુસાર નેતાઓ ડાહી ડાહી વાતો કરતા, સલાહ આપતા, આદર્શો અને સિદ્ધાંતો યાદ દેવરાતા અને કોઈ સારા જણને જોઈને સંસારમાં ઠરીઠામ થઈ જવું જોઈએ તેવું કહેતા હતા. લેખકોના જણાવ્યા અનુસાર ગંગુબાઈએ એવો જવાબ આપેલો કે વડાપ્રધાન આંચકો ખાઈ ગયા હતા. ગંગુબાઈએ કહ્યું હોવાનું કહેવાય છે કે તો તમે જ મારી સાથે લગ્ન કરી લો, હું તૈયાર છું.

ટૂંકમાં કમાટીપુરામાંથી કોઠા ના હટાવવા માટે ગંગુબાઈની આગેવાનીમાં લડત ચાલતી હતી ત્યારે નેતાઓ આવી જ સલાહ આપતા. પણ વેશ્યાઓ સાથે કોણ લગ્ન કરે, કોણ તેને ઠરીઠામ કરે? આ કડવી વાસ્તવિકતાનું ભાન ગંગુબાઈ નેતાઓને કરાવતી હતી. ગંગુબાઈ બહુ સારું બોલતી હતી, સમાજની કડવી વાસ્તવિકતાને મીઠીમાં વાણીમાં સમજાતી હતી, પણ વાસ્તવિકતા કડવી ને કડવી જ રહે છે.

ફિલ્મની નાયિકા ના બની શકી, પણ વાસ્તવિક જીવનમાં ગંગા નાયિકા બની હતી. કોઠાવાલી તરીકે નેતાઓ સાથે લડીને કમાટીપુરાને હટવા ના દીધું તે પછી તેને હવે કોઠાવાલી નહિ પણ મેડમ ગંગુની ઓળખ પણ મળી હતી. સોનાના ઘરેણાંથી લથબથ થઈને કારમાં લઈને ઠાઠથી મુંબઈમાં ફરતી હતી. મહિલા કલ્યાણની જેમ વેશ્યા માટે કલ્યાણના મુદ્દે આઝાદ મેદાનમાં સભાઓ કરી હતી અને ભાષણો આપ્યા હતા.

એક વિરોધાભાસ એ પણ હતો કે કમાટીપુરાના કોઠા તેણે તૂટવા ના દીધા, પણ કોઠામાં પોતાની જેમ વેચાવા આવતી ઘણી યુવતીઓને તેણે પાછી પણ મોકલી હતી. નેતાઓ સલાહ આપતા ત્યારે ગંગુ તેમને ચૂપ કરાવી દેતી કે તમે કોઈ વેશ્યા સાથે લગ્ન કરશો ખરા… પણ વાસ્તવિક જીવનમાં તેણે ઘણી યુવતીના લગ્ન કરાવેલા એવું કહેવાય છે. કદાચ પોતાની વાહવાહી માટે આવી કથાઓ ઊભી કરાઈ હશે કે ખરેખર શક્ય બન્યું હશે ત્યાં કેટલીક યુવતીઓના લગ્ન પણ કરાવી દીધા હશે. સાચી વાત એ પણ હતી કે કમાટીપુરા યથાવત રહ્યું હતું અને ત્યાં યુવતીઓ આવતી જ રહી હતી. ગંગા માટે ફરક એ પડ્યો હતો કે તે વધારે જાણીતી કોઠાવાલી બની હતી અને તેના મૃત્યુ પછી કોઠાઓમાં તેની તસવીરો રાખીને માન અપાતું રહ્યું હતું.

આ કામ એટલે વેશ્યાઓને મુક્ત કરાવવાનું કે તેને આ વ્યવસાયમાંથી મુક્ત કરાવવાનું ઓછું હતું, તેમની તકલીફો ઓછું કરવાનું હતું. કમાટીપુરામાં દલાલો અને ગુંડાઓ પડ્યાપાથર્યા રહેતા. સંજોગોએ સ્વીકારેલા સ્વશોષણ ઉપર આ લોકોનું પરિસ્થિતિજન્ય શોષણ થતું હતું. તેવી જ એક ઘટનાએ હકીકતમાં ગંગા દેહવેપારીમાંથી ગંગુબાઈ કોઠેવાલી હતી.

શૌકત ખાન નામનો પઠાણ કમાટીપુરામાં બહુ દાદાગીરી કરતો હતો. તેણે ગંગા પર બેવાર બળાત્કાર કર્યો હતો. દેહવેપાર કરનારી સ્ત્રી પર પણ બળાત્કાર થાય તે કેવી કફોડી સ્થિતિ અને કેવી વક્રતા કહેવાય! ગંગુબાઈ હજી સુધી સામાન્ય કોઠાવાળી જ હતી, પણ આ ઘટના પછી વળાંક આવ્યો. શૌકત ખાન કરીમ લાલાની ટોળીનો ગુંડો હતો. ગંગુભાઈ હિંમત કરીને કરીમ લાલા સુધી પહોંચી અને તેને ફરિયાદ કરી.

કથા અનુસાર કરીમ લાલાએ પોતાના માણસો મોકલ્યા અને શૌકત ખાન ફરીથી કોઠા પર હેરાનગતિ કરવા આવ્યો ત્યારે તેની જ બરાબરની ધોલાઈ હતી. પોતાની આ રીતે રક્ષા કરી એટલે ગંગુબાઈએ કરીમ લાલાને રાખડી બાંધી અને કમાટીપુરામાં તે હવે કરીમ લાલાની માનેલી બહેન તરીકે જાણીતી થઈ હતી. લાલાની ગુંડાટોળીની ધાક આખા મુંબઈમાં હતી ત્યારે હવે તેની બહેન બનેલી ગંગુબાઈની ધાક આખા કમાટીપુરામાં બેસી ગઈ હતી.

કરીમ લાલાની બહેનની ધાક તરીકે કમાટીપુરાના કોઠામાં શૌકત જેવા નાના ગુંડાઓની દાદાગીરી બંધ થઈ હતી. રોજ આવીને ધમાલ કરતાં લુખ્ખાઓને કાબૂમાં રાખવાનું સહેલું થયું હતું. તેના કારણે સામાન્ય કોઠાવાલીમાંથી ગંગુ મેડમ બની ગઈ હતી. તેના પરથી ફિલ્મ બનવાની છે એટલે મસાલેદાર ફિલ્મ બનશે. સાથેસાથે પ્રચાર માટે ગંગુબાઈ કોઠાવાલી અને કરીમ લાલા સાથેના તેના સંબંધો અને કદાચ કરીમ લાલા સાથેની તસવીર પણ હળવેક દઈને આવશે. આવશે ત્યારે તમનેય દેખાડીશું અને જણાવીશું.

હવે યાત્રાધામોમાં ભીખ નહી માંગી શકાયઃ સરકારનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા હવે ભિક્ષુકની ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્ર અનુસાર હવે રાજ્યના પવિત્ર યાત્રાધામની બહાર ભિક્ષુકો જોવા નહી મળે. સરકાર દ્વારા યાત્રાધામો પર ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી સૂચના આપવામાં આવી છે કે, ડાકોર, પાલીતાણા, શામળાજી મંદિર તથા જૂનાગઢ, સિધ્ધપુર, પાવાગઢ, બહુચરાજી મંદિર સહિતના યાત્રાધામમાં હવેથી ભિક્ષુકો ભીખા માંગી શકશે નહી. સરકાર દ્વારા જાહેરનામાનો કડક અમલ કરવા સૂચના પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરામાં મહાનગરપાલિકાની હદમાં રાજ્ય સરકાર દ્વારા ભિક્ષુકોના પુનઃસ્થાપન માટે ભિક્ષા પ્રતિબંધ ધારા ૧૯પ૯નો અમલ કરવા માટે ઘણી સંસ્થાઓ કાર્યરત હતી જ. આ ધારા અનુસાર ભિક્ષાવૃત્તિનો ગુનો સાબિત થયેથી ભિક્ષુક એક વર્ષથી ત્રણ વર્ષની સજાને પાત્ર બને છે. જેને સરકારના ભિક્ષુક ગૃહમાં અટકાયતી તરીકે આશ્રય આપવામાં આવે છે.

આ સંસ્થામાં દાખલ થતા ભિક્ષુકોને ખોરાક, કપડાં, તબીબી સારવાર, બીસ્તર, શિક્ષણ, તાલીમ મફત આપવામાં આવે છે અને તેમના પરિવારનો શકય હોય ત્યાં સંપર્ક કરી કુટુંબમાં પણ પુનઃસ્થાપિત કરવામાં આવે છે. મુંબઇ ભિક્ષા પ્રતિબંધક ધારો ૧૯પ૯ની કલમ૧૪ હેઠળ દરેક ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ભિક્ષુક ગૃહમાં મુલાકાત સમિતિઓની રચના કરવામાં આવે છે. આ સંસ્થાઓનો મુખ્ય ઊદેશ યોગ્ય વ્યાવસાયિક તાલીમ ઘ્વારા ભિક્ષુકોને આર્થિક રીતે પગભેર કરવાનો છે.

રાજ ઠાકરેના પુત્ર અમિતે રાજકારણમાં ઝંપલાવ્યું; MNSમાં જોડાયા

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના સ્થાપક-વડા રાજ ઠાકરેએ આજે એમની પાર્ટીના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું અને સાથોસાથ એક નવા ચહેરાને પાર્ટીમાં સામેલ કર્યો છે. આ નવા સભ્ય છે એમનો પુત્ર અમિત.

મનસે પાર્ટી તેનો ધ્વજ બદલશે અને અમિત ઠાકરે રાજકારણમાં ઝંપલાવશે એવી વાતો ઘણા વખતથી સંભળાતી જ હતી અને આજે એ ઘોષિત થઈ ગયું.

શિવસેનાનાં સ્થાપક અને પોતાના કાકા સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેની આજે 94મી જન્મજયંતિના દિવસે રાજ ઠાકરેએ પાર્ટીનો નવો ધ્વજ રિલીઝ કર્યો છે અને પોતાના પુત્ર અમિતને પક્ષમાં સામેલ કર્યા છે.

આજે ગોરેગામ (ઈસ્ટ)સ્થિત ‘નેસ્કો’ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મનસે પાર્ટીના નવા ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજ ઠાકરેએ પક્ષના હજારો કાર્યકર્તાઓની હાજરીમાં નવા ધ્વજને રિલીઝ કર્યો હતો. આ પ્રસંગે પક્ષના સિનિયર નેતા બાલા નાંદગાંવકરે જાહેરાત કરી હતી કે અમિત ઠાકરે આજથી મુખ્યપ્રવાહના રાજકારણમાં સામેલ થઈ ગયા છે.

મનસે પાર્ટીના નવા ધ્વજનો રંગ કેસરી છે અને એની પર ‘રાજ મુદ્રા’ અંકિત કરવામાં આવ્યો છે. આ રાજ મુદ્રા છત્રપતિ શિવાજી મહારાજના શાસન વખતે વપરાતો હતો. મનસેનો નવો ધ્વજ તેના જૂના ધ્વજથી સાવ જ અલગ છે. જૂના ધ્વજમાં બ્લુ, લીલા અને કેસરી રંગોની બેન્ડ્સ હતી અને એની પર પક્ષના ચૂંટણી પ્રતિક એન્જીનનું ચિત્ર હતું.

નવા પાર્ટી ધ્વજ પરથી એવું લાગે છે કે પક્ષ હિન્દુત્વ આદર્શવાદ તરફ જઈ રહ્યો છે.

મનસે પાર્ટીની રાજ્ય કારોબારીની બેઠકમાં પણ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી હતી. એની સાથે જ, વિનાયક દામોદર સાવરકર, બાબાસાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલે અને પ્રબોધનકાર ઠાકરેની છબીઓ પણ મૂકવામાં આવી હતી.

અગાઉ એવી અફવા હતી કે મનસે પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવશે. આ અફવા એટલા માટે ઉડી હતી કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે થોડાક દિવસ પહેલાં મુંબઈની એક હોટેલમાં રાજ ઠાકરે સાથે મીટિંગ કરી હતી. જોકે બાદમાં બંને નેતાએ રદિયો આપ્યો હતો કે એમની વચ્ચે એવી કોઈ બેઠક થઈ જ નથી.

સારંગપુરઃ ગ્રેનાઈટથી બનેલી હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થપાશે

અમદાવાદ: સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 54 ફૂટ ઊંચી 500 ટન વજનની બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે. દેશમાં બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની આ પ્રથમ મૂર્તિ હશે. મંદિરની પાછળ 50 ફૂટની જગ્યામાં આ મૂર્તિ સ્થપાશે. મંદિરના મહંત વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, 8 એપ્રિલે હનુમાન જયંતી પ્રસંગે મૂર્તિનું અનાવરણ કરાશે. મૂર્તિ નિર્માણ માટે 3 મહિનાનો સમય લાગશે. મૂર્તિમાં રાજસ્થાનના ભીલવાડાથી મગાવાયેલા ખાસ બ્લેક ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરાશે. રાજસ્થાનના મૂર્તિકારો તથા 60 કારીગરો મૂર્તિ તૈયાર કરશે. મૂર્તિ માટેના ગ્રેનાઇટનો પહેલાં લેબોરેટરી ટેસ્ટ કરાશે, તે માટે મંદિરમાં જ લેબ બનાવાઈ છે.

54 ફૂંટ ઉંચી અને 500 ટન વજન ધરાવતી મૂર્તિ તૈયાર કરવામાં આવશે. હનુમાનજી મહારાજની આ મૂર્તિમાં દાદાના હાથમાં રહેલી ગદાની ઉંચાઈ 54 ફૂટ અને પહોળાઈ 13 ફૂટ જેટલી હશે. મૂર્તિના પગનું વજન જ 210 ટન હશે. આ મૂર્તિને 1 હજાર વર્ષ સુધી કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય તે રીતે તૈયાર કરાશે. શિલ્પ શાસ્ત્ર અનુસાર મૂર્તિમાં લોખંડનો ઉપયોગ કરાશે નહી. મૂર્તિના પાયા જમીનની અંદર 4 ફૂટમાં રહેશે.