હવે યાત્રાધામોમાં ભીખ નહી માંગી શકાયઃ સરકારનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા હવે ભિક્ષુકની ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્ર અનુસાર હવે રાજ્યના પવિત્ર યાત્રાધામની બહાર ભિક્ષુકો જોવા નહી મળે. સરકાર દ્વારા યાત્રાધામો પર ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી સૂચના આપવામાં આવી છે કે, ડાકોર, પાલીતાણા, શામળાજી મંદિર તથા જૂનાગઢ, સિધ્ધપુર, પાવાગઢ, બહુચરાજી મંદિર સહિતના યાત્રાધામમાં હવેથી ભિક્ષુકો ભીખા માંગી શકશે નહી. સરકાર દ્વારા જાહેરનામાનો કડક અમલ કરવા સૂચના પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરામાં મહાનગરપાલિકાની હદમાં રાજ્ય સરકાર દ્વારા ભિક્ષુકોના પુનઃસ્થાપન માટે ભિક્ષા પ્રતિબંધ ધારા ૧૯પ૯નો અમલ કરવા માટે ઘણી સંસ્થાઓ કાર્યરત હતી જ. આ ધારા અનુસાર ભિક્ષાવૃત્તિનો ગુનો સાબિત થયેથી ભિક્ષુક એક વર્ષથી ત્રણ વર્ષની સજાને પાત્ર બને છે. જેને સરકારના ભિક્ષુક ગૃહમાં અટકાયતી તરીકે આશ્રય આપવામાં આવે છે.

આ સંસ્થામાં દાખલ થતા ભિક્ષુકોને ખોરાક, કપડાં, તબીબી સારવાર, બીસ્તર, શિક્ષણ, તાલીમ મફત આપવામાં આવે છે અને તેમના પરિવારનો શકય હોય ત્યાં સંપર્ક કરી કુટુંબમાં પણ પુનઃસ્થાપિત કરવામાં આવે છે. મુંબઇ ભિક્ષા પ્રતિબંધક ધારો ૧૯પ૯ની કલમ૧૪ હેઠળ દરેક ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ભિક્ષુક ગૃહમાં મુલાકાત સમિતિઓની રચના કરવામાં આવે છે. આ સંસ્થાઓનો મુખ્ય ઊદેશ યોગ્ય વ્યાવસાયિક તાલીમ ઘ્વારા ભિક્ષુકોને આર્થિક રીતે પગભેર કરવાનો છે.