કરીમ લાલાની માનેલી બહેન હતી સૌરાષ્ટ્રની ગંગુબાઈ

રીમ લાલા અને હાજી મસ્તાનની જુદા જુદા રાજકારણીઓ સાથેની તસવીરો સમયાંતરે કોઈ ને કોઈ બહાને પુનઃ પ્રગટ થતી રહે છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ઉલ્લેખ કર્યો એટલે કરીમ લાલાની આવી એક તસવીરનો વિવાદ ચગ્યો. પણ વિવાદ ઠારી દેવો પડ્યો કે રાઉતને રાતા પાણીએ રોવું પડે તેવા બીજા જાણીતા નેતાઓની તસવીર આ જ લાલાની સાથે પડેલી છે. પડેલી છે એટલે બંને રીતે – તસવીર પાડવામાં આવી હતી અને સાચવીને પડેલી છે.

એટલે સાચવીને આ તસવીરનો વિવાદ શમાવી દેવાની કોશિશ થઈ રહી છે. તેમાં મદદરૂપ થાય તેવી બીજી ઘટના પણ બની છે એટલે કામ સહેલું થયું છે. કરીમ લાલાની એક માનીતી બહેન હતી. હતી એ કોઠાવાળી અને કમાટીપુરાના કોઠામાં કામ કરતી દેહ વ્યાપાર કરવા મજબૂર સ્ત્રીઓની નેતા હતી. તે બંનેની ભેગી કોઈ તસવીર પડેલી નથી – બંને અર્થમાં પડેલી નથી, ગંગુબાઈ સાથેની તસવીર પાડવામાં આવી નહોતી અને પાડવામાં આવી હશે તો સચવાઈને પડી રહી નથી.

લાલા કે મસ્તાન જેવા ગુંડાસરદારોને સ્વાભાવિક છે કે ગંગુબાઈ જેવી નેતાણી કરતાં, વધારે મોટા નેતાઓ સાથે તસવીરો પડાવીને તેને સાચવી રાખવાની હતી. આ ગંગુબાઈ કરીમ લાલાની માનેલી બહેન બની હતી અને તેને રાખડી બાંધી હતી તેવી કથા 2020ના આખા વર્ષ દરમિયાન ચાલતી રહેશે, કેમ કે તેના પરથી એક ફિલ્મ બનવાની છે. ફિલ્મની પબ્લિસિટી કરવા માટે આવા ઘણા નખરાં કરવામાં આવશે.

પણ સ્ટોરીમાં દમ છે. આપણા વાચકોને ગમે તેવી છે એટલે પણ તેની ચર્ચા થશે, કેમ કે ગંગુનું અસલી નામ ગંગા હતું. ગંગા મુંબઈમાં હિરોઈન બનવાના સપનાં સાથે પહોંચી હતી. આશા પારેખ જેવી ગુજરાતી નારી લોકપ્રિય હિરોઈન બને તો પોતે પણ બની શકે એવા સપનાં જોનારી ગંગાને એક યુવાને પ્રેમમાં પાડી હતી. એ યુવાન તેને મુંબઈ લઈ જવા તૈયાર હતો. મુંબઈમાં આવા સપનાં લઈને આવી પહોંચતી કે પછી આવા કોઈ યુવાન સાથે પહોંચી જતી યુવતી પછી ક્યાં પહોંચતી હતી? મુંબઈના કમાટીપુરાના કોઠામાં.

કાઠિયાવાડના કોઇક ગામમાંથી ગંગા હરજીવનદાસ આવી રીતે જ મુંબઈના કમાટીપુરામાં પહોંચી ગઈ હતી. સૌરાષ્ટ્રના કયા ગામની તે હતી તે થોડા ખાખાખોળા છતાં મળ્યું નથી. ચિત્રલેખાનો વિશાળ વાચક વર્ગ સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાંથી મુંબઈ જઈને વસેલો છે. તેમાંથી ચિત્રલેખાની જૂની પેઢીના કોઈક વાચકને ગંગા હરજીવનદાસ, ગંગા કાઠિયાવાડી, કમાટીપુરાની ગંગુ કોઠાવાલી વિશે માહિતી મળે તો જણાવે.

ગંગા હરજીવનદાસ એવું નામ અને હરજીવનદાસે હિસાબનીસને નોકરીએ રાખ્યો હતો એટલે અંદાજ આવે છે કે વેપારી પરિવારની દીકરી હતી. હિસાબી કામકાજ માટે નોકરીએ રાખેલો તે માણસ કોઈ મુનીમ કે ખજાનચી જેવો મોટી ઉંમરનો નહોતો, પણ વીસેક વર્ષનો યુવાન હતો. રમણિક લાલ નામના એ યુવાન સાથે જ ગંગા પ્રેમમાં પડી અને ભાગીને મુંબઈ પહોંચી ગઈ.

બંને ખરેખર પ્રેમમાં પડ્યા હતા અને સુખી સંસાર માટે ભાગ્યા હતા કે પછી યુવાને ગંગાને ફિલ્મનગરીના સપનાં દેખાડ્યા હતા તે આપણે જાણતા નથી. પેઢીમાં કામ કરતાં કરતાં યુવાનને ખ્યાલ આવ્યો હશે કે શેઠની દીકરી ફિલ્મોની શોખીન છે. મુંબઈની મોહમાયા સાથે સંસારની માયા જોડાઈ હશે અને બંને યુવાનપ્રેમીઓ મુંબઈ પહોંચ્યા.

ફિલ્મની હિરોઈન તો ગંગા ના બની શકે, પણ ફિલ્મોમાં (અને વાસ્તવિક જીવનમાં પણ) બને એવી ઘટના બની. ગંગાને કમાટીપુરાને એક કોઠામાં 500 રૂપિયામાં વેચી દેવામાં આવી. અહીં સુધીની સ્ટોરી રાબેતા મુજબની છે આમ તો. ભારતના અનેક નગરોમાંથી આ રીતે કન્યાઓને પ્રેમમાં કે બીજી રીતે ફસાવીને મુંબઈના કમાટીપુરાના દેહવ્યાપારના કોઠામાં વેચી દેવામાં આવતી હતી. ઘણી કન્યાને પ્રેમમાં લલચાવાની પણ જરૂર ના પડે. અમર્યાદ ગરીબીમાં કુટુંબના જ લોકો તેને વેચી દેતા હતા અને વેચાયેલી ગંગાઓ પણ કોઠામાં પહોંચતી રહે છે.

કમાટીપુરા કે પછી કોલકાતા, દિલ્હી, લખનૌ, કાનપુરના કોઠામાં પુરાઈ ગયેલી યુવતીની પછી કોઈ ઓળખ રહેતી નથી. દેહવ્યાપાર કરનારો માત્ર દેહ રહી જાય છે, પણ તેમાંથી ઉમરાવજાન જેવી કોઈક આગળ વધે છે કોઠાની માલકણ પણ બને છે. કોઠામાં વેચાયા પછી ધીમે ધીમે તે કોઠાવાળી બને અને બીજી કન્યાઓને ખરીદતી થાય.

સૌરાષ્ટ્રના કોઈ ગામેથી આ જ રીતે કમાટીપુરામાં પહોંચી ગયેલી ગંગા થોડા વર્ષોમાં કોઠાવાલી બની ગઈ હતી અને હીરામંડીમાં તેનો કોઠો જાણીતો બન્યો હતો. મુંબઈની અંધારીઆલમની ચમક પણ સતત વધતી રહી હતી અને ફિલ્મોમાં પણ તે ચમકતી રહી હતી. એ ચમકદમક અને લાલા અને મસ્તાનના રાજકારણીઓ સાથેના સંબંધો અને સાઠગાઠ દાણચોરીથી આગળ વધીને દેશદ્રોહની આતંકવાદી પ્રવૃત્તિ સુધી પહોંચી હતી. તેના કારણે મુંબઈના માફિયા ડોન વિશે ઘણા પુસ્તકો લખાયા છે. એવી જ રીતે હુસૈન જૈદી અને જેન બોર્ગેસ મુંબઈમાં કેટલી નારીઓ પણ અંધારીઆલમની દાદીઓ બની હતી તેનું પુસ્તક લખ્યું છે. મુંબઈની લેડી ડોન લાલા કે મસ્તાન કે દાઉદ કે છોટા અને બડા રાજન ગવલી જેટલી કુખ્યાત થઈ શકી નહોતી, પણ તેમના વિશે જૈદી-બોર્ગેસના ‘માફિયા ક્વિન્સ ઑફ મુંબઈ’ સહિતના પુસ્તકો આવ્યા પછી થોડી ઘણી જાણીતી બની હતી. તેમાંથી એકાદ બે લેડી ડોન વિશેની ફિલ્મ બની પણ ચૂકી છે અને ગંગામાંથી ગંગુ કોઠાવાલી બનેલી લેડી ડોનની ફિલ્મ પણ બનવાની છે.

જોકે મુંબઈના ગુંડા જેવી ગંગુ ગુંડી નહોતી બની, પણ કોઠાવાલી અને કમાટીપુરાની પ્રવક્તા જેવી બની ગઈ હતી. લાલા કે મસ્તાનની મુલાકાત નેતાઓ સાથે હતી, તે રીતે ગંગુબાઈ પણ વડાપ્રધાન નહેરુને મળી હતી, પણ તેની કોઈ સત્તાવાર નોંધ રખાઈ નથી તેમ માફિયા ક્વિન્સ ઑફ મુંબઈના લેખકોનું કહેવું છે. ગંગુબાઈ એટલા માટે વડાપ્રધાનને મળી હતી કે કમાટીપુરામાંથી કોઠા બંધ કરાવી દેવાની માગણી થઈ હતી.

કમાટીપુરા વિસ્તારમાં સેન્ટ એન્થની ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ હતી. એક તરફ અહીં કન્યાઓ ભણવા આવે અને તે આવતા જતા જુએ કે તેમની જ ઉંમરની અભાગી કન્યાઓની હાલત શું થઈ રહી છે. સમાજના કહેવાતા અગ્રણીઓને આ સ્થિતિ અસહ્ય લાગતી હતી, પણ કહેવાતા અગ્રણીઓના આદર્શો પણ કહેવાતા જ હોય છે. તેમણે માગણી કરી કે કમાટીપુરામાં કોઠા બંધ કરો અને આ બધી કન્યાઓને અહીંથી હટાવો. તેમનું શું થશે કે બીજે ક્યાં જઈને દેહવ્યાપાર કરશે તેની તેમને ચિંતા નહોતી. ઉકરડો પોતાના ઘરની સામે ના હોવો જોઈએ બસ.

સ્કૂલના સંચાલકો અને વાલીઓએ ઝુંબેશ ચલાવી હતી. સરકાર પણ તૈયાર થઈ ગઈ હતી. કમાટીપુરામાંથી દેહવ્યાપાર કરનારી બધી નારીઓને ત્યાંથી હટાવી દેવાની હતી, પણ આવી રીતે તેને હટાવી દેવાશે તો તેમનું ભરણપોષણ કેવી રીતે થશે અને કોણ તેમની જવાબદારી લેશે તેવી માગણી સાથે ગંગુબાઈ રાજકારણીઓ અને નેતાને મળવા દોડી હતી.

પુસ્તકમાં જણાવ્યા અનુસાર નેતાઓ ડાહી ડાહી વાતો કરતા, સલાહ આપતા, આદર્શો અને સિદ્ધાંતો યાદ દેવરાતા અને કોઈ સારા જણને જોઈને સંસારમાં ઠરીઠામ થઈ જવું જોઈએ તેવું કહેતા હતા. લેખકોના જણાવ્યા અનુસાર ગંગુબાઈએ એવો જવાબ આપેલો કે વડાપ્રધાન આંચકો ખાઈ ગયા હતા. ગંગુબાઈએ કહ્યું હોવાનું કહેવાય છે કે તો તમે જ મારી સાથે લગ્ન કરી લો, હું તૈયાર છું.

ટૂંકમાં કમાટીપુરામાંથી કોઠા ના હટાવવા માટે ગંગુબાઈની આગેવાનીમાં લડત ચાલતી હતી ત્યારે નેતાઓ આવી જ સલાહ આપતા. પણ વેશ્યાઓ સાથે કોણ લગ્ન કરે, કોણ તેને ઠરીઠામ કરે? આ કડવી વાસ્તવિકતાનું ભાન ગંગુબાઈ નેતાઓને કરાવતી હતી. ગંગુબાઈ બહુ સારું બોલતી હતી, સમાજની કડવી વાસ્તવિકતાને મીઠીમાં વાણીમાં સમજાતી હતી, પણ વાસ્તવિકતા કડવી ને કડવી જ રહે છે.

ફિલ્મની નાયિકા ના બની શકી, પણ વાસ્તવિક જીવનમાં ગંગા નાયિકા બની હતી. કોઠાવાલી તરીકે નેતાઓ સાથે લડીને કમાટીપુરાને હટવા ના દીધું તે પછી તેને હવે કોઠાવાલી નહિ પણ મેડમ ગંગુની ઓળખ પણ મળી હતી. સોનાના ઘરેણાંથી લથબથ થઈને કારમાં લઈને ઠાઠથી મુંબઈમાં ફરતી હતી. મહિલા કલ્યાણની જેમ વેશ્યા માટે કલ્યાણના મુદ્દે આઝાદ મેદાનમાં સભાઓ કરી હતી અને ભાષણો આપ્યા હતા.

એક વિરોધાભાસ એ પણ હતો કે કમાટીપુરાના કોઠા તેણે તૂટવા ના દીધા, પણ કોઠામાં પોતાની જેમ વેચાવા આવતી ઘણી યુવતીઓને તેણે પાછી પણ મોકલી હતી. નેતાઓ સલાહ આપતા ત્યારે ગંગુ તેમને ચૂપ કરાવી દેતી કે તમે કોઈ વેશ્યા સાથે લગ્ન કરશો ખરા… પણ વાસ્તવિક જીવનમાં તેણે ઘણી યુવતીના લગ્ન કરાવેલા એવું કહેવાય છે. કદાચ પોતાની વાહવાહી માટે આવી કથાઓ ઊભી કરાઈ હશે કે ખરેખર શક્ય બન્યું હશે ત્યાં કેટલીક યુવતીઓના લગ્ન પણ કરાવી દીધા હશે. સાચી વાત એ પણ હતી કે કમાટીપુરા યથાવત રહ્યું હતું અને ત્યાં યુવતીઓ આવતી જ રહી હતી. ગંગા માટે ફરક એ પડ્યો હતો કે તે વધારે જાણીતી કોઠાવાલી બની હતી અને તેના મૃત્યુ પછી કોઠાઓમાં તેની તસવીરો રાખીને માન અપાતું રહ્યું હતું.

આ કામ એટલે વેશ્યાઓને મુક્ત કરાવવાનું કે તેને આ વ્યવસાયમાંથી મુક્ત કરાવવાનું ઓછું હતું, તેમની તકલીફો ઓછું કરવાનું હતું. કમાટીપુરામાં દલાલો અને ગુંડાઓ પડ્યાપાથર્યા રહેતા. સંજોગોએ સ્વીકારેલા સ્વશોષણ ઉપર આ લોકોનું પરિસ્થિતિજન્ય શોષણ થતું હતું. તેવી જ એક ઘટનાએ હકીકતમાં ગંગા દેહવેપારીમાંથી ગંગુબાઈ કોઠેવાલી હતી.

શૌકત ખાન નામનો પઠાણ કમાટીપુરામાં બહુ દાદાગીરી કરતો હતો. તેણે ગંગા પર બેવાર બળાત્કાર કર્યો હતો. દેહવેપાર કરનારી સ્ત્રી પર પણ બળાત્કાર થાય તે કેવી કફોડી સ્થિતિ અને કેવી વક્રતા કહેવાય! ગંગુબાઈ હજી સુધી સામાન્ય કોઠાવાળી જ હતી, પણ આ ઘટના પછી વળાંક આવ્યો. શૌકત ખાન કરીમ લાલાની ટોળીનો ગુંડો હતો. ગંગુભાઈ હિંમત કરીને કરીમ લાલા સુધી પહોંચી અને તેને ફરિયાદ કરી.

કથા અનુસાર કરીમ લાલાએ પોતાના માણસો મોકલ્યા અને શૌકત ખાન ફરીથી કોઠા પર હેરાનગતિ કરવા આવ્યો ત્યારે તેની જ બરાબરની ધોલાઈ હતી. પોતાની આ રીતે રક્ષા કરી એટલે ગંગુબાઈએ કરીમ લાલાને રાખડી બાંધી અને કમાટીપુરામાં તે હવે કરીમ લાલાની માનેલી બહેન તરીકે જાણીતી થઈ હતી. લાલાની ગુંડાટોળીની ધાક આખા મુંબઈમાં હતી ત્યારે હવે તેની બહેન બનેલી ગંગુબાઈની ધાક આખા કમાટીપુરામાં બેસી ગઈ હતી.

કરીમ લાલાની બહેનની ધાક તરીકે કમાટીપુરાના કોઠામાં શૌકત જેવા નાના ગુંડાઓની દાદાગીરી બંધ થઈ હતી. રોજ આવીને ધમાલ કરતાં લુખ્ખાઓને કાબૂમાં રાખવાનું સહેલું થયું હતું. તેના કારણે સામાન્ય કોઠાવાલીમાંથી ગંગુ મેડમ બની ગઈ હતી. તેના પરથી ફિલ્મ બનવાની છે એટલે મસાલેદાર ફિલ્મ બનશે. સાથેસાથે પ્રચાર માટે ગંગુબાઈ કોઠાવાલી અને કરીમ લાલા સાથેના તેના સંબંધો અને કદાચ કરીમ લાલા સાથેની તસવીર પણ હળવેક દઈને આવશે. આવશે ત્યારે તમનેય દેખાડીશું અને જણાવીશું.