ટીકટોક વાપરતા હો તો સંભાળજોઃ સરકારની છે નજર

મેરિકાની કંપનીઓને પેટમાં ચૂંક આવે તેવી રીતે ચીનની કંપનીઓ ઓનલાઇન લોકપ્રિય બની રહી છે. તેમાં એક છે ટીકટોક. દુનિયામાં યૂટ્યુબ જોનારા સૌથી વધુ ભારતીયો છે, તે રીતે ટીકટોક પણ સૌથી વધુ ભારતમાં જોવાય છે. આ કંઈ ખુશ થવા જેવી વાત નથી. આપણા દેશની કરુણાજનક સ્થિતિની વાત છે. અંગ્રેજોએ ભારતમાં અફિણ બનાવવાનો ઉદ્યોગ માટે ખોલ્યો હતો અને તેની પેટીઓની પેટી ભરીને ચીન લઈ જવાતી હતી. ચીનના લોકોને અફિણના રવાડે ચડાવીને તેને ખોખલું કરી નખાયું હતું.

ભારતનું યુવાધન અને પ્રૌઢો બધા જ કામધંધા પડતા મૂકીને વાહિયાત પ્રકારના વીડિયો મોબાઇલમાં જોતા થાય તેનાથી અમેરિકા અને ચીનની કંપનીઓને ધીકતી કમાણી છે, પણ દેશ કંગાળ થઈ જશે. ટીકટોક જોનારાને મંદબુદ્ધિના કહેવા પડે તેવી વાહિયાત પ્રકારની કન્ટેન્ટ તેમાં હોય છે. ને છતાંય લોકો તેને જોઈને ખીખીયાટા કર્યા કરે છે. એક જણ આપીને બીજાને લપાટ મારે અને છુપાઈ જાય. પાછો આવીને લપાટ મારે અને છુપાઈ જાય. ને ત્રીજી વાર પેલો માણસ પાછળ ફરીને લપાટ મારનારને લાત મારે અને ખેલ ખતમ. આવા વાનરવેડાં વારંવાર જોઈને ખીખીયાટા કરનારી પ્રજાના ધોરણ વિશે વિચારવું પડે.

પણ હવે ટીકટોક જોતા હો કે તેમાં ગંદી માનસિકતા અને હલકી હાસ્યવૃત્તિ ધરાવતા વીડિયો મૂકી રહ્યા હો તો સાવધાન થઈ જશો. સરકાર તેના પર નજર રાખી રહી છે અને ટીકટોક ચલાવતી કંપનીને કોણ આ વીડિયો બનાવીને મૂકી રહી છે તેની માહિતી માગીને એકાઉન્ટ બંધ પણ કરાવી રહી છે. હાલમાં થોડાં આંકડાં જાહેર થયા છે, તેમાં ખ્યાલ આવ્યો છે કે ટીકટોક કંપની પાસે એકાઉન્ટની વિગતો માગતી અને ગટર કક્ષાના વીડિયો દૂર કરાવવા માટે સૌથી વધુ માગણી ભારત સરકાર તરફથી થઈ છે.

ગયા વર્ષના આંકડાં છે અને પ્રથમ છ મહિનાના છે. આ વર્ષે આંકડાં વધી પણ શકે છે, કેમ કે સ્માર્ટ ફોનની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે અને થોડા વર્ષોમાં 85 કરોડે પહોંચવાની છે. સ્માર્ટફોનમાં જ આ દૂષણ વધ્યું છે. ડેટા સસ્તો થયો તેના કારણે આપણે રાજી થઈએ છીએ, પણ મોટા ભાગનો ડેટા મનનું રંજન કરનારા નહિ, પણ મનને દૂષિત કરનારા મનોરંજન જોવામાં વેડફાઇ રહ્યો છે. થોડો મોંઘો કરવાની વાત કર્યા પછી હજીય ડેટા ખાસ મોંઘો થયો નથી, તેથી 2020માં સરકાર આદિયો કાચ લઈને બેસશે અને કંપનીઓ પાસે માહિતી માગશે એમ કહી શકાય.
જાન્યુઆરીથી જૂન 2019 સુધીમાં 28 જેટલા દેશોએ ચીનની કંપની પાસે ટિકટોક યુઝર્સ અને તેના એકાઉન્ટ્સની માહિતી માગી હતી. તેમાં સૌથી વધુ માહિતી ભારતે માગી હતી. ભારત સરકારે કાનૂની પ્રક્રિયા દ્વારા અને કેટલાક સંજોગોમાં ઇમરજન્સી કેટલાક એકાઉન્ટ્સ વિગતો માગી હતી. ભારતે 107 અરજી મોકલીને 143 એકાઉન્ટ્સની વિગતો માગી હતી. આ આંકડો નાનો લાગતો હશે, પણ ટકાવારીમાં સૌથી મોટો છે. દુનિયાભરમાંથી આવેલી અરજીમાંથી ભારતની અરજીની સંખ્યા ત્રીજા ભાગ કરતાં વધારે હતી.

ભારત પછી બીજા નંબરે અમેરિકા સરકારે 79 માગણીઓ મૂકી હતી અને 255 એકાઉન્ટ્સની વિગતો માગી હતી. તે પછી જાપાન 35 અને જર્મની 12ની સંખ્યા સાથે હતા. તે પછીના દેશો તરફથી પાંચથી ઓછી માગણીઓ હતી, પણ ત્યાં ટિકટોક એટલું લોકપ્રિય નથી. ભારતે સૌથી વધુ માગણીઓ મૂકી હતી, પણ અમેરિકા આ બાબતમાં વધારે સજાગ અને ચોકસાઇ સાથે કામ કરે છે. ભારતે 107 માગણીમાં 143 એકાઉન્ટ્સની વિગતો માગી હતી, પણ અમેરિકાએ 79 અરજીમાં 255 એકાઉન્ટ્સની વિગતો માગી લીધી હતી.

અમેરિકાએ પાકું કામ કરીને મોકલ્યું હતું એટલે તેની માગણી પ્રમાણે 80 ટકા કિસ્સામાં પૂરતી માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. ભારતના કિસ્સામાં તે ટકાવારી 47 ટકા હતી. ભારતનું સરકારી તંત્ર કાચું કામ કરતી હોય છે તે આપણે જાણીએ છીએ. જોકે એકાઉન્ટ બંધ કરાવવાની બાબતમાં ભારતને વધારે સફળતા મળી છે, કેમ કે ભારતમાંથી મૂકાતા વીડિયો વાંધાજનક વધારે છે. ભારતે 9 એકાઉન્ટ્સ બંધ કરી દેવા માટે કંપનીને જણાવ્યું હતું. તેમાંથી 8 કંપનીએ બંધ કરી દીધા હતા અને બીજા એકાઉન્ટ્સમાં રહેલા વાંધાનજક 4 સામગ્રી દૂર કરવામાં આવી હતી. અમેરિકાએ 7 એકાઉન્ટ્સ બંધ કરવા કહ્યું હતું અને સાતેસાત કંપનીએ બંધ કરી દીધા હતા. જાપાને પાંચ એકાઉન્ટ્સ બંધ કરવા કહ્યું, તેમાંથી 4 કંપનીએ બંધ કર્યા હતા.


આ હજી શરૂઆત છે અને કંપનીએ પહેલીવાર ટ્રાન્સપરન્સી માટે આંકડાં જાહેર કર્યા છે, પણ આગામી સમયમાં તેની સંખ્યા વધી શકે છે. બીજા છ મહિનામાં કેટલા એકાઉન્ટ્સની ફરિયાદ થઈ અને કેટલા બંધ થયા તેની માહિતી હવે પછી આવશે. ત્યારે ખ્યાલ આવશે કે સરકાર કેટલીક ગંભીરતાથી નજર રાખી રહી છે અને કંપની કેટલી હદ સરકારનું માનવા તૈયાર છે. કંપનીને મળેલી કુલ ફરિયાદમાં ભારતની ફરિયાદ 36 ટકા હતી, તેનું એક કારણ એ પણ છે કે તેના કુલ યુઝર્સમાંથી 40 ટકા ભારતમાં છે. અમેરિકી કંપનીની જેમ ચીનની કંપનીઓ પણ ચાલાક થઈ ગઈ છે. અમેરિકી પદ્ધતિએ તેનું માર્કેટિંગ થાય છે. ઇરાદાપૂર્વક વિવાદો ઊભા કરીને લોકોને વીડિયો જોવા લલચાવામાં આવે છે. વધારે ગંદાં, વાહિયાત, વેવલા વીડિયો બનાવવા માટે મૂરખ લોકોને પૈસા આપીને તૈયાર કરવામાં આવે છે. સરકાર તેની સામે ફરિયાદ કરે અને આઇટી એક્ટ હેઠળ થોડા મહિના જેલમાં જવા પણ આવા લોકો તૈયાર હોય છે. મજૂરી કરનારાને બેપાંચ લાખ રૂપિયા મળતા હોય તો મજૂરી કરવાના બદલે છ મહિના જેલમાં રહી આવે, શું ફરક પડે છે? તે વીડિયોનો વિવાદ મીડિયામાં વધારે ચગે ત્યારે બીજા પાંચ લાખ યુઝર્સ વધી જાય છે.
આ વિષચક્ર એવું છે, જે ખાનગી કંપનીઓ વધારી રહી છે. સરકાર કાયદા કરે ત્યાં સુધીમાં તેની નાગચૂડ ફેલાઈ ચૂકી હોય છે. ડેટા પ્રોડેક્શન માટે અને ઓનલાઇન કન્ટેન્ટ માટે સરકારે ખરડો તૈયાર કર્યો છે. (જુઓ ચિત્રલેખાનો અગાઉનો અહેવાલ પર્સનલ ડેટા પ્રોટેક્શનઃ નામ સુરક્ષાનું, કામ માહિતી પચાવી પાડવાનું? https://bit.ly/36ZHvTG) તે શિયાળુ સત્રમાં સંસદમાં આવશે. અત્યારે સૌને મોકળું મેદાન છે. પોતાને ફાવે તેવા વીડિયો બનાવીને લોકો ઓનલાઇન મૂકે છે. આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય નથી, પણ અંધાધૂંધી છે. એક જૂથ બીજા જૂથને ગાળો દે છે અને બીજું જૂથ ત્રીજાને ઉઘાડું કરે છે.

તમે જાણીને ચોંકી જશો કે સ્ટ્રિમિંગ સર્વિસ તરીકે ઓળખાતી ઓનલાઇન મનોરંજનની દુનિયા બહુ મોટા પાયે નુકસાન કરવા તૈયાર થઈ ગઈ છે. આવી એક અમેરિકન કંપનીએ ભારતમાં કન્ટેન્ટ તૈયાર કરવા માટે 3000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. તમે આંકડો બરાબર જોયો – 3000 કરોડ રૂપિયામાં એવી સિરિઝો બનાવાશે જે પોર્ન કરતાંય બિભત્સ અને અશ્લિલ હશે. ફિલ્મ પર સેન્સર લાગુ પડે છે. આ ઓનલાઇન અનિયંત્રિત છે અને તેમાં નકરી ગંદકી પીરસવામાં આવે છે. કલાના નામે તેમાં હલકી કક્ષાની અશ્લિલ સામગ્રી પીરસવામાં આવે છે. શૃંગાર રસ સાથે તેને નાહવા-નીચોવાનો સંબંધ નથી. લોકોની વૃત્તિઓને ઉશ્કેરીને કંપનીઓ કમાણી કરી રહી છે. કમાણી સામેય વાંધો નથી, પણ પૈસા ગુમાવવા સાથે પ્રજા તરીકે આપણે બીજું શું શું ગુમાવીએ છીએ તે પણ વિચારવું પડે.


ટિકટોકનું વાહિયાત, ગંદું અને વિકૃત્ત મનોરંજન વાપરતા પહેલાં વિચારજો કે તમારો ટેસ્ટ કેવી રીતે બગડી રહ્યો છે. મનોરંજન માટે આપણા ડાયરાના કલાકારો ક્યાં ખોટા છે? તમને ખડખડાટ હસાવવા સાથે જ્ઞાનની બે વાત પણ કહેશે અને શીખ પણ આપશે. ટિકટોકનો વીડિયો તમને વિકૃત્તિની જ શીખ આપે છે એટલે સરકાર કાનૂની રાહે તેની સામે પગલાં લે કે ના લે, તમે તેને જોવાનું બંધ કરો. બંધ નહિ કરો તો સરકારે નજર રાખવાનું શરૂ કરી દીધું જ છે. કાયદો પસાર થશે તે પછી વધારે સત્તાવાર રીતે અને અધિકાર સાથે સરકાર કંપનીઓ પાસેથી તમારી માહિતી જાણી શકશે. કોઈને બ્લેકમેઇલ કરવા ઓનલાઇન કશુંક મૂકશો તો સરકાર તરત તમને પકડી શકશે. સરકારની નીતિની મુદ્દાસર ટીકા કરો, તેમાં તમને સહયોગ મળશે, પણ મનોરંજનના નામે વિકૃતિ મૂકશો અને સરકાર પકડી જશે ત્યારે તમને કોઈ ટેકો નહિ આપે. માટે સાવધાન…