નિર્ભયાનાં હત્યારાઓને 22 જાન્યુઆરીએ ફાંસી આપી નહીં શકાય

નવી દિલ્હી – 2012ની 16મી ડિસેંબરે દિલ્હીમાં મેડિકલ વિદ્યાર્થિની (જેને મિડિયા દ્વારા નિર્ભયા નામ આપવામાં આવ્યું છે) પર ગેંગરેપ કરી એની હત્યા કરવાના ગુનામાં અપરાધી જાહેર કરાયેલા ચાર જણને 22 જાન્યુઆરીએ ફાંસીએ લટકાવી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો છે અને એ માટેનું ડેથ વોરંટ પણ ઈસ્યૂ કરી દીધું છે, તે છતાં અપરાધીઓને 22મીએ ફાંસી આપવાનું કદાચ શક્ય નહીં બને, કારણ કે અપરાધીઓએ રાષ્ટ્રપતિને કરેલી દયાની અરજી પર નિર્ણય આવવાનો હજી બાકી છે.

આમ, નિર્ભયાનાં હત્યારાઓને ફાંસી આપવાનું લંબાઈ જવાની સંભાવના છે.

દિલ્હી સરકારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે નિર્ભયાનાં અપરાધીઓને 22મી જાન્યુઆરીએ ફાંસી આપવાનું શક્ય નથી, કારણ કે દયાની અરજી પર રાષ્ટ્રપતિએ હજી નિર્ણય લીધો નથી.

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ મનમોહન અને સંગીતા ઢીંગરા-સેહગલને કહ્યું કે ચારમાંના એક અપરાધી મુકેશે તેના ડેથ વોરંટને પડકારતી અરજી કરી છે.

તિહાર જેલના સત્તાવાળાઓના વકીલ તરીકે કોર્ટમાં ઉપસ્થિત થયેલા એડવોકેટ રાહુલ મેહરાએ કહ્યું કે 2012ના નિર્ભયા કેસના અપરાધીઓને 22 જાન્યુઆરીએ ફાંસી આપી શકાય એમ નથી.

મેહરાએ વધુમાં કહ્યું કે અપરાધીની દયાની અરજી રાષ્ટ્રપતિ નકારી કાઢે એ પછી જ ફાંસીની સજા પામેલા અપરાધીને લટકાવી દેવાનું નક્કી થઈ શકે.

મેહરાએ વધુમાં કહ્યું કે દયાની અરજી નકારી કાઢવામાં આવે તેના 14 દિવસ પછી જ અપરાધીઓને ફાંસી આપી શકાશે, કારણ કે અમારે નિયમનું અનુસરજ કરવું જ પડે. નિયમ કહે છે કે, દયાની અરજી નકારી કાઢવામાં આવે એ પછી અપરાધીઓને 14 દિવસની નોટિસ આપવી.