ભારતની પાક.ને સલાહઃ પોતાના દેશની સ્થિતિનો ખ્યાલ રાખો

નવી દિલ્હી: બે દિવસ પહેલા આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વિભિન્ન નેતાઓ સાથે મુલાકાતમાં જે પ્રકારે કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે તેને ભારતે નવી રીતે ફગાવ્યો છે. સ્વિત્ઝરલેન્ડના શહેર દાવોસમાં વિશ્વ આર્થિક મંચથી ઇતર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રંપે કાશ્મીર પર મદદની વાત મુદ્દે ભારતે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. અહીં ત્રીજા પક્ષની મધ્યસ્થતાને કોઇ સ્થાન નથી.

કાશ્મીર પર પાકિસ્તાનની નિવેદનબાજી પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકની ટિપ્પણીઓમાં કોઇ નવી વાત નથી. તે આમ તો ઘણા મહિનાઓથી બોલી રહ્યા છે. તેમના નિવેદન વિરોધાભાસી અને તથ્યોથી પરે છે. તેમના બેવડા માપદંડ અને હતાશાને દર્શાવે છે. પાકિસ્તાન એક તરફ તો પીડિત કાર્ડ રમે છે અને બીજી તરફ આતંકવાદીઓને આશરો આપે છે. જો તે ગંભીર છે તો આતંકવાદીઓ વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કેમ નથી કરતા? તેમને આ પ્રકારની નિવેદનબાજીથી બાજ આવતું નથી. પોતાના દેશના પડકારોનો કેવી રીતે સામનો કરવો, તેના પર ધ્યાન આપવું જોઇએ.