
પાકિસ્તાન-ચીન ‘ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન કરનાર’ દેશ: અમેરિકા
વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન કરનાર દેશોની યાદીમાં પાકિસ્તાન અને ચીનને પણ અન્ય આઠ દેશોની યાદીમાં સામેલ કર્યા. પોમ્પિઓએ એક નિવેદનમાં મ્યાનમાર, ઇરિટ્રિયા, ઇરાન, નાઇજિરિયા, ઉત્તર કોરિયા, સાઉદી અરેબિયા, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનની સાથે પાકિસ્તાન અને ચીનને ધાર્મિક રીતે લઘુમતી કોમોનાં લોકોની ધાર્મિક આઝાદીનું પદ્ધતિસર કે અન્ય પ્રકારના ઉલ્લંઘન કરતા દેશોની યાદીમાં મૂક્યા છે.
વિદેશ મંત્રાલયે કોમોરોસ, ક્યુબા, નિકારાગુઆ અને રશિયાને એક વિશેષ દેખરેખની યાદી (SWL)માં મૂક્યા છે, જ્યાં સરકારો ‘ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘન’ને ચલાવી લે છે. તેમણે કહ્યું હતું કે ‘ધાર્મિક સ્વતંત્રતા’ એક અધિકાર છે અને આધાર છે, જેના પર મુક્ત સમાજ નિર્મિત થઈને ફૂલેફાલે છે. પોમ્પિઓએ કહ્યું હતું કે આવશ્યક એવી ધાર્મિક સ્વતંત્રતા મેળવવા ઇચ્છતા લોકોનો બચાવ કરવા માટે ફરી એક વાર આ પગલું ભર્યું છે.
અમેરિકાએ અલ શબાબ, અલ-કાયદા, બોકો હરમ, હયાત તહરીર અલ-શામ, હૌથિસ, આઇએસઆઇએસ, આઇએસઆઇએસ-ગ્રેટર સહારા, આઇએસઆઇએસ-પશ્ચિમ આફ્રિકા, જમાત નસ્ર અલ ઇસ્લામ વાલ મુસ્લિમિન અને તાલિબાનને વિશેષ ચિંતાના રૂપે નામિત કર્યા છે. તેમણે કહ્યું હતું કે સુડાન અને ઉઝબેકિસ્તાનની સરકારોએ મહત્ત્વપૂર્ણ સુધારા કરતાં એમને વિશેષ દેખરેખની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. તેમના કાયદા અને સાહસિક સુધારા અન્ય રાષ્ટ્રો માટે દ્રષ્ટાંત સમાન છે.
સ્વ. દિવ્યા ભટનાગરનાં પતિ પર દેવોલીનાનો આરોપ
મુંબઈઃ ગઈ કાલનો દિવસ ટેલિવિઝન મનોરંજન ઉદ્યોગ માટે ઘણો દુઃખદ રહ્યો હતો. કારણ કે આ દિવસે હિન્દી ટીવી સિરિયલ અભિનેત્રી દિવ્યા ભટનાગર (34) દુનિયાને કાયમને માટે અલવિદા કરી ગઈ. એમનાં નિધનથી હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ છે. દિવ્યાને યાદ કરીને તેની ખાસ બહેનપણી અને અભિનેત્રી-ગાયિકા દેવોલીના ભટ્ટાચાર્જી ખૂબ દુઃખી થઈ છે અને એણે દિવ્યાનાં પતિ ગગન ગબરુ પર ઘરેલુ હિંસા, દિવ્યાની જાતીય સતામણી અને અનૈતિક સંબંધોના ગંભીર આરોપ મૂક્યા છે.
‘બિગ બોસ 13’ની સ્પર્ધક દેવોલીનાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર પોતાનું વિડિયો નિવેદન શેર કર્યું છે, જેમાં એ રડતાં રડતાં જણાવી રહી છે કે ગગન ગબરુ દિવ્યાની ખૂબ મારપીટ કરતો હતો અને એનું ઝવેરાત પચાવી પાડ્યું હતું. આવા શારીરિક તથા માનસિક ત્રાસને કારણે કોઈ પણ સ્ત્રી કોઈને કોઈ બીમારીનો ભોગ બની જાય અને આ તો કોરોના વાઈરસ જેવો જીવલેણ રોગ હતો. ગગન ગબરુના ત્રાસને કારણે જ દિવ્યાને ડાયાબિટીસ રોગ થઈ ગયો હતો. ગત્ કરવા ચોથના દિવસે પણ ગગને દિવ્યાની મારપીટ કરી હતી. દિવ્યાએ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં પણ ગગન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દેવોલીનાએ કહ્યું કે દિવ્યા ગગન ગબરુ સાથે લગ્ન કરે એની સામે તેનાં ઘરવાળા તેમજ પોતે સખત વિરોધમાં હતા, કારણ કે ગગન હિમાચલ પ્રદેશમાં છેડતીના કેસમાં છ મહિના જેલવાસ ભોગવીને આવ્યો હતો. પરંતુ દિવ્યા ગગનનાં પ્રેમમાં અંધ બની ગઈ હતી. દેવોલીનાએ ગગન ગબરુને ખુલ્લી ધમકી આપી છે કે પોતે એને પોલીસ અને સમાજમાં ઉઘાડો પાડીને જ રહેશે. ‘ગગન ગબરુ તેં મારી બહેનપણી દિવ્યાને એટલી બધી હેરાન કરી હતી કે તે આજે અમારી વચ્ચે રહી નથી. હવે હું તને ધમકી આપું છું કે તું જેલમાં જ સડીશ. હું હવે તને એક્સપોઝ કરને રહીશ,’ એમ તેણે વધુમાં કહ્યું છે.
દિવ્યાનાં પતિને એક્સપોઝ કરતો દેવોલીનાનો વિડિયો
‘ભારત-બંધ’ને મિશ્ર પ્રતિસાદઃ દેશભરમાં બજારો રાબેતા મુજબ ખૂલી
નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂત સંગઠનોએ આજે ઘોષિત કરેલા ‘ભારત બંધ’થી દેશભરમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ તથા માલની હેરફેરમાં કોઈ ખાસ માઠી અસર પડી નથી. હજારો ખેડૂતો છેલ્લા 13 દિવસોથી જેના હદ વિસ્તારોમાં વિરોધ-દેખાવ આંદોલન કરી રહ્યાં છે તે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બજારો રાબેતા મુજબ ખૂલી હતી. પંજાબમાં બંધની અસર સૌથી વધારે રહી. ત્યાં દુકાનો બંધ છે, હાઈવે પર ટ્રાફિક અટકાવવામાં આવ્યો છે.
મુંબઈમાં ઘણા ઉપનગરોમાં સવારે રોજના સમયે બજારો ખુલ્લી હતી, પરંતુ બપોરે રાજકીય પક્ષોના કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી. દાદર ઉપનગરની માર્કેટમાં મોટા ભાગની દુકાનો બંધ છે. નવી મુંબઈમાં APMC બંધ છે, પણ પુણેમાં ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં બંધની અસર નજીવી જોવા મળી છે.
દિલ્હીમાં હોલસેલ અને રીટેલ બજારોમાં રાબેતા મુજબ કામકાજ શરૂ કરાયું હતું.
રાજસ્થાનમાં ઘણે ઠેકાણે દુકાનો બંધ જોવા મળી હતી. છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, જમ્મુ-કશ્મીરમાં હોલસેલ અને રીટેલ બજારો ખુલ્લી હતી. ટ્રાન્સપોર્ટ પ્રવૃત્તિઓ પણ રાબેતા મુજબ રહી હતી.
ભારત-બંધઃ અમરેલીમાં કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીની અટકાયત
અમદાવાદઃ આજે ઓલ ઇન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે. ભાજપશાસિત ગુજરાતમાં બંધને સફળ બનાવવા માટે વિપક્ષ કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. અમરેલીમાં સ્કૂટર લઈને બંધ કરાવવા નીકળેલા રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની પોલીસે અટકાયત કરી છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અનેક શહેરોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
અમરેલીમાં પરેશ ધાનાણી અને કોંગ્રેસના સભ્યો એક કલાક સુધી વિવિધ બજારમાં ફર્યા હતા અને દુકાનદારોને દુકાનો બંધ રાખવા માટેની અપીલ કરી હતી. પોલીસ અને ધાનાણી વચ્ચે સંતાકૂકડી બાદ આખરે પોલીસે ધાનાણીની અટકાયત કરી લીધી હતી. આ સાથે કોંગ્રેસના અન્ય કાર્યકરોની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. તમામને બાદમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
વડોદરા નેશનલ હાઇવે, અમદાવાદ-માળિયા સ્ટેટ હાઇવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર દેખાવકારોએ ટાયર સળગાવ્યા હતા અને ચક્કા-જામ કર્યું હતું. દહેગામનાં ભૂતપૂર્વ ધારાસભ્ય કામિની બાનીની અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાન બોર્ડર બંધ કરાવવા જતાં અમીરગઢ પાસે કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની અટકાયત કરવામાં આવી છે.
ભારતનું અર્થતંત્ર ફરી જોરમાં આવશેઃ મુકેશ અંબાણી
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કહ્યું કે ભારતીય અર્થતંત્ર ફરી જોરમાં આવશે એટલું જ નહીં, પણ એ અભૂતપૂર્વ ગતિ સાથે વિકાસ પામશે. તેમણે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ-2020 વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં આમ જણાવ્યું હતું.
અંબાણીએ કહ્યુ કે દેશમાં હજી પણ 30 કરોડ જેટલા લોકો 2G ફોન જ વાપરી રહ્યા છે અને એમને સ્માર્ટફોન વાપરતા કરવા માટે તાકીદના નીતિવિષયક પગલાં લેવાની જરૂર છે. તેની સાથોસાથ, 5G સેવાને વહેલી તકે લોન્ચ કરવાની પણ જરૂર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભારત દેશ હવે પછીનો દાયકો ભરપૂર આત્મવિશ્વાસ સાથે આવકારશે.
અંબાણીએ કહ્યું કે ભારતમાં 2021ના બીજા હાફમાં 5G નેટવર્કની ક્રાંતિ લાવવામાં રિલાયન્સ જિયો પહેલ કરશે અને નવો ચિલો પાડશે. જિયોની 5G સર્વિસ પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના પ્રેરણાદાયી દૂરંદેશીપણાની સાબિતી બનશે.
કોરોનાના કેસોની સંખ્યા 97 લાખને પાર
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 97 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 26,567 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 385 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 96,03,770 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,40,958 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 91,78,946 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,045 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,83,866એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.19 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.
કોરોનાના દર્દીઓને પેટ ભરીને ભોજન કરવું ઘાતક
શિયાળામાં કોરોનાના દર્દીઓએ પેટ ભરીને ભોજન કરવું એ ઘાતક બની શકે છે. જેના લીધે દર્દીએ જીવ પણ ગુમાવવો પડે છે. શિયાળામાં ઠંડી વધતા કોરોનાના દર્દીઓનો મૃત્યુદર વધી શકે છે તેવી ભીતિ નિષ્ણાતો દ્વારા વ્યકત કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓને ઠંડીમાં એકસાથે પેટ ભરીને ભોજન કરવું જોઇએ નહી, જો આમ કરવામાં આવે તો આંતરડાંમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે. આથી ઓકિસજનનો વધુ વપરાશ થાય છે. જેના લીધે શરીરના અન્ય અવયવોને ઓકિસજનનો સપ્લાય પૂરતા પ્રમાણમાં મળતો નથી. શરીરના અન્ય અવયવોને ઓકિસજનનો સપ્લાય ઓછો મળવાથી તે દર્દી માટે ઘાતક બની શકે છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

WHO-ફાઉન્ડેશનના પ્રથમ CEO ભારતીય મૂળના અનિલ સોની
ન્યુ યોર્કઃ વિશ્વના મશહૂર આરોગ્ય નિષ્ણાત અને ભારતીય મૂળના અનિલ સોનીને નવરચિત WHO ફાઉન્ડેશનના પહેલા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફાઉન્ડેશન વિશ્વભરમાં આરોગ્ય સંબંધી પડકારોને હલ કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની સાથે મળીને કામ કરશે. ફાઉન્ડેશન દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોની આવતા વર્ષે પહેલી જાન્યુઆરીએ પદભાર સંભાળશે.
WHO ફાઉન્ડેશનનું હેડ ક્વાર્ટર જિનિવામાં છે, જેને આ વર્ષના મે મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. WHOને શક્તિશાળી બનાવવા માટે અને વધુ ફંડ એકત્ર કરવા માટે આ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. WHO ફાઉન્ડેશનમાં જોડાતાં પહેલાં અનિલ સોની હેલ્થકેર કંપની વિયાટ્રિઝમાં હતા. ત્યાં તેઓ ગ્લોબલ ઇન્ફેક્શન ડિસીઝના પ્રમુખ હતા. સોનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં સમગ્ર વિશ્વ આરોગ્યની દ્રષ્ટિએ એક કટોકટીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોના રોગચાળા સામે લડવા માટે મોટા પ્રમાણમાં ફંડની જરૂર છે.
The WHO Foundation @thewhof has appointed @_AnilSoni as its inaugural CEO.
The Foundation, an independent grant-making agency, was launched in May 2020 to work alongside WHO & the global health community to address the world’s most pressing global health challenges. pic.twitter.com/BrQtxg34Gc— World Health Organization (WHO) (@WHO) December 7, 2020
WHOના પ્રમુખ ડો. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસિસે સોનીને વિશ્વ આરોગ્યના ક્ષેત્રમાં સિદ્ધ ઇનોવેટર કહ્યા છે, જેમણે એચઆઇવી, એઇડ્સ અને અન્ય સંક્રમક બીમારીઓથી પીડિત સમુદાયોની વચ્ચે બે દાયકાથી વધુ સમય પસાર કર્યો છે.
ખેડૂતોપ્રેરિત આજે ભારત-બંધઃ સુરક્ષા વિશે કેન્દ્રની રાજ્યોને સૂચના
નવી દિલ્હીઃ હજારો ખેડૂતો, જેમાં મોટા ભાગના પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના છે, તેમણે નવા કૃષિ કાયદાઓને રદ કરવામાં આવે એવી માગણી સાથે આજે ભારત બંધની હાકલ કરી છે. ભારતીય કિસાન યૂનિયન (બીકેયૂ)એ ભારપૂર્વક જણાવ્યું છે કે આજનું દેશવ્યાપી આંદોલન સવારે 11 વાગ્યે શરૂ થશે બપોરે 3 વાગ્યે સમાપ્ત કરી દેવામાં આવશે, કારણ કે તેઓ જાહેર જનતાને અગવડ પડે એવું ઈચ્છતા નથી.
બીકેયૂના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે બંધના કલાકો દરમિયાન આવશ્યક સેવાઓને કોઈ અસર પહોંચાડવામાં નહીં આવે અને કામ પર જતા લોકો પણ મુક્તપણે આવ-જા કરી શકશે. તે છતાં ભારત બંધના ભાગરૂપે તેઓ રાષ્ટ્રીય પાટનગરમાં મુખ્ય માર્ગો પર ટ્રાફિક રોકશે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં શાકમાર્કેટો બંધ રહેશે, ઓલા-ઉબેર ટેક્સી સેવાઓ બંધ રહેશે, શાળા-કોલેજો બંધ રહેશે, બપોરે 3 વાગ્યા સુધી પેટ્રોલ-પમ્પ બંધ રહેશે, ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ રહેશે, તાકીદની સેવાઓ ચાલુ રહેશે, રીટેલ માર્કેટ-દુકાનો ખુલ્લી રહેશે, રેલવે સેવા ચાલુ રહેશે.
દરમિયાન, કેન્દ્ર સરકારે રાજ્યોની સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને સૂચના આપી છે કે તેઓ એમના સંબંધિત પ્રદેશોમાં સલામતીનો બંદોબસ્ત કડક રાખે અને સાથોસાથ શાંતિ અને એખલાસ જાળવે. સરકારો તે પણ ખાસ ધ્યાન રાખે કે આરોગ્ય અને સોશિયલ ડિસ્ટન્સિંગના સંદર્ભમાં કોવિડ-19ને લગતી માર્ગદર્શિકાઓનું પણ કડક રીતે પાલન કરવામાં આવે.












