‘ભારત-બંધ’ને મિશ્ર પ્રતિસાદઃ દેશભરમાં બજારો રાબેતા મુજબ ખૂલી

નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂત સંગઠનોએ આજે ઘોષિત કરેલા ‘ભારત બંધ’થી દેશભરમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ તથા માલની હેરફેરમાં કોઈ ખાસ માઠી અસર પડી નથી. હજારો ખેડૂતો છેલ્લા 13 દિવસોથી જેના હદ વિસ્તારોમાં વિરોધ-દેખાવ આંદોલન કરી રહ્યાં છે તે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બજારો રાબેતા મુજબ ખૂલી હતી. પંજાબમાં બંધની અસર સૌથી વધારે રહી. ત્યાં દુકાનો બંધ છે, હાઈવે પર ટ્રાફિક અટકાવવામાં આવ્યો છે.

મુંબઈમાં ઘણા ઉપનગરોમાં સવારે રોજના સમયે બજારો ખુલ્લી હતી, પરંતુ બપોરે રાજકીય પક્ષોના કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી. દાદર ઉપનગરની માર્કેટમાં મોટા ભાગની દુકાનો બંધ છે. નવી મુંબઈમાં APMC બંધ છે, પણ પુણેમાં ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં બંધની અસર નજીવી જોવા મળી છે.

મુંબઈના દાદર ઉપનગરનું દ્રશ્ય

દિલ્હીમાં હોલસેલ અને રીટેલ બજારોમાં રાબેતા મુજબ કામકાજ શરૂ કરાયું હતું.

રાજસ્થાનમાં ઘણે ઠેકાણે દુકાનો બંધ જોવા મળી હતી. છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, જમ્મુ-કશ્મીરમાં હોલસેલ અને રીટેલ બજારો ખુલ્લી હતી. ટ્રાન્સપોર્ટ પ્રવૃત્તિઓ પણ રાબેતા મુજબ રહી હતી.