Home Blog Page 4546

BSE-સ્ટાર-MF: નવેમ્બરમાં રૂ.370 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો

મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ પ્લેટફોર્મ BSE સ્ટાર એમએફ પર નવેમ્બર મહિનામાં પણ રૂ.370 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો છે, એની સામે નવેમ્બરમાં ઉદ્યોગમાં રૂ.12,917 કરોડની જાવક રહી છે, જે દર્શાવે છે કે BSE સ્ટાર એમએફ પર રોકાણકારોનો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો રહ્યો છે.

અત્યાર સુધીમાં ઓક્ટોબર, 2020માં આ પ્લેટફોર્મ પર મહિનાના સૌથી અધિક 76.74 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, એની સામે નવેમ્બરમાં 74.35 લાખ ટ્રાન્ઝેક્શન થયા છે.

વૈશ્વિક મહામારી  અને સતત લોકડાઉન્સ વચ્ચે પણ BSE સ્ટાર એમએફ AMCs, મેમ્બર્સ અને ક્લાયન્ટ્સને સરળ પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સની સર્વિસીસ પૂરી પાડી રહ્યુ્ં છે.

 એકંદરે પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2020-21ના આઠ મહિનામાં 96 ટકા ટ્રાન્ઝેક્શન એટલે કે 5.51 કરોડ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, જે નાણાકીય વર્ષ 2019-20ના સમકક્ષ ગાળામાં 5.75 કરોડ હતા.

સ્ટાર MF પર નવેમ્બર, 2020માં ટર્નઓવર આગલા વર્ષના સમકક્ષ મહિનાના રૂ.13,722 કરોડની સામે 70 ટકા વધીને રૂ.23,348 કરોડ થયું છે.  નવેમ્બર, 2020માં નેટ ઈક્વિટી ઈન્ફ્લો ઓક્ટોબર, 2020ના રૂ.1,033 કરોડથી 64 ટકા ઘટીને રૂ.370 કરોડનો રહ્યો છે. નવેમ્બર, 2020માં રૂ.87.32 કરોડની 3.47 લાખ નવી એસઆઈપી નોંધાઈ છે. કુલ એસઆઈપી બુક સાઈઝ 60.38 લાખની થઈ છે.

પાર્થિવ પટેલ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયો

અમદાવાદઃ વિકેટકીપર અને ડાબોડી બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટની રમતની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની આજે જાહેરાત કરી દીધી છે. એક સોશિયલ મિડિયા પોસ્ટમાં પાર્થિવે લખ્યું છે કે, હું મારી 18-વર્ષ લાંબી ક્રિકેટ સફર પર હવે પડદો પાડી દઉં છું.

પાર્થિવે 17 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 2002માં ઈંગ્લેન્ડ સામે ઈંગ્લેન્ડમાં તે ટેસ્ટ સિરીઝ હતી, જેમાં રમીને પાર્થિવે ટીમ ઈન્ડિયા વતી રમવાનું શરૂ કર્યું હતું. કારકિર્દી દરમિયાન એ 25 ટેસ્ટ, 38 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. તે છેલ્લે 2018ના જાન્યુઆરીમાં જોહાનિસબર્ગમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો, જેમાં ભારત જીત્યું હતું.

ભારત વતી રમવા ઉપરાંત પાર્થિવે 2015માં વિજય હઝારે ટ્રોફી સ્પર્ધામાં ગુજરાતનું નેતૃત્ત્વ કર્યું હતું. 2016માં રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં એણે મુંબઈ સામે 143 રન કર્યા હતા અને ગુજરાતને હાઈએસ્ટ સફળ રન-ચેઝવાળો સ્કોર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

કોરોનાના 32,080 નવા કેસો, 402નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 97 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 32,080 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 402 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 97,35,850 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,41,360 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 92,15,581 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,635 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,78,909એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.65 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

ગરીબ લોકોની સંખ્યા એક અબજને પાર પહોંચે એવી શક્યતા

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના એક નવા અભ્યાસમાં જણાયું છે કે કોવિડ-19 રોગચાળામાં ગંભીર પરિણામોને કારણે 2030 સુધી 20 કરોડ 70 લાખ લોકો ભયંકર ગરીબી તરફ જઈ શકે છે. જો આમ થયું તો દુનિયાભરમાં ગરીબ લોકોની સંખ્યા એક અબજને પાર પહોંચી જશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

અમદાવાદના વટવા-GIDCમાં કેમિકલ કંપનીઓમાં ભીષણ આગ

અમદાવાદઃ શહેરમાં મોડી રાત્રે વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસેની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની હતી. વટવા-વિંઝોલ રેલવે-ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઇઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ આસપાસની છ જેટલી કંપનીમાં પ્રસરી હતી. ફાયર બ્રિગેડનાં 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર સોલવન્ટમાં આગ પ્રસરતાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ફાયર અધિકારીઓનું કહેવું છે કે બંધ કંપનીમાં આગ લાગી હતી, જેના કારણે મોટી ખુવારી થઈ નથી, પરંતુ મોડી રાત્રે લાગેલી આગમાં ધડાકાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર પણ સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

20 જેટલા ઝૂંપડા બળીને ખાખ

વટવા જીઆઇડીસીમાં કેમિકલ્સ કંપનીમાં લાગેલી આગમાં બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું, જેમાં ધડાકાના અવાજ ઇસનપુર સુધી સંભળાયા હતા. આ ઘટનામાં રોડ પર પાર્ક વાહનો પણ આગમાં ભસ્મિભૂત થયાં છે.. આ દુર્ઘટનામાં આસપાસ રહેલાં 20 જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં.આ દુર્ઘટનામાં ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા, પરંતુ તેમની જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

 

 

 

નિર્મલા સીતારામન વિશ્વની 100-સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં

નવી દિલ્હીઃ અમેરિકાનાં જાણીતા બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની વર્ષ 2020 માટેની યાદી બહાર પાડવામાં આવી છે. એમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યાદીમાં અમેરિકાનાં નવાં ચૂંટાઈ આવેલાં ભારતીય મૂળનાં ઉપપ્રમુખ કમલા હેરિસ, બાયોકોન કંપનીનાં સંસ્થાપક કિરણ મઝૂમદાર શૉ અને એચસીએલ એન્ટરપ્રાઈઝનાં સીઈઓ રોશની નાડર-મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં નિર્મલા સીતારામનનો ક્રમાંક 41મો છે. રોશની નાડર 55મા અને કિરણ મઝૂમદાર શૉ 68મા નંબરે છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા આ 17મા વાર્ષિક રેન્કિંગ્સમાં લેન્ડમાર્ક ગ્રુપનાં ચેરપર્સન રેણુકા જગતિયાની 98મા નંબરે છે. દુનિયાની 100 સૌથી શક્તિશાળી કે વગદાર મહિલાઓની આ યાદીમાં સતત 10મા વર્ષે પહેલા સ્થાન પર જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ છે. તે ઉપરાંત ન્યૂઝીલેન્ડનાં વડાંપ્રધાન જેસિન્ડા આર્ડર્નનો પણ સમાવેશ છે.

રાશિ ભવિષ્ય 09/12/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજ મસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

૯ ડિસેમ્બર ૨૦૨૦

૯ ડિસેમ્બર ૨૦૨૦

મોડેલથી અભિનેતાઃ દિનો મોરિયો

પૂર્વ મોડેલ અને અભિનેતા દિનો મોરિયોનો આજે ૪૫મો જન્મ દિન છે. ૯ ડિસેમ્બર, ૧૯૭૫ના રોજ બેંગલોરમાં તેમનો જન્મ થયો હતો.

દિનો મોરિયો ઇટાલીયન પિતા અને કેરળના ભારતીય માતાના સંતાન છે. નિકોલો તેમના મોટા ભાઈ અને સેન્ટીનો તેમના નાના ભાઈ છે. કેરળથી એ બેંગલુરૂ આવીને વસ્યા. શરૂઆતમાં અહીં મિલીટરી સ્કૂલમાં ભણીને સેન્ટ જોસેફ્સ કોલેજમાં ગ્રેજ્યુએટ થયા. એ પછી ફેશન મોડેલ બન્યાં અને એક ફેશન કંપનીના મોડેલિંગ દરમિયાન જ તેમને પહેલી ફિલ્મની ઓફર મળી હતી.

સૌથી પહેલાં તેમણે ટીવી શ્રેણી ‘કેપ્ટન વ્યોમ’માં ‘સૈનિક’ની ભૂમિકા કરી હતી. એ પછી ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’માં રિંકી ખન્ના સાથે અભિનેતા તરીકે શરૂઆત કરી. રાજીવ મેનનની તમિલ ફિલ્મ ‘કાંડું કોન્ડેન કાંડું કોન્ડેન’માં તેમને બ્રેક-થ્રુ ભૂમિકા મળી હતી. ૨૦૦૨ની સફળ ફિલ્મ ‘રાઝ’ અને થ્રીલર ‘ગુનાહ’થી એ વધારે જાણીતા થયા. આ ઉપરાંત ‘બાઝ- એ બર્ડ ઇન ડેન્જર’, ‘શશશશ..’, ‘રક્ત’ કે ‘એસિડ ફેક્ટરી’માં પણ તેમણે અભિનય કર્યો હતો. ૨૦૧૦ની ‘ખતરોં કે ખિલાડી’ રિયાલીટી શોમાં સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો.

‘રાઝ’ની તેમની નાયિકા બનેલી બિપાશા બસુ સાથે તેમના ૧૯૯૬થી ૨૦૦૨ સુધી નીકટના સંબંધ રહ્યા હતા. આ બંને કલાકારોને તે ફિલ્મ માટે ડાયનેમિક ડ્યુઓનો ઝી સિને એવોર્ડ પણ મળ્યો હતો.

(નરેશ કાપડીઆ-સુરત)  

સ્વયંને ઓળખો અને હળવેથી ટકોરા મારો

બે હજાર વર્ષ પહેલાં કોઈ દિવ્યાત્મા એ એક સુંદર વાક્ય કહ્યું છે: “બારણે ટકોરા મારો અને એ તમારા માટે ખુલી જશે.” બે હજાર વર્ષ પહેલાં મનુષ્યનું મન ખુબ સરળ, સહજ અને પ્રકૃતિની નિકટ હતું. દ્વાર પર બસ, ટકોરા મારવાની સાથે જ દ્વાર ખૂલી જતાં હતાં. આજે માનવીનું મન અકળ બની ગયું છે. દ્વિધાથી ભરપૂર છે. આજના સમયમાં બારણાં પર ટકોરા મારવાથી નહીં ચાલે, બંધ બારણાં ને જોરશોરથી, મોટા અવાજ સાથે ખટખટાવવું પડશે.

એથી પણ પુરાતન કાળમાં, પાંચ હજાર વર્ષ પહેલાં બારણાં પર ટકોરા મારવાની પણ જરૂર ન હતી. તમારા આગમનની સાથે જ દ્વાર સ્વયં, આપમેળે ખૂલી જતાં હતાં. બારણાં ને સ્પર્શ કરવાની પણ જરૂર રહેતી ન હતી. પાંચ હજાર વર્ષ પહેલાં મનુષ્ય અત્યંત સરળ ભાવજગતની અવસ્થામાં જીવતો હતો. પરંતુ આજના સમયમાં તમે બારણું જોઈ જ નથી રહ્યા. તમારાં પોતાનાં ઘરની અંદર તમે જઈ નથી રહ્યા. તમારાં જ ઘરની બહાર તમે જાણે કેદ થઇ ગયા છો. તમારાં ઘરની અંદર જવા માટે તમારે બારણાં પર પ્રહાર કરવો પડશે, ટકોરાથી નહીં ચાલે.

બહારનાં જગત સાથે, અલગ અલગ બારણાંઓથી તમે સતત સંવાદ કરો છો. તમારું શરીર એક આવાસ છે અને તેમાં જુદાં જુદાં દ્વાર છે. દરેક દ્વારથી તમે બહારનાં જગત સાથે આદાન પ્રદાન કરી રહયાં છો. જગત તમારાં મનમાં આ દ્વાર દ્વારા પ્રવેશ કરે છે અને બહાર જાય છે. આવાગમન ચાલ્યા જ કરે છે. તમારી આંખો દ્વારા તમે આખાં વિશ્વને જુઓ છો. તમારી આંખો વડે બહારનું વિશ્વ તમારાં અંતર્જગતમાં પ્રવેશે છે.

એક પુષ્પ ને જુઓ છો તો શું થાય છે? પુષ્પ તો બહાર જ છે પરંતુ તેનું પ્રતિબિંબ તમારી ભીતર પ્રવેશ કરે છે. જયારે તમે લોકોને જુઓ છો ત્યારે તમે તમારી અંદર એમની સમગ્ર છબી ઉતારી લો છો. તે વ્યક્તિ તમારી ચેતનામાં ઉપસ્થિત હોય છે. તમે જે કઈં બહાર જુઓ છો તે બધું જ તમારી ભીતર પ્રતિબિંબ સ્વરૂપમાં જળવાય છે. તો આંખોના દ્વારથી બહારનું વિશ્વ તમારી અંદર પ્રવેશે છે. એ જ રીતે કર્ણેન્દ્રિય – કાન દ્વારા, શબ્દો વડે બહારનું જગત તમારી અંદર આવે છે. ભોજન, કેરી, કેળું આ બધા શબ્દો તમારા કાન દ્વારા તમારાં મનની અંદર સ્વરૂપ લે છે, શબ્દ દ્વારા એ વસ્તુઓને તમે મનની અંદર જોઈ શકો છો. તો પાંચ જ્ઞાનેન્દ્રિય એ પાંચ દ્વાર છે, જેના દ્વારા બહારનું વિશ્વ તમારી અંદર પ્રવેશ કરે છે. 

આ પાંચ દ્વાર ખુબ સુંદર છે. આ દ્વાર વડે આપણે કોઈ અનુભવનું સ્વાગત કરીએ છીએ તો કોઈ અનુભવને આપણી ભીતર પ્રવેશવા દેતાં નથી. એક રીતે જોઈએ તો આપણે આ દ્વાર ક્યારેય બંધ કરતાં જ નથી. આ એવાં બારણાં છે જેનો કોઈ ઉપયોગ નથી. આપણે જાણે ખુલ્લાં બારણાં સાથે, ખુલ્લી જગ્યામાં કોઈ રક્ષણ વગર જીવી રહયાં છીએ. કારણ આપણાં દ્વાર બહારનાં વિશ્વ પ્રતિ હંમેશા ખુલ્લાં હોય છે. પરંતુ બીજી રીતે જોઈએ તો આપણે ક્યારેય બારણાં ખોલ્યાં જ નથી. સ્વયં નો અનુભવ કરવા માટેનાં,આપણી ભીતર જવા માટેનાં દ્વાર આપણે ચુસ્તતાથી બંધ રાખ્યાં છે. આપણે જેટલાં બુદ્ધિજીવી બનીએ છીએ એટલાં વધુ ને વધુ દ્રઢતાથી ભીતર જવાનાં બારણાં બંધ રાખીએ છીએ.

લોકો જયારે સરળ હતાં ત્યારે તેઓ ભાવનાત્મક રીતે બધું જ “ફીલ” કરી શકતાં હતાં, તેઓ એક પુષ્પ પ્રત્યે ભાવ અનુભવી શકતાં હતાં, તેઓ શિશુ ને જોતાં અને પોતે શિશુ બની જતાં, તેઓ રંગોને જોતાં અને પ્રસન્નતાનો અનુભવ કરતાં હતાં. પરંતુ હવે આપણી લાગણીઓ માત્ર શબ્દ બની ગઈ છે. ઘણી વખત આપણી ભાવનાઓ સાચી નથી હોતી. હૃદયનાં ઊંડાણથી, મૂળભૂત સ્ત્રોતથી આપણી ભાવનાઓ હવે ઉદ્ભવતી નથી.

તમે એક પુષ્પને જુઓ છો ત્યારે તેની સુંદરતાને સાચે જ અનુભવતા નથી, પરંતુ તમારું મન કહે છે, આ કેટલું સુંદર પુષ્પ છે, આ માત્ર કોરા શબ્દો છે. સુંદરતા એક સંવેદન કે સ્પંદનને બદલે માત્ર એક વિભાવના, એક કૉન્સેપ્ટ બની ને રહી ગઈ છે. હૃદયપૂર્વક જો પુષ્પની સુંદરતાનો અનુભવ થાય તો વિસ્મય નો ઉદ્ભવ થાય, તમારી અંદર સુંદરતા સ્વયં નિખરી ઉઠે! 

પુરાતન સમયનો નિર્દોષ મનુષ્ય પ્રકૃતિને નિહાળ્યા કરતો, તેની સાથે એકલય થઇ જતો અને સ્વયં તરફ જવાનું, ભીતર જવાનું, અન્તર્યાત્રાનું દ્વાર તરત ખુલી જતું! કૃતજ્ઞતા તેનામાં પારાવાર છલકાતી, વિશ્વાસ અને શ્રદ્ધા ફૂલની જેમ ખીલી ઉઠતાં, અને આ બધું કોઈ પણ પ્રયાસ વગર થતું હતું. પરંતુ આજે આપણું અન્તર્યાત્રાનું દ્વાર સખ્તાઈ થી ભીડાયેલું છે. ટકોરા થી નહીં ખુલે! પ્રહાર કરવો પડશે તેને ખોલવા માટે! આપણે તો વિશ્વાસ પણ કરીએ છીએ તો શંકા સાથે કરીએ છીએ. આપણે આપણી જાત પર પણ શંકા કરીએ છીએ. આપણે આપણાં પોતાનાં મનને ઓળખતાં નથી. આપણે શું અનુભવ કરી રહ્યાં છીએ, તેના પ્રત્યે પણ આપણે સભાન નથી. આપણી સાથે શું ઘટિત થઇ રહ્યું છે તેના પ્રત્યે આપણે સજગ નથી.

આપણને એ શ્રદ્ધા નથી કે સૃષ્ટિનું સંચાલન કોઈ અદ્રશ્ય ચેતના, અદ્રશ્ય શક્તિ વડે થઇ રહ્યું છે. એ જ અદ્રશ્ય શક્તિ એક પુષ્પ, વૃક્ષો, વાદળ, સૂર્ય, ચંદ્ર તારાનું સંચાલન કરે છે. બ્રહ્માંડ નું કણ-કણ પ્રાણ ઉર્જાથી સિંચિત છે. આપણી આસપાસ જીવન વહે છે તો પણ આપણે જીવન પ્રત્યે વિશ્વાસથી ભરાઈ જતાં નથી. બ્રહ્માંડનાં ચૈતન્ય -જીવંતતા તરફ આપણું લક્ષ જતું નથી. બ્રહ્માંડ ને પણ આપણે પદાર્થ સ્વરૂપે જ જોઈએ છીએ. આપણે વધુ ને વધુ વસ્તુઓનો સંચય કરતાં રહીએ છીએ. જીવનને બદલે વસ્તુઓ તરફ જ આપણું ધ્યાન હોય છે. 

અંદર તરફ જવાનાં બારણાં સજ્જડ બંધ છે, તેને પ્રહાર કરીને ખોલી નાખો. જ્યાંથી બાહ્ય જગતની ધૂળ પ્રવેશે છે તે દ્વાર બંધ કરો અને જ્યાંથી સુગંધ, પ્રકાશ અને પ્રેમ પ્રવેશે છે તે દ્વાર ખોલો . ભીતરનાં કમાડ ને ખોલી દો , જુઓ કે ભીતર અનંત પ્રેમ વહે છે, શેની પણ ઉણપ નથી. તમારી ભીતર પ્રચુર વૈભવ છે. તમે પોતે સૂર્ય સમાન પ્રખર તેજસ્વી છો. . 

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પંચાંગ 09/12/2020