નિર્મલા સીતારામન વિશ્વની 100-સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં

નવી દિલ્હીઃ અમેરિકાનાં જાણીતા બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની વર્ષ 2020 માટેની યાદી બહાર પાડવામાં આવી છે. એમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યાદીમાં અમેરિકાનાં નવાં ચૂંટાઈ આવેલાં ભારતીય મૂળનાં ઉપપ્રમુખ કમલા હેરિસ, બાયોકોન કંપનીનાં સંસ્થાપક કિરણ મઝૂમદાર શૉ અને એચસીએલ એન્ટરપ્રાઈઝનાં સીઈઓ રોશની નાડર-મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં નિર્મલા સીતારામનનો ક્રમાંક 41મો છે. રોશની નાડર 55મા અને કિરણ મઝૂમદાર શૉ 68મા નંબરે છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલા આ 17મા વાર્ષિક રેન્કિંગ્સમાં લેન્ડમાર્ક ગ્રુપનાં ચેરપર્સન રેણુકા જગતિયાની 98મા નંબરે છે. દુનિયાની 100 સૌથી શક્તિશાળી કે વગદાર મહિલાઓની આ યાદીમાં સતત 10મા વર્ષે પહેલા સ્થાન પર જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ છે. તે ઉપરાંત ન્યૂઝીલેન્ડનાં વડાંપ્રધાન જેસિન્ડા આર્ડર્નનો પણ સમાવેશ છે.