
ઊર્જા માર્કેટમાં ફેરફારથી વેલ્થનું સર્જન થશેઃ અદાણી
અમદાવાદઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વિશ્વમાં ઊર્જા ઉત્પાદન અને ઉપભોગના પ્રકારમાં થઈ રહેલા બદલાવની એક ઝલક સાત ડિસેમ્બરે રજૂ કરી હતી. ઊર્જા બજારમાં નવાં વેપાર મોડલોના આવ્યા પછી મોટા ફેરફારો થવાની સંભાવના છે અને ઇતિહાસ આ સમયને ઊર્જા વેપારમાં પરિવર્તનશીલ યુગ તરીકે યાદ કરશે. મને આશા છે કે ઊર્જા બજારોમાં થઈ રહેલી ચહલપહેલ આગામી બે દાયકાઓમાં લાખો કરોડો ડોલરનું મૂલ્યથી વધુનું સર્જન કરશે અને એનાથી પણ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જે લોકોએ વીજઅછતનો સામનો કર્યો છે, તેમના માટે આ એક નવી આશા જન્માવશે, એમ તેમણે સિંગાપોરના ફિનટેક ફેસ્ટિવલ-2020માં કહ્યું હતું.
અદાણી ગ્રુપના વડા અદાણીએ ફોરમને કહ્યું હતું કે ઊર્જા ક્ષેત્રે થઈ રહેલાં ફેરફારો સ્ટીમ એન્જિન યુગની તુલનાએ ઘણા વિઘટનકારી છે. રિન્યુએબલ ઊર્જા પર મજબૂત વિશ્વાસ દર્શાવતાં તેમણે કહ્યું હતું કે ગ્રીન એનર્જીનાં સોલ્યુશન્સ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેના ઘટતા ભેદભાવ સાથે કેન્દ્રિત અને વિકેન્દ્રિત ધોરણે અર્થતંત્રોની કામગીરીનો દેખાવ કરે છે.
ઊર્જા ક્ષેત્રે થઈ રહેલી ઊથલપાથલ ઇલેક્ટ્રિફિકેશનની મોબિલિટી, બેટરી કેમિસ્ટ્રીનાં વિવિધ રૂપો, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ માગ રિસ્પોન્સ સિસ્ટમ્સ અને ડિજિટાઇઝેશનના ચરમ સ્તરોની સાથે આકાર લઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
વૈશ્વિક સ્ટાર્ટઅપ્સ, બિઝનેસ લીડર્સ, ઇન્વેસ્ટર્સ, ઇનોવેશન કોમ્યુનિટી અને ઇકોસિસ્ટમ પ્લેયર્સ સાથે વાત કરતાં અદાણીએ ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોસ ઓલાન્દે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2015માં CoP 21 સમીટના શિખર સંમેલનમાં ઐતિહાસિક શબ્દોનું આહવાન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સનું ગઠબંધન અભૂતપૂર્વ હતું, કેમ કે એના સામાન્ય ઉદ્દેશ માટે 121 દેશો એકજૂટ થયા હતા.
ભારતના ક્લાયમેટના લક્ષ્યાંકને પૂરા કરવા માટે તેમના દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીએ સૌર ઊર્જામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કંપનીએ માત્ર પાંચ જ વર્ષમાં જૂથ રિન્યુએબલ બિઝનેસમાં 2030 સુધીમાં 256 GW ક્ષમતાવાળી વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ કંપની બની જશે, એમ તેમણે કહ્યું હતું.
અમેરિકન એરલાઇન્સની ઘેરબેઠાં કોવિડ-19 પરીક્ષણની ઓફર
ન્યુ યોર્કઃ સરકારે વિમાન પ્રવાસ અંગે લાગુ કરેલા અનેક નિયંત્રણોનું લોકો પાલન કરી શકે એ માટે તેમને મદદરૂપ થવા માટે અમેરિકન એરલાઇન્સે સ્થાનિક પેસેન્જરોને ઘેરબેઠાં કોવિડ-19ના પરીક્ષણની સેવા આપવાનું શરૂ કરવાની છે. એરલાઇને ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર હોમ ટેસ્ટિંગ કંપની ‘LetsGetChecked’ સાથે ભાગીદારી કરી છે, જે પ્રવાસના ખર્ચ ઉપરાંત કોરોના ટેસ્ટ માટે 129 ડોલર ચાર્જ કરશે.
પ્રસ્થાન કે આગમન પૂર્વે કોરોના ટેસ્ટનું પરિણામ નેગેટિવ હોવું જોઈએ એવા મુખ્ય સરકારી નિયંત્રણને કારણે ઘેરબેઠાં કોરોના ટેસ્ટની સુવિધા પ્રવાસીઓને ઘણી મદદરૂપ થશે. વળી, આ સુવિધા પ્રવાસીઓને ખૂબ મદદરૂપ એ રીતે થશે કે અમેરિકાના ઘણા ભાગોમાં કોરોના ટેસ્ટ કરાવવા ખૂબ દૂર જવું પડે છે. અમેરિકન એરલાઇન્સ આ પહેલાં યુકે, બેલિઝ અને ચિલી જેવાં દેશોમાં જતા પ્રવાસીઓને ઘેરબેઠાં કોવિડ-19 પરીક્ષણો કરી આપવાની સુવિધા આપી ચૂકી છે.

LetsGetChecked’sની કોરોના પરીક્ષણ કિટમાં એક નેસલ સ્વાબનો સમાવેશ કરાયો હોય છે, એટલે ગ્રાહકોએ એમના ઘરમાં જ એક સેમ્પલ લેવાનું હોય છે અને પલીમરેઝ ચેઈન રીએક્શન (પીસીઆર) ટેસ્ટ માટે મેઇલ (યુપીએસનો ઉપયોગ કરીને) દ્વારા મોકલવાનું હોય છે. અમેરિકન એરલાઇન્સ ઘરેલુ ઉડાનો માટે ઘેરબેઠાં કોરોના પરીક્ષણ કરાવી આપનાર પહેલી કંપની છે.
વટવામાં લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ
અમદાવાદઃ શહેરના વટવા જીઆઇડીસીમાં વિંઝોલ નજીક આવેલી ફેકટરીમાં મોડી રાત્રે લાગેલી આગ એટલી ભયાનક હતી કે બુધવારની સાંજ સુધી ફાયર બ્રિગેડની ટીમો ઠારવા મથામણ કરી રહી હતી. આગ અને ધુમાડાના કારણે સમગ્ર વટવા વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેમ જ આંખોમાં બળતરા થતી હતી.
વિંઝોલ નજીકની ફેકટરીમાં ધડાકા સાથે લાગેલી આગથી આખાય વિસ્તારના માર્ગો ઓરેન્જ દેખાતા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ફેકટરીમાં લાગેલી આગથી ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ ગઈ હતી અને સાથે ચાની હોટેલ, સિમેન્ટ-કોંક્રીટનું મશીન અને બે આઇશર ગાડીઓ જેવી અનેક વસ્તુઓ બળી ગઈ હતી.
આ વિસ્તારના નિષ્ણાતોના મત મુજબ જો બાજુની જ નવી તૈયાર થઇ રહેલી ફેક્ટરીમાં જો આગ વધારે પ્રસરી હોત તો મોટી હોનારત સર્જાઈ હોત. મોડી રાત્રે લાગેલી આગને બુઝાવવા ફાયર બ્રિગેડની ટીમો સ્નોરકેલ તેમ જ અત્યાધુનિક સાધનોથી તમામ બાજુએથી પ્રયાસ કરતા હતા, એમ છતાં બુધવારની સાંજ સુધી આગ પર સંપૂર્ણ રીતે કાબૂ નહોતો મેળવી શકાયો.
(પ્રજ્ઞેશ વ્યાસ)
Chitralekha Marathi – December 14, 2020
પાર્થિવ પટેલ માટે ગર્વ છેઃ ધનરાજ નથવાણી (જીસીએ-ઉપપ્રમુખ)
અમદાવાદઃ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી આજે નિવૃત્તિ જાહેર કર્યા બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.)ના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે કે જીસીએ પાર્થિવ પટેલ માટે ગર્વની લાગણી અનુભવે છે.
એક નિવેદનમાં નથવાણીએ કહ્યું કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પાર્થિવ પટેલ અંગે ગર્વ અનુભવે છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ને પ્રસિદ્ધિ અપાવી છે. તેણે ભારત માટે 25 ટેસ્ટ, 38 વન-ડે ઇન્ટરનેશનલ અને ટ્વેન્ટી-20 મેચો રમી છે. 2002માં ભારતના ઈંગ્લેન્ડના પ્રવાસ વખતે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરીને ભારતના સૌથી નાની વયના ટેસ્ટ વિકેટકીપર બનવાનું તેણે બહુમાન મેળવ્યું હતું.
નથવાણીએ વધુમાં જણાવ્યું કે પાર્થિવ પટેલની કપ્તાનીમાં જી.સી.એ.ની ટીમે 60 વર્ષ બાદ પ્રથમ વખત રણજી ટ્રોફી જીતી હતી. સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ની ટીમે વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વિજય મેળવ્યો ત્યારે પણ ટીમનું નેતૃત્વ પાર્થિવ પટેલે જ કર્યું હતું. અમે ક્રિકેટના વિકાસ અને વૃદ્ધિમાં તેમના પ્રદાનની નોંધ લઈએ છીએ અને પ્રશંસા કરીએ છીએ અને તેઓ ભવિષ્યના આયોજનમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.
Congratulations to Parthiv Patel for an illustrious career. One of the youngest wicketkeeper to have played for #India, you have achieved many milestones & made an immense contribution for #TeamIndia & #Gujarat Team. Wish you a great life ahead. #ParthivPatel @parthiv9 @BCCI pic.twitter.com/sz86XJ2iWd
— Dhanraj Nathwani (@DhanrajNathwani) December 9, 2020
Thanks for Your Services form Nation and Gujarat Cricket Association, You are true Inspiration for young of Gujarat State. @parthiv9 https://t.co/6D2AnqXbDa
— Gujarat Cricket Association (@CricketGujarat) December 9, 2020
વોટ્સએપમાં વોલપેપરનું નવું ફીચર; આ રીતે ઉપયોગ કરો…
નવી દિલ્હીઃ વોટ્સએપ ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસે તેના પ્લેટફોર્મ પર કેટલાંક નવાં ફીચર્સ ઉમેર્યાં છે, જેમાંનું એક વિવિધ રંગના વોલપેપરના નવાં સેટિંગ્સનું છે. વોટ્સએપ વોલપેપરને કુલ ચાર પ્રકારનાં નવાં અપડેટ્સ મળ્યાં છે. આમાં કસ્ટમ ચેટ વોલપેપર્સથી માંડીને એડિશનલ ડૂડલ વોલપેપર્સ, સ્ટોક વોલપેપર ગેલેરીના અપડેટ અને લાઇટ અથવા ડાર્ક મોડ માટે અલગ-અલગ વોલપેપર્સ પસંદ કરવા જેવી સુવિધા છે.
એ અપડેટ દ્વારા હવે દરેક ચેટ માટે અલગ-અલગ વોલપેપર્સ સેટ કરી શકાય છે. એનાથી ન માત્ર તમારા વોટ્સએપ ચેટનો લુક બદલાઈ જશે, બલકે તમે અચાનક ખોટા ચેટમાં મેસેજ કરવાથી બચી શકાશે. વોટ્સએપે નવા અપડેટ મોટા ભાગે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે જારી કરી દીધાં છે. એટલા માટે નવાં ફીચર્સનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે તમે એપને અપડેટ કરી લો.
| આવો જાણીએ કઈ રીતે તમે વોટ્સએપ પર દરેક ચેટ માટે અલગ-અલગ વોલપેપર સેટ કરી શકો છો. આ રીતે એન્ડ્રોઇડ અને iફોન- બંને માટે કામ કરશે. આવામાં અલગ-અલગ વોલપેપર સેટ કરો.
સ્ટેપ 1: સૌથી પહેલાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવા માટે વોટ્સએપને ગૂગલ પ્લેથી અપડેટ કરો. સ્ટેપ 2: હવે તમે એ ચેટ ઓપન કરો, જેનું તમે વોલપેપર બદલવા ઇચ્છો છો. સ્ટેપ 3: એ પછી તમારે કોન્ટેક્ટ નેમ પર ટેપ કરવાનું છે, જેનાથી કોન્ટેક્ટ ઇન્ફો ખૂલી જાય છે. સ્ટેપ 4: હવે તમારે Wallpaper ઓપ્શન પર જવાનું છે. સ્ટેપ 5: એ પછી choose a New Wallpaper પર ટેપ કરો.તમે વોટ્સએપ પર લેટેસ્ટ સ્ટોક વોલપેપર્સમાંથી કોઈ એક પસંદ કરી શકો છો. સ્ટેપ 6: જો તમે વોટ્સએપના વોલપેપર્સ પસંદ ન આવે તો ફોનની ગેલેરીમાંથી તમે ફોટાની પસંદગી કરી શકો છો. સ્ટેપ 7: આ પ્રક્રિયા તમે અન્ય ચેટ્સ માટે અપનાવી શકો છો. |
શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા ‘ઓનલાઇન બુક ટોક ક્લબ’નો પ્રારંભ
અમદાવાદઃ અમદાવાદસ્થિત ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા “શાંતિ બિઝનેસ સ્કૂલ” દ્વારા ઓનલાઇન બુક ટોક ક્લબ “મંથન”ની હાલમાં જ સ્થાપના કરવામાં આવી છે. લોકો પોતાનું જ્ઞાન બીજા સાથે વહેંચી શકે અને વિદ્યાર્થીઓમાં પુસ્તક વાચનની આદત પડે એ માટે “મંથન” બુક ટોક ક્લબની સ્થાપના પાછળનો હેતુ છે. “મંથન” બુક ટોક ક્લબ અંતર્ગત સમયાંતરે વિશ્વનાં વિવિધ ભાષા અને વિષયોનાં પુસ્તકો અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ નજીકના સમયમાં વાંચેલા કોઈ પણ ભાષા અને વિષયના પુસ્તક અંગે ચર્ચા કરી શકશે.
આ અંગે ” શાંતિ બિઝનેસ સ્કૂલ”ના ડિરેક્ટર ડો. નેહા શર્માએ જણાવ્યું હતું કે “પુસ્તકો માત્ર જ્ઞાનનો ખજાનો નથી, પરંતુ એ આ વિશ્વના મહાન જ્ઞાનીઓ સાથે જોડાવાની સૌથી સહેલી રીત છે. ‘મંથન’નો હેતુ અમારા મેનેજર્સ વિદ્યાર્થીઓના વિચાર,પરિપ્રેક્ષ્ય અને જ્ઞાનની ક્ષિતિજને વિસ્તૃત કરવાનો છે.”
“મંથન” ક્લબના ઉદ્દઘાટનમાં ડો.પ્રશાંત પરીકે “અનીશા મોટવાણી” દ્વારા લખાયેલા “સ્ટોર્મ ધ નોર્મ – અનટોલ્ડ સ્ટોરીઝ ઓફ 20 બ્રાન્ડ્સ” પુસ્તક પર ચર્ચા કરી હતી. પ્રશાંત પરીકે પોતાની વાતોમાં ભારતની કેટલીક લેગસી બ્રાન્ડ્સની જર્ની શેર કરી અને કેવી રીતે આ બ્રાન્ડ્સ બજારમાં ઉદ્દભવતી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી આગળ આવી એ અંગે જણાવ્યું હતું. વધુમાં, તેમણે પીવીઆર સિનેમા, કુરકુરે, ટાટા ટી અને કેડબરી જેવી બ્રાન્ડની સફળતા વિષે વિગતવાર ચર્ચા કરી હતી.
ખેડૂતોએ કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ સર્વાનુમતે ફગાવી દીધો
નવી દિલ્હીઃ વિવાદાસ્પદ બનેલા નવા કૃષિ કાયદાઓમાં ફેરફારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો ખેડૂતોએ સર્વાનુમતે અસ્વીકાર કર્યો છે. તૈયાર થયેલા પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ – MSP)ની હાલની પદ્ધતિ ચાલુ રાખવાની સરકારે લેખિતમાં ખાતરી આપી તે છતાં ખેડૂત સંગઠનોના આગેવાનોએ રચેલા સંયુક્ત કિસાન મોરચાએ પ્રસ્તાવને ફગાવી દીધો છે. સરકારે તેમને આ પ્રસ્તાવ આજે સવારે આપ્યો હતો.
ખેડૂત સંગઠનોના આગેવાનોએ બાદમાં તેની પર વિગતવાર ચર્ચા કરી હતી અને આખરે નિર્ણય લીધો કે આ પ્રસ્તાવ સ્વીકારવાને લાયક નથી. જ્યાં સુધી સરકાર આ કાયદાઓને રદ ન કરે ત્યાં સુધી દિલ્હીના હદ વિસ્તારમાં શાંત દેખાવો-આંદોલન ચાલુ રાખવાનું પણ તેમણે નક્કી કર્યું છે. ખેડૂતોના 13 સંગઠનો સાથે સંકળાયેલા હજારો છેલ્લા એક પખવાડિયાથી આ આંદોલન પર બેઠાં છે.
ખેડૂતોએ એમ પણ કહ્યું છે કે તેઓ 12 ડિસેમ્બરે દિલ્હી-જયપુર હાઈવે પર વાહનોને અટકાવશે અને 14 ડિસેમ્બર સુધીમાં આંદોલનને વ્યાપક બનાવાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ખેડૂત આગેવાનોની ગઈ કાલ સાંજની બેઠક પણ નિષ્ફળ ગઈ હતી.












