પાર્થિવ પટેલ માટે ગર્વ છેઃ ધનરાજ નથવાણી (જીસીએ-ઉપપ્રમુખ)

અમદાવાદઃ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી આજે નિવૃત્તિ જાહેર કર્યા બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.)ના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે કે જીસીએ પાર્થિવ પટેલ માટે ગર્વની લાગણી અનુભવે છે.

એક નિવેદનમાં નથવાણીએ કહ્યું કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પાર્થિવ પટેલ અંગે ગર્વ અનુભવે છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ને પ્રસિદ્ધિ અપાવી છે. તેણે ભારત માટે 25 ટેસ્ટ, 38 વન-ડે ઇન્ટરનેશનલ અને ટ્વેન્ટી-20 મેચો રમી છે. 2002માં ભારતના ઈંગ્લેન્ડના પ્રવાસ વખતે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરીને ભારતના સૌથી નાની વયના ટેસ્ટ વિકેટકીપર બનવાનું તેણે બહુમાન મેળવ્યું હતું.

નથવાણીએ વધુમાં જણાવ્યું કે પાર્થિવ પટેલની કપ્તાનીમાં જી.સી.એ.ની ટીમે 60 વર્ષ બાદ પ્રથમ વખત રણજી ટ્રોફી જીતી હતી. સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ની ટીમે વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વિજય મેળવ્યો ત્યારે પણ ટીમનું નેતૃત્વ પાર્થિવ પટેલે જ કર્યું હતું. અમે ક્રિકેટના વિકાસ અને વૃદ્ધિમાં તેમના પ્રદાનની નોંધ લઈએ છીએ અને પ્રશંસા કરીએ છીએ અને તેઓ ભવિષ્યના આયોજનમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.