અમેરિકન એરલાઇન્સની ઘેરબેઠાં કોવિડ-19 પરીક્ષણની ઓફર  

ન્યુ યોર્કઃ સરકારે વિમાન પ્રવાસ અંગે લાગુ કરેલા અનેક નિયંત્રણોનું લોકો પાલન કરી શકે એ માટે તેમને મદદરૂપ થવા માટે અમેરિકન એરલાઇન્સે સ્થાનિક પેસેન્જરોને ઘેરબેઠાં કોવિડ-19ના પરીક્ષણની સેવા આપવાનું શરૂ કરવાની છે. એરલાઇને ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર હોમ ટેસ્ટિંગ કંપની ‘LetsGetChecked’ સાથે ભાગીદારી કરી છે, જે પ્રવાસના ખર્ચ ઉપરાંત કોરોના ટેસ્ટ માટે 129 ડોલર ચાર્જ કરશે.

પ્રસ્થાન કે આગમન પૂર્વે કોરોના ટેસ્ટનું પરિણામ નેગેટિવ હોવું જોઈએ એવા મુખ્ય સરકારી નિયંત્રણને કારણે ઘેરબેઠાં કોરોના ટેસ્ટની સુવિધા પ્રવાસીઓને ઘણી મદદરૂપ થશે. વળી, આ સુવિધા પ્રવાસીઓને ખૂબ મદદરૂપ એ રીતે થશે કે અમેરિકાના ઘણા ભાગોમાં કોરોના ટેસ્ટ કરાવવા ખૂબ દૂર જવું પડે છે. અમેરિકન એરલાઇન્સ આ પહેલાં યુકે, બેલિઝ અને ચિલી જેવાં દેશોમાં જતા પ્રવાસીઓને ઘેરબેઠાં કોવિડ-19 પરીક્ષણો કરી આપવાની સુવિધા આપી ચૂકી છે.

LetsGetChecked’sની કોરોના પરીક્ષણ કિટમાં એક નેસલ સ્વાબનો સમાવેશ કરાયો હોય છે, એટલે ગ્રાહકોએ એમના ઘરમાં જ એક સેમ્પલ લેવાનું હોય છે અને પલીમરેઝ ચેઈન રીએક્શન (પીસીઆર) ટેસ્ટ માટે મેઇલ (યુપીએસનો ઉપયોગ કરીને) દ્વારા મોકલવાનું હોય છે. અમેરિકન એરલાઇન્સ ઘરેલુ ઉડાનો માટે ઘેરબેઠાં કોરોના પરીક્ષણ કરાવી આપનાર પહેલી કંપની છે.