અમદાવાદના વટવા-GIDCમાં કેમિકલ કંપનીઓમાં ભીષણ આગ

અમદાવાદઃ શહેરમાં મોડી રાત્રે વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસેની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની હતી. વટવા-વિંઝોલ રેલવે-ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઇઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ આસપાસની છ જેટલી કંપનીમાં પ્રસરી હતી. ફાયર બ્રિગેડનાં 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર સોલવન્ટમાં આગ પ્રસરતાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ફાયર અધિકારીઓનું કહેવું છે કે બંધ કંપનીમાં આગ લાગી હતી, જેના કારણે મોટી ખુવારી થઈ નથી, પરંતુ મોડી રાત્રે લાગેલી આગમાં ધડાકાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર પણ સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

20 જેટલા ઝૂંપડા બળીને ખાખ

વટવા જીઆઇડીસીમાં કેમિકલ્સ કંપનીમાં લાગેલી આગમાં બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું, જેમાં ધડાકાના અવાજ ઇસનપુર સુધી સંભળાયા હતા. આ ઘટનામાં રોડ પર પાર્ક વાહનો પણ આગમાં ભસ્મિભૂત થયાં છે.. આ દુર્ઘટનામાં આસપાસ રહેલાં 20 જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં.આ દુર્ઘટનામાં ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા, પરંતુ તેમની જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.