WHO-ફાઉન્ડેશનના પ્રથમ CEO ભારતીય મૂળના અનિલ સોની

ન્યુ યોર્કઃ વિશ્વના મશહૂર આરોગ્ય નિષ્ણાત અને ભારતીય મૂળના અનિલ સોનીને નવરચિત WHO ફાઉન્ડેશનના પહેલા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફાઉન્ડેશન વિશ્વભરમાં આરોગ્ય સંબંધી પડકારોને હલ કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની સાથે મળીને કામ કરશે. ફાઉન્ડેશન દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોની આવતા વર્ષે પહેલી જાન્યુઆરીએ પદભાર સંભાળશે.

WHO ફાઉન્ડેશનનું હેડ ક્વાર્ટર જિનિવામાં છે, જેને આ વર્ષના મે મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. WHOને શક્તિશાળી બનાવવા માટે અને વધુ ફંડ એકત્ર કરવા માટે આ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે.  WHO ફાઉન્ડેશનમાં જોડાતાં પહેલાં અનિલ સોની હેલ્થકેર કંપની વિયાટ્રિઝમાં હતા. ત્યાં તેઓ ગ્લોબલ ઇન્ફેક્શન ડિસીઝના પ્રમુખ હતા. સોનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં સમગ્ર વિશ્વ આરોગ્યની દ્રષ્ટિએ એક કટોકટીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોના રોગચાળા સામે લડવા માટે મોટા પ્રમાણમાં ફંડની જરૂર છે.

WHOના પ્રમુખ ડો. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસિસે સોનીને વિશ્વ આરોગ્યના ક્ષેત્રમાં સિદ્ધ ઇનોવેટર કહ્યા છે, જેમણે એચઆઇવી, એઇડ્સ અને અન્ય સંક્રમક બીમારીઓથી પીડિત સમુદાયોની વચ્ચે બે દાયકાથી વધુ સમય પસાર કર્યો છે.