Home Blog Page 4306

રાશિ ભવિષ્ય 04/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

આઠ બેઠકોની પેટા-ચૂંટણીઃ શાંતિપૂર્ણ મતદાન, સરેરાશ 58.14%

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થયું છે. કયાંક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે તો કયાંક મતદાન નીરસ રહ્યું છે. આ પેટા ચૂંટણીમાં આઠે બેઠકો ઉપર 81 ઉમેદવારો સ્પર્ધામાં છે. ત્યારે રાજકીય વિશ્લેષકો હવે મતદાનને લઇને મંથન શરૂ કર્યું છે. રાજ્યમાં સરેરાશ 58.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે ડાંગમાં 74.71 ટકા મતદાન નોંધાયું છે. કુલ જયારે સૌથી ઓછું ધારી બેઠક પર 45 ટકા મતદાન થયું છે.

મતદાન મથક મતદાન (ટકાવારીમાં)
કપરાડા  67.34
 ધારી  45.74
 ડાંગ 74.71
કરજણ  65.94
 મોરબી  51.88
અબડાસા 61.31
ગઢડા 47.86
 લીંબડી  56.04

 

મોરબીમાં 20 જગ્યાએ EVMમાં ખરાબી

મોરબીમાં 20 જગ્યાએ EVMમાં ખરાબી જોવા મળી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણ તમામ EVMને બદલવામાં આવ્યાં હતાં. જોકે બપોર બાદ મતદાન મથકો પર મતદારો ફરક્ નહોતા. જેથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં નિરાશા વ્યાપી ગઇ છે.

બે લેખિત ફરિયાદ

કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં બે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. મોરબી અને કરજણ મુદ્દે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર પર મતદાન સમયે પણ પ્રચાર કરતા હોવાની ફરિયાદ કરી છે. ત્યાં જ ભાજપે કોંગ્રેસના એજન્ટોને હેરાન કરતા હોવાની ફરિયાદ કરી છે..

 કરજણનો એક વિડિયો વાઇરલ

કરજણનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમા કેટલાક લોકો રિક્ષામાં બેસી મતદાન કરવા જતા મતદાતાઓને રોકડા રૂપિયા આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે EVMનું પ્રથમ બટન દબાવી ભાજપને વોટ આપજો, આ મામલે વાઇરલ વીડિયો બાદ અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

મતદાન મથકો સૂમસામ

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારના મતદારોમાં નિરાશા જોવા મળી રહી હતી.. ભાજપનો ગઢ ગણાતા લીંબડી શહેરી વિસ્તારના અનેક મતદાન મથકોમાં બપોર થઈ હોવા છતાં મતદાન મથકો સૂમસામ નજરે પડી રહ્યા હતા.

જોકે ગુજરાત વિધાનસભાની આઠ પેટા-ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. હવે મતગણતરી 10 નવેમ્બરે થવાની છે.

 

 

‘મુંબઈ મેટ્રો કાર શેડને કાંજૂરમાર્ગ ખસેડવાનો નિર્ણય ભારત સરકારના હિતની વિરુદ્ધનો’

મુંબઈઃ ગોરેગાંવ (પૂર્વ)ના આરે કોલોની વિસ્તારમાંથી મુંબઈ મેટ્રો કાર શેડ પ્રોજેક્ટને કાંજૂરમાર્ગમાં ખસેડવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે નવો વિવાદ થયો છે.

 

કેન્દ્ર સરકારના ઉદ્યોગ પ્રમોશન અને આંતરિક વ્યાપાર વિભાગે (DPIIT) મહારાષ્ટ્ર સરકારને લેખિતમાં જણાવ્યું છે કે મેટ્રો કાર શેડનું બાંધકામ કાંજૂરમાર્ગ ઉપનગરમાંના સ્થળે બાંધવું એ ભારત સરકારના હિતની વિરુદ્ધનું ગણાશે.

વિભાગે આ સ્થળે 102 એકરની જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કર્યો છે.

DPIITના સેક્રેટરી ગુરુપ્રસાદ મોહાપાત્રએ 15-ઓક્ટોબરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટર અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ અયોગ્ય અને એકતરફી લીધેલા નિર્ણયથી DPIITને ગંભીર ખોટ ગઈ છે.

મોહાપાત્રએ લખ્યું છે કે, હું વિનંતી કરું છું કે તમે જરૂરી પગલાં લો અને આ સંદર્ભમાં આપવામાં આવેલા ઓર્ડરોને પાછા ખેંચવાનો કલેક્ટરને આદેશ આપો તથા ભારત સરકારના હિતનું રક્ષણ કરો.

જોકે મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે એ કાંજૂરમાર્ગમાં કાર શેડ બાંધકામ અટકાવશે નહીં.

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી સરકારે આરે કોલોનીમાં મુંબઈ મેટ્રો કાર શેડ બાંધવામાં આવે એનો પહેલેથી જ વિરોધ કર્યો છે જ્યારે હાલ વિપક્ષમાં બેસતી ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે કેન્દ્ર સરકારને ટેકો આપે છે.

સ્પિન બોલિંગ સામે પણ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવોઃ તેંડુલકર

મુંબઈઃ દંતકથા સમાન બેટ્સમેન અને ‘ભારત રત્ન’ સમ્માનિત સચીન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સત્તાવાળાઓને વિનંતી કરી છે કે ક્રિકેટ મેચો વખતે સ્પિન બોલિંગ સામે રમતી વખતે પણ બેટ્સમેનો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવો.

હાલ આઈપીએલ-2020 સ્પર્ધામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની લીગ મેચમાં હૈદરાબાદના બેટ્સમેન વિજય શંકરને પંજાબ ટીમના ફિલ્ડર નિકોલસ પૂરને થ્રો કરેલો બોલ માથામાં વાગ્યાની ઘટના બાદ તેંડુલકરે આઈસીસીને ઉપર મુજબ વિનંતી કરી છે.

સચીન તેંડુલકરે ટ્વીટ દ્વારા આ માગણી કરી છે. એમણે અણિયાળો સવાલ કર્યો છે કે, ક્રિકેટ રમત વધારે ઝડપી તો બની છે, પણ વધારે સુરક્ષિત બની છે ખરી?

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ મેચોમાં બેટ્સમેનો ફાસ્ટ બોલિંગનો સામનો કરતી વખતે તો માથા પર હેલ્મેટ પહેરે જ છે, પરંતુ સ્પિન બોલિંગ સામે પહેરતા નથી. જેવી સ્પિન બોલિંગ શરૂ થાય કે બેટ્સમેનો હેલ્મેટ ઉતારીને માત્ર કેપ પહેરીને અથવા ખુલ્લા માથા સાથે રમતા હોય છે.

વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની જેવા ભારતીય ખેલાડીઓ સહિત લગભગ દરેક દેશી-વિદેશી ખેલાડીઓ આ રીતે રમતા હોય છે.

પરંતુ સચીન તેંડુલકરે હવે આઈસીસીને વિનંતી કરી છે કે તે બેટ્સમેનો માટે તમામ પ્રકારની બોલિંગ વખતે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવી દે. ‘છેલ્લા અમુક સમયમાં આપણે કેટલાક દ્રશ્યો જોયા છે, જે બહુ ખતરનાક બની શકત. સ્પિન બોલિંગ હોય કે ફાસ્ટ બોલિંગ, પ્રોફેશનલ સ્તરે બેટ્સમેનો હેલ્મેટ પહેરે એને ફરજિયાત કરી દેવું જોઈએ. આઈસીસીને હું વિનંતી કરું છું કે તે આ બાબતને પ્રાથમિકતા પર લે.’

તેંડુલકરે પોતાના ટ્વીટમાં આઈપીએલ-2020ની તે મેચનો વિડિયો પણ શેર કર્યો છે, જેમાં રન લેવા દોડેલો વિજય શંકર ફિલ્ડર પૂરને થ્રો કરેલો બોલ માથા પર વાગતા જમીન પર ફસડાઈ પડે છે. ફિઝિયોને તરત જ મેદાન પર દોડી જવું પડે છે અને શંકરની ઈજાને તપાસે છે. સદ્દભાગ્યે 29-વર્ષીય શંકરે હેલ્મેટ પહેરી હતી. (જુઓ સચીનનું ટ્વીટ અને વિડિયો)

અમેરિકામાં પ્રમુખપદ ચૂંટણી-2020: ન્યુ હેમ્પશાયરથી મતદાનનો આરંભ

વોશિંગ્ટનઃ અમેરિકામાં 45મા પ્રમુખને ચૂંટી કાઢવા માટેની દેશવ્યાપીચૂંટણીમાં મંગળવારે મતદાનનો આરંભ ન્યુ હેમ્પશાયર રાજ્યનાં બે નાનાં શહેરો – ડિક્સવિલે નોટ અને મિલ્સફીલ્ડથી થયો હતો. મતદાતાઓ રાષ્ટ્રપ્રમુખ અને ન્યુ હેમ્પશાયરના ગવર્નર અને ફેડરલ અને રાજ્યની વિધાનસભાની બેઠકો માટે પસંદગીના ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે, એમ શિનહુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું. ડિક્સવિલે નોટ બાલસમ્સ રિસોર્ટના મતદાન કેન્દ્રમાં પાંચ સ્થાનિક નોંધાયેલા મતદાતાઓમાંના એક લેસ ઓટને પહેલી વાર મતદાન કર્યું હતું. જૉ બાઇડન માટે મતદાન

ઓટેને પોતાને જીવનભર રિપબ્લિકનના રૂપે ઓળખાવતાં કહ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બદલે ડેમોક્રેટિક રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર જૉ બાઇડન માટે મતદાન કર્યું હતું. હું ઘણા મુદ્દે તેમની સાથે અસહમત છું, પણ મેં તેમને મતદાન કર્યું હતું, એમ તેણે ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કરતાં કહ્યું હતું.

ડિક્સવિલે નોટમાં અન્ય ચાર મત પણ બાઇડનની તરફેણમાં ગયા હતા, જ્યારે મિલ્સફીલ્ડના રહેવાસીઓએ ટ્રમ્પના પક્ષમાં 16માંથી પાંચ મત આપ્યા હતા.

બાઇડનની ટ્રમ્પની તુલનાએ 6.7 પોઇન્ટ સાથે લીડ

રિયલક્લિયરપોલિટિક્સના મતદાન સરેરાશ મુજબ રાષ્ટ્રીય સ્તરે બાઇડન ટ્રમ્પની તુલનાએ 6.7 પોઇન્ટ સાથે લીડ ધરાવે છે. જોકે ફ્લોરિડા, ઉત્તરીય કેરોલિના, પેન્સિલવેનિયા, મિશિગન, વિસકોન્સિન અને એરિઝોના સહિત ચૂંટણી જંગવાળાં રાજ્યોમાં માત્ર 2.8 ટકાની સરસાઈ ધરાવે છે. ટ્રમ્પે સોમવારે ઉત્તર કેરોલિના, પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં ચૂંટણી ઝુંબેશ અટકાવી હતી, જ્યારે બાઇડન દિવસ દરમ્યાન ઓહાયો અને પેન્સિલવેનિયામાં ચૂંટણીપ્રચાર જારી રાખ્યો હતો.

પૂર્વનાં કેટલાંક મુખ્ય શહેરોમાં મતદાન કેન્દ્ર સવારે આજે સવારે છ વાગ્યે શરૂ થયું હતું અને ત્યારબાદ દેશભરમાં શરૂ થઈ ગયું હતું. છેલ્લે અલાસ્કામાં મતદાન સાથે મતદાન પ્રક્રિયા સમાપ્ત થશે.

ચૂંટણીના દિવસ પહેલાં જ 9.8 કરોડથી વધુ મતદાતાઓએ મતદાન કરી ચૂક્યા હતા. આ આંકડામાં 3.5 કરોડથી વધુ પ્રત્યક્ષ મતો અને 6.3 કરોડ મતો મેઇલ દ્વારા મતદાન કર્યું હતું, જે 2016ની સામાન્ય ચૂંટણીમાં કુલ મતોની ટકાવારી 71 ટકાથી વધુ મતોનું પ્રતિનિધિત્વ કરે છે, એમ ડેટા કહે છે.

આ ઉપરાંત ટ્રમ્પ અને બાઇડન વચ્ચેના ચૂંટણી જંગ સિવાય યુએસ પ્રતિનિધિ સભાની બધી 435 સીટો અને સેનેટની 100 સીટોમાંથી 35 સીટો પર મંગળવારે મતદાન થશે.

એક ડઝનથી વધુ રાજ્યો અને ક્ષેત્રીય ગવર્નરશિપ, કેટલાંક અન્ય રાજ્યો અને સ્થાનિક પદો પર ચૂંટણી લડવામાં આવશે.

92,84,261 કોરોનાના કેસો અને 2,31,507નાં મોત

અમેરિકી ચૂંટણી 2020 કોરોના વાઈરસ રોગચાળાના કાળા કેર વચ્ચે યોજાઈ રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 92,84,261 કેસ થયા છે અને 2,31,507નાં મોત થયાં છે. દેશ આ સંકટ અને સમસ્યામાંથી બહાર નીકળવાના પ્રયાસો કરી રહ્યો છે. કોરોનાના આ કેસો અને મૃત્યુઆંક વિશ્વમાં અત્યાર સુધી સૌથી વધુ અમેરિકામાં છે.

 

 

ફ્યુચર ગ્રુપ ખરીદવા બેઝોસ-અંબાણી વચ્ચે જંગ

ન્યૂયોર્કઃ ફ્યુચર ગ્રુપને લઈને વિશ્વના નંબર-વન શ્રીમંત જેફ બેઝોસ અને 6ઠ્ઠા નંબરના શ્રીમંત મુકેશ અંબાણી વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. વળી કાનૂની તકરાર એ તો માત્ર દેખાડો છે. તો શું બેઝોસ અને મુકેશ અંબાણી ભારતની એક અબજથી પણ વધારે ગ્રાહક-બજાર પર વર્ચસ્વ જમાવવા માટે એકમેક સામે લડી રહ્યા છે?

આ લડાઈ દેવાંના ભાર હેઠળ દબાઈ ગયેલા સ્થાનિક રિટેલર ફ્યુચર ગ્રુપની સંપત્તિને હાંસલ કરવા માટે ભારતીય બિઝનેસ માંધાતા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગયા ઓગસ્ટમાં કરેલા 3.4 અબજ ડોલરના સોદાને લઈને થઈ રહી છે. બેઝોસની એમેઝોન.કોમ ઇન્ક. આ સોદો પાર ન પડે એ માટે પ્રયાસો કરી રહી છે અને કંપનીએ મધ્યસ્થતા માટે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા છે.

આશા તો એવી હતી આ બંને અબજોપતિ સાથે મળીને કામ કરશે. સપ્ટેમ્બરમાં અંબાણીએ એમેઝોનને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.માં 40 ટકા હિસ્સો ખરીદવાનો વિકલ્પ આપ્યો હતો – જેમ આ વર્ષના પ્રારંભે રિલાયન્સ તેના ડિજિટલ પ્લેટફોર્મ પર ફેસબુક ઇન્ક. અને આલ્ફાબેટ ઇન્ક.ને ભાગીદારના રૂપમાં લાવવામાં સફળ રહી હતી.

જોકે ફ્યુચર ખરીદવાના અંબાણીના પ્રયાસોને રોકીને બેઝોસે સંકેત આપ્યા છે કે એ આ સોદામાં પ્રતિસ્પર્ધી બની રહેશે.

એમેઝોને ગયા વર્ષે કિશોર બિયાનીની માલિકીની રિટેલ વેચાણની અગ્રણી ખાનગી કંપનીમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ રોકાણને અમેરિકાની ઈ-કોમર્સ દિગ્ગજને ત્રીજા વર્ષથી બિઝનેસ કરતી ફ્યુચર રિટેલ લિ.માં બિયાનીના શેરોને હસ્તગત કરવા માટે મંજૂરી આપી હતી. આમાં બેઝોસની શરત હતી કે બિયાની એમની સંપત્તિ – દેશભરમાં 1500 સ્ટોર્સ – દેશમાં સૌથી મોટી રિટેલ ચેઇનનું સંચાલન રિલાયન્સ સહિતની પ્રતિબંધક વ્યક્તિઓને નહીં વેચે.

જોકે ફ્યુચર-રિલાયન્સ સોદાની જાહેરાત પછી એમેઝોને સિંગાપોરની એક કોર્ટમાં કરારનું ઉલ્લંઘન કરવા બદલ વચગાળાનો મનાઈહુકમ મેળવ્યો હતો. અમેરિકી કંપનીએ ત્યારે ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જો અને રેગ્યુલેટરને આ સોદાને મંજૂરી નહીં આપવા માટે એક પત્ર લખ્યો હતો.

જોકે ફ્યુચર રિટેલે એમ કહેતાં આ એમેઝોનને પડકાર ફેંક્યો હતો કે સિંગાપોરની સત્તાનો ભારતમાં કોઈ કાનૂની આધાર નથી અને એ ફાઉન્ડર્સના એગ્રીમેન્ટમાંમાં એક પક્ષકાર નથી. કોવિડ-19ના રોગચાળા દરમ્યાન રિટેલરનું કહેવું હતુ કે એ રિલાયન્સને સંપત્તિ વેચીને બધા સ્ટેકકહોલ્ડરો માટે યોગ્ય કામ કરી રહી છે. ફ્યુચર રિટેલે દલીલ કરી હતી કે એમેઝોનનો 19 લાખ ડોલર + વ્યાજના દાવા માટેની જવાબદારી જો આર્બિટ્રેટરને આપવામાં આવે તો એ બિયાનીની ખાનગી જવાબદારી રહેવી જોઈએ.

જોકે બિયાની (અંબાણી-બેઝોસની) આ મોટી લડાઈમાં માત્ર એક મહોરું છે. ફ્યુચર ગ્રુપની રોકડખેંચ એકાએક ઊભી નથી થઈ. એમેઝોનને રિટેલ ચેઇનના વિદેશી માલિકીના હક મેળવવાના ભારતના કાયદાકીય નિયંત્રણોથી તક હતી, પણ એમ થયું નથી.

એમેઝોનને હજી પણ અંબાણી સાથે યોગ્ય કિંમતે ભાગીદારી કરવામાં રસ હોવાની શક્યતા છે.

એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટે ગયા મહિને એન્યુઅલ ફેસ્ટિવલ સીઝનના પહેલા બે દિવસોમાં રેકોર્ડ વેચાણ કર્યું હતું, જ્યારે રિલાયન્સ રિટેલની આવક સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 30 ટકા વધી હતી.

શાહરૂખ નવી મુંબઈમાં અદ્યતન ફિલ્મ સ્ટુડિયો બનાવશે?

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ગઈ કાલે, 2 નવેમ્બરે તેનો 55મો જન્મદિવસ ઉજવ્યો. હાલ એ દુબઈમાં છે, જ્યાં એની ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ-2020 સ્પર્ધામાં રમી રહી છે.

દરમિયાન એવા સમાચાર છે કે શાહરૂખ આગામી અમુક વર્ષોમાં પડોશના નવી મુંબઈમાં એક અદ્યતન અને સંપૂર્ણ રીતે સાધન-સુવિધાસંપન્ન એક ફિલ્મ સ્ટુડિયો બનાવવાનો છે. ફિલ્મ નિર્માણ માટે આવશ્યક એવી તમામ સુવિધાઓ અને ઈક્વિપમેન્ટ્સ ત્યાં ઉપલબ્ધ હશે, એવું સૂત્રોનું કહેવું છે.

20 વર્ષ પહેલાં જ્યારે શાહરૂખે ડ્રીમ્ઝ અનલિમિટેડ નામે તેની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. વર્ષો વીતતા ગયા અને શાહરૂખે એની કંપનીનું નામ બદલીને રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ કર્યું. આ કંપની ઈન્ટરનેટ પર ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન અને ટેલેન્ટ નિર્માણના વ્યવસાયમાં પણ સામેલ થઈ. 2011માં આ કંપનીએ રા.વન અને 2016માં ઝીરો ફિલ્મ બનાવી હતી.

હવે એવા અહેવાલો છે કે શાહરૂખ નવી મુંબઈમાં એક વિશાળ અને અદ્યતન ટેક્નોલોજી સાથેનો ફિલ્મ સ્ટુડિયો બનાવવાનો છે. તે ફિલ્મ સ્ટુડિયો વિશાળ જમીનવિસ્તારમાં ફેલાયેલો હશે, અનેક માળવાળો અને શૂટિંગ સેટ્સવાળો હશે. આ સ્ટુડિયો એટલો વિશાળ હશે કે એની અંદર જ આઉટડોર સ્થળો પણ ઉપલબ્ધ થશે.

મુંબઈમાં આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હોવાથી શાહરૂખ અને એની ટીમ નવી મુંબઈમાં જમીન મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક શરૂ થશે એ પછી મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની અવરજવર અત્યંત ફાસ્ટ બનશે. વળી, નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ બંધાવાનું છે તેથી દેશભરના નિર્માતાઓને નવી મુંબઈ સ્થિત સ્ટુડિયોમાં પહોંચવામાં સરળતા પડશે.

શાહરૂખ તેના સ્ટુડિયોમાં મોટી હોટેલ પણ બંધાવશે, જેથી યુનિટના સભ્યો સ્ટુડિયોમાં જ રહી શકે.

શાહરૂખની નવી ફિલ્મ આવી રહી છે પઠાણ. આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મ્સ કંપની આ ફિલ્મ બનાવી રહી છે જેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.

દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં BSEનું પગલું

મુંબઈ તા. 3 નવેમ્બર, 2020ઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને ચરિતાર્થ કરવાના ભાગરૂપે દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ બીઆઈએસ ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ હેઠળ ગોલ્ડની ડિલિવરી પાર પાડી છે. એક્સચેન્જે સતત પાંચમા મહિને ઓપ્શન ઈન ગુડ્સ ફ્રેમવર્ક હેઠળ ગુજરાતના અમદાવાદ ખાતેથી અત્યાર સુધીમાં રૂ.1.5 કરોડના ગોલ્ડની ડિલિવરીઝ પાર પાડી છે. આ રિફાઈન્ડ ગોલ્ડને ઓગમન્ટ એન્ટ્રપ્રાઈઝીસ પ્રા. લિ. અને પાર્કર પ્રેસિયસ મેટલ્સ એલએલપી દ્વારા એક્સચેન્જના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. આ રિફાઈનરીઝ ઉપરાંત એમ. ડી. ઓવરસીઝ પ્રા. લિ. અને સોવેરિન મેટલ્સ પ્રા. લિ. પણ બીએસઈના પેનલ પર છે જે એક્સચેન્જ પ્લેટફોર્મ પર સિરિયલ નંબરયુક્ત ગોલ્ડ બાર્સ એક્સચેન્જના પ્લેટફોર્મ પર પૂરા પાડે છે.

અગાઉ બીએસઈ તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગોલ્ડ કોન્ટ્રેક્ટના સેટલમેન્ટ માટે માત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન (એલબીએમએ) દ્વારા મંજૂર કરાયેલા સિરિયલ નંબર યુક્ત ગોલ્ડ બાર્સ સ્વીકારતું હતું. એક્સચેન્જે તેના ઓેપ્શન્સ ઈન ગુડ્સ સેગમેન્ટ હેઠળ એલબીએમએ સ્ટાન્ડર્ડ અનુસારની સિલ્વરની પણ ડિલિવરીઝ ગુજરાતના અમદાવાદ સ્થિત વોલ્ટ્સ ખાતે  પાર પાડી છે.

આ સિદ્ધિ વિશે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે આ ડિલિવરીઝ અને ભારતીય રિફાઈન્ડ ગોલ્ડના ખરીદકર્તા અને વેચાણકર્તા દ્વારા કરવામાં આવેલો સ્વીકાર દર્શાવે છે કે તેમને બીએસઈએ કરેલી આ પહેલ પર ભરોસો છે. આના પગલે વધુ લોકો તેમાં સામેલ થશે અને બીએસઈના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુલિયનની ડિલિવરી વધુને વધુ સ્વીકાર્ય બનશે.

બીએસઈનું સરળ ટ્રેડિંગ પ્લેટફોર્મ, ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ માટેનું મજબૂત ડિલિવરી ફ્રેમવર્ક ઝવેરીઓ, બુલિયન વેપારીઓ અને અન્ય સહભાગીઓ માટે અત્યંત લાભકારી અને કિંમતની દૃષ્ટિએ ઉત્તમ પુરવાર થયું છે. એના દ્વારા તેઓ ભાવના જોખને નિવારી શકે છે એટલું જ નહિ પણ કોન્ટ્રેક્ટની સમાપ્તિ અંતે કોમોડિટીની ડિલિવરી પણ પ્રાપ્ત કરી શકે છે.

કોરોનાના 38,310 નવા કેસો, 490નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 82 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,310 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 490 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 82,67,623 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,23,097 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 76,03,121 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 58,323 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,41,405એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 91.96 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

ફટાકડાનો ધુમાડો કોરોના પડિતો માટે ઘાતક

દિવાળી પર્વની ઉજવણીમાં પણ લોકોને વિશેષ સલામતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકો દિવાળીમાં ફટાકડા ફોડી રંગેચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે શહેરના નિષ્ણાત તબીબોએ ફટાકડાનો ધુમાડો કોરોના પડિતો માટે ઘાતક પુરવાર થઇ શકે છે એવી દહેશત વ્યક્ત કરી છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ તો ઠીક કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે પણ ફટાકડાનો ધુમાડો જોખમી નીવડી શકે છે. કોરોનાના દર્દીઓને શ્વાસ લેવાની સૌથી વધુ તકલીફ હોય છે. આવા સંજોગોમાં ફટાકડાનો ઝેરી ગેસ શ્વાસ વાટે શરીરમાં જતા દર્દીના ફેફસાં પર અસર થાય છે, જે દર્દીની તકલીફ વધારે છે અને બાદમાં આ તકલીફ જીવલેણ પણ પુરવાર થઇ શકે છે. જેથી કોરોનાની ગંભીર આ સ્થિતિમાં દર્દીની જિંદગી જોખમમાં નહિ મુકાય એ માટે તબીબોએ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો તથા કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફટાકડા નહિ ફોડવા તબીબો અપીલ કરી રહ્યા છે. કોરોનાનો દર્દી જ્યાં હોમ ક્વોરન્ટાઇન થયો હોય તે વિસ્તારમાં પણ ફટાકડા નહિ ફોડવા જોઇએ.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.