‘મુંબઈ મેટ્રો કાર શેડને કાંજૂરમાર્ગ ખસેડવાનો નિર્ણય ભારત સરકારના હિતની વિરુદ્ધનો’

મુંબઈઃ ગોરેગાંવ (પૂર્વ)ના આરે કોલોની વિસ્તારમાંથી મુંબઈ મેટ્રો કાર શેડ પ્રોજેક્ટને કાંજૂરમાર્ગમાં ખસેડવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે નવો વિવાદ થયો છે.

 

કેન્દ્ર સરકારના ઉદ્યોગ પ્રમોશન અને આંતરિક વ્યાપાર વિભાગે (DPIIT) મહારાષ્ટ્ર સરકારને લેખિતમાં જણાવ્યું છે કે મેટ્રો કાર શેડનું બાંધકામ કાંજૂરમાર્ગ ઉપનગરમાંના સ્થળે બાંધવું એ ભારત સરકારના હિતની વિરુદ્ધનું ગણાશે.

વિભાગે આ સ્થળે 102 એકરની જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કર્યો છે.

DPIITના સેક્રેટરી ગુરુપ્રસાદ મોહાપાત્રએ 15-ઓક્ટોબરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટર અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ અયોગ્ય અને એકતરફી લીધેલા નિર્ણયથી DPIITને ગંભીર ખોટ ગઈ છે.

મોહાપાત્રએ લખ્યું છે કે, હું વિનંતી કરું છું કે તમે જરૂરી પગલાં લો અને આ સંદર્ભમાં આપવામાં આવેલા ઓર્ડરોને પાછા ખેંચવાનો કલેક્ટરને આદેશ આપો તથા ભારત સરકારના હિતનું રક્ષણ કરો.

જોકે મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે એ કાંજૂરમાર્ગમાં કાર શેડ બાંધકામ અટકાવશે નહીં.

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી સરકારે આરે કોલોનીમાં મુંબઈ મેટ્રો કાર શેડ બાંધવામાં આવે એનો પહેલેથી જ વિરોધ કર્યો છે જ્યારે હાલ વિપક્ષમાં બેસતી ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે કેન્દ્ર સરકારને ટેકો આપે છે.