શાહરૂખ નવી મુંબઈમાં અદ્યતન ફિલ્મ સ્ટુડિયો બનાવશે?

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ગઈ કાલે, 2 નવેમ્બરે તેનો 55મો જન્મદિવસ ઉજવ્યો. હાલ એ દુબઈમાં છે, જ્યાં એની ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ-2020 સ્પર્ધામાં રમી રહી છે.

દરમિયાન એવા સમાચાર છે કે શાહરૂખ આગામી અમુક વર્ષોમાં પડોશના નવી મુંબઈમાં એક અદ્યતન અને સંપૂર્ણ રીતે સાધન-સુવિધાસંપન્ન એક ફિલ્મ સ્ટુડિયો બનાવવાનો છે. ફિલ્મ નિર્માણ માટે આવશ્યક એવી તમામ સુવિધાઓ અને ઈક્વિપમેન્ટ્સ ત્યાં ઉપલબ્ધ હશે, એવું સૂત્રોનું કહેવું છે.

20 વર્ષ પહેલાં જ્યારે શાહરૂખે ડ્રીમ્ઝ અનલિમિટેડ નામે તેની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. વર્ષો વીતતા ગયા અને શાહરૂખે એની કંપનીનું નામ બદલીને રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ કર્યું. આ કંપની ઈન્ટરનેટ પર ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન અને ટેલેન્ટ નિર્માણના વ્યવસાયમાં પણ સામેલ થઈ. 2011માં આ કંપનીએ રા.વન અને 2016માં ઝીરો ફિલ્મ બનાવી હતી.

હવે એવા અહેવાલો છે કે શાહરૂખ નવી મુંબઈમાં એક વિશાળ અને અદ્યતન ટેક્નોલોજી સાથેનો ફિલ્મ સ્ટુડિયો બનાવવાનો છે. તે ફિલ્મ સ્ટુડિયો વિશાળ જમીનવિસ્તારમાં ફેલાયેલો હશે, અનેક માળવાળો અને શૂટિંગ સેટ્સવાળો હશે. આ સ્ટુડિયો એટલો વિશાળ હશે કે એની અંદર જ આઉટડોર સ્થળો પણ ઉપલબ્ધ થશે.

મુંબઈમાં આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હોવાથી શાહરૂખ અને એની ટીમ નવી મુંબઈમાં જમીન મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક શરૂ થશે એ પછી મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની અવરજવર અત્યંત ફાસ્ટ બનશે. વળી, નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ બંધાવાનું છે તેથી દેશભરના નિર્માતાઓને નવી મુંબઈ સ્થિત સ્ટુડિયોમાં પહોંચવામાં સરળતા પડશે.

શાહરૂખ તેના સ્ટુડિયોમાં મોટી હોટેલ પણ બંધાવશે, જેથી યુનિટના સભ્યો સ્ટુડિયોમાં જ રહી શકે.

શાહરૂખની નવી ફિલ્મ આવી રહી છે પઠાણ. આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મ્સ કંપની આ ફિલ્મ બનાવી રહી છે જેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.