Home Blog Page 3983

કોચીમાં ગેરકાયદેસર મકાનોને કન્ટ્રોલ્ડ વિસ્ફોટ વડે ધ્વસ્ત કરાયા

કોચી – કેરળના કોચી જિલ્લાના મરાડુ નગરમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા H20 હોલી ફેઈધ કોમ્પલેક્સના ચારેય બહુમાળી રહેણાંક મકાનોને વિસ્ફોટકોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરીને મકાનોની અંદરના ભાગમાં ધડાકો કરીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. દેશમાં આ રીતે કરાયેલું આ સૌથી મોટું ડિમોલિશન બન્યું છે. બે બહુમાળી મકાનોને આજે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. અન્ય બે મકાનોને ગઈ કાલે તોડી પાડવામાં આવ્યા હતા. આમ, સમગ્ર ઓપરેશન સફળ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કોચી વહીવટીતંત્રએ આ મકાનોને તોડી પાડ્યા છે.

ચાર મકાનોમાં આ સૌથી મોટું હતું, જે 17-માળવાળું જૈન કોરલ કોવ બિલ્ડિંગ હતું. એમાં 128 ફ્લેટ હતા. આ મકાનને આજે સવારે 11.03 વાગ્યે તોડી પાડવામાં આવ્યુું હતું. લોકોને આ મકાનથી 200 મીટરના ક્ષેત્રફળથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમજ વાહનવ્યવહાર પણ બંધ રાખવામાં આવ્યો હતો.

આ મકાનને તેની અંદર 372 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી ભરીને સાઈરન વગાડવામાં આવ્યા બાદ ઈલેક્ટ્રિક વાયરોની મદદથી વિસ્ફોટ કરીને તોડી પાડવામાં આવ્યું હતું.

ત્યારબાદ બપોરે બે વાગ્યે 40 ફ્લેટ ધરાવતું બીજું એક ગેરકાયદેસર મકાન ‘ગોલ્ડન કાયાલોરમ’ પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ મકાનની પાછળ ખાડી આવેલી છે તથા બાજુમાં એક બીજું કાયદેસર રહેણાંક કોમ્પલેક્સ આવેલું છે.

17-માળનું મકાન વિસ્ફોટ કરાયો એની 9 સેકંડમાં જ જમીનદોસ્ત થયું હતું. વિસ્ફોટને પગલે સમગ્ર કોમ્પલેક્સમાં ધૂળ અને ધૂમાડો છવાઈ ગયા હતા.

મકાનોને તોડી પાડવાની પ્રક્રિયા વખતે બહુ જૂજ લોકો હાજર રહે એ માટે સત્તાવાળાઓએ એ સંકુલની આસપાસ ક્રિમીનલ પ્રોસીજર કોડ (આઈપીસી)ની કલમ 144 લાગુ કરી હતી.

વિસ્ફોટ કરાયો એના અડધા કલાક પહેલાં એક મિનિટ સુધી સાઈરન વગાડીને લોકોને ચેતવી દેવામાં આવ્યા હતા કે તેઓ ડિમોલિશન ઝોનથી દૂર ચાલ્યા જાય.

8 લા સ્ક્વેર ફીટમાં પ્રસરેલા મકાનોને તોડી પાડવા માટે દક્ષિણ આફ્રિકાની જેટ ડીમોલિશન્સ કંપની અને એડીફીસ એન્જિનિયરિંગ કંપનીઓની મદદ લેવામાં આવી હતી.

મકાનો તોડી પાડવામાં આવ્યા એ પહેલાં આસપાસના રહેવાસીઓને અમુક દિવસો દૂર ચાલ્યા જવાનું કહી દેવામાં આવ્યું હતું. કાટમાળ ખસેડી દેવામાં આવશે ત્યારપછી જ રહેવાસીઓને ફરી એમના મકાનો-ઘરમાં પાછા આવવા દેવામાં આવશે.

અગ્નિશામક વિભાગના જવાનો વોટર જેટ્સ સાથે ત્યાં હાજર હતા અને એમણે કાટમાળને નિયંત્રિત કર્યો હતો.

મકાન જમીનદોસ્ત થયા બાદ એનો કાટમાળ ચાર માળ જેટલો ઊંચો હતો. 70 હજાર ટનના કાટમાળને એક મહિનામાં દૂર કરવાનું સત્તાવાળાઓએ વચન આપ્યું છે.

કોસ્ટલ ઝોન રેગ્યૂલેશન નિયમોનો ભંગ કરીને આ કોમ્પલેક્સ બાંધવામાં આવ્યું હતું. એના ચારેય મકાન તોડી પાડવાનો સુપ્રીમ કોર્ટે ગયા મે મહિનામાં આદેશ આપ્યો હતો. અને સપ્ટેંબરમાં કેરળ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.

હવે કેરળ સરકાર આ મકાનોને ધ્વસ્ત કરી દેવાયા છે એની જાણ સોમવારે સુપ્રીમ કોર્ટને કરશે.

આ મકાનોમાં ફ્લેટ ખરીદનાર પ્રત્યેક માલિકને વચગાળાનું વળતર ચૂકવવાનો પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.

 

 

પાલઘરમાં ફેક્ટરી વિસ્ફોટ દુર્ઘટનામાં મરણાંક 8: મૃતકોમાં ફેક્ટરી માલિક સામેલ

મુંબઈ – નજીકના પાલઘર જીલ્લાના કોલવડે ગામ નજીક મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ એસ્ટેટ (MIDC)માં શનિવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે મકાનનો નાશ થયો હતો અને દુર્ઘટનામાં 8 જણનાં મરણ નિપજ્યા છે. મૃતકોમાં ફેક્ટરીના માલિક, નટુભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.

એ ફેક્ટરીનું નામ હતું ‘તારા નાઈટ્રેટ’. એ પ્લાન્ટ બાંધકામ હેઠળ હતો. શનિવારે સાંજે એમાં કેટલાક રસાયણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી.

સાંજે 6.55 વાગ્યાના સુમારે થયેલી દુર્ઘટનામાં અન્ય સાત જણ જખ્મી થયા છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે 10થી 15 કિ.મી. સુધીના વિસ્તારમાં એનો અવાજ સંભળાયો હતો.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રત્યેક મૃતકના પરિવારને સરકાર તરફથી રૂપિયા પાંચ લાખની મદદની જાહેરાત કરી છે. ઈજા પામેલી દરેક વ્યક્તિને રૂ. 50 હજાર આપવામાં આવશે. ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉપાડશે.

તારાપૂર ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ એમ-2માં આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો બધો પ્રચંડ હતો કે ફેક્ટરીના મકાનની બાજુમાં આવેલું બાંધકામ હેઠળનું એક મકાન પણ જમીનદોસ્ત થઈ ગયું હતું.

ફેક્ટરીમાં એમોનિયમ નાઈટ્રેટ નામનું સ્ફોટક રસાયણ બનાવવામાં આવતું હતું. ધડાકો થયા બાદ સાવચેતીના પગલા તરીકે એમઆઈડીસી તરફ જતા તમામ માર્ગો પર ટ્રાફિક કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યો હતો.

મૃતકોનાં નામ છે – નટુભાઈ પટેલ, ઈલિયાઝ અન્સારી (40), નિશુ રાહુલસિંહ (26), માધુરી વશિષ્ઠ સિંહ (46), ગોલૂ સુરેન્દ્ર યાદવ (46), રાજમતીદેવી સુરેન્દ્ર યાદવ (40), મોહન ઈંગળે. ઘાયલ થયેલાઓના નામ છે – મુલાયમ જગત બહાદુર યાદવ, રાકેશ કુમાર, ચેતરામ જાયસ્વાલ, સચીનકુમાર, રામબાબૂ યાદવ, રોહિત વશિષ્ઠ સિંહ, નટવરલાલ પટેલ, પ્રાચી રાહુલ સિંહ, ઋતિકા રાહુલ સિંહ.

અમદાવાદમાં 72 વર્ષીય ‘પદ્મશ્રી’ અસ્તાદ દેબૂનો મંત્રમુગ્ધ નૃત્ય પરફોર્મન્સ

અમદાવાદ – ભારતમાં સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન માટેની અગ્રગણ્ય મેનેજમેન્ટ સ્કૂલ ગણાતી MICA સંસ્થાએ તાજેતરમાં અહીં તેની છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કમ્યુનિકેશન મેનેજમેન્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. એ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પેશકશ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં 72 વર્ષીય સમકાલીન નૃત્યકાર અસ્તાદ દેબૂએ અદ્દભુત સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યો હતો. એમનો ડાન્સ જોઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

અસ્તાદ દેબૂએ 3 પરફોર્મન્સ રજૂ કર્યા હતા. પહેલા એમણે એક નાટ્યકૃતિ રજૂ કરી હતી ‘આહવાન’. એમાં તેમણે દ્રુપદ ગાયન શાળામાં તાલીમ લેનાર ઈટાલીયન ગાયિકા અમેલિયા કુની દ્વારા રેલાવેલા હૃદયસ્પર્શી સંગીતની ધૂનો પર પરફોર્મ કર્યું હતું.

એમનો બીજો પરફોર્મન્સ હતો, ‘સ્ટેપિંગ આઉટ’ શીર્ષક સાથેની ક્રીએટિવ કોરિયોગ્રાફી. જેમાં રોશની, પડછાયા તથા મુદ્રણના સમન્વય સાથે દેબૂએ એમની નૃત્ય કળા પ્રસ્તુત કરી હતી. બર્લિનથી આવેલા જાણીતા સેક્ઝાફોનિસ્ટ ગર્ટ એન્કરે સેક્ઝાફોન વાદ્ય પડે સંગીત પિરસ્યું હતું.

આખરી પરફોર્મન્સ હતો ‘એવરી ફ્રેગમેન્ટ ઓફ ડસ્ટ ઈઝ અવેકન્ડ.’ જે રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ પ્રેરિત હતો. અસ્તાદ દેબૂએ એમાં પણ તેમની કળા દ્વારા શ્રોતાઓને પ્રભાવિત અને આનંદિત કર્યા હતા. જાપાનીઝ સંગીતના સૂરોએ શ્રોતાઓનાં મન ડોલાવી દીધા હતા.

અસ્તાદ દેબૂની નૃત્ય રચના ભારતના એ સમયની છે જ્યારે ભારતીય નૃત્યમાં નવીનતા આવકાર્ય નહોતી.

નૃત્ય પરફોર્મન્સ બાદ દેબૂનું એક શાલ અને મહાત્મા ગાંધીજીનાં હસ્તાક્ષર દર્શાવતી એક ભરતકામ ગૂંથેલી ગિફ્ટ આપવામાં આવી હતી.

અસ્તાદ દેબૂને ભારત સરકારે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજેશ કર્યા છે. 1995માં એમને સંગીત નાટક એકેડેમી સંસ્થા તરફથી ક્રીએટિવ ડાન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને 2007માં એમને ભારતીય નૃત્યના ક્ષેત્રમાં પાયાનું પ્રદાન કરવા બદલ ‘પદ્મશ્રી’ ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અદિતી, સંજીવ કપૂરે નિહાળ્યો ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ…

બોલીવૂડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી અને પ્રખ્યાત શેફ સંજીવ કપૂરે મુંબઈમાં નેહરૂ સેન્ટર ખાતે ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ-2020ની મુલાકાત લીધી હતી તે વેળાની તસવીરો.




















પાકિસ્તાનમાંના ધાર્મિક ભેદભાવથી દુનિયાને CAA કાયદાએ વાકેફ કરીઃ મોદી

કોલકાતા – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા નાગરિકતા સુધારિત કાયદા (CAA)નો આજે જોરદાર રીતે બચાવ કર્યો હતો અને કહ્યું કે આ મુદ્દે થયેલા વિવાદથી દુનિયાને ખબર પડી છે કે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓનાં લોકો પર કેવું દમન આચરવામાં આવે છે.

CAA કાયદા મામલે ગેરસમજ ફેલાવવા બદલ વડા પ્રધાને અમુક યુવા વ્યક્તિઓને વખોડી કાઢી હતી. એમણે કહ્યું કે આ કાયદો કોઈનું નાગરિકત્વ લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે.

વડા પ્રધાન મોદીએ અહીં રામકૃષ્ણ મિશનના મુખ્યાલય – બેલૂર મઠ ખાતે આયોજિત સમારંભમાં આમ જણાવ્યું હતું.

મોદીએ એમ પણ કહ્યું હતું કે આજે રાષ્ટ્રીય યુવા દિવસે હું દેશના, પશ્ચિમ બંગાળના અને ઈશાન ભારતનાં યુવાઓને એટલું કહેવા માગું છું કે નાગરિકત્વ આપવા માટેનો આ કાયદો કંઈ એક જ રાતમાં ઘડવામાં આવ્યો નથી. આપણે એ તો સમજવું જ જોઈએ કે ભારતને અને ભારતના બંધારણમાં વિશ્વાસ રાખનાર દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ ધર્મના લોકો યોગ્ય પ્રક્રિયા મારફત ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. એમાં કોઈ સમસ્યા જ નથી.

મોદી બેલૂર મઠ ખાતેથી રવાના થઈ ગયા બાદ રામકૃષ્ણ મિશન સંસ્થાએ કહ્યું કે પોતે એક બિનરાજકીય સંસ્થા છે જ્યાં તમામ ધર્મોનાં લોકો એક જ માતાપિતાનાં બંધુઓની જેમ રહી શકે છે. વડા પ્રધાનના સંબોધન વિશે રામકૃષ્ણ મિશન કોઈ ટીકાટિપ્પણ નહીં કરે.

એમ રામકૃષ્ણ મિશન સંસ્થાના મહામંત્રી સ્વામી સુવિરાનંદે પત્રકારોને જણાવ્યું હતું કે અમે રાજકારણથી પર છીએ. અમારે મન નરેન્દ્ર મોદી ભારતના નેતા છે અને મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં નેતા છે. અમારી સંસ્થામાં હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મોનાં સાધુઓ છે. અમે એક જ માતાપિતાનાં બંધુઓની જેમ રહીએ છીએ.

અંતિમ સંસ્કારમાં ખુશીની ધૂન ગાતા આ જોસેફ વેસાવકર….

મુંબઈઃ કોઈપણના અંતિમ સંસ્કાર હોય અને બાજુમાં કોઈ શોકની જગ્યાએ જિંદગીની ધુન વગાડી રહ્યું હોય, તો આ થોડું અતડું લાગે. પરંતુ 70 વર્ષના જોસેફ વેસાવકરે આને પોતાના જીવનનું મિશન બનાવી લીધું છે. તેમનું માનવું છે કે મૃત્યુ તો સનાતન સત્ય છે અને બાદમાં વ્યક્તિ અનંતમાં ચાલ્યો જાય છે અને આની તો ઉજવણી કરવી જોઈએ. જોસેફ પોતાની ફિલોસોફી અને ટ્રંપેટ પર પોતાના મ્યૂઝિક માટે ખૂબ જાણીતા છે. અંતિમ સંસ્કાર સિવાય તે બોલીવુડ ફિલ્મોમાં પણ સંગીત આપી ચૂક્યા છે.

જોસેફના ફેમિલીમાં તેઓ 10 ભાઈ-બહેન હતા. તેમણે જણાવ્યું કે મને ટ્રંપેટ મારા પિતાએ વગાડતા શિખવાડ્યું છે. તેઓ જણાવે છે કે મેં સૌથી પહેલા મારી શાળામાં પ્લે કર્યું હતું. મને પહેલાથી રિધમની સમજ છે. તેઓ 7 વર્ષની ઉંમરથી અંતિમ સંસ્કારોમાં ટ્રંપેટ વગાડી રહ્યા છે. તેઓ જણાવે છે કે, મારા પિતા એક બેંડમાં હતા કે જે અંતિમ સંસ્કારમાં પ્લે કરતા હતા. તેઓ માત્ર ક્લાસિકલ અને ચર્ચ મ્યૂઝિક અને ટ્રંમબોન, ક્લૈરિનેટ, ફ્રેંચ હોર્ન, ટ્રંપેટ અને સેક્સોફોન વગાડતા હતા. એક બાળક તરીકે મેં આ જોયું અને તેમાં રસ વધતો ગયો.

જોસેફ માત્ર ઈસાઈ કાર્યક્રમોમાં જ નહી, પરંતુ મરાઠી, સિંધી અને મુસ્લિમોના ત્યાં ટ્રંપેટ વગાડે છે. આવી જ એક ઘટના યાદ કરતા તેમણે જણાવ્યું કે, એક 93 વર્ષની જૈન મહિલાનું રસ્તા વચ્ચોવચ નિધન થઈ ગયું. 1970 માં તે 9 દિવસ સુધી એક જૈન મંદિરમાં ઉપવાસ કરી રહી હતી. તેમની મોહન જ્વેલર્સ નામની એક દુકાન હતી. તેમનો પરિવાર મારી પાસે આવ્યો અને કહ્યું કે મારા બાના અંતિમ સંસ્કારમાં પ્લે કરો. તેમના પાર્થિવ શરિરને એક ટેમ્પોમાં સજાવેલા સિંહાસન પર રાખવામાં આવ્યો હતો અને અમે બોગી માર્ચ અને વેન ધ સેંટ્સ ગો માર્ચિગ ઈન પ્લે કરી રહ્યા હતા. તમામ કૈથલિક્સ એ વાતથી અચંબિત રહી ગયા કે હું માઉન્ટ કાર્મેલ ચર્ચથી ઉંધી દિશામાં કેમ જઈ રહ્યો છું.

તેઓ જણાવે છે કે, જ્યારે હું બ્લેક શુટ અને ટાઈ પહેરું છું તો લોકો પૂછે છે કે હવે કોનું નિધન થયુ? તેઓ જણાવે છે કે, હું યૂ આર માય સનશાઈન અને સેંટ્સ ગો માર્ચિંગ પ્લે કરું છું. બોગી માર્ચ પણ પ્લે કરે છે કારણ કે તે વિદાય ગીત છે, એવા લોકો માટે કે જે અનંત દુનિયામાં જઈ રહ્યા છે. આપણે એમને તેમના જીવનની અંતિમ યાત્રાની યાત્રામાં ખુશી-ખુશી વિદાય આપવી જોઈએ. આપણે મોતથી ભાગી ન શકીએ. દરેકને મરવાનું છે. આપણે બધા દુઃખનું જીવન જીવી રહ્યા છીએ.

હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો; ટીમમાંથી બાકાત

મુંબઈ – ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી ઈન્ડિયા-A ટીમમાંથી બાકાત થઈ ગયો છે, કારણ કે એ ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ શક્યો નથી.

ખેલાડીઓ માટે ફિટનેસ સાબિત કરવા માટે ક્રિકેટ બોર્ડે શનિવારે ફરજિયાત ટેસ્ટ રાખી હતી, પરંતુ હાર્દિક પંડ્યા એમાં આવશ્યક પોઈન્ટ્સ હાંસલ કરી શક્યો નહોતો.

હાર્દિકની જગ્યાએ ટીમમાં વિજય શંકરને સામેલ કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા થોડાક મહિના પહેલાં પીઠની પીડા દૂર કરવા કરાવેલી સર્જરીમાંથી ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે.

પરંતુ ઈન્ડિયા-A ટીમમાં સ્થાન ન મેળવી શકતાં રાષ્ટ્રીય સ્તરની ટીમમાં કમબેક કરવાના હાર્દિક પંડ્યાના પ્રયાસોને ધક્કો પહોંચ્યો છે.

એવું જાણવા મળ્યું છે કે હાર્દિક શનિવારે બે ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો, આનો મતલબ એ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરવા માટે એ હજી તૈયાર નથી.

હાર્દિક એની પીઠની પીડાની સમસ્યાથી ગયા સપ્ટેંબર મહિનાથી ક્રિકેટથી દૂર છે. જો એ શનિવારની ટેસ્ટમાં પાસ થયો હોત અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં સામેલ થઈ શક્યો હોત તો એ ગયા સપ્ટેંબર પછીની એની પહેલી સ્પર્ધાત્મક શ્રેણી બની શકી હોત.

ઈન્ડિયા-A ટીમ ન્યૂઝીલેન્ડમાં 3 બિનસત્તાવાર એક-દિવસીય મેચો અને બે ટેસ્ટ મેચો રમવાની છે.

હજી થોડા જ સમય પહેલાં હાર્દિકે ઉપચારથી થયેલા ફાયદા દર્શાવતા અમુક વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યા હતા, જેમાં એ બોલને સરસ રીતે ફટકારતો જોઈ શકાયો હતો.

આઈપીએલ સ્પર્ધાની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કોચ મહેલા જયવર્દનેને વિશ્વાસ હતો કે હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે સુસજ્જ થઈ જશે. પરંતુ હવે જ્યારે હાર્દિક ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે તેથી રાષ્ટ્રીય ટીમમાં એનું પુનરાગમન લંબાઈ શકે છે.

ભારતીય રાષ્ટ્રીય ટીમ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 3-વનડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમવાની છે.

ઈન્ડિયા-A ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવા રવાના થઈ ચૂકી છે. ત્યાં ટીમ ન્યૂઝીલેન્ડ-A ટીમ સામે 50-ઓવરવાળી બે વોર્મ-અપ મેચ રમશે, 3 એક-દિવસીય મેચો રમશે અને ચાર-દિવસવાળી બે ટેસ્ટ મેચ રમશે.

હાર્દિકના કોચ કંઈક જૂદું કહે છે

દરમિયાન, હાર્દિકના કોચ એસ. રજનીકાંતને ટાંકીને એક અખબારી અહેવાલે કહ્યું છે કે ક્રિકેટ બોર્ડે હાર્દિકને કોઈ ફિટનેસ ટેસ્ટ કરાવવા કહ્યું નહોતું. વાસ્તવમાં હું હજી હાર્દિકની બોલિંગ ક્ષમતાની ચકાસણીની તાલીમ લઈ રહ્યો છું. એટલે એની પર આંતરરાષ્ટ્રીય મેચોમાં રમવાનો બોજો હજી હમણાં નાખવાની જરૂર નથી. એ 100% ફિટ છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ હું ઈચ્છતો નથી કે એ બેક-ટુ-બેક ઈન્ટરનેશનલ મેચોમાં રમવાનો બોજો ઉઠાવે. ક્રિકેટ બોર્ડે પંડ્યાની હજી સુધી કોઈ ફિટનેસ ટેસ્ટ લીધી નથી, તેથી એ ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે એનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી.

BSE, SEBI દ્વારા સાયબર સિક્યુરિટી કોન્ફરન્સનું આયોજન

મુંબઈ – દેશમાં સાયબર ફૂટપ્રિન્ટનો વધારો થવાથી સાયબરઅટેક્સ અને તેના સંબંધિત જોખમોમાં વધારો થઈ રહ્યો છે. આ સંભવિત જોખમોની વૃદ્ધિને રોકવા તેમ જ સાયબર ગુનાઓના વધતાં જતાં જોખમો વિશે જાગૃતિ લાવવા માટે, બીએસઈ દ્વારા સેબી અને મહારાષ્ટ્ર સાયબરના સહયોગથી શુક્રવાર, 10 જાન્યુઆરી, 2020ના રોજ બીએસઈના આંતરરાષ્ટ્રીય કન્વેન્શન હોલમાં ‘સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ’ યોજવામાં આવી હતી.

આ કોન્ફરન્સમાં સંજય બહલ (ડીજી, સીઇઆરટી-ઈન), અજીત બાજપાઇ (અધ્યક્ષ, એનસીઆઈપીસી), બ્રિજેશ સિંઘ (આઈપીએસ, સ્પેશિયલ આઇજીપી સાયબર) અને શ્રીમતી રમા વેદાશ્રી (સીઈઓ, ડીએસસીઆઈ)એ વક્તવ્ય આપ્યાં હતાં. સેબીના પૂર્ણ-સમયના સભ્ય, શ્રી એસ કે મોહંતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

રજિસ્ટર્ડ બ્રોકર્સને પ્રક્રિયા અને ટેકનોલોજીની દૃષ્ટિએ સલામત ટ્રેડિંગ ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરી નીતિઓનું પાલન કરવા સેબીએ સ્ટોક બ્રોકર્સ અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ માટે 3 ડિસેમ્બર, 2018ના રોજ સાયબર સિક્યુરિટી અને સાયબર રેસિલેન્સ ફ્રેમવર્ક બહાર પાડ્યું હતું. સાઇબર સિક્યુરિટીઝ દ્વારા સ્પાયવેર, હેક્સ અને અન્ય અનિચ્છનીય પ્રોગ્રામોથી બજારના ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે તેની જાણકારી બજારના સહભાગીઓ અને રોકાણકારોને સમજાય તે માટે આ સાયબર સિક્યુરિટીની કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ, શ્રી આશિષકુમાર ચૌહાણએ સૌને આવકારતાં કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે તેને પગલે અહીંના વ્યવસાયની રીત ખૂબ પ્રભાવિત થઈ છે. પાછલા દાયકામાં, નાણાકીય ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફાર થયો છે અને નવી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. મોબાઈલ ટ્રેડિંગ અને એલ્ગોરિધમ ટ્રેડિંગ જેવી ઘણી નવી ટેક્નોલોજીઓએ મૂડી બજારોને વધુ ઝડપી અને સસ્તી બનાવી છે, જે વધુ જોખમી પણ છે. મૂડી બજારોની ઇકોસિસ્ટમમાં વ્યક્તિગત રોકાણકારો, સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે અને મૂડી બજારોમાં એક મજબૂત સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું ખેલાડીઓ માટે એક વિશેષાધિકાર બની ગયો છે.

આ કોન્ફરન્સમાં મૂડી બજારોના હિતધારકો માટે સાયબર રિસ્ક અને ડેટા ગોપનીયતાના ક્ષેત્રમાં પ્રગતિ કરવા અંગેની ચર્ચા થઈ હતી. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (એનસીઆઈઆઈપીસી), મહારાષ્ટ્ર પોલીસ (સાયબર સેલ), નેશનલ સાયબર સિક્યુરિટી કોર્ડિનેટર (એનસીએસસી), એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશન્સ, માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યુશન (એમઆઈઆઈ) આ કોન્ફરન્સમાં જોડાયા હતા. શ્રી હરીશ બૈજલ (ડીઆઈજી સાયબર) અને શ્રી બાલસિંગ રાજપૂત (એસપી સાયબર)એ ‘ફાઇટિંગ સાયબર ક્રાઇમ’ પર પ્રકાશ પાડ્યો હતો અને મહારાષ્ટ્ર સાયબર દ્વારા સાયબર ક્રાઇમ કેસના અભ્યાસ અંગે પ્રેક્ષકો સાથે ચર્ચા કરી હતી.

બજેટ 2020: મોદી સરકાર સામે રહેલા છે આ પડકારો

નવી દિલ્હી: બજેટની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. દરેક વ્યક્તિની નજર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર રહેલી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આગામી બજેટને લઈને લોકોના મંતવ્યો માગ્યા છે. આ ઉપરાંત મોદી દેશના તમામ ઉદ્યોગપતિઓ અને આર્થિક જાણકારો સાથે બેઠક કરી ચૂક્યા છે. નાણામંત્રી પણ આર્થિક જાણકારો અને બેંકરો સાથે સતત મુલાકાત કરી રહી છે.

આર્થિક સુસ્તીના કારણે વિકાસ દર છ વર્ષના ન્યુનતમ સ્તર પર પહોંચી ચૂક્યો છે. સરકારની તિજોરી ઝડપથી ખાલી થઈ રહી છે જેના કારણે એકવખત ફરી રિઝર્વ બેંક પાસેથી 45 હજાર કરોડની મદદ તલાશ કરવામાં આવી રહી છે. બેરોજગારી દર ચરમ પર છે, આર્થિક ગતિવિધિ ઠપ છે. આ સ્થિતિમાં નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણએ અત્યાર સુધીમાં શું કર્યું અને બજેટમાં તેમની પાસેથી શું આશા રાખી શકીએ એ અંગે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.

બજેટ 2019ની જાહેરાત પછી નાણમંત્રીએ ઉદ્યોગ જગતની માંગને સ્વીકાર કરતા કોર્પોરેટ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દીધું. આ નિર્ણયની સરકારી તિજોરી પર દર વર્ષે 1.5 લાખ કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે. આ બજેટમાં કોર્પોરેટ ટેક્સ પર નિર્ણય ઘણો મોટો પડકાર હશે.

સુપર રિચ ટેક્સના નિર્ણયને પાછળથી પરત લેવામાં આવ્યો, કારણ કે, વિદેશી રોકાણકારો દૂર ભાગવા લાગ્યા હતા અને રોકાણ સતત પરત ખેંચવા લાગ્યા હતા. આ કારણે પણ સરકારની આવકમાં ઘટાડો થયો.

સ્ટાર્ટઅપ્સને રાહત આપીને એન્જલ ટેક્સ પાછો ખેંચાયો હતો. જો કે, આનો લાભ લેવા માટે, સ્ટાર્ટઅપ્સને ડીપીઆઇઆઇટીમાં નોંધણી કરાવવી જરૂરી છે.

સરકારે જીએસટીથી જે અપેક્ષા રાખી હતી તેટલી કમાણી કરી નથી. જીએસટીની કમાણી લક્ષ્ય કરતા ઘણી પાછળ છે. આની અસર પણ તિજોરી પર પડી છે.  આ તમામ કારણોસર રાજકોષીય ખાધ વધી રહી છે. અનેક પ્રયાસો છતાં સરકાર નક્કી કરેલા નાણાકીય ખાધના લક્ષ્યાંકને પાર કરી રહી છે અને તેને આ બજેટમાં લક્ષ્યની અંદર રાખવી એ એક મોટો પડકાર છે.

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે 19.6 લાખ કરોડના ખર્ચનું લક્ષ્યાંક નક્કી કર્યું છે, પરંતુ તિજોરી ખાલી હોવાથી ફંડ નથી મળી રહ્યું. આ સ્થિતિમાં સરકાર ફરીથી રિઝર્વ બેંક પાસેથી 45000 કરોડની મદદની અપેક્ષા રાખી રહી છે.

આ બજેટમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન આર્થિક મંદી દૂર કરવા પર રહેશે. માંગમાં થયેલા ઘટાડાને આર્થિક મંદીનું સૌથી મોટું કારણ ગણાવવામાં આવી રહ્યું છે. માંગને વેગ આપવાનો સરકારની પ્રાથમિકતા રહેશે. માંગને વેગ આપવા માટે સરકાર લોકોના હાથમાં વધુને વધુ પૈસા આપવા માંગે છે, પરંતુ અત્યાર સુધીના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. તેથી, આશા છે કે બજેટમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો અને ફેરફાર કરવામાં આવી શકે છે.