પાકિસ્તાનમાંના ધાર્મિક ભેદભાવથી દુનિયાને CAA કાયદાએ વાકેફ કરીઃ મોદી

કોલકાતા – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા નાગરિકતા સુધારિત કાયદા (CAA)નો આજે જોરદાર રીતે બચાવ કર્યો હતો અને કહ્યું કે આ મુદ્દે થયેલા વિવાદથી દુનિયાને ખબર પડી છે કે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓનાં લોકો પર કેવું દમન આચરવામાં આવે છે.

CAA કાયદા મામલે ગેરસમજ ફેલાવવા બદલ વડા પ્રધાને અમુક યુવા વ્યક્તિઓને વખોડી કાઢી હતી. એમણે કહ્યું કે આ કાયદો કોઈનું નાગરિકત્વ લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે.

વડા પ્રધાન મોદીએ અહીં રામકૃષ્ણ મિશનના મુખ્યાલય – બેલૂર મઠ ખાતે આયોજિત સમારંભમાં આમ જણાવ્યું હતું.

મોદીએ એમ પણ કહ્યું હતું કે આજે રાષ્ટ્રીય યુવા દિવસે હું દેશના, પશ્ચિમ બંગાળના અને ઈશાન ભારતનાં યુવાઓને એટલું કહેવા માગું છું કે નાગરિકત્વ આપવા માટેનો આ કાયદો કંઈ એક જ રાતમાં ઘડવામાં આવ્યો નથી. આપણે એ તો સમજવું જ જોઈએ કે ભારતને અને ભારતના બંધારણમાં વિશ્વાસ રાખનાર દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ ધર્મના લોકો યોગ્ય પ્રક્રિયા મારફત ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. એમાં કોઈ સમસ્યા જ નથી.

મોદી બેલૂર મઠ ખાતેથી રવાના થઈ ગયા બાદ રામકૃષ્ણ મિશન સંસ્થાએ કહ્યું કે પોતે એક બિનરાજકીય સંસ્થા છે જ્યાં તમામ ધર્મોનાં લોકો એક જ માતાપિતાનાં બંધુઓની જેમ રહી શકે છે. વડા પ્રધાનના સંબોધન વિશે રામકૃષ્ણ મિશન કોઈ ટીકાટિપ્પણ નહીં કરે.

એમ રામકૃષ્ણ મિશન સંસ્થાના મહામંત્રી સ્વામી સુવિરાનંદે પત્રકારોને જણાવ્યું હતું કે અમે રાજકારણથી પર છીએ. અમારે મન નરેન્દ્ર મોદી ભારતના નેતા છે અને મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં નેતા છે. અમારી સંસ્થામાં હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મોનાં સાધુઓ છે. અમે એક જ માતાપિતાનાં બંધુઓની જેમ રહીએ છીએ.