મિશન યુપી: લોકોની વચ્ચે જઈ તેનો અવાજ બની રહી છે પ્રિયંકા ગાંધી

મેરઠ: છેલ્લા ત્રણ દાયકાથી ઉત્તર પ્રદેશમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે સત્તા વાપસી માટે બેતાબ છે. રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી રાજકીય ગુગલી ફેંકવાની કોઈ તક નથી છોડી રહી. લોકોને પાર્ટી સાથે જોડવા માટે દરેક સ્તરે પ્રયત્નો કરી રહી છે. હાલ દેશમાં સીએએને લઈને ચાલી રહેલા વિરોધના વંટોળ વચ્ચે પ્રિયંકા સતત આ મુદ્દે યુપીમાં પ્રભાવિતોની મુલાકાત લઈ રહી છે. તેમની આર્થિક મદદ કરી રહી છે. એટલું જ એ લોકોની સાથે કદમ મિલાવીને ઉભા રહેવાનો ભરોસો આપી રહી છે. હવે એક કદમ આગળ વધીને પ્રિયંકાએ એવું કહેવાનું શરુ કર્યું છે કે, 2020માં યુપીમાં કોંગ્રેસની સરકાર સત્તામાં આવી તો તે સીએએ અને એનઆરસી લાગુ નહીં કરવા દે.

રાજકીય જાણકારોનું માનવું છે કે, કોંગ્રેસ અને પ્રિયંકાનો આ પ્રયત્ન હાથમાંથી છટકી ગયેલા જનાધારને પ્રાપ્ત કરવા અને ખાસકરીને મુસ્લિમોને રિઝવવાનો છે. કોંગ્રેસનું માનવું છે કે, જો મુસ્લિમો તેમની સાથે જોડાઈ ગયા તો દલિત અને બ્રાહ્મણને આકર્ષવામાં સરળતા રહેશે. એટલા માટે જ પ્રિયંકા ગાંધી કાયદો અને વ્યવસ્થાને લઈને પ્રદેશના દરેક જ્વલંત મુદ્દા પર જાતિય બંધનને તોડીને મદદ માટે પહોંચી રહી છે.

કોંગ્રેસના મહાસચિવએ સંગઠનાત્મક માળખામાં ફેરફાર કર્યો. પ્રથમ, યુપીની જમ્બો કમિટીનો અંત લાવીને, તેમણે જુગાડુ અને જુસ્સાદાર થોડા યુવાનોના હાથમાં યુપીની કમાન્ડ સોંપી. ત્યારપછી જિલ્લા અને શહેર પ્રમુખની જગ્યાઓ પર પચાસ વર્ષથી ઓછી ઉંમરના નેતાઓની નિમણુંક કરી. પ્રદેશ ઉપપ્રમુખ (વેસ્ટ યુપી પ્રભારી) પંકજ મલિક કહે છે કે હવે જિલ્લા અને સમિતિઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. શહેર સમિતિમાં 21 અને જિલ્લા સમિતિમાં 31 લોકો રહેશે. જાહેર પ્રશ્નોને કેવી રીતે લડવા, સંગઠન કેવી રીતે ચલાવવું તે અંગે જિલ્લા પ્રમુખોને તાલીમ આપવામાં આવશે.

પાર્ટી સતત લોકોની વચ્ચે જઈને તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહી છે. આ સાથે જ મહિલાઓને આકર્ષવા માટે દરેક કમિટીમાં ઓછામાં ઓછી ત્રણ મહિલાઓને રાખવાનું ફરજીયાત કરી દીધું છે. મહિલાઓને સમાનતા માટે પાર્ટીના કાર્યક્રમોના મંચો પર પણ સ્થિતિમાં સ્થાન આપવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. કોંગ્રેસની પ્રદેશ મહાસચિવ શબાના ખંડેલવાલ મુજબ મહિલાઓને પાર્ટી મુખ્યધારામાં લાવી રહી છે. વૃદ્ધ નેતાઓના અનુભવનો ફાયદો ઉઠાવવા તેઓને કાર્યક્રમોમાં આમંત્રણ આપવાનું કહેવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પછી સમિક્ષા બેઠકોમાં સામે આવ્યું છે કે, સામાન્ય ચૂંટણીમાં હારનું મુખ્યકારણ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે કમ્યુનિકેશન ગેપ રહ્યો છે. ત્યારપછી પ્રિયંકા સતત અનેક જીલ્લાઓના નેતાઓ સાથે દિલ્હી અને લખનૌમાં બેઠકો કરીને આગળની રણનીતિ પર ચર્ચા વિચારણા કરી રહી છે. વિપરીત પરિસ્થિતિમાં કામ કરનારા કોંગ્રેસના ઈમાનદાર અને મહેનતી કાર્યકર્તાઓની સતત તલાશ કરી રહી છે જેથી તેમને સંગઠનની મુખ્યધારામાં રાખી શકાય.