કોચીમાં ગેરકાયદેસર મકાનોને કન્ટ્રોલ્ડ વિસ્ફોટ વડે ધ્વસ્ત કરાયા

કોચી – કેરળના કોચી જિલ્લાના મરાડુ નગરમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા H20 હોલી ફેઈધ કોમ્પલેક્સના ચારેય બહુમાળી રહેણાંક મકાનોને વિસ્ફોટકોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરીને મકાનોની અંદરના ભાગમાં ધડાકો કરીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. દેશમાં આ રીતે કરાયેલું આ સૌથી મોટું ડિમોલિશન બન્યું છે. બે બહુમાળી મકાનોને આજે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. અન્ય બે મકાનોને ગઈ કાલે તોડી પાડવામાં આવ્યા હતા. આમ, સમગ્ર ઓપરેશન સફળ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કોચી વહીવટીતંત્રએ આ મકાનોને તોડી પાડ્યા છે.

ચાર મકાનોમાં આ સૌથી મોટું હતું, જે 17-માળવાળું જૈન કોરલ કોવ બિલ્ડિંગ હતું. એમાં 128 ફ્લેટ હતા. આ મકાનને આજે સવારે 11.03 વાગ્યે તોડી પાડવામાં આવ્યુું હતું. લોકોને આ મકાનથી 200 મીટરના ક્ષેત્રફળથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમજ વાહનવ્યવહાર પણ બંધ રાખવામાં આવ્યો હતો.

આ મકાનને તેની અંદર 372 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી ભરીને સાઈરન વગાડવામાં આવ્યા બાદ ઈલેક્ટ્રિક વાયરોની મદદથી વિસ્ફોટ કરીને તોડી પાડવામાં આવ્યું હતું.

ત્યારબાદ બપોરે બે વાગ્યે 40 ફ્લેટ ધરાવતું બીજું એક ગેરકાયદેસર મકાન ‘ગોલ્ડન કાયાલોરમ’ પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ મકાનની પાછળ ખાડી આવેલી છે તથા બાજુમાં એક બીજું કાયદેસર રહેણાંક કોમ્પલેક્સ આવેલું છે.

17-માળનું મકાન વિસ્ફોટ કરાયો એની 9 સેકંડમાં જ જમીનદોસ્ત થયું હતું. વિસ્ફોટને પગલે સમગ્ર કોમ્પલેક્સમાં ધૂળ અને ધૂમાડો છવાઈ ગયા હતા.

મકાનોને તોડી પાડવાની પ્રક્રિયા વખતે બહુ જૂજ લોકો હાજર રહે એ માટે સત્તાવાળાઓએ એ સંકુલની આસપાસ ક્રિમીનલ પ્રોસીજર કોડ (આઈપીસી)ની કલમ 144 લાગુ કરી હતી.

વિસ્ફોટ કરાયો એના અડધા કલાક પહેલાં એક મિનિટ સુધી સાઈરન વગાડીને લોકોને ચેતવી દેવામાં આવ્યા હતા કે તેઓ ડિમોલિશન ઝોનથી દૂર ચાલ્યા જાય.

8 લા સ્ક્વેર ફીટમાં પ્રસરેલા મકાનોને તોડી પાડવા માટે દક્ષિણ આફ્રિકાની જેટ ડીમોલિશન્સ કંપની અને એડીફીસ એન્જિનિયરિંગ કંપનીઓની મદદ લેવામાં આવી હતી.

મકાનો તોડી પાડવામાં આવ્યા એ પહેલાં આસપાસના રહેવાસીઓને અમુક દિવસો દૂર ચાલ્યા જવાનું કહી દેવામાં આવ્યું હતું. કાટમાળ ખસેડી દેવામાં આવશે ત્યારપછી જ રહેવાસીઓને ફરી એમના મકાનો-ઘરમાં પાછા આવવા દેવામાં આવશે.

અગ્નિશામક વિભાગના જવાનો વોટર જેટ્સ સાથે ત્યાં હાજર હતા અને એમણે કાટમાળને નિયંત્રિત કર્યો હતો.

મકાન જમીનદોસ્ત થયા બાદ એનો કાટમાળ ચાર માળ જેટલો ઊંચો હતો. 70 હજાર ટનના કાટમાળને એક મહિનામાં દૂર કરવાનું સત્તાવાળાઓએ વચન આપ્યું છે.

કોસ્ટલ ઝોન રેગ્યૂલેશન નિયમોનો ભંગ કરીને આ કોમ્પલેક્સ બાંધવામાં આવ્યું હતું. એના ચારેય મકાન તોડી પાડવાનો સુપ્રીમ કોર્ટે ગયા મે મહિનામાં આદેશ આપ્યો હતો. અને સપ્ટેંબરમાં કેરળ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.

હવે કેરળ સરકાર આ મકાનોને ધ્વસ્ત કરી દેવાયા છે એની જાણ સોમવારે સુપ્રીમ કોર્ટને કરશે.

આ મકાનોમાં ફ્લેટ ખરીદનાર પ્રત્યેક માલિકને વચગાળાનું વળતર ચૂકવવાનો પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.