વિવાદાસ્પદ કાયદાઃ રાજ્ય અને કેન્દ્રના ઝઘડામાં કોણ પહોંચે?
ગુજરાતમાં એક દિવસ માટેનું વિધાનસભાનું સત્ર 10 જાન્યુઆરીએ મળ્યું. કેન્દ્રએ પસાર કરેલા નાગરિકતા સુધારા કાયદાને અનુમોદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર કાયદો કરે તેને દેશની 50 ટકા વિધાનસભા પણ પસાર કરે તે પછી સમગ્ર દેશમાં લાગુ પડે છે. નાગરિકતા કાયદાનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે કેરળ વિધાનસભાએ તેને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો. પશ્ચિમ બંગાળની સરકાર સહિત આઠેક રાજ્યોએ વિરોધ કર્યો છે કે તે CAA અને NRCને પોતાને ત્યાં લાગુ કરશે નહિ. સવાલ એ છે કે કોઈ વિવાદાસ્પદ કાયદાના મુદ્દે આવો વિરોધ ઊભો થાય ત્યારે કોણ પહોંચે – કેન્દ્ર કે રાજ્ય?
ભારતના લોકતંત્રનો ઢાંચો સંઘપ્રકારનો છે. રાજ્યોએ ભેગા મળીને સંઘની રચના કરી છે અને સંઘમાં બેઠેલી સરકાર દેશનો વહીવટ ચલાવે. મૂળ તો સરદાર પટેલે સાડા પાંચસોથી વધુ રજવાડાંને ભારત સંઘમાં જોડીને રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. આ ફેડરલ સ્ટ્રક્ચરમાં સ્વાભાવિક રીતે જ સંઘ સરકાર મજબૂત છે, કેન્દ્ર સરકાર વધારે મજબૂત છે. અમેરિકામાં પ્રમુખ ચલાવે તે ફેડરલ સરકાર હોય છે, અને તેના 50 રાજ્યો છે. અમેરિકામાં રાજ્યો પ્રમાણમાં વધારે સત્તા ભોગવે છે. અમેરિકામાં રાજ્યો પ્રમાણે કાયદા બહુ જુદા હોય છે. ભારતમાં થોડા અપવાદ બાદ કરતાં કાયદા એકસમાન છે.
તેથી જ નાગરિકતા સુધારા ખરડો પસાર કરીને તે કાયદો બન્યો તે સમગ્ર દેશમાં લાગુ પડે. તેનો વિરોધ હોય પણ સંસદે કાયદો કર્યો હોવાથી તેનો અમલ સમગ્ર દેશમાં થાય. વાસ્તવિક અમલ રાજ્યના વહિવટીતંત્ર દ્વારા થતો હોય છે, પણ અમલ કરવો પડે ખરો. જેમ કે જિલ્લામાં નાગરિકતા આપવાની દસ્તાવેજની કાર્યવાહી થાય તે કલેક્ટર કચેરીમાં થાય અને કલેક્ટર કચેરી રાજ્ય સરકારના વહીવટમાં આવતી હોય છે, પણ કાયદો રાજ્યની કચેરી કે કેન્દ્રની કચેરી એવો ભેદ કરતી નથી.
આવા સંજોગોમાં ગયા મંગળવારે કેરળની વિધાનસભાએ નાગરિકતા સુધારા કાયદા સામે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) સામે ઠરાવ પસાર કર્યો. આ કાયદો બંધારણના મૂળભૂત અધિકારોનો ભંગ કરનારો છે એમ કહીને તેને નકારી કાઢતો ઠરાવ ગૃહે કર્યો. રાજ્ય અને કેન્દ્રની સીધી ટક્કર અહીં જોવા મળી છે. આવી ટક્કર થતી આવી છે, પણ તે મુખ્યત્વે કેન્દ્રમાં શાસન કરનાર રાજકીય પક્ષની અને રાજ્યમાં શાસન કરનારા પક્ષની હોય છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ટક્કર ના થાય તે માટે બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું હતું અને તેની જોગવાઈ પણ કરી હતી.
કાયદો બંધારણની વિરુદ્ધ હોય તો સંસદે પસાર જ ના કર્યો હોત. બીજું, સંસદે પસાર કરેલો કાયદો પણ સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકાય છે. સર્વોચ્ચ અદાલત અર્થઘટન કરીને કોઈ સરકારે બહુમતીથી પસાર કરેલો કાયદો બંધારણની મૂળભૂત ભાવના વિરુદ્ધ છે કે કેમ તેનો ચુકાદો આપી શકે છે, પણ કોઈ રાજ્ય સરકારને તેનો અધિકાર બંધારણે જ આપ્યો નથી. ભૂતકાળમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોની ચર્ચા, રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે થતી હતી. કેન્દ્રમાં બેઠેલી સરકાર કિન્નાખોરીથી અન્ય પક્ષની રાજ્ય સરકારને સત્તા પરથી હટાવે ત્યારે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતો હતો.
આ વખતે મામલો વધારે ગૂંચવાશે એમ લાગે છે, કેમ કે કેરળ સરકારે ઠરાવ પસાર કર્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળ સહિત 11 રાજ્યો CAA અને NRCનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના સાથી પક્ષ બિહારના જેડી(યુ)હ પણ વિરોધમાં છે. આંધ્રના પણ ભાજપના દોસ્તના દોસ્ત જગમોહનનો વિરોધ છે. જોકે કોંગ્રેસ શાસિત કેટલાક રાજ્યોએ CAAનો ખુલ્લીને વિરોધ કર્યો નથી, પણ NRCનો વિરોધ કરે છે.
વિરોધમાં રાજકીય મુદ્દા વધારે છે, એટલે તેની ચર્ચા ચાલ્યા કરશે, પણ કેન્દ્ર અને રાજ્યના સંબંધો વિશે બંધારણીય ચર્ચા પણ વિદ્વાનોમાં ચાલી છે. બંનેના સંબંધોને સાંકળતી કેટલીક કલમો વિશે ધારાશાસ્ત્રીઓ ચર્ચા કરી રહ્યા છે. કલમ 356 સિવાયની કેટલીક કલમો સંબંધોની શરતો નક્કી કરનારી છે, જેમ કે કલમ 256, 257, 258, 355 અને 356 તો ખરી જ. CAA કાયદો પસાર થયો છે અને તેના કારણે નાગરિકતાની વ્યાખ્યા થઈ છે અને તેની અસર NRC પર થાય, કેમ કે તેમાં નાગરિકોની નોંધણી કરવાની છે. તેથી રાજ્યોમાં બેમાંથી એકેય કાયદા માટે મનાઈ કરી શકે તેમ નથી. બંને વચ્ચેની કડી જોડીને જોરદાર વિરોધ ચાલી રહ્યો છે તે એટલો અત્યારે તો તાર્કિક લાગતો નથી. અત્યારે એટલા માટે નથી લાગતો કે NRC સત્તાવાર જાહેર થાય ત્યારે તેના નિયમો જોવા પડે.
ધારાશાસ્ત્રીઓનો મત એવો બેસે છે કે કેરળ કે કોઈ વિધાનસભા વિરુદ્ધમાં કાયદો કરી શકે તેમ નથી. કેન્દ્રનો કોઈ કાયદો રાજ્યને સાનુકૂળ ના હોય ત્યારે સુપ્રીમ કોર્ટમાં જ જવું પડે. સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો પણ છે, પણ દરમિયાન આ ચર્ચા ચાલતી રહેશે. વિશ્લેષકોનો મત છે કે આ લડાઈ કાયદાકીય અને બંધારણીય ઓછી અને રાજકીય અને વિચારધારાની વધારે છે. વિપક્ષે પણ તેનો સામનો રાજકીય અને પ્રજાકીય મુદ્દાથી જ કરવો પડશે.
આ મુદ્દે રાજકારણ કેવું આગળ વધશે તે આગળ જતા ખબર પડશે, પણ અત્યારે આપણે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંબંધો નક્કી કરતી કલમો વારાફરતી જોઈ લઈએ.
કલમ 256
આ કલમ પ્રમાણે દરેક રાજ્યનો શાસન કરવાનો અધિકાર એવો હોવો જોઈએ, જેનાથી સંસદે પસાર કરેલા અને રાજ્યોને લાગુ પડતા કાયદાનું પાલન થાય. આવા કાયદાના પાલન માટે જરૂરી હુકમો ભારત સરકાર રાજ્યને આપી શકે છે.
અહીં સ્પષ્ટ છે કે કોઈ કાયદો કેન્દ્રે પસાર કર્યો હોય અને તે યોગ્ય રીતે લાગુ ના પડતો હોય, ત્યારે તેને લાગુ પાડવાના હેતુ સાથે, ‘પાલન માટે જરૂરી હુકમ’ કેન્દ્ર રાજ્ય સરકારને આપી શકે છે. |
કલમ 257
આ કાયદામાં પરિભાષા વધારે સ્પષ્ટ છે. કલમ 257 (1)નું શિર્ષક જ છે ‘કેટલાક કિસ્સામાં રાજ્યો પર સંઘનું નિયંત્રણ’. આ કલમ પ્રમાણે સ્પષ્ટ જણાવાયું છે કે કોઈ રાજ્ય પોતાના શાસનના અધિકારને એવી રીતે બજવી ના શકે, જેના કારણે સંઘના શાસનના અધિકારમાં ‘અવરોધ કે પ્રતિરોધ’ ઊભો થાય.
ઘણી વાર રાજ્ય સરકાર કાયદાનું પાલન કરતી વખતે એવા ઢંગથી પાલન કરે કે છટકબારીનો લાભ મળે. તેવું થતું અટકાવવા માટે કેન્દ્ર સરકાર કાયદાનું પાલન જ નહિ, પાલન કઈ રીતે, કેવા પ્રકારે, કેવા ઢંગથી કરવું તેનો આગ્રહ પણ રાખી શકે છે. આ કલમ NRCમાં વધારે અગત્યની બની શકે છે. NRCમાં અમુકતમુક દસ્તાવેજો આપીને પોતે નાગરિક છે તેવો દાવો કરવાનો આવશે. તે વખતે ઘણા બધા દસ્તાવેજોમાંથી કોઈ એક દસ્તાવેજ પણ માન્ય રહે અને રાજ્ય સરકાર સહેલાઇથી બનાવી શકતા દસ્તાવેજના આધારે દાવાને માન્ય પણ કરી શકે. રાજ્યના અધિકારીઓ પોતાની રીતે દાવા માન્ય પણ કરવા માંડે. તેનાથી વિપરિત કેન્દ્રની ઇચ્છાથી અલગ અમાન્ય પણ કરવા પડે. આ બંને સંજોગોમાં કેન્દ્ર દરમિયાન કરી શકે, કેમ કે તેના કાયદાના પાલનમાં અવરોધ કે વિપરિત સ્થિતિ કશી પેદા થવી જોઈએ નહિ. |
કલમ 258
કલમ 258 (2) પ્રમાણે કેન્દ્ર સરકારે પસાર કરેલો કાયદો રાજ્ય સરકાર બજાવે તે માટે તેને ફરજ પાડી શકાય છે અથવા સારી ભાષામાં ‘ફરજ સોંપી શકાય’ છે. રાજ્ય દલીલ કરે કે અમુક પ્રકારની કાર્યવાહી કરવાની, વહિવટ કરવાની, પ્રક્રિયા કરવાની ફરજ તેના કાર્યક્ષેત્રમાં આવતી નથી, પણ તે સંજોગોમાં કેન્દ્ર રાજ્યને તેવી ફરજ બજાવણીની જવાબદારી સોંપી શકે છે.
આ કલમમાં જણાવાયું કે રાજ્ય વિધાનસભાને જે વિષયમાં કાયદો પસાર કરવાની, સત્તા સોંપવાની, ફરજ સોંપવાની, સત્તા સોંપણી કે ફરજ બજવણી માટે કોઈને અધિકાર આપવાની, અધિકારીઓને હુકમો કરવાની સત્તા ના હોય તેવા વિષયનો સંસદનો કાયદો પણ લાગુ પડે છે. આ જ કલમમાં એવી જોગવાઈ છે કે આવી ફરજ રાજ્યને પાડવામાં આવે ત્યારે રાજ્યને ખર્ચનું વળતર આપી શકાય છે. દાખલા તરીકે પડોશી દેશ સાથેની સરહદે કોઈ કામગીરી કરવાની હોય ત્યારે રાજ્ય સરકારે સંરક્ષણ તેનો વિષય ના હોવા છતાં કરવી પડે; તે માટેનો ખર્ચ કેન્દ્ર પાસે માગી શકે એટલું ખરું. |
આવા કોઈ વિષયમાં સૂચના છતાં રાજ્ય સરકાર કામ ના કરે ત્યારે આ કલમની સાથે કલમ 256 અને 257 પ્રમાણે પણ કેન્દ્ર સરકાર રાજ્યને પાલન માટે સૂચના આપી શકે છે.
ધારી લો કે વિષય બહારની બજવણી કલમ 258 હેઠળ રાજ્ય સરકારે ના કરી, ત્યાર બાદ કેન્દ્ર સરકારે 256 અને 257 પ્રમાણે સૂચના આપી. આમ છતાં પાલન ના થયું તો? બંધારણના ઘડવૈયાઓએ કેવી સ્થિતિ ઊભી થઈ શકે તેની કલ્પના કરી હતી. કેટલીક કલ્પનાઓ તેઓ કરી શક્યા નહોતા, જે આજના યુગના સંદર્ભમાં ઊભી થઈ છે, પરંતુ મોટા ભાગે શું થઈ શકે તે વિશે ઘડવૈયાઓએ વિષદ વિચારણા કરી જ હતી.
તેથી ઉપરની ત્રણ કલમો પ્રમાણે કેન્દ્ર સરકારનું કામ ના ચાલે, ત્યારે તેને આગળની કાર્યવાહી કરવા અને રાજ્યોની ઉપરવટ, રાજ્ય સરકારોને હટાવવા સુધીની સત્તા કલમ 355 અને 356માં આપવામાં આવી હતી.
કલમ 355
કલમ 355 સરળ છે અને તેની ચર્ચા ઓછી થાય છે, વધારે ચર્ચા આપણે કલમ 356 પ્રમાણે કરતા હોઈએ છીએ, કેમ કે તેના હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે.
કલમ 355 હેઠળ કેન્દ્ર સરકારની ફરજ બને છે કે તેણે બંધારણની જોગવાઈઓનું પાલન બધા જ રાજ્યોમાં થતું રહે તેની ફરજ બજાવવી. બધા રાજ્યોમાં બંધારણની જોગવાઈ પ્રમાણે જ રાજ્ય સરકારો ચાલતી રહે તે જોવાની કેન્દ્ર સરકારની જવાબદારી છે. રાષ્ટ્રપતિ શાસન લાગતા પહેલાં કેન્દ્ર સરકાર આ કલમ હેઠળ રાજ્ય સરકારોને ચેતવણી આપે છે. બંધારણની જોગવાઈ પ્રમાણે સરકાર ચાલતી નથી અને સરકાર તે રીતે ચાલે તે જોવાની અમારી ફરજ હોવાથી અમે તમને યોગ્ય માર્ગે વળવા જણાવીએ છીએ એવું કેન્દ્ર કહી શકે છે. CAA, NPR અને NRC વગેરેના મુદ્દે પણ કેન્દ્ર સરકાર આવી ચેતવણી રાજ્ય સરકારને આપી શકે છે. ચેતવણી પછીય પાલના ના થાય ત્યારે કેન્દ્ર સરકારના વડા રાષ્ટ્રપતિના પ્રતિનિધિ રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ રાષ્ટ્રપતિને કરી શકાય છે. |
કલમ 356
આ કલમ પ્રમાણે ચૂંટાયેલી રાજ્ય સરકારને હટાવી શકવાની સત્તા કેન્દ્ર સરકારને મળે છે. ભૂતકાળમાં તેનો બહુ દૂરુપયોગ થયો છે. કોંગ્રેસમાં કેન્દ્રનું એકહથ્થુ શાસન હતું ત્યારે રાજ્યમાં વિપક્ષની સરકાર આવે ત્યારે નાનકડા બહાને તેને ઉથલાવી નાખવામાં આવતી હતી. તે પછી આ મુદ્દો બહુ વિવાદાસ્પદ બન્યો હતો અને સરકારિયા પંચ પણ બેસાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું ત્યારે ચુકાદો આપીને સુપ્રીમ કોર્ટે કેટલીક માર્ગદર્શિકા પણ આપી હતી.
તે પછી રાષ્ટ્રપતિ શાસન લગાવવું સહેલું નથી. અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડના કિસ્સામાં થયું હતું તેમ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન હટાવવાના પણ આદેશ આપ્યા હતા. |
પરંતુ કલમ 355 અને 356 સાથે ઉપર જણાવેલી અન્ય ત્રણ કલમો સાથે કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવી પડે.
ધારાશાસ્ત્રીઓ એક નોંધપાત્ર બાબત તરફ ધ્યાન દોરી રહ્યા છે કે રાજ્ય સરકાર બરાબર કામગીરી ના બજાવે ત્યારે તેને હટાવવા માટેની જોગવાઈ અને પ્રોસેસ છે, પણ બરાબર કામ ના કરતી કેન્દ્ર સરકારને રાજ્યો સરકારો ભેગી થઈને પણ હટાવી શકે નહિ. કેન્દ્રની સરકાર બંધારણનો ભંગ કરે તો પણ રાજ્ય સરકારો ઠરાવ કરીને તેને હટાવી શકે નહિ. ઇન્દિરા ગાંધીએ કટોકટી પણ લગાવી દીધી હતી અને તે ત્યારે દૂર થઈ જ્યારે તેમની સરકારે જાતે જ ચૂંટણી આપી અને ચૂંટણીમાં તેમની હાર થઈ. કટોકટી લાંબી ચાલી હોત તો કેવી રીતે દૂર થઈ હોત તે પણ સવાલ છે.
બંધારણના ઘડવૈયા આઝાદ થઈ રહેલા ભારતમાં કેન્દ્ર સરકાર મજબૂત અને સ્થિર બને તેમ ઇચ્છતા હતા. તેથી કલમ 356 પ્રમાણે રાજ્ય સરકારે સામે કામગીરી થઈ શકે, પણ કેન્દ્ર સરકાર સામે કામગીરી માટેની કોઈ કલમ નથી. કેન્દ્ર સરકાર બહુમતી ગુમાવે ત્યારે જ સરકાર પડી ભાંગે, પણ તેના માટે વિપક્ષ પાસે સામી બહુમતી હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને કટોકટી લાગુ પડેલી ના હોવી જોઈએ.
આગળ જતા હવે કેન્દ્ર સરકાર અને વિપક્ષની સત્તા છે તે રાજ્ય સરકારો વચ્ચે કેવી ખેંચતાણ થાય છે તે જોવાનું રહે છે. જોકે ઝારખંડ પછી દિલ્હીના અને આ વર્ષના અંતે બિહારના પરિણામો અને તે પછી આવતા વર્ષની શરૂઆતમાં પશ્ચિમ બંગાળના પરિણામો દેશનું આગળનું રાજકારણ નક્કી કરનારા પણ બનશે. તેથી બંધારણીય મુદ્દા સાથે રાજકીય મુદ્દાઓની પણ ચર્ચા થતી રહેશે. પરંતુ વિપક્ષે બંધારણીય મુદ્દાઓ સાથે રાજકીય મુદ્દાઓ પર પણ લડાઈ આપવાની રહેશે અને મજબૂત ટક્કર આપવાની રહેશે તે વિપક્ષે ખાસ તો સમજવાનું છે.
રાશિ ભવિષ્ય 12/01/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
મકર સંક્રાંતિ અને ગ્રહોનો સંબંધ
આપણા દરેક તહેવાર પાછળ કોઈને કોઈ વિજ્ઞાન અથવા કુદરતી ઘટનાનો આધાર રહ્યો છે. મોટા ભાગે આપણે
આ બંને નામ પાછળ પણ કારણો છે. સૂર્યની આસપાસ પૃથ્વી પ્રદક્ષિણા કરે છે તે આપણે સહુ જાણીએ છીએ. પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે. જેના કારણે જયારે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં સીધા કિરણો નાંખે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેની અસર ઓછી થાય છે અને ક્યારે દક્ષિણ ગોળાર્ધમાં સીધા કિરણો જતા હોય ત્યારે ઉત્તરમાં તેની અસર ઓછી રહે છે. તેથીજ આપણે ત્યાં શિયાળો હોય ત્યારે કેન્યામાં ઉનાળો હોય. ઉત્તરાયણના સમયે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ પ્રયાણ કરે છે. તેથી આ સમયને ઉત્તરાયણ કહે છે. જેના કારણે પવનની દિશા પણ બદલાય. પછી પતંગ ચડાવવાની તો મજાજ આવે ને?
સૂર્ય જયારે મકર વૃત પર આવે ત્યારે મકર સંક્રાંતિ થાય છે તેવી એક વાત છે. તો જ્યોતિષના સંદર્ભમાં સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં જાય ત્યારે મકર સંક્રાંતિ થાય છે. જોકે આવું તો ડીસેમ્બર મહિનામાં થાય છે. વળી આ સમય ખેતી માટે પણ અગત્યનો છે. કારણકે મકર સંક્રાંતિ પછી અમુક જગ્યાએ કાપણી શરુ થાય છે. તેથી ૧૪ ડીસેમ્બર થી ૧૪ જાન્યુઆરી સુધી કોઈ સારા કર્યો કરતા નથી. આ વખતે સંક્રાંતિ ૧૪ જાન્યુઆરી ના ૨૦:૦૫ થી થશે.
આ દિવસે સ્નાન, દાન, પૂજા અને પુણ્ય માટેનો દિવસ ગણાય છે. આત્મ શુદ્ધિ માટે આ દિવસ શ્રેષ્ઠ ગણાય છે. સાધના માટે પણ આ દિવસનું મહત્વ છે. ઉત્તર ભારતમાં ગંગા સ્નાન જેમ મહત્વનું છે તેવીજ રીતે ગુજરાતમાં તાપી અને નર્મદા સ્નાન કરી શકાય. નદીના પટમાં ઉભા રહી અને સૂર્યને અર્ઘ આપવાથી સારી ઉર્જા મળે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા પુથ્વી પર આવી અને સમુદ્રને મળી હતી. તેથી સારા સંબંધો માટે પણ આ દિવસની ખાસ પૂજા મદદરૂપ થાય છે. આ દિવસે સૂર્ય એમના પુત્ર શનિદેવને મળ્યા હતા તેથી પિતા પુત્ર વચ્ચે અણબન હોય તો પણ સંક્રાંતિની પૂજા મદદરૂપ થાય છે. ભારતમાં વિવિધ જગ્યાએ આ તહેવારને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા વિગેરે પડોસી દેશોમાં પણ આ તહેવારની ઉજવણી થાય છે.
સ્નાન માટેનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પછી બે કલાકનો છે. આ દરમિયાન સૂર્યની હાજરીમાં નદીમાં સ્નાન કરવાથી સારું રહે. બપોરે બાર વાગ્યા પછી આ સ્નાન નો મહિમા રહેતો નથી. સવારે સૂર્યની સામે ઉભા રહીને શરીર પર કોમળ તાપ આવે તેવી રીતે ઉભા રહેવું કે બેસવું જોઈએ. આ દિવસે દાનનું પણ ખુબજ મહત્વ છે. તલ, ગોળ, ચોખા, હળદર જેવા દ્રવ્યોનું દાન શુભ મનાય છે.
મહારાષ્ટ્રમાં એવું કહે છે કે તિલ ગુડ ધ્યા ગુડ ગુડ બોલા. એટલેકે તલ ગોળ ખાવ અને મીઠું મીઠું બોલો. એટલેકે પાછળ જે કઈ ગયું તે ભૂલી અને ફરી સંબંધોમાં મીઠાશ લાવીએ.કેવો સરસ વિચાર છે? ઋતુ બદલાતી હોવાથી તલ અને ગોળ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ દિવસે ગાયને ઘૂઘરી ખવરાવવાનો પણ રીવાજ છે. ગાય એ એક સમયની જીવાદોરી હતી અને તેના બાળકના જન્મ પહેલા તેને સારો ખોરાક જરૂરી હોય છે. આપણા રિવાજોમાં બધાજ પશુપક્ષીઓ સચવાઈ જાય તેવો વિચાર જોવા મળે છે.
આ દિવસે ગુપ્ત દાનનું મહત્વ છે. તેથીજ તલ ગોળના લાડવામાં કોઈને આપતા પહેલા સિક્કા નાખવામાં આવે છે. સાધના માટે બ્રહ્મ મુહૂર્તથી શરૂઆત કરી શકાય. સ્ત્રીઓએ ગાયત્રી મંત્રની સાધના યોગ્ય રીતે કરી શકાય. જે તેમની આંતરિક શક્તિ વધારવામાં મદદરૂપ થઇ શકે. ઉત્તર પ્રદેશમાં આ સમયે માઘ મેલા યોજાય છે. જેમાં સ્નાનનું ખુબજ મહત્વ ગણાય છે. પશ્ચિમ બંગાળમાં પણ ગંગાસ્નાન માટે મેળા આયોજિત થાય છે. કેરળમાંઅનુષ્ઠાન કરવામાં આવે છે તો દક્ષિણના અન્ય રાજ્યોમાં સૌભાગ્યવતીને હળદર અને કંકુ લગાવવામાં આવે છે. આ દિવસે પતંગની મજા લેવા ઉપરાંત આત્મશક્તિ વધારવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ.
ઓમાનના સુલ્તાનનું અવસાનઃ વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હીઃ ઓમાનના સુલતાન કબુસ બિન સૈદનું શુક્રવારે સાંજે અવસાન થયું હતું. સ્થાનિક મીડિયાએ શનિવારે તેની પુષ્ટિ કરી છે. જોકે,ઓમાનના સુલતાન કબુસ બિન સૈદ અવસાનનું સત્તાવાર રીતે કારણ હાલ સુધી જણાવવામાં આવેલ નથી. કબુસ બિન સઈદના અવસાન પછી ઓમાનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક રજા જાહેર કરવામાં આવ્યો છે.
ઓમાન સાથે ભારતનાં પણ સારા રાજદ્વારી સબંધો છે. ઓમાનનાં સુલતાન કબુસ બિન સૈદ અલ સૈયદના નિધન પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ પોતાનાં ટ્વીટમાં લખ્યું હતું કે “મને મહાશય સુલતાન કબુસ બિન સૈદ અલ સૈયદના નિધન વિશે જાણ થતા ખૂબ દુ:ખ થયું છે. તે એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાજકારણી હતા, જેણે ઓમાનને આધુનિક અને સમૃદ્ધ રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યો છે. તે આપણા ક્ષેત્ર અને વિશ્વ માટે શાંતિનો એક આદર્શ હતા.
પીએમ મોદીએ પોતાનાં વધું એક ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે, સુલતાન કબુસ ભારતનાં સાચો મિત્ર હતા અને ભારત અને ઓમાન વચ્ચે જીવંત વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે મજબૂત નેતૃત્વ પ્રદાન કરતા હતા. હું તેની પાસેથી મને મળતી હૂંફ અને સ્નેહની હંમેશા કદર કરીશ. તેના આત્માને શાંતિ મળે.
કાબૂસ બિન સઇદ ઓમાનના સૌથી વધુ સમય સુધી સુલ્તાન રહ્યાં. કાબૂસે 1970માં પોતાના પિતાને ગાદી પરથી હટાવી દીધા હતા અને પોતે સુલ્તાનની ગાદી પર બેઠા હતા. સુલ્તાન કાબૂસે લગ્ન કર્યા નહોતા. તેમના નિધન બાદ સુલ્તાનના પદને લઇને કોઇ ઉત્તરાધિકારી નથી.
આમ આદમી પાર્ટીએ પોતાનું કેમ્પેઈન સોંગ “લગે રહો કેજરીવાલ” લોન્ચ કર્યું
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું કેમ્પેન સોંગ લોન્ચ કર્યુંછે. અરવિંદ કેજરીવાલે આને ટ્વીટર પર શેર કર્યું છે. “લગે રહો કેજરીવાલ” ગીતને વિશાલ ડડલાનીએ તૈયાર કર્યું છે. આમ આદમી પાર્ટીના સદસ્ય ડડલાનીએ ગત વર્ષે પણ આમ આદમી પાર્ટી માટે એક ગીતને કમ્પોઝ કર્યું હતું.
2 મીનિટ 53 સેકન્ડના આ ગીતમાં વિજળી, પાણી, વગેરે સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે બસમાં મફત યાત્રાને પણ દર્શાવવામાં આવી છે. કેજરીવાલને દિલ્હીનો દીકરો ગણાવતા કહેવામાં આવ્યું છે કે તેઓ એક સામાન્યથી પણ સામાન્ય માણસ છે. એપણ કહેવામાં આવ્યું છે કે તેઓ દિલ્હીના લોકોના જીવનને સુખમય બનાવવા માટેની જીદ લઈને બેઠા છે.
ગીતને કેજરીવાલ અને સામાન્ય લોકો પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. પાર્ટીના અન્ય નેતાઓને આમાં જગ્યા મળી નથી. માત્ર એક ફ્રેમમાં ડેપ્યુટી સીએમ મનીષ સીસોદિયા દેખાય છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે દાવેદારી કરી રહ્યા છે. તેમની સામે ભાજપ અને કોંગ્રેસે કોઈને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યો નથી.
દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામો આવશે. અહીંયા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રીકોણીય જંગ છે. ગત ચૂંટણીમાં દિલ્હી વિધાનસભાની 70 સીટો પૈકી 67 પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.
વડાપ્રધાન સાથે મુલાકાત બાદ મમતાનું નિવેદનઃ સીએએ-એનઆરસી પાછુ લેવા માંગ કરી
કોલકત્તાઃ નાગરકિતા કાયદો તથા એનઆરસી મુદ્દે મમતા બેનર્જીની આગેવાનીમાં તૃણમુલ કોંગ્રેસ મોદી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજી રહી છે. આવા સંજોગોમાં કોલકાત્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચે મહત્વની મુલાકાત યોજાઈ હતી.
કોલકાત્તામાં ઉતરાણ કર્યા બાદ પીએ મોદી સીધા જ રાજભવન પહોંચ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચે બેઠક યોજાઇ. એક તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ નાગરિકતા કાયદાના સમર્થનમાં અભિયાન ચલાવી રહી છે.
તો બીજી તરફ ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી નાગરિકતા કાયદાના વિરોધમાં રોડ શો સહિતના કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ મમતા બેનર્જીએ જણાવ્યું કે મેં વડાપ્રધાન મોદીને નાગરિકતા કાયદો, એનપીઆર અને એનસીઆર પરત લેવાની માંગણી કરી છે. સાથે જ કેટલાક નાણાકીય બાબતોને સ્પર્શતા મુદ્દાઓ પર પણ મેં પીએમ સાથે ચર્ચા કરી હતી.
એરપોર્ટ પર વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.
ચારુસેટ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ ગવર્નર આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત
અમદાવાદઃ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી – ચારૂસેટ, ચાંગા ખાતે નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને દિક્ષાંત પ્રવચન આપ્યુ હતું. તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષા અને જ્ઞાન થકી જ વિશ્વમાં એકતા અને સમાનતા લાવી શકાશે. તેઓએ પદવીધારક વિદ્યાર્થીઓએ ઉદેશ્યતા કહ્યું હતું કે યુનિવર્સિટીનું કામ વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક બનાવવાનું છે અને આ કૌશલ્યો થકી તેઓએ સચોટ અને સ્પષ્ટ વિચારધારા થકી સમાજ અને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં જોડાવું જોઈએ. આગળ વધતા તેઓએ વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કે જયારે તમને શિક્ષા થકી વિશેષ સન્માન અને ઉપલબ્ધી મળેલી છે ત્યારે સમાજ પ્રત્યેની તમારી જવાબદારી પણ વિશેષ બની રહે છે.
તેઓએ માતૃસંસ્થા, કેળવણી મંડળ, અને ચારૂસેટના સમાજ પ્રત્યેના સેવાભાવ અને સદ્ભાવના થકી સમાજ ઉત્થાનના કાર્યને બિરદાવ્યું હતું. કેરળના હાલના રાજ્યપાલ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આરીફ મોહમ્મદ ખાન એક સફળ અને લોકપ્રિય રાજનેતા તરીક ભારતની રાજનીતિમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ એક લોકનેતા તરીકે શિક્ષણ, દહેજ વિરોધી કાનૂન, શારીરિક રીતે વિકલાંગ લોકોના ઉત્થાન, મુસ્લિમ સમાજનાં વિકાસ અને પ્રગતિ વગેરે ક્ષેત્રે અનન્ય ફાળો આપેલ છે.
આ પ્રસંગે અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહી વિખ્યાત અમેરિકન લેખક જ્યોર્જ મસરે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજીવન વિદ્યાર્થી બની રહો, સતત શીખતાં રહો, નવું સંશોધન કરતા રહો, અને એકબીજાના સહકારમાં કાર્ય કરી વૈશ્વિક મુદ્દાઓનો ઉકેલ લાવો. વધુમાં તેઓએ વિદ્યાર્થીઓને ફિજીક્સ, કોસ્મોલોજી, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે જેવા ગૂઢ અને મહત્વના વિષયો પર વધુ અભ્યાસ અને સંશોધન કરવા માટે પ્રેર્યાં હતા.
ડો. જ્યોર્જ મસર સાયન્સ વિષયક લેખન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક છે. સાયન્સ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેઓને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ અને અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવેલ છે. તેઓના પુસ્તકો ‘સ્પૂકી એક્શન એટ અ ડિસ્ટન્સ’ અને ‘ધ કમ્પ્લીટ ઈડિયટ્સ ગાઈડ ટૂ સ્ટ્રીંગ થિયરી’ વિજ્ઞાન જગતમાં લોકપ્રિય થયેલ છે. હાલમાં તેઓ વિશ્વ પ્રસિદ્ધ અમેરિકન સાયન્સ મેગેઝીન ‘સાયન્ટિફિક અમેરિકન’ ના એડિટર તરીકે સેવા આપી રહ્યા છે.
“સંપર્ક 2020” માં અનેક વિદ્યાર્થીઓએ જ્ઞાન વહેચ્યું અને મેળવ્યું
મહેસાણાઃ ગણપત યુનિવર્સિટી યુ.વી.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજ ખાતે IEEE ગુજરાત સેક્શનનો વાર્ષિકોત્સવ સંપર્ક 2020 યોજાયો હતો. ગુજરાતની 30 અલગ અલગ એન્જીનીયરીંગ કોલેજો જેવી કે , DA-IICT, PDPU,અમદાવાદ યુનિવર્સીટી, DDIT, GCET, LD Engineering College, GCET, LDCE,ચરોતર યુનિવર્સીટી, મારવાડી યુનિવર્સીટી, ADIT, LDRP વગેરેના 450 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા આઇઈઈઈ સભ્યો અને સભ્યપદ નથી તેવા વિદ્યર્થીઓ પણ હાજર રહ્યા હતા.
સંપર્ક એક એવો કાર્યક્રમ છે જેમા અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં ભાગ લે છે. વધુમા અહી વિદ્યાર્થીઓને એક એવુ પ્લેટફોર્મ મળે છે કે તેઓ એ વર્ષ દરમ્યાન કઇ કઇ ઈવેન્ટ કરી તેની સવિસ્તાર માહિતીની આપ-લે થઈ શકે, જેનો લાભ નવા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને આવી અલગ અલગ ઇવેન્ટના આયોજન કરવામાં મદદ મળશે.
આ પ્રસંગે દરેક કોલેજમાથી શ્રેષ્ઠ યોગદાન બદલ વિદ્યાર્થીઓને બેસ્ટ વોલેન્ટિયરનો અવોર્ડ આપવામા આવ્યો હતો તથા અલગ અલગ કોલેજોને સામુહિક રીતે તેમને તેમના યોગદાન બદલ અવોર્ડ આપવામા આવ્યો હતો.