ફિલ્મઃ તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર
કલાકારોઃ અજય દેવગન, સૈફ અલી ખાન, કાજોલ, શરદ કેળકર
ડાયરેક્ટરઃ ઓમ રાઉત
અવધિઃ 134 મિનિટ
★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★★★
ઐતિહાસિક કે અમુક ચોક્કસ સમયકાળ પર કે મહાયુદ્ધ (પિરિયડ ડ્રામા) પર ફિલ્મ બનાવવી એ જોખમી કામ છે. એક તો એ ઊંડું સંશોધન માગી લે છે. બીજી બાજુ, ઈતિહાસ-સચ્ચાઈને વળગી રહીને ફિલ્મ બનાવવામાં એ ડૉક્યૂમેન્ટરી બની જવાનો ભય રહે. બીજું, એની માવજતમાં ચીવટાઈ રાખવી પડે. ત્રીજું, યુદ્ધકથાને અનુરૂપ પાત્રો-અભિનય સશક્ત હોવાં જોઈએ. લોકમાન્ય ટિળકના જીવનકાર્ય પર મરાઠી ફિલ્મ બનાવનાર ઓમ રાઉત આમાંની મોટા ભાગની લડાઈ જીતી શક્યા છે ને એમાં એમને સાથ મળ્યો છે પટકથાકાર-સંવાદલેખક પ્રકાશ કાપડિયાનો. જો કે પ્રેક્ષકોનો રસ જાળવી રાખવા લેખક-દિગ્દર્શકે ઈતિહાસમાં છૂટછાટ લીધી છે, કેટલાક કાલ્પનિક પ્રસંગ ઉમેર્યા છે.
થ્રી-ડી ફૉરમેટમાં ચિત્રિત થયેલી આ ફિલ્મની ખાસિયત છે સ્પેશિયલ ઈફેક્ટ્સ, વીએફએક્સ… ફિલ્મનાં દિલધડક દ્રશ્ય, પહાડ પર આવેલા ગઢ, એની રાંગ, પર્વતારોહણ, પરદા પરથી તમારી દિશામાં આવતાં અણિયાળાં બાણ, ભાલા, વગેરેની થ્રિલ આંખો પર કાળાં થ્રી-ડી ગોગલ્સ લગાવીને જ જોવા-માણવાની મજા છે.
(જુઓ ‘તાન્હાજી’નું ટ્રેલર)