Home Blog Page 4008

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-2017’ વર્ષ 11મું; ઈનામ વિતરણ સમારોહ, ‘દેવદાસીની’ શ્રેષ્ઠ નાટક – પ્રથમ પારિતોષિક

મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૭’ (વર્ષ ૧૧મું)નો પારિતોષિક વિતરણ સમારંભ 20 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે અંધેરી (પશ્ચિમ) સ્થિત સરદાર પટેલ સભાગૃહ, ભવન્સ કેમ્પસ ખાતે યોજાયો હતો.

જેમાં શ્રેષ્ઠ નાટકનું પ્રથમ ઈનામ સુરત, આર્ટિઝમ થિયેટરના નાટક ‘દેવદાસીની’ને મળ્યું હતું. જ્યારે શ્રેષ્ઠ નાટકનું દ્વિતીય ઈનામ સુરત, દીપ આર્ટ્સના ‘કથા’ નાટકને ફાળે ગયું હતું. શ્રેષ્ઠ નાટકનું તૃતિય ઈનામ વડોદરાના વૈભવ સોનીના નાટક ‘છેલ્લી મુલાકાત’ને મળ્યું હતું.

શ્રેષ્ઠ નાટકના પ્રોત્સાહન ઈનામ બે નાટકને આપવામાં આવ્યા હતા જેમાં વડોદરા, નાન્દી આર્ટ્સનું ‘રક્તબીજ’ અને સુરત, નવરંગ આર્ટ્સના ‘સંસારની સેમી ફાઈનલ’નો સમાવેશ થાય છે.

શ્રેષ્ઠ દિગ્દર્શકની કેટેગરીમાં પ્રથમ ઈનામ ‘દેવદાસીની’ નાટક માટે ગિરીશ સોલંકીને, દ્વિતીય ઈનામ ‘કથા’ નાટકના ગીત દિક્ષીતને અને ‘છેલ્લી મુુલાકાત’ માટે વૈભવ સોનીને એનાયત થયું હતું.

શ્રેષ્ઠ અભિનેતાનું પ્રથમ ઈનામ ‘છેલ્લી મુલાકાત’ માટે મેહુલ વ્યાસને આપવામાં આવ્યું હતું. જ્યારે શ્રેષ્ઠ અભિનેતાનું દ્વિતીય ઈનામ ‘કથા’ના હિરેન વૈદ્યને અને તૃતિય ઈનામ ‘તા. 7મીમેને મંગળવાર’ માટે ડેનિસ પુનીવાલાને અપાયું હતું.

શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં, પ્રથમ ઈનામ પ્રીતિ પટેલ (કથા), દ્વિતીય ઈનામ રૂબી ઠક્કર (રક્તબીજ) અને દીશા મહેતા (આવો જરાક પ્રેમ કરીએ)ને આપવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠ સહાયક અભિનેતામાં પ્રથમ ઈનામ ફવાદ શેખ (દેવદાસીની) અને દ્વિતીય ઈનામ વૈભવ સોની (છેલ્લી મુલાકાત)ને આપવામાં આવ્યું હતું.

પ્રથમ પારિતોષિક વિજેતા નાટકઃ દેવદાસીની
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીમાં પ્રથમ ઈનામ રક્ષિતા શાહ (દેવદાસીની), દ્વિતીય ઈનામ ઐશ્વર્યા શાહ (છેલ્લી મુલાકાત)ને આપવામાં આવ્યું હતું.

‘દેવદાસીની’ નાટકને ફાળે ચાર એવોર્ડ એનાયત થયા હતા જેમાં શ્રેષ્ઠ કલા નિર્દેશનમાં પ્રથમ ઈનામ નીલા દોશી, શ્રેષ્ઠ પ્રકાશ રચનામાં પ્રથમ ઈનામ હિતેશ પટેલ, શ્રેષ્ઠ સંગીત સંયોજન સાગર ગોહિલ અને શ્રેષ્ઠ વેશભુષા એવોર્ડ વૈદેહી ઉપાધ્યાયને ફાળે ગયો છે.

શ્રેષ્ઠ યુવા પ્રતિભાનું પ્રથમ ઈનામ હાર્વિ ભટ્ટને ‘સરિતા’ નાટક માટે એનાયત કરવામાં આવ્યું હતું.

બોલીવૂડ-ટેલીવૂડ અને રંગમંચની જાણીતી હસ્તીઓના હાથે વિજેતા સ્પર્ધકોને પોંખવામાં આવી હતી અને નૌશાદે સંગીતબદ્ધ કરેલાં બોલીવૂડનાં ગીતો પર પંડિત બીરજૂ મહારાજની સંસ્થા કલાશ્રમના વિદ્યાર્થીઓ નૃત્યનો એક રસભર્યો કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: ઈનામ વિતરણ સમારંભ…

(તસવીરોઃ દીપક ધુરી)