Home Blog Page 4006

પ્રધાનોને ખાતાની ફાળવણીની જાહેરાત ગુરુવારે સાંજ સુધીમાં કરાશેઃ નાયબ CM અજીત પવાર

મુંબઈ – મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આજે જણાવ્યું છે કે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકારમાં પ્રધાનોને એમના ખાતાની ફાળવણી આવતીકાલે સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના બનેલા મહાવિકાસ આઘાડી ગઠબંધને સત્તા સંભાળ્યાને એક મહિનાથી ઉપર સમય વીતી ગયો છે તે છતાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં વિલંબ થયો છે. કયા પ્રધાનને કયું ખાતું આપવામાં આવશે તે વિશે જાતજાતના તર્કવિતર્કો થઈ રહ્યા છે.

અજીત પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કયું ખાતું સંભાળશો ત્યારે એમણે કહ્યું કે એ તો અમારા ગઠબંધનના વડાઓ જ નિર્ણય લેશે.

પવારે એમ પણ કહ્યું કે કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ અને પ્રધાન તરીકે શપથ લેનાર બાળાસાહેબ થોરાત અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ ચૂકી છે. કયા પ્રધાનને કયું ખાતું આપવું જોઈએ એ નિર્ણય સરકારના ભાગીદાર ત્રણેય પક્ષના પ્રમુખોએ લેવાનો છે એટલે કે સોનિયા ગાંધી (કોંગ્રેસ), શરદ પવાર (એનસીપી) અને ઉદ્ધવ ઠાકરે (શિવસેના).

કહેવાય છે કે શરદ પવારે એમની પાર્ટીના કયા પ્રધાનને કયું ખાતું આપવું એની યાદી મુખ્ય પ્રધાન ઠાકરેને આપી દીધી છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ઉપરાંત અન્ય 6 પ્રધાનોએ 28 નવેંબરે શપથ લીધા હતા અને ત્યારબાદ ગયા અઠવાડિયે ત્રણેય પક્ષોનાં મળીને બીજા 36 પ્રધાનોએ શપથ લીધા હતા. એમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો પણ સમાવેશ થાય છે.

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઈ કરી; ક્રિકેટરે સોશિયલ મિડિયા પર જાણકારી આપી

દુબઈ/વડોદરા – ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નવા વર્ષનો ધમાકેદાર રીતે આરંભ કર્યો છે. આ ઓલરાઉન્ડરે એની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેન્કોવિચ સાથે આજે સગાઈ કરી લીધી છે અને હાર્દિકે પોતે જ આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર આપી છે. નતાશા સર્બિયાની મોડેલ અને અભિનેત્રી છે. આ બંને જણ રિલેશનશિપમાં છે એવી ચર્ચા ઘણાય વખતથી ચાલતી હતી.

એણે નતાશા સાથે પોતાની સગાઈ થયાને સમર્થન આપ્યું હતું અને એની સાથેની તસવીરો પોસ્ટ કરી છે. એક તસવીરમાં, નતાશા એની આંગળી પર સગાઈની વીંટી પણ બતાવે છે.

નતાશા હાર્દિકની લાંબા સમયની ગર્લફ્રેન્ડ છે. એ હાર્દિકના ગાઢ મિત્રવર્તુળમાં રહેલી છે. હાર્દિકે એની ઓળખાણ પોતાના માતાપિતાને પણ કરાવી હતી.

26 વર્ષીય હાર્દિક પંડ્યા હાલ દુબઈમાં છે અને પીઠના દુખાવાની તકલીફની સારવાર લઈ રહ્યો છે. એની સાથોસાથ તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સમય પણ વિતાવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનાર ઈન્ડિયા-A ટીમો હાર્દિક સભ્ય છે.

તસવીરો સાથેની કેપ્શનમાં હાર્દિકે લખ્યું છેઃ ‘મૈં તેરા, તૂ મેરી, જાને સારા હિન્દુસ્તાન. 01.01.2020 #engaged’

સગાઈના બંધનમાં નવું જ બંધાયેલું આ યુગલ આ તસવીરો પરથી કોઈક સ્પીડબોટમાં સહેલગાહ કરતું હોય એવું જણાય છે.

આ તસવીરની કેપ્શનમાં હાર્દિકે લખ્યું છેઃ ‘મારી ફાયરવર્ક (ફટાકડી) સાથે નવા વર્ષનો આરંભ.’

પંડ્યાને થોડાક સમય અગાઉ પીઠના દુખાવાને કારણે સર્જરી કરાવવી પડી હતી. આ ઈન્જરીને કારણે એ ક્રિકેટથી દૂર રહ્યો છે. છેલ્લે એ દક્ષિણ આફ્રિકા સામે ભારતની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં રમ્યો હતો, પરંતુ ત્યારબાદ બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીઓમાંથી એને બાકાત રાખવામાં આવ્યો હતો.

સુરતમાં સૌપ્રથમ કિડની પ્રત્યારોપણ સફળ રહ્યું; કિરણ હોસ્પિટલની સિદ્ધિ

સુરત – ભારતની આગવી હોસ્પિટલોમાંની એક, અત્રેની કિરણ હોસ્પિટલ તમામ પ્રકારનાં રોગોનાં નિદાન તથા સારવારમાં કાર્યરત છે. કિરણ હોસ્પિટલનો ઉદ્દેશ ‘નહીં-નફો–નહીં-નુકસાન’નો છે. આ હોસ્પિટલમાં છેલ્લા 2.6 વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને વિદેશનાં અંદાજે 7,50,000થી વધુ દર્દીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સારવાર-સુવિધાનો લાભ લીધો છે. હોસ્પિટલની સેવાનો લાભ સુખી-સંપન્ન અને ઓછી આવક ધરાવતા તેમજ દરેક વર્ગનાં લોકો લઈ રહ્યાં છે. સાથોસાથ આ હોસ્પિટલમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ‘મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના’ અને ‘આયુષ્યમાન ભારત યોજના’ સેવાનો લાભ પણ મોટી સંખ્યામાં દર્દીઓ લઈ રહ્યા છે.

કિરણ હોસ્પિટલના સીઈઓ ડો. રવિન્દ્ર કરંજેકરના જણાવ્યા મુજબ કિરણ હોસ્પિટલ કિડનીના રોગો માટે સામાન્ય નિદાનથી લઈને દરેક પ્રકારનાં ઓપરેશનો, ડાયાલીસીસ તથા કિડની ફેઈલરની બીમારીમાં તમામ સારવાર પૂરી પાડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં કુશળ અને અનુભવી ડોકટરો, સ્ટાફ તથા જંતુમુક્ત ઓપરેશન થિયેટર તથા ટ્રાન્સપ્લાન્ટ આઈ.સી.યુ.ની સર્વોતમ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગઈ 22 ડિસેમ્બર, 2019ના રોજ કિરણ હોસ્પિટલની કુશળ ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા 19 વર્ષીય સમર્થ નિલેષભાઈ મૈસુરિયા નામના યુવાન દર્દીને તેમના 43 વર્ષીય પિતા નિલેષભાઈ હસમુખભાઈ મૈસુરિયા દ્વારા દાન કરાયેલી કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલમાં સુરતનું આ સૌપ્રથમ કિડની પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) ઓપરેશન કરવામાં આવ્યું. હવે ટૂંક સમયમાં અન્યો દર્દીઓમાં પણ આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવનાર છે.

કિરણ હોસ્પિટલમાં કુશળ અને અનુભવી ડોકટરો દ્વારા 36 મશીનો સાથેનો અતિ આધુનિક અને દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ડાયાલીસીસ વિભાગ કાર્યરત છે. જેમાં 2.6 વર્ષમાં 90,000થી વધારે ડાયાલીસીસ કરવામાં આવ્યા છે.

ખૂબ જ આધુનિક ડાયાલીસીસ વિભાગમાં R.O. વોટર પ્લાન્ટ અને મશીનો જર્મનીથી આયાત કરવામાં આવ્યા છે અને દર્દીઓ ડાયાલીસીસની આ સુવિધાઓથી ખૂબ જ સંતોષની લાગણી અનુભવે છે.

નિર્ભયા બળાત્કાર કેસઃ ચારેય અપરાધીને એક સાથે ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી – અહીંની તિહાર જેલમાં પહેલી જ વાર એક સાથે ચાર અપરાધીને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવનાર છે.

અત્યાર સુધી તિહારમાં એક વખતમાં માત્ર એક અપરાધીને ફાંસી દેવામાં આવતી રહી છે. પરંતુ હવે નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસના ચારેય અપરાધીને એક સાથે ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચાર અપરાધીના નામ છે – મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તા.

જેલમાં વધુ ત્રણ ફાંસીના માંચડા તૈયાર કરવામાં આવ્યા છે.

દેશમાં તિહાર પહેલી જ જેલ બનશે જ્યાં એક સાથે ચાર અપરાધીને ફાંસી અપાશે.

તિહાર જેલમાં ફાંસીનો એક માંચડો તો હતો જ, બીજા 3 પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આનો મતલબ એ કે નિર્ભયા કેસના ચારેય અપરાધીને એક જ દિવસે ફાંસી પર લટકાવી દેવામાં આવશે.

જેલ પ્રશાસન આ ચારેય અપરાધી વિશેનો અહેવાલ કોર્ટને સુપરત કરશે. તમામ કાયદેસર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ ફાંસી આપવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. કહેવાય છે કે ચારેય આરોપી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ક્યૂરેટિવ પીટિશન નોંધાવશે. એ નકારી કઢાયા બાદ ચારેય જણ રાષ્ટ્રપતિ કોવિંદને દયાની અરજી કરશે. એ પણ નકારી કાઢવામાં આવ્યા બાદ ચારેયને ફાંસીએ લટકાવી દેવાશે.

જેલમાં વધુ 3 માંચડા તૈયાર કરવાનું કામ જાહેર બાંધકામ (PWD) વિભાગને સોંપવામાં આવ્યું હતું, જે તેણે ગયા સોમવારે પૂરું કરી દીધું હતું. જેલમાં માંચડા તૈયાર કરવા માટે JCB અંદર લઈ જવામાં આવી હતી. માચડાઓની નીચે એક બોગદું બનાવવામાં આવ્યું છે. ફાંસી અપાઈ ગયા બાદ ચારેય અપરાધીના મૃતદેહ બોગદામાંથી બહાર કાઢવામાં આવશે.

દેશભરને હચમચાવી મૂકનાર નિર્ભયા કાંડ 2012ની 16 ડિસેંબરે દિલ્હીમાં બન્યો હતો. આ કેસમાં કોર્ટમાં સુનાવણી થઈ ચૂકી છે. આખરી ચરણમાં ડેથ વોરંટની સુનાવણી કરાશે જે માટે દિલ્હીની પટિયાલા કોર્ટે 7 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

એ દિવસે કમનસીબ યુવતી, જેની સાચી ઓળખ છુપાવીને એને નિર્ભયાનું નામ આપ્યું છે, એની પર દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલુ બસની અંદર એનાં બોયફ્રેન્ડની હાજરીમાં ઉક્ત ચારેય અપરાધીએ ગેંગરેપ કર્યો હતો.

ચારેય જણને ફાસ્ટ ટ્રેક કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી, જેને નીચલી અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતે પણ મંજૂર રાખી છે.

1982માં તિહાર જેલમાં રંગા અને બિલ્લા નામના અપરાધીઓને એક સાથે ફાંસી આપવામાં આવી હતી. એ બંનેએ 1978માં નવી દિલ્હીમાં પૈસા માટે સગીર વયનાં ભાઈ-બહેન ગીતા અને સંજયનું અપહરણ કર્યું હતું, પણ બાદમાં એમને જ્યારે ખબર પડી કે બાળકોનાં પિતા નૌકાદળમાં અધિકારી છે ત્યારે એમણે ભાઈ-બહેનની હત્યા કરી હતી. એમણે ગીતા પર બળાત્કાર કર્યો હતો અને પછી હત્યા કરી હતી. રંગાનું સાચું નામ કુલજીત સિંહ હતું અને બિલ્લાનું નામ જસબીર સિંહ હતું. ગીતા અને સંજયના પિતા મદનમોહન ચોપરા નૌકાદળના અધિકારી હતા.

બીએસઈ સ્ટાર એમએફ પર ટર્નઓવરનો નવો વિક્રમઃ ડિસેમ્બરમાં 49.60 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ થયા

મુંબઈ – દેશના અગ્રણી પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં ડિસેમ્બર 2019માં પ્લેટફોર્મ પર 49.60 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયા હતા. અગાઉ ઓક્ટોબર, 2019માં 46.70 લાખ ટ્રાન્ઝેક્શન અને નવેમ્બર, 2019માં રૂ.13,721 કરોડના ટર્નઓવરનો રેકોર્ડ નોંધાયો હતો. એપ્રિલથી ડિસેમ્બર, 2019ના ગાળા દરમિયાન પ્લેટફોર્મ પર 3.92 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.

પ્લેટફોર્મ પર ડિસેમ્બર મહિનામાં 2.45 લાખ નવા એસઆઈપી રજિસ્ટર થયા હતા એ સાથે સ્ટાર એમએફ પર નોંધાયેલા એસઆઈપીઝની સંખ્યા 34.01 લાખની થઈ છે, જેઓ રૂ.952.45 કરોડનું કોર્પસ ધરાવે છે.

બીએસઈ સ્ટાર એમએફ એપ (સ્ટાર એમએફ મોબિલિટી) લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે રૂ.1634.37 કરોડના 1.72 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યા છે. આ એપ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ્સની નોંધણી કરી શકે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે એ માટે લોન્ચ કરવામાં આવેલું છે અને તેના પગલે પ્લેટફોર્મ ભારે વૃદ્ધિ પામ્યુ છે. અત્યારે પ્લેટફોર્મ પર ભારત ભરના 55,00થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે.

નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો મારઃ ટ્રેનભાડા, LPG સિલિન્ડર મોંઘાં થયા

નવી દિલ્હી – આજથી નવું – 2020નું વર્ષ શરૂ થયું છે, નવો દાયકો શરૂ થયો છે એની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આજે પહેલા જ દિવસે બે આંચકા આપ્યા છે. બિન-ઉપનગરીય ટ્રેન પ્રવાસી ભાડામાં વધારો કર્યો છે અને સબ્સિડી-વગરના ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરમાં પણ 19 રૂપિયાનો વધારો કર્યો છે.

આમ આજથી ટ્રેન સફર મોંઘી થઈ ગઈ છે અને રાંધવાનું પણ મોંઘું થઈ ગયું છે.

કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબ્સિડી વગરના ઘરેલુ રાંધણ ગેસ (એલપીજી)ના સિલિન્ડરમાં રૂ. 19નો વધારો જાહેર કર્યો છે.

આ સતત પાંચમા મહિનામાં લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરનો ભાવ વધારવામાં આવ્યો છે.

મુંબઈમાં સબ્સિડી વગરના 14.5 કિલોગ્રામ વજનના એલપીજી સિલિન્ડરની કિંમત હવે રૂ. 684.50 થઈ છે જ્યારે અમદાવાદમાં આ જ સિલિન્ડરની કિંમત હવે રૂ. 688 થઈ છે, ગાંધીનગરમાં રૂ. 718 છે, નર્મદામાં રૂ. 840 છે. ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવાને કારણે ભારતમાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધે છે.

ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક દરના આધારે ભારતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં સરકાર સંચાલિત ફ્યુઅલ રીટેલ કંપનીઓ દર મહિને ફેરફાર કરે છે.

ટ્રેન પ્રવાસી ભાડામાં પાંચ વર્ષમાં પહેલી વાર વધારો કરાયો

રેલવે વહીવટીતંત્રએ ટ્રેનપ્રવાસ માટેના ભાડામાં આજથી લાગુ થાય એ રીતે જે વધારો કર્યો એ મામુલી છે. 1 જાન્યુઆરી, 2020ના દિવસે કે ત્યારપછી જે ટ્રેન ટિકિટ ખરીદવામાં આવશે એની પર નવો વધારો લાગુ થશે. આ તારીખ પહેલાં જેમણે ટિકિટ ખરીદી હશે એમની પાસેથી ઉપરની કોઈ રકમ વસુલ કરવામાં નહીં આવે.

સામાન્ય નોન-એસી વર્ગમાં પ્રવાસ કરનારાઓએ હવે પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ 1 પૈસો વધારે ચૂકવવાનો આવશે.

મેલ/એક્સપ્રેસ નોન-એસી વર્ગમાં પ્રવાસ કરનારાઓએ હવે પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ બે પૈસા વધારે ચૂકવવા પડશે.

એસી વર્ગોમાં ભાડું પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ 4 પૈસા વધારવામાં આવ્યું છે.

ઉપનગરીય ટ્રેન પ્રવાસ કે માસિક (સીઝન) પાસના ભાડાની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ભારતીય રેલવે પર આ લોકોનો વર્ગ 66 ટકા જેટલો છે. તેથી એમની પર આર્થિક બોજો ન પડે એનું તંત્રએ ધ્યાન રાખ્યું છે.

ભારતીય રેલવે છેલ્લા અનેક વર્ષોથી આધુનિકીકરણ અપનાવી રહી છે અને પ્રવાસીઓને સફરનો અનુભવ સુગમતાભર્યો અને આનંદપૂર્વકનો બની રહે એ માટે ટ્રેનોમાં તથા સ્ટેશનો પર વિવિધ પ્રકારની સુવિધાઓમાં સુધારા પણ કરતી રહી છે.

રેલવેએ છેલ્લે 2014-15ની સાલમાં પ્રવાસી ભાડામાં વધારો કર્યો હતો. પ્રવાસી સુવિધાઓ અને સગવડતાઓ વધારવામાં આવી રહી હોવાથી ભાડાની રકમમાં મામુલી વધારો કરવાનું તંત્ર માટે અનિવાર્ય બન્યું હતું. તે છતાં કોઈ પણ વર્ગનાં પ્રવાસીઓ પર વધારે પડતો બોજો ન આવે એનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવ્યું છે.

રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ સરચાર્જ વગેરે માટેના ચાર્જિસમાં કોઈ વધારો કરાયો નથી. આ ચાર્જિસ જ્યાં જરૂર હશે ત્યાં અતિરિક્ત રીતે વસુલ કરવાનું ચાલુ રહેશે.

અમદાવાદમાં 2020ની ઉજવણીઃ 5000 ફૂગ્ગા આકાશમાં છોડાયા…

2020નું વર્ષ 1 જાન્યુઆરી, બુધવારથી શરૂ થઈ ગયું છે અને અમદાવાદવાસીઓએ પણ એને પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે આવકાર્યું છે. મણીનગર પૂર્વ વિસ્તારમાં આવેલા મેથડિસ્ટ ચર્ચ ખાતે યોજવામાં આવેલા ઉજવણી કાર્યક્રમમાં '2020'ના બેનર્સ સાથે હજારો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને 5000 રંગબેરંગી ફૂગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)






























રિલાયન્સ જિયો ઈન્ફોકોમ સહિત 8 કંપની રૂ. 35,585 કરોડનાં કમર્શિયલ પેપર BSE પર લિસ્ટ કરશે

મુંબઈ – રિલાયન્સ જિયો ઈન્ફોકોમ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, રેડિંગટન (ઈન્ડિયા), આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ પ્રાઈમરી ડિલરશીપ, મોતિલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીસ, હિન્દુજા લેલેન્ડ ફાઈનાન્સ, સીયેટ અને આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સ કંપનીએ તેમનાં કમર્શિયલ પેપરના રૂ.29,650 કરોડ, રૂ.3,350 કરડ, રૂ.950 કરોડ, રૂ.700 કરોડ, રૂ.600 કરોડ, રૂ.235 કરોડ, રૂ.50 કરોડ અને રૂ.50 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 1 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 50 ઈશ્યુઅરોના રૂ.1,05,795 કરોડના કમર્શિયલ પેપર્સના 258 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 138 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.09 ટકા રહ્યું છે.

દેશના પ્રથમ CDS જનરલ બિપીન રાવતે કહ્યું, CDS સેનાની ત્રણેય પાંખ સાથે નિષ્પક્ષ રહેશે

નવી દિલ્હી – ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ બિપીન રાવતે આજથી દેશના સંરક્ષણની ત્રણેય પાંખ – ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સંયુક્ત વડા તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. જનરલ બિપીન રાવત આજથી દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બની ગયા છે. રાષ્ટ્રીય પાટનગરમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક ખાતે એમને સેનાની ત્રણેય પાંખ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને CDS જનરલ રાવતે એ સમ્માનનું અભિવાદન કર્યું હતું.

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જનરલ રાવતે કહ્યું કે, CDS સેનાની ત્રણેય પાંખ પર નિયંત્રણ રાખશે, ત્રણેય પાંખ સાથે એ નિષ્પક્ષ રહેશે. અમે ત્રણેય સેનાને જોડીને ત્રણ નહીં, પણ પાંચ કે સાત બનાવીશું. CDSને આ કામગીરી સોંપવામાં આવી છે. અમે એક ટીમ તરીકે કામ કરીશું અને ત્રણેય સેના સાથે મળીને કામગીરી બજાવે એનું ધ્યાન રાખીશું.

જનરલ રાવતે એમ પણ કહ્યું કે, આ ઉપરાંત અમે રિસોર્સ મેનેજમેન્ટ ઉપર ધ્યાન આપીશું. સંરક્ષણ તાલીમને કઈ રીતે આગળ વધારી શકાય છે તે અમે જોઈશું. આગળ જે કામગીરી મળશે એને અમે સક્ષમ રીતે બજાવીશું.

સીડીએસ 4-સ્ટાર જનરલ હશે અને તેઓ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવનાર એક નવા વિભાગના સચિવ તરીકે કામ કરશે, એ વિભાગનું નામ રાખવામાં આવ્યું છે – ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સ. આ ઉપરાંત CDS કેન્દ્ર સરકારને સૈન્યની બાબતો અંગે સલાહ આપશે.

સરકારે સ્પષ્ટતા કરી જ દીધી છે કે સીડીએસ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળને સીધી રીતે કન્ટ્રોલ નહીં કરે, પરંતુ એમને અંતર્ગત સેનાની ત્રણેય પાંખના સંયુક્ત કમાન્ડ અને ડિવિઝન રહેશે.

સીડીએસ સંરક્ષણને લગતા મુદ્દાઓ પર સંરક્ષણ પ્રધાન સાથે સીધા સંપર્કમાં રહેશે અને પોતાનાં મંતવ્યો આપશે. ટૂંકમાં, સીડીએસ સંરક્ષણ પ્રધાનના સૈન્ય સલાહકાર તરીકે ફરજ બજાવશે. સંરક્ષણ પ્રધાને ત્રણેય સેનાના વડાઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરવાને બદલે હવેથી સીડીએસ સાથે જ વાતચીત કરશે. ત્રણેય સેનાનો સંપૂર્ણ ટ્રાઈ સર્વિસ કમાન્ડ સીડીએસને આધીન રહેશે.

ઉલ્લેખનીય છે કે, કારગીલ યુદ્ધ બાદ કારગીલ રિવ્યૂ કમિટી તથા નરેશ ચંદ્ર કમિટીએ દેશમાં સીડીએસની નિમણૂક કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી અને એના આધારે જ નરેન્દ્ર મોદી સરકારે પ્રથમ સીડીએસની નિમણૂક કરી છે.

જનરલ રાવતે કહ્યું કે, સીડીએ સેનાની ત્રણેય પાંખ સાથે સરસ તાલમેલ રાખશે. સાથોસાથ, સંરક્ષણ પાછળ ખોટો ખર્ચ ન થાય અને બજેટમાં ફાળવાયેલી રકમનો યોગ્ય રીતે ઉપયોગ થાય એની પર દેખરેખ રાખશે. ત્રણેય સેનાનાં અધિકારીઓની ટ્રેનિંગ સ્કૂલ એટલે કે નેશનલ ડીફેન્સ એકેડેમી સીડીએસના નિયંત્રણમાં રહેશે.

આ ઉપરાંત આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસ, એન્જિનિયરિંગ સર્વિસ અને નેશનલ ડીફેન્સ કોલેજ પણ સીડીએસના કમાન્ડ હેઠળ રહેશે.

જનરલ રાવતે વધુમાં કહ્યું કે, સીડીએસને મુખ્ય જવાબદારી દેશ માટે ભાવિ રણનીતિ ઘડવાની આપવામાં આવી છે.

સીડીએસના રાજકીય ઝોક વિશેના સવાલના જવાબમાં જનરલ રાવતે કહ્યું કે અમે રાજકારણથી ઘણા દૂર રહીએ છીએ. અમારે સામાન્ય રીતે શાસક પક્ષના આદેશો અનુસાર કામ કરવાનું રહેતું હોય છે.

સીડીએસ બન્યા બાદ જનરલ રાવતનો ગણવેશ બદલાઈ ગયો છે. એમના ગણવેશનો રંગ ઓલિવ ગ્રીન (જૈતૂન લીલો) રહેશે. આ ગણવેશમાં સેનાની ત્રણેય પાંખના ગણવેશના તમામ ઘટક રહેશે.