નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો મારઃ ટ્રેનભાડા, LPG સિલિન્ડર મોંઘાં થયા

નવી દિલ્હી – આજથી નવું – 2020નું વર્ષ શરૂ થયું છે, નવો દાયકો શરૂ થયો છે એની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આજે પહેલા જ દિવસે બે આંચકા આપ્યા છે. બિન-ઉપનગરીય ટ્રેન પ્રવાસી ભાડામાં વધારો કર્યો છે અને સબ્સિડી-વગરના ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરમાં પણ 19 રૂપિયાનો વધારો કર્યો છે.

આમ આજથી ટ્રેન સફર મોંઘી થઈ ગઈ છે અને રાંધવાનું પણ મોંઘું થઈ ગયું છે.

કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબ્સિડી વગરના ઘરેલુ રાંધણ ગેસ (એલપીજી)ના સિલિન્ડરમાં રૂ. 19નો વધારો જાહેર કર્યો છે.

આ સતત પાંચમા મહિનામાં લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરનો ભાવ વધારવામાં આવ્યો છે.

મુંબઈમાં સબ્સિડી વગરના 14.5 કિલોગ્રામ વજનના એલપીજી સિલિન્ડરની કિંમત હવે રૂ. 684.50 થઈ છે જ્યારે અમદાવાદમાં આ જ સિલિન્ડરની કિંમત હવે રૂ. 688 થઈ છે, ગાંધીનગરમાં રૂ. 718 છે, નર્મદામાં રૂ. 840 છે. ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવાને કારણે ભારતમાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધે છે.

ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક દરના આધારે ભારતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં સરકાર સંચાલિત ફ્યુઅલ રીટેલ કંપનીઓ દર મહિને ફેરફાર કરે છે.

ટ્રેન પ્રવાસી ભાડામાં પાંચ વર્ષમાં પહેલી વાર વધારો કરાયો

રેલવે વહીવટીતંત્રએ ટ્રેનપ્રવાસ માટેના ભાડામાં આજથી લાગુ થાય એ રીતે જે વધારો કર્યો એ મામુલી છે. 1 જાન્યુઆરી, 2020ના દિવસે કે ત્યારપછી જે ટ્રેન ટિકિટ ખરીદવામાં આવશે એની પર નવો વધારો લાગુ થશે. આ તારીખ પહેલાં જેમણે ટિકિટ ખરીદી હશે એમની પાસેથી ઉપરની કોઈ રકમ વસુલ કરવામાં નહીં આવે.

સામાન્ય નોન-એસી વર્ગમાં પ્રવાસ કરનારાઓએ હવે પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ 1 પૈસો વધારે ચૂકવવાનો આવશે.

મેલ/એક્સપ્રેસ નોન-એસી વર્ગમાં પ્રવાસ કરનારાઓએ હવે પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ બે પૈસા વધારે ચૂકવવા પડશે.

એસી વર્ગોમાં ભાડું પ્રત્યેક પ્રવાસી કિલોમીટર દીઠ 4 પૈસા વધારવામાં આવ્યું છે.

ઉપનગરીય ટ્રેન પ્રવાસ કે માસિક (સીઝન) પાસના ભાડાની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ભારતીય રેલવે પર આ લોકોનો વર્ગ 66 ટકા જેટલો છે. તેથી એમની પર આર્થિક બોજો ન પડે એનું તંત્રએ ધ્યાન રાખ્યું છે.

ભારતીય રેલવે છેલ્લા અનેક વર્ષોથી આધુનિકીકરણ અપનાવી રહી છે અને પ્રવાસીઓને સફરનો અનુભવ સુગમતાભર્યો અને આનંદપૂર્વકનો બની રહે એ માટે ટ્રેનોમાં તથા સ્ટેશનો પર વિવિધ પ્રકારની સુવિધાઓમાં સુધારા પણ કરતી રહી છે.

રેલવેએ છેલ્લે 2014-15ની સાલમાં પ્રવાસી ભાડામાં વધારો કર્યો હતો. પ્રવાસી સુવિધાઓ અને સગવડતાઓ વધારવામાં આવી રહી હોવાથી ભાડાની રકમમાં મામુલી વધારો કરવાનું તંત્ર માટે અનિવાર્ય બન્યું હતું. તે છતાં કોઈ પણ વર્ગનાં પ્રવાસીઓ પર વધારે પડતો બોજો ન આવે એનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવ્યું છે.

રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ સરચાર્જ વગેરે માટેના ચાર્જિસમાં કોઈ વધારો કરાયો નથી. આ ચાર્જિસ જ્યાં જરૂર હશે ત્યાં અતિરિક્ત રીતે વસુલ કરવાનું ચાલુ રહેશે.