નિર્ભયા બળાત્કાર કેસઃ ચારેય અપરાધીને એક સાથે ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી – અહીંની તિહાર જેલમાં પહેલી જ વાર એક સાથે ચાર અપરાધીને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવનાર છે.

અત્યાર સુધી તિહારમાં એક વખતમાં માત્ર એક અપરાધીને ફાંસી દેવામાં આવતી રહી છે. પરંતુ હવે નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસના ચારેય અપરાધીને એક સાથે ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચાર અપરાધીના નામ છે – મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તા.

જેલમાં વધુ ત્રણ ફાંસીના માંચડા તૈયાર કરવામાં આવ્યા છે.

દેશમાં તિહાર પહેલી જ જેલ બનશે જ્યાં એક સાથે ચાર અપરાધીને ફાંસી અપાશે.

તિહાર જેલમાં ફાંસીનો એક માંચડો તો હતો જ, બીજા 3 પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આનો મતલબ એ કે નિર્ભયા કેસના ચારેય અપરાધીને એક જ દિવસે ફાંસી પર લટકાવી દેવામાં આવશે.

જેલ પ્રશાસન આ ચારેય અપરાધી વિશેનો અહેવાલ કોર્ટને સુપરત કરશે. તમામ કાયદેસર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ ફાંસી આપવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. કહેવાય છે કે ચારેય આરોપી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ક્યૂરેટિવ પીટિશન નોંધાવશે. એ નકારી કઢાયા બાદ ચારેય જણ રાષ્ટ્રપતિ કોવિંદને દયાની અરજી કરશે. એ પણ નકારી કાઢવામાં આવ્યા બાદ ચારેયને ફાંસીએ લટકાવી દેવાશે.

જેલમાં વધુ 3 માંચડા તૈયાર કરવાનું કામ જાહેર બાંધકામ (PWD) વિભાગને સોંપવામાં આવ્યું હતું, જે તેણે ગયા સોમવારે પૂરું કરી દીધું હતું. જેલમાં માંચડા તૈયાર કરવા માટે JCB અંદર લઈ જવામાં આવી હતી. માચડાઓની નીચે એક બોગદું બનાવવામાં આવ્યું છે. ફાંસી અપાઈ ગયા બાદ ચારેય અપરાધીના મૃતદેહ બોગદામાંથી બહાર કાઢવામાં આવશે.

દેશભરને હચમચાવી મૂકનાર નિર્ભયા કાંડ 2012ની 16 ડિસેંબરે દિલ્હીમાં બન્યો હતો. આ કેસમાં કોર્ટમાં સુનાવણી થઈ ચૂકી છે. આખરી ચરણમાં ડેથ વોરંટની સુનાવણી કરાશે જે માટે દિલ્હીની પટિયાલા કોર્ટે 7 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

એ દિવસે કમનસીબ યુવતી, જેની સાચી ઓળખ છુપાવીને એને નિર્ભયાનું નામ આપ્યું છે, એની પર દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલુ બસની અંદર એનાં બોયફ્રેન્ડની હાજરીમાં ઉક્ત ચારેય અપરાધીએ ગેંગરેપ કર્યો હતો.

ચારેય જણને ફાસ્ટ ટ્રેક કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી, જેને નીચલી અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતે પણ મંજૂર રાખી છે.

1982માં તિહાર જેલમાં રંગા અને બિલ્લા નામના અપરાધીઓને એક સાથે ફાંસી આપવામાં આવી હતી. એ બંનેએ 1978માં નવી દિલ્હીમાં પૈસા માટે સગીર વયનાં ભાઈ-બહેન ગીતા અને સંજયનું અપહરણ કર્યું હતું, પણ બાદમાં એમને જ્યારે ખબર પડી કે બાળકોનાં પિતા નૌકાદળમાં અધિકારી છે ત્યારે એમણે ભાઈ-બહેનની હત્યા કરી હતી. એમણે ગીતા પર બળાત્કાર કર્યો હતો અને પછી હત્યા કરી હતી. રંગાનું સાચું નામ કુલજીત સિંહ હતું અને બિલ્લાનું નામ જસબીર સિંહ હતું. ગીતા અને સંજયના પિતા મદનમોહન ચોપરા નૌકાદળના અધિકારી હતા.