હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો; ટીમમાંથી બાકાત

મુંબઈ – ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી ઈન્ડિયા-A ટીમમાંથી બાકાત થઈ ગયો છે, કારણ કે એ ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ શક્યો નથી.

ખેલાડીઓ માટે ફિટનેસ સાબિત કરવા માટે ક્રિકેટ બોર્ડે શનિવારે ફરજિયાત ટેસ્ટ રાખી હતી, પરંતુ હાર્દિક પંડ્યા એમાં આવશ્યક પોઈન્ટ્સ હાંસલ કરી શક્યો નહોતો.

હાર્દિકની જગ્યાએ ટીમમાં વિજય શંકરને સામેલ કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા થોડાક મહિના પહેલાં પીઠની પીડા દૂર કરવા કરાવેલી સર્જરીમાંથી ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે.

પરંતુ ઈન્ડિયા-A ટીમમાં સ્થાન ન મેળવી શકતાં રાષ્ટ્રીય સ્તરની ટીમમાં કમબેક કરવાના હાર્દિક પંડ્યાના પ્રયાસોને ધક્કો પહોંચ્યો છે.

એવું જાણવા મળ્યું છે કે હાર્દિક શનિવારે બે ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો, આનો મતલબ એ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરવા માટે એ હજી તૈયાર નથી.

હાર્દિક એની પીઠની પીડાની સમસ્યાથી ગયા સપ્ટેંબર મહિનાથી ક્રિકેટથી દૂર છે. જો એ શનિવારની ટેસ્ટમાં પાસ થયો હોત અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં સામેલ થઈ શક્યો હોત તો એ ગયા સપ્ટેંબર પછીની એની પહેલી સ્પર્ધાત્મક શ્રેણી બની શકી હોત.

ઈન્ડિયા-A ટીમ ન્યૂઝીલેન્ડમાં 3 બિનસત્તાવાર એક-દિવસીય મેચો અને બે ટેસ્ટ મેચો રમવાની છે.

હજી થોડા જ સમય પહેલાં હાર્દિકે ઉપચારથી થયેલા ફાયદા દર્શાવતા અમુક વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યા હતા, જેમાં એ બોલને સરસ રીતે ફટકારતો જોઈ શકાયો હતો.

આઈપીએલ સ્પર્ધાની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કોચ મહેલા જયવર્દનેને વિશ્વાસ હતો કે હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે સુસજ્જ થઈ જશે. પરંતુ હવે જ્યારે હાર્દિક ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે તેથી રાષ્ટ્રીય ટીમમાં એનું પુનરાગમન લંબાઈ શકે છે.

ભારતીય રાષ્ટ્રીય ટીમ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 3-વનડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમવાની છે.

ઈન્ડિયા-A ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવા રવાના થઈ ચૂકી છે. ત્યાં ટીમ ન્યૂઝીલેન્ડ-A ટીમ સામે 50-ઓવરવાળી બે વોર્મ-અપ મેચ રમશે, 3 એક-દિવસીય મેચો રમશે અને ચાર-દિવસવાળી બે ટેસ્ટ મેચ રમશે.

હાર્દિકના કોચ કંઈક જૂદું કહે છે

દરમિયાન, હાર્દિકના કોચ એસ. રજનીકાંતને ટાંકીને એક અખબારી અહેવાલે કહ્યું છે કે ક્રિકેટ બોર્ડે હાર્દિકને કોઈ ફિટનેસ ટેસ્ટ કરાવવા કહ્યું નહોતું. વાસ્તવમાં હું હજી હાર્દિકની બોલિંગ ક્ષમતાની ચકાસણીની તાલીમ લઈ રહ્યો છું. એટલે એની પર આંતરરાષ્ટ્રીય મેચોમાં રમવાનો બોજો હજી હમણાં નાખવાની જરૂર નથી. એ 100% ફિટ છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ હું ઈચ્છતો નથી કે એ બેક-ટુ-બેક ઈન્ટરનેશનલ મેચોમાં રમવાનો બોજો ઉઠાવે. ક્રિકેટ બોર્ડે પંડ્યાની હજી સુધી કોઈ ફિટનેસ ટેસ્ટ લીધી નથી, તેથી એ ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે એનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી.