Home Blog Page 3007

ભાવનગરના મેવાસા ગામ પાસે ગમખ્વાર અકસ્માત, 7 ના મોત, અનેક ઘાયલ

રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બેફામ ઝડપ અને બેજવાબદારી ભર્યા ડ્રાઈવિંગના પગલે અનેક લોકોના જીવ જાય છે. ત્યારે આજે ફરી એક વખત ભાવનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે રામનવમીના દિવસે ભાવનગરના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મેવાસા ગામ નજીક કડબ ભરેલો ટ્રક પલટી જતા કેટલાક શ્રમિકો દડાયા છે. જેમાંથી 7 લોકોના કરુણ મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ વલભીપુરના મેવાસા ગામ પાસે ઘાસચારો ભરેલો એક ટ્ર્ક જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક અચાનક પલટી મારી ગયો હતો.આ ઘટનામાં ટ્રકમાં સવાર 12થી 14 શ્રમિકો ટ્રક નીચે દટાયા હતા.જેમાંથી 7 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યો છે.

ટાયર ફાટતા  ટ્રક પલટી

ભાવનગર જીલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા આ આઈસર ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસમાતમાં ટ્રકમાં સવાર 12થી 14 શ્રમિકો ટ્રક નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્રે સ્થળ પર દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.

પોલીસ અને 108ની ટીમ સ્થળ પહોંચી

મેવાસા ગામ પાસે સર્જાયોલા આ ભટનાક અકસ્માતને પગલે અહી લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. અને આ ઘટના અંગે પોલીસ અને 108ને કોલ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. અને આ ઘટનામાં હજુ મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોનાને લઈને યોજી ઉચ્ચ સ્તરીય બેઠક

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-19 ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તદ્દ અનુસાર ,ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન268 ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમજ કોવિડ -19 પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરાય છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ  રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસ નાથન, વરીષ્ઠ સચિવો અને પ્રતિષ્ઠિત તજજ્ઞ ડોક્ટર્સ, સિવિલ હોસ્પિટલના અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.

10અને 11એપ્રિલે મોક ડ્રીલ યોજાશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી 10 અને 11 એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે.આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ , માનવ બલ વગેરે ની સજ્જતા ચકાસણી કરવામાં આવશે.

હોસ્પિટલાઈઝેશન 3% કરતાં પણ ઓછું

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપી હતી.તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં વહેલા નિદાન અને સારવારને પરિણામે હોસ્પિટલાઈઝેશન એટલે કે દાખલ કરવા પડે એવા દર્દીઓનું પ્રમાણ 3 % કરતાં ઓછું છે અને મૃત્યુદર પણ નહિવત છે.

ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ

કોવિડ-19 કેસોનું દૈનિક ધોરણે એનાલિસિસ કરીને આરોગ્ય વિભાગ રોગ અટકાયતના પગલા પણ ત્વરાએ લે છે તેની આ બેઠકમાં વિગતો આપવામાં આવી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલોમાં દવા વગેરેના પુરવઠાની પણ સમીક્ષા હાથ ધરી હતી.આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવા માં આવ્યું હતું.

આ બાબતોનું ધ્યાન રાખવા સુચન

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે બેઠકમાં જણાવ્યું કે કોરોના સામે ગભરાટ કે ડર વિના સાવચેતી સલામતી રાખવા લોકોને કોરોના એપ્રોપ્રિએટ બીહેવીયર માટે જાગૃત કરવા જરૂરી છે.ઉંમરલાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભીડભાળવાળી જગ્યાએ ન જવા અને માસ્ક પહેરવું ,ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂંકવું નહીં જેવી બાબતો અંગે લોકજાગૃતિ કેળવવા તેમણે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

નાણાકીય વર્ષના IPOના લેખાજોખાઃ ટોચનાં ત્રણ વર્ષોમાં રહ્યું આ વર્ષ

અમદાવાદઃ ચાલુ નાણાકીય વર્ષ હવે પૂરું થઈ ચૂક્યું છે. વર્ષ 2022-23માં પ્રતિકૂળ સેન્ટિમેન્ટે કંપનીઓના IPOના આયોજનને નોંધપાત્ર રીતે અસર કરી છે. વર્ષે 2022-23માં 37 કંપનીઓએ મેનબોર્ડ પર IPO દ્વારા રૂ. 52,116 કરોડ એકઠા કર્યા હતા, જે પાછલા નાણાકીય વર્ષની તુલનાએ અડધાથી પણ ઓછા છે. ગયા નાણાકીય વર્ષે ભારતીય કંપનીઓએ 53 IPO દ્વારા રૂ. 1,11,547 કરોડ એકત્ર કર્યા હતા. જોકે નબળા વર્ષ છતાં IPO દ્વારા નાણાં એકઠા કરવાને મામલે આ નાણાકીય વર્ષ ત્રીજું સૌથી મોટું રહ્યું છે. જોકે વર્ષ 2022-23માં LICએ IPO થકી રૂ. 20,527 કરોડ એકત્ર કર્યા હતા. જો Licની રકમ કાઢી નાખવામાં આવે તો કંપનીઓ  વર્ષમાં માત્ર રૂ. 31,559 કરોડ એકઠા કર્યા હતા.

ચાલુ નાણાકીય વર્ષમાં LIC પછી ડેલ્હીવેરીએ રૂ. 5235 કરોડ અને ગ્લોબલ હેલ્થનો રૂ. 2206 કરોડનો IPO સૌથી મોટો રહ્યો હતો. આ સાથે 37માંથી 25 IPO માત્ર ત્રણ મહિના- મે, નવેમ્બર અને ડિસેમ્બરમાં આવ્યા હતા. IPO દ્વારા સૌથી ઓછા નાણાં માર્ચ, 2023માં એકત્ર કરવામાં આવ્યા, જે નવ વર્ષમાં સૌથી ઓછા છે.

ચાલુ નાણાકીય વર્ષમાં IPOને લઈને રિટેલ રોકાણકારોનું વલણ ફિક્કું રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં રિટેલ રોકાણકારોએ સરેરાશ 5.64 લાખ અરજી કરી હતી, જે વર્ષ 2021-22માં એ આંકડો 13.32 લાખ અને 2020-21માં 12.73 લાખ હતો, એમ રિપોર્ટ કહે છે.

ચાલુ નાણાકીય વર્ષ 36 કંપનીઓ NSE-BSE પર 36 કંપનીઓ લિસ્ટ થઈ જેમાં માત્ર 16એ 10 ટકાથી વધુ વળતર આપ્યું હતું, જેમાં સૌથી વધુ 49 ટકા DCX સિસ્ટમ્સએ આપ્યું હતું.ત્યાર બાદ હર્ષા એન્જિનિયર્સે 47 ટકા અને ઇલેક્ટ્રોનિક્સ માર્ટે 43 ટકા આપ્યું હતું. 24 માર્ચના બંધ ભાવને હિસાબે 36માંથી 21 IPO ઇશ્યુ ભાવથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે.

 

 

 

ઈન્દોરના મંદિરમાં જમીન ધસી પડતાં વાવમાં પડી જવાથી 12 શ્રદ્ધાળુનાં મરણ

ઈન્દોર (મધ્ય પ્રદેશ): અહીંના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાવાળી વાવ (બાવડી) પરની છત તૂટી પડતાં 25 જેટલાં લોકો અંદર પડી ગયાં હતાં. એમાંના ઓછાંમાં ઓછાં 12 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે.

રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મરણાંકને સમર્થન આપ્યું છે. એમણે દરેક મૃતકનાં પરિવારને રૂ. પાંચ લાખની રકમ એક્સ-ગ્રેસિયા વળતર રૂપે આપવાની જાહેરાત કરી છે. જ્યારે પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50,000 આપવામાં આવશે.

બે મૃતક મહિલાને કનિકા પટેલ (32) અને પુષ્પા પટેલ તરીકે ઓળખી કાઢવામાં આવી છે. 15 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. એમને ઈજા થઈ છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પટેલ નગર મોહલ્લામાં આવેલા આ મંદિરમાં આજે રામનવમી પર્વ નિમિત્તે લોકો એકત્ર થયાં હતાં. તેઓ હવન માટે જમીન પર બેઠાં હતાં ત્યારે એ જમીન ધસી પડી હતી. એ જમીન વાસ્તવમાં એક વાવ પરની છત હતી. એ તૂટી પડતાં કમનસીબ લોકો એની નીચે વાવમાં પડી ગયાં હતાં.

પૂર્વ સીએમ યેદિયુરપ્પાની ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ બુધવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. યેદિયુરપ્પાએ પોતાની ઉંમરને ટાંકીને આ જાહેરાત કરી હતી. કહ્યું, ‘મેં વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. સીએમ પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું કારણ કે મારી ઉંમર 80 વર્ષની થઈ ગઈ છે. મારી ઉંમર 80 વર્ષથી વધુ હોવા છતાં હું માત્ર આ વખતે જ નહીં પરંતુ આગામી વખતે પણ રાજ્યની મુલાકાત લઈશ. આપણે જોઈશું કે આ વખતે જ નહીં પરંતુ આગામી વખતે પણ બહુમતી મળે. યેદિયુરપ્પાએ વધુમાં કહ્યું કે, ‘અમે કર્ણાટકમાં પૂર્ણ બહુમતી મેળવવા જઈ રહ્યા છીએ. પીએમ મોદીના નેતૃત્વમાં અમે ફરી સત્તામાં આવીશું. કોંગ્રેસ ભ્રષ્ટ છે એટલે 40% કમિશનના ખોટા આક્ષેપો કરી રહી છે, આ મતદારોનો મુદ્દો નથી.

10મીએ ચૂંટણી, 13મીએ પરિણામ આવશે

બુધવારે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં 10 મેના રોજ મતદાન થવાનું છે. તેનું પરિણામ 13 મેના રોજ આવશે. રાજ્યમાં 224 સભ્યોની વિધાનસભા છે. હાલ કર્ણાટકમાં ભાજપની સરકાર છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ચૂંટણીમાં કુલ પાંચ કરોડ 21 લાખ 73 હજાર 579 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાંથી 2.59 કરોડ મહિલાઓ છે, જ્યારે 2.62 કરોડ પુરુષ મતદાતા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ 9.17 લાખ મતદારો હશે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. તેમની ઉંમર 18 થી 19 વર્ષની વચ્ચે છે.

મોદી સરનેમ કેસમાં હવે પટના કોર્ટે રાહુલ ગાંધીને પાઠવ્યું સમન્સ

રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાહુલ ગાંધીને પટના કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પટનાના MP MLA કોર્ટે રાહુલ ગાંધીને સુરતના કેસની જેમ 12 એપ્રિલે અન્ય માનહાનિ કેસમાં હાજર થવા જણાવ્યું છે. થોડા દિવસો પહેલા સુરતની કોર્ટમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. હવે રાહુલ ગાંધીને પટનાની MP MLA કોર્ટમાં શારીરિક રીતે હાજર થવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

શું છે મામલો?

2019 માં, બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદીએ MP MLA કોર્ટના વિશેષ ન્યાયાધીશ સમક્ષ અરજી કરી હતી. આ અંગે રાહુલ ગાંધીને નિવેદન નોંધવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. આ કેસમાં રાહુલ ગાંધી હજુ જામીન પર બહાર છે. સુશીલ કુમાર મોદીના વકીલ એસડી સંજયે કહ્યું કે 2019માં પટનાના એમપી ધારાસભ્ય કોર્ટમાં ‘મોદી સરનેમ’ પર વાંધાજનક શબ્દો બોલવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ મોદી સરનેમ ધરાવતા લોકોને ચોર કહીને તેમનું અપમાન કર્યું હતું.

યુવા સંગમઃ આસામના યુવાઓ માધવપુર ઘેડના મેળાની મુલાકાતે

ગાંધીનગરઃ  દેશના પૂર્વોત્તર અને પશ્ચિમના ભાગોની સંસ્કૃતિઓના જોડાણ માટે આસામના 29 વિદ્યાર્થીઓ અને ઓફ્ફ-કેમ્પસના યુવાઓ માધવપુરના ઘેડના મેળાની મુલાકાત લેવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (IITGN) પહોંચ્યા છે. માધવપુરનો ઘેડ મેળો રાજ્યના પોરબંદરમાં ભરાય છે. આ મેળો એક જીવંત સાસ્કૃતિક કાર્યક્રમ છે, જે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમિણીના વિવાહનો ઉત્સવ ઊજવે છે.આ મેળા માટે એવું માનવામાં આવે છે કે એ વિવાહ માધવપુરમાં થયો હતો. એ ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણની સાથે અરુણાચલ પ્રદેશમાંથી ગુજરાત સુધી રાજકુમારી રુક્મિણીના પ્રવાસની યાદ અપાવે છે. આ ઉત્સવ દેશના પૂર્વોત્તર અને પશ્ચિમી ભાગોની સંસ્કૃતિઓની સાથે સંગીત, નૃત્ય રંગમંચના પ્રદર્શન અને બંને વિસ્તારોના હસ્તશિલ્પ અને વ્યંજનોના પ્રદર્શનની સાથે ઊજવવામાં આવે છે.

બંને પ્રદેશોના સાંસ્કૃતિક આદાનપ્રધાનના કાર્યક્રમના ભાગરૂપે રાજ્યમાં યુવા સંગમ કાર્યક્રમ માટે IITGN દ્વારા રાજ્યમાં એક નોડલ સંસ્થા સ્વરૂપે સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારતના કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની એક પહેલ છે અને જેનો ઉદ્દેશ બંને પ્રદેશોના લોકોને જોડવાનો છે, જે પૂર્વોત્તરના રાજ્યો અને બાકીના ભારતના પ્રદેશો સાથે યુવાઓ વચ્ચે સમન્વય સાધવાનો છે.

આ વિદ્યાર્થીઓ માટે ગઈ કાલે IITGNમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં ડિરેક્ટર રજત મુનાએ યુવાઓને આ પ્રવાસનો મહત્તમ લાભ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પહેલાં ડીન પ્રોફેસર શિવપ્રિયાએ વિદ્યાર્થીઓને એકમેકના સંપર્કમાં રહેવા અને પ્રવાસ પછી પણ સંપર્ક જાળવી રાખવા જણાવ્યું હતું.

યુવા સંગમની રાજ્યમાં આ બીજી આવૃત્તિ છે, જે 29 માર્ચથી ત્રીજી માર્ચ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આસામના આ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ રાજ્યના અન્ય કેટલાંક સ્થળોની પણ મુલાકાત લેશે. તેઓ આ માટે સાબરમતી આશ્રમ અને અક્ષકધામ મંદિરની મુલાકાત લેવા માટે IITGNના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મદદ મેળવી શકે છે.

NIT સિલ્ચરના એક યુવા અભિષેક રાજ્ જણાવ્યું હતું કે તે યુવા સંગમની પહેલના ભાગરૂપે ગુજરાત અને માધવપુરનો મેળો જોવા ઉત્સુક છે. તેણે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેઓ પહેલી વાર રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે, જ્યારે BN કોલેજ-ધુબરીમાં BScના વિદ્યાર્થી કૃતિ કશ્યપે કહ્યું હતું કે હું ગુજરાત અને વિવિધ સ્થળોની મુલાકાત લેવા ઉત્સુક છું, કેમ કે આ સ્થળોએ પહેલાં હું ક્યારેય ગઈ જ નથી અને અહીં સંસ્કૃતિ, કળા, તહેવારો અને સ્થાનિક જીવનને જાણવા માટે ભારે ઉત્સુક છું.

 

 

 

 

ઓસ્કર વિજેતા કાર્તિકી, ગુનીત મળ્યાં વડા પ્રધાન મોદીને…

95મા એકેડેમી એવોર્ડ્સ સમારોહમાં બેસ્ટ ડોક્યૂમેન્ટરીનો એવોર્ડ જીતનાર ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ ફિલ્મનાં નિર્દેશિકા કાર્તિકી ગોન્સાલ્વીસ અને નિર્માત્રી ગુનીત મોંગા 30 માર્ચ, ગુરુવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં અને એમણે પ્રાપ્ત કરેલી પ્રતિષ્ઠિત ટ્રોફી બતાવી હતી. આ લાગણીસભર દસ્તાવેજી ફિલ્મમાં એક ગરીબ દંપતી અને અનાથ થઈ ગયેલા એક હાથીના બચ્ચા ‘રઘુ’ વચ્ચે પ્રેમ અને લાગણીનાં બંધાયેલાં બંધન વિશેની વાર્તા છે.

UPA સરકાર સમયે CBI નરેન્દ્ર મોદીને ફસાવવા માટે મારા પર દબાણ કરતી હતી : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર દરમિયાન સીબીઆઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં આ માટે તેમના પર ‘દબાણ’ કરવામાં આવ્યું હતું. બુધવારે એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે વિપક્ષના આરોપના પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી કે નરેન્દ્ર મોદી સરકાર વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ‘દુરુપયોગ’ કરી રહી છે.

નરેન્દ્ર મોદીને ફસાવવા માટે કરાયું દબાણ

તેમણે કહ્યું કે CBI મારા પર કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં મોદીજીને ફસાવવા દબાણ કરી રહી હતી. તેમણે કહ્યું કે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ક્યારેય હંગામો કર્યો નથી.

રાહુલ ગાંધી કોર્ટમાં જવાના બદલે હંગામો મચાવે છે : અમિત શાહ

સુરતની કોર્ટ દ્વારા બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસના નેતા એકમાત્ર એવા વ્યક્તિ નથી કે જેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને તેમણે લોકસભાની સભ્યતા ગુમાવી હોય. તેમણે કહ્યું કે, રાહુલ હાઈકોર્ટમાં જવાને બદલે હોબાળો મચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતાના ભાગ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આરોપો સામે લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ : અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દોષનો ટોપલો ઢોળવાને બદલે પોતાના આરોપો સામે લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, રાહુલ ગાંધીએ તેમની સજા પર સ્ટે માટે અપીલ કરી નથી. આ કેવો ઘમંડ છે. તમે સાંસદ તરીકે ચાલુ રાખવા માંગો છો અને કોર્ટમાં પણ નથી જવું.

ગેટવે ઓફ ઈન્ડિયા-બેલાપુર વોટર ટેક્સી સેવા સસ્પેન્ડ

મુંબઈઃ હજી તાજેતરમાં જ દક્ષિણ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા અને પડોશના નવી મુંબઈ શહેરના બેલાપુર ઉપનગર વચ્ચે શરૂ કરવામાં આવેલી વોટર ટેક્સી સેવા એક ટેક્નિકલ ખામી ઊભી થવાને કારણે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે રોજ અપ-ડાઉન કરતાં લોકોની સુવિધા ખાતર આ વધારે ઝડપી અને વધારે આરામદાયક ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે એ સસ્પેન્ડ થતાં ઘણાં લોકો અટવાઈ ગયાં છે અને તકલીફ ભોગવી રહ્યાં છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, એક બોટમાં કોઈક ટેક્નિકલ ખામી ઊભી થતાં આ સેવા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.