UPA સરકાર સમયે CBI નરેન્દ્ર મોદીને ફસાવવા માટે મારા પર દબાણ કરતી હતી : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર દરમિયાન સીબીઆઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં આ માટે તેમના પર ‘દબાણ’ કરવામાં આવ્યું હતું. બુધવારે એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે વિપક્ષના આરોપના પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી કે નરેન્દ્ર મોદી સરકાર વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ‘દુરુપયોગ’ કરી રહી છે.

નરેન્દ્ર મોદીને ફસાવવા માટે કરાયું દબાણ

તેમણે કહ્યું કે CBI મારા પર કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં મોદીજીને ફસાવવા દબાણ કરી રહી હતી. તેમણે કહ્યું કે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ક્યારેય હંગામો કર્યો નથી.

રાહુલ ગાંધી કોર્ટમાં જવાના બદલે હંગામો મચાવે છે : અમિત શાહ

સુરતની કોર્ટ દ્વારા બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસના નેતા એકમાત્ર એવા વ્યક્તિ નથી કે જેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને તેમણે લોકસભાની સભ્યતા ગુમાવી હોય. તેમણે કહ્યું કે, રાહુલ હાઈકોર્ટમાં જવાને બદલે હોબાળો મચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતાના ભાગ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આરોપો સામે લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ : અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દોષનો ટોપલો ઢોળવાને બદલે પોતાના આરોપો સામે લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, રાહુલ ગાંધીએ તેમની સજા પર સ્ટે માટે અપીલ કરી નથી. આ કેવો ઘમંડ છે. તમે સાંસદ તરીકે ચાલુ રાખવા માંગો છો અને કોર્ટમાં પણ નથી જવું.