Home Blog Page 3008

મોદી સરનેમ કેસમાં હવે પટના કોર્ટે રાહુલ ગાંધીને પાઠવ્યું સમન્સ

રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાહુલ ગાંધીને પટના કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પટનાના MP MLA કોર્ટે રાહુલ ગાંધીને સુરતના કેસની જેમ 12 એપ્રિલે અન્ય માનહાનિ કેસમાં હાજર થવા જણાવ્યું છે. થોડા દિવસો પહેલા સુરતની કોર્ટમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. હવે રાહુલ ગાંધીને પટનાની MP MLA કોર્ટમાં શારીરિક રીતે હાજર થવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

શું છે મામલો?

2019 માં, બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદીએ MP MLA કોર્ટના વિશેષ ન્યાયાધીશ સમક્ષ અરજી કરી હતી. આ અંગે રાહુલ ગાંધીને નિવેદન નોંધવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. આ કેસમાં રાહુલ ગાંધી હજુ જામીન પર બહાર છે. સુશીલ કુમાર મોદીના વકીલ એસડી સંજયે કહ્યું કે 2019માં પટનાના એમપી ધારાસભ્ય કોર્ટમાં ‘મોદી સરનેમ’ પર વાંધાજનક શબ્દો બોલવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ મોદી સરનેમ ધરાવતા લોકોને ચોર કહીને તેમનું અપમાન કર્યું હતું.

યુવા સંગમઃ આસામના યુવાઓ માધવપુર ઘેડના મેળાની મુલાકાતે

ગાંધીનગરઃ  દેશના પૂર્વોત્તર અને પશ્ચિમના ભાગોની સંસ્કૃતિઓના જોડાણ માટે આસામના 29 વિદ્યાર્થીઓ અને ઓફ્ફ-કેમ્પસના યુવાઓ માધવપુરના ઘેડના મેળાની મુલાકાત લેવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (IITGN) પહોંચ્યા છે. માધવપુરનો ઘેડ મેળો રાજ્યના પોરબંદરમાં ભરાય છે. આ મેળો એક જીવંત સાસ્કૃતિક કાર્યક્રમ છે, જે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમિણીના વિવાહનો ઉત્સવ ઊજવે છે.આ મેળા માટે એવું માનવામાં આવે છે કે એ વિવાહ માધવપુરમાં થયો હતો. એ ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણની સાથે અરુણાચલ પ્રદેશમાંથી ગુજરાત સુધી રાજકુમારી રુક્મિણીના પ્રવાસની યાદ અપાવે છે. આ ઉત્સવ દેશના પૂર્વોત્તર અને પશ્ચિમી ભાગોની સંસ્કૃતિઓની સાથે સંગીત, નૃત્ય રંગમંચના પ્રદર્શન અને બંને વિસ્તારોના હસ્તશિલ્પ અને વ્યંજનોના પ્રદર્શનની સાથે ઊજવવામાં આવે છે.

બંને પ્રદેશોના સાંસ્કૃતિક આદાનપ્રધાનના કાર્યક્રમના ભાગરૂપે રાજ્યમાં યુવા સંગમ કાર્યક્રમ માટે IITGN દ્વારા રાજ્યમાં એક નોડલ સંસ્થા સ્વરૂપે સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારતના કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની એક પહેલ છે અને જેનો ઉદ્દેશ બંને પ્રદેશોના લોકોને જોડવાનો છે, જે પૂર્વોત્તરના રાજ્યો અને બાકીના ભારતના પ્રદેશો સાથે યુવાઓ વચ્ચે સમન્વય સાધવાનો છે.

આ વિદ્યાર્થીઓ માટે ગઈ કાલે IITGNમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં ડિરેક્ટર રજત મુનાએ યુવાઓને આ પ્રવાસનો મહત્તમ લાભ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પહેલાં ડીન પ્રોફેસર શિવપ્રિયાએ વિદ્યાર્થીઓને એકમેકના સંપર્કમાં રહેવા અને પ્રવાસ પછી પણ સંપર્ક જાળવી રાખવા જણાવ્યું હતું.

યુવા સંગમની રાજ્યમાં આ બીજી આવૃત્તિ છે, જે 29 માર્ચથી ત્રીજી માર્ચ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આસામના આ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ રાજ્યના અન્ય કેટલાંક સ્થળોની પણ મુલાકાત લેશે. તેઓ આ માટે સાબરમતી આશ્રમ અને અક્ષકધામ મંદિરની મુલાકાત લેવા માટે IITGNના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મદદ મેળવી શકે છે.

NIT સિલ્ચરના એક યુવા અભિષેક રાજ્ જણાવ્યું હતું કે તે યુવા સંગમની પહેલના ભાગરૂપે ગુજરાત અને માધવપુરનો મેળો જોવા ઉત્સુક છે. તેણે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેઓ પહેલી વાર રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે, જ્યારે BN કોલેજ-ધુબરીમાં BScના વિદ્યાર્થી કૃતિ કશ્યપે કહ્યું હતું કે હું ગુજરાત અને વિવિધ સ્થળોની મુલાકાત લેવા ઉત્સુક છું, કેમ કે આ સ્થળોએ પહેલાં હું ક્યારેય ગઈ જ નથી અને અહીં સંસ્કૃતિ, કળા, તહેવારો અને સ્થાનિક જીવનને જાણવા માટે ભારે ઉત્સુક છું.

 

 

 

 

ઓસ્કર વિજેતા કાર્તિકી, ગુનીત મળ્યાં વડા પ્રધાન મોદીને…

95મા એકેડેમી એવોર્ડ્સ સમારોહમાં બેસ્ટ ડોક્યૂમેન્ટરીનો એવોર્ડ જીતનાર ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ ફિલ્મનાં નિર્દેશિકા કાર્તિકી ગોન્સાલ્વીસ અને નિર્માત્રી ગુનીત મોંગા 30 માર્ચ, ગુરુવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં અને એમણે પ્રાપ્ત કરેલી પ્રતિષ્ઠિત ટ્રોફી બતાવી હતી. આ લાગણીસભર દસ્તાવેજી ફિલ્મમાં એક ગરીબ દંપતી અને અનાથ થઈ ગયેલા એક હાથીના બચ્ચા ‘રઘુ’ વચ્ચે પ્રેમ અને લાગણીનાં બંધાયેલાં બંધન વિશેની વાર્તા છે.

UPA સરકાર સમયે CBI નરેન્દ્ર મોદીને ફસાવવા માટે મારા પર દબાણ કરતી હતી : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર દરમિયાન સીબીઆઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં આ માટે તેમના પર ‘દબાણ’ કરવામાં આવ્યું હતું. બુધવારે એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે વિપક્ષના આરોપના પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી કે નરેન્દ્ર મોદી સરકાર વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ‘દુરુપયોગ’ કરી રહી છે.

નરેન્દ્ર મોદીને ફસાવવા માટે કરાયું દબાણ

તેમણે કહ્યું કે CBI મારા પર કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં મોદીજીને ફસાવવા દબાણ કરી રહી હતી. તેમણે કહ્યું કે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ક્યારેય હંગામો કર્યો નથી.

રાહુલ ગાંધી કોર્ટમાં જવાના બદલે હંગામો મચાવે છે : અમિત શાહ

સુરતની કોર્ટ દ્વારા બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસના નેતા એકમાત્ર એવા વ્યક્તિ નથી કે જેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને તેમણે લોકસભાની સભ્યતા ગુમાવી હોય. તેમણે કહ્યું કે, રાહુલ હાઈકોર્ટમાં જવાને બદલે હોબાળો મચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતાના ભાગ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આરોપો સામે લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ : અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દોષનો ટોપલો ઢોળવાને બદલે પોતાના આરોપો સામે લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, રાહુલ ગાંધીએ તેમની સજા પર સ્ટે માટે અપીલ કરી નથી. આ કેવો ઘમંડ છે. તમે સાંસદ તરીકે ચાલુ રાખવા માંગો છો અને કોર્ટમાં પણ નથી જવું.

ગેટવે ઓફ ઈન્ડિયા-બેલાપુર વોટર ટેક્સી સેવા સસ્પેન્ડ

મુંબઈઃ હજી તાજેતરમાં જ દક્ષિણ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા અને પડોશના નવી મુંબઈ શહેરના બેલાપુર ઉપનગર વચ્ચે શરૂ કરવામાં આવેલી વોટર ટેક્સી સેવા એક ટેક્નિકલ ખામી ઊભી થવાને કારણે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે રોજ અપ-ડાઉન કરતાં લોકોની સુવિધા ખાતર આ વધારે ઝડપી અને વધારે આરામદાયક ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે એ સસ્પેન્ડ થતાં ઘણાં લોકો અટવાઈ ગયાં છે અને તકલીફ ભોગવી રહ્યાં છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, એક બોટમાં કોઈક ટેક્નિકલ ખામી ઊભી થતાં આ સેવા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.

શ્રેયસ ઐયરે WTCની ફાઇનલ માટે બેક સર્જરી ટાળી

નવી દિલ્હીઃ શ્રેયસ ઐયર આગળની સારવાર અને પીઠની ઇજાથી ઊભરવા માટે NCA ગયા અને તેઓ ઇન્જેક્શન લેશે. તેની ફિટનેસ ટેસ્ટ જાણ્યા પછી તેના રમવા અગરનો નિર્ણય લેવામાં આવશે. ઐયર જૂનમાં WTCની ફાઇનલ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેવા ઇચ્છે છે, એમ ક્રિકબઝના રિપોર્ટ કહે છે. તેણે નિષ્ણાત અને NCAના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. બધા એ વાતે સહમત હતા કે ઓપરેશન ટાળી શકાય છે. એ નિષ્ણાતોની સલાહને અનુસરશે. જોકે ઐયર IPL માટે પણ તૈયાર છે. મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતે સ્વીકાર કર્યો હતો કે કપ્તાન શ્રેયસ ઐયર ટીમ માટે એક મહત્ત્વનો ક્રિકેટર છે.

શ્રેયસની ગેરહાજરી ખટકશે.  તે ટીમમાં બહુ જલદી પરત ફરશે અને ટીમમાં તેની હાજરીથી બહુ ફરક પડશે. જોકે પંડિતે નીતીશ રાણા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમે એ ક્રિકેટરોની પસંદગી કરીએ છીએ, જે જવાબદારી સમજે છે. તે ઘણા લાંબા સમયથી KKRની સાથે છે અને તેનો ઘરેલુ રેકોર્ડ પણ મજબૂત છે.

28 વર્ષીય ઐયરે ભારત માટે 49 T-20, 42 વન-ડે અને 10 ટેસ્ટ મેચ રમી છે. T-20માં અય્યરે 30.7ની સરેરાશ અને 136ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતાં તેણે 1043 રન બનાવ્યા છે જેમાં તેણે સાત અર્ધ સદી પણ ફટકારી છે. ઐયરે વન-ડેમાં 46.6ની સરેરાશથી બે સદી અને 14 અર્ધ સદીની મદદથી 1631 રન બનાવ્યા છે. તેના ઉપરાંત ટેસ્ટમાં તેણે 41.6ની સરેરાશથી 666 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના બેટમાંથી એક સદી અને પાંચ અર્ધ સદી જોવા મળી છે.

 

 

 

 

 

નવાઝુદ્દીન, ભૂતપૂર્વ પત્ની, બંને સંતાનને હાજર થવાનું કોર્ટનું ફરમાન

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટે બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને એમના ભૂતપૂર્વ પત્ની ઝૈનબ સિદ્દીકીનાં તરૂણ વયનાં બે સંતાનનાં ભવિષ્યને ખાતર દંપતી વચ્ચેનાં વિવાદોનો સુમેળપૂર્વક અંત લાવવાના પ્રયાસ રૂપે દંપતીને તથા એમનાં બંને સંતાનને પોતાની સમક્ષ હાજર થવાનું જણાવ્યું છે. ન્યાયમૂર્તિઓ – રેવતી મોહિતે ડેરે અને શર્મિલા દેશમુખની વિભાગીય બેન્ચે આ ચારેય જણને આવતી ત્રીજી એપ્રિલે હાજર થવા કહ્યું છે.

સિદ્દીકી દંપતીને 12 વર્ષની પુત્રી અને 7 વર્ષનો પુત્ર છે. આ બંને સંતાનને ક્યાં રાખ્યાં છે તે જણાવવાનો ઝૈનબને કોર્ટ આદેશ આપે એ માટે નવાઝુદ્દીને હેબિયસ કોર્પસ પીટિશન નોંધાવી છે. તેના પરની સુનાવણી કરતી વખતે બંને મહિલા જજે ઉપર મુજબ આદેશ આપ્યો હતો. એમણે કહ્યું છે કે નવાઝુદ્દીન, ઝૈનબ તથા એમનાં સંતાનોએ 3 એપ્રલે જજની ચેમ્બરમાં હાજર થવું, જે સુનાવણી બંધબારણે યોજવામાં આવશે.

નવાઝુદ્દીનનો દાવો છે કે એની પત્ની પોતાને જાણ કર્યા વગર બંને સંતાનને દુબઈથી ભારત લઈ આવી છે. એને કારણે સંતાનો શાળામાં હાજરી આપી શકતાં નથી પરિણામે એમનાં શિક્ષણને માઠી અસર પડી છે. બંને જજે સિદ્દીકીને કહ્યું છે, ‘અમને તમારા સંતાનો વિશે ચિંતા થાય છે… ચાલો, તમારી વચ્ચે કોઈક સુમેળભર્યું સમાધાન શોધી કાઢવાનો પ્રયાસ કરીએ.’

રાહુલ ગાંધીના સાંસદપદની અયોગ્યતા પર જર્મનીએ પ્રતિક્રિયા આપી

બ્રસેલ્સઃ સંસદથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અયોગ્યતા પર પ્રતિક્રિયા આપતાં જર્મનીએ કહ્યું હતું કે એણે આ મામલે ધ્યાન આપ્યું છે. જર્મની દ્વારા કહેવામાં આવ્યું છે કે એ આશા કરે છેક  ન્યાયિક સ્વતંત્રતા અને મૌલિક લોકતાંત્રિક સિદ્ધાંતોના માપદંડ લાગુ પડશે. આ મામલે જર્મનીની પ્રતિક્રિયા અમેરિકા દ્વારા અપનાવવામાં આવેલા વલણના થોડા દિવસો પછી આવી છે. અમેરિકા દ્વારા આ મામલે કહેવામાં આવ્યું હતું કે કાનૂનનું શાસન અને ન્યાયિક સ્વતંત્રતા માટે સન્માન કોઈ પણ લોકતંત્રની આધારશિલા છે.

જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પત્રકારોને સંબોધવા દરમ્યાન રાહુલ ગાંધીથી જોડાયેલા વિવાદ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે ભારતીય વિપક્ષી નેતા રાહુલ ગાંધીની સામે પહેલાંના ઉદાહરણોની સાથે-સાથે તેમના સંસદીય જનાદેશને સસ્પેન્ડ પર ધ્યાન આપ્યું છે.

 

અમારી માહિતી અનુસાર રાહુલ ગાંધી નિર્ણયની સામે અપીલ કરવાની સ્થિતિમાં છે. એક અપીલ એ જણાવશે કે શુ નિર્ણય કાયમ છે અને સસ્પેન્શનનો આધાર શો છે? અમે અપેક્ષા કરીએ છીએ કે ન્યાયિક સ્વતંત્રતા અને લોકતાંત્રિક સિદ્ધાતોના માપદંડો લાગુ કરવામાં આવશે.

 

 

 

 

પ્રભુનાં અવતરણની દિવ્ય સ્મૃતિ…

આજે ગુરુવાર, 30 એપ્રિલ, 2023. આજનો દિવસ એટલે ચૈત્ર સુદી નવમીનો દિવસ. આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે પોતાના પવિત્ર અવતરણની ધરા બનાવી અયોધ્યાનગરીને. એ જ રીતે પુરુષોત્તમ નારાયણ શ્રીસ્વામિનારાયણ ભગવાને પણ આ જ તિથિએ અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં જન્મ ધારણ કર્યો.

હિન્દુ સનાતન ધર્મની એક સૌથી મોટી વિશેષતા એ છે કે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ્ અધર્મસ્ય તદાત્માનં…અર્થાત્ જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન સ્વયં આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. ભગવાન સ્વયં આપણા જેવા થઈને આપણી વચ્ચે પધારે ત્યારે જ આપણે તેમને ઓળખી શકીએ, દિવ્યભાવપૂર્વક તેઓની ભક્તિ કરી શકીએ.

ખળખળ વહેતી પવિત્ર નદી સરયુના તટે વસેલી નગરી અયોધ્યામાં ઈશ્વાકુ વંશના સમ્રાટ દશરથ અને કૌશલ્યાના પુત્ર રઘુકુલપતિ ભગવાન શ્રીરામ એટલે એક આદર્શ ચરિત્ર. વાલ્મીકિ રામાયણ, ઉત્તરરામચરિત, રામચરિતમાનસ જેવા ગ્રંથોએ ભગવાન શ્રીરામની કૃપાળુતા, શરણાગત વત્સલતા, પ્રજાવત્સલતા, ધર્મવીરતા, તેમનું ઉદાર ચરિત્ર, વગેરે અનેક અવતારલીલાની કંઈકેટલીયે ગાથાઓ ગાઈ છે, પરંતુ ભારતીય અને વૈશ્વિક ઈતિહાસના આ મહાન અવતારી પુરુષ માટે કેટલાક લોકોને હજીયે શંકા રહેતી હોય છે કે, શું ભગવાન શ્રીરામ એક વાસ્તવિક ઈતિહાસ છે? કે માત્ર કલ્પનાકથા-દંતકથાનું પાત્ર? શું રામ ખરેખર જન્મ્યા હતા? શું રામ અયોધ્યામાં જ જન્મ્યા હતા? આવા તથ્યહીન સવાલો સાથે ભારતીય પૌરાણિક ઈતિહાસને માઇથોલૉજી કહીને હિન્દુ ધર્મના ઈતિહાસને મરોડવાનો પ્રયાસ કરનારા શ્રીરામને કાલ્પનિક પાત્ર દર્શાવીને નવી પેઢીને શ્રદ્ધાથી વિમુખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ નવાં સંસાધન-ટેક્નોલોજીએ વાતને નવો વળાંક આપ્યો છે.

ભગવાન શ્રીરામનો જન્મ એક ઐતિહાસિક અને વાસ્તવિક સત્ય છે એ વાત હવે આધુનિક સંશોધનો દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે. પુણે સ્થિત પ્રખર સંશોધક ડૉ. પ્રભાકર વિશ્ર્ણુ (પી. વી.) વર્તકે રામાયણમાં આપેલાં ગ્રહ-નક્ષત્ર, વગેરેના ઉલ્લેખના આધારે શ્રીરામના જીવનના મુખ્ય પ્રસંગોનો સમય નિશ્ચિત કર્યો છે. 2019માં જેમનું 86 વર્ષની વયે નિધન થયું એ ડૉ. વર્તકના ‘વાસ્તવ રામાયણ’ અને ‘સાયન્ટિફિક ડેટિંગ ઈન મહાભારત વૉર’ જેવા સંશોધનાત્મક ગ્રંથ ખૂબ વંચાયા છે. અને ડૉ. પી. વી. વર્તક જ નહીં, બીજા અનેક વિદ્વાનોએ પણ આર્કિયો-એસ્ટ્રોનોમીના આધારે તથ્યો રજૂ કરીને શ્રીરામને એક વાસ્તવિક ઈતિહાસ તરીકે દર્શાવ્યા છે.

ભગવાન શ્રીસ્વામિનારાયણનો જન્મ સામવેદી બ્રાહ્મણકુળમાં ધર્મદેવ અને ભક્તિદેવી થકી વિ. સં. ૧૮૩૭ની ચૈત્ર સુદ નવમી, ૩ એપ્રિલ ઈ.સ.૧૭૮૧ના રોજ ઘનશ્યામ સ્વરૂપે થયો. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારે સર્વત્ર આધ્યાત્મિક, રાજનૈતિક, સામાજિક આદિ સર્વ ક્ષેત્રે અંધકાર હતો. એ અંધકારમય વિશ્વને ઉજાસથી ભરી દઈને આત્યંતિક કલ્યાણની અવિરત ધારા વહાવવાનું અજોડ કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું. તેઓનાં દિવ્ય પ્રદાનને બ્રિટિશ ઈતિહાસકારોથી માંડીને આધુનિક લેખકો સુધી અનેક લોકોએ પોતાની પહોંચ પ્રમાણે બિરદાવ્યાં છે.

ભગવાન સ્વામિનારાયણનું જીવન અને કાર્ય નિહાળતાં આપણને ચોક્કસ અહોભાવ જન્મે છે, કારણ કે ભગવાન શ્રીસ્વામિનારાયણે વૈદિક તત્ત્વજ્ઞાનને સામાન્ય જનસમુદાય સુધી પહોંચાડ્યું, દલિતોના ઉદ્ધારની સર્વપ્રથમ જ્યોત પ્રગટાવી, સ્ત્રીઓના ઉત્કર્ષ દ્વારા તેમના શીલ અને ગૌરવને પુનઃ સ્થાપિત કર્યું. મંત્ર-તંત્ર અને અંધશ્રદ્ધા-વહેમના જાળામાંથી સમાજને મુક્ત કર્યો, ગુર્જર અને સંસ્કૃત સાહિત્યના નવસર્જનનો નવ્યયુગ પ્રવર્તાવ્યો, ધર્મયુક્ત ભક્તિની શુદ્ધ પરંપરાની સ્થાપના કરી, તહેવારો-ઉત્સવોમાં પ્રવેશેલી બદીઓને તેઓએ દૂર કરી, ગુણાતીત સંત દ્વારા મોક્ષની વૈદિક વિભાવનાને સાકાર કરી, મંદિરો અને પ્રાચીન સ્થાપત્યની પવિત્ર પરંપરાનો પુનરોદય કર્યો, સમાજમાં રહીને ત્યાગ નિભાવનારા સેવાશીલ આદર્શ સંતોની ભેટ આપી.

આ લખાઈ રહ્યું છે ત્યારે સમાચાર આવે છે કે શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણકાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે, 70 ટકા કામ પૂરું થઈ ગયું છે અને 2024ના જાન્યુઆરીમાં ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપના થશે.

તો ચાલો, આજના રામનવમીના પર્વે, આવા અવતારી મહાપુરુષોમાં શ્રદ્ધા ધરાવીએ, એમને આપણા આદર્શ બનાવીએ અને તેમના શ્રીચરણોમાં યથાર્થ અંજલિ અર્પીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)