પ્રભુનાં અવતરણની દિવ્ય સ્મૃતિ…

આજે ગુરુવાર, 30 એપ્રિલ, 2023. આજનો દિવસ એટલે ચૈત્ર સુદી નવમીનો દિવસ. આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે પોતાના પવિત્ર અવતરણની ધરા બનાવી અયોધ્યાનગરીને. એ જ રીતે પુરુષોત્તમ નારાયણ શ્રીસ્વામિનારાયણ ભગવાને પણ આ જ તિથિએ અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં જન્મ ધારણ કર્યો.

હિન્દુ સનાતન ધર્મની એક સૌથી મોટી વિશેષતા એ છે કે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ્ અધર્મસ્ય તદાત્માનં…અર્થાત્ જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન સ્વયં આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. ભગવાન સ્વયં આપણા જેવા થઈને આપણી વચ્ચે પધારે ત્યારે જ આપણે તેમને ઓળખી શકીએ, દિવ્યભાવપૂર્વક તેઓની ભક્તિ કરી શકીએ.

ખળખળ વહેતી પવિત્ર નદી સરયુના તટે વસેલી નગરી અયોધ્યામાં ઈશ્વાકુ વંશના સમ્રાટ દશરથ અને કૌશલ્યાના પુત્ર રઘુકુલપતિ ભગવાન શ્રીરામ એટલે એક આદર્શ ચરિત્ર. વાલ્મીકિ રામાયણ, ઉત્તરરામચરિત, રામચરિતમાનસ જેવા ગ્રંથોએ ભગવાન શ્રીરામની કૃપાળુતા, શરણાગત વત્સલતા, પ્રજાવત્સલતા, ધર્મવીરતા, તેમનું ઉદાર ચરિત્ર, વગેરે અનેક અવતારલીલાની કંઈકેટલીયે ગાથાઓ ગાઈ છે, પરંતુ ભારતીય અને વૈશ્વિક ઈતિહાસના આ મહાન અવતારી પુરુષ માટે કેટલાક લોકોને હજીયે શંકા રહેતી હોય છે કે, શું ભગવાન શ્રીરામ એક વાસ્તવિક ઈતિહાસ છે? કે માત્ર કલ્પનાકથા-દંતકથાનું પાત્ર? શું રામ ખરેખર જન્મ્યા હતા? શું રામ અયોધ્યામાં જ જન્મ્યા હતા? આવા તથ્યહીન સવાલો સાથે ભારતીય પૌરાણિક ઈતિહાસને માઇથોલૉજી કહીને હિન્દુ ધર્મના ઈતિહાસને મરોડવાનો પ્રયાસ કરનારા શ્રીરામને કાલ્પનિક પાત્ર દર્શાવીને નવી પેઢીને શ્રદ્ધાથી વિમુખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ નવાં સંસાધન-ટેક્નોલોજીએ વાતને નવો વળાંક આપ્યો છે.

ભગવાન શ્રીરામનો જન્મ એક ઐતિહાસિક અને વાસ્તવિક સત્ય છે એ વાત હવે આધુનિક સંશોધનો દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે. પુણે સ્થિત પ્રખર સંશોધક ડૉ. પ્રભાકર વિશ્ર્ણુ (પી. વી.) વર્તકે રામાયણમાં આપેલાં ગ્રહ-નક્ષત્ર, વગેરેના ઉલ્લેખના આધારે શ્રીરામના જીવનના મુખ્ય પ્રસંગોનો સમય નિશ્ચિત કર્યો છે. 2019માં જેમનું 86 વર્ષની વયે નિધન થયું એ ડૉ. વર્તકના ‘વાસ્તવ રામાયણ’ અને ‘સાયન્ટિફિક ડેટિંગ ઈન મહાભારત વૉર’ જેવા સંશોધનાત્મક ગ્રંથ ખૂબ વંચાયા છે. અને ડૉ. પી. વી. વર્તક જ નહીં, બીજા અનેક વિદ્વાનોએ પણ આર્કિયો-એસ્ટ્રોનોમીના આધારે તથ્યો રજૂ કરીને શ્રીરામને એક વાસ્તવિક ઈતિહાસ તરીકે દર્શાવ્યા છે.

ભગવાન શ્રીસ્વામિનારાયણનો જન્મ સામવેદી બ્રાહ્મણકુળમાં ધર્મદેવ અને ભક્તિદેવી થકી વિ. સં. ૧૮૩૭ની ચૈત્ર સુદ નવમી, ૩ એપ્રિલ ઈ.સ.૧૭૮૧ના રોજ ઘનશ્યામ સ્વરૂપે થયો. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારે સર્વત્ર આધ્યાત્મિક, રાજનૈતિક, સામાજિક આદિ સર્વ ક્ષેત્રે અંધકાર હતો. એ અંધકારમય વિશ્વને ઉજાસથી ભરી દઈને આત્યંતિક કલ્યાણની અવિરત ધારા વહાવવાનું અજોડ કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું. તેઓનાં દિવ્ય પ્રદાનને બ્રિટિશ ઈતિહાસકારોથી માંડીને આધુનિક લેખકો સુધી અનેક લોકોએ પોતાની પહોંચ પ્રમાણે બિરદાવ્યાં છે.

ભગવાન સ્વામિનારાયણનું જીવન અને કાર્ય નિહાળતાં આપણને ચોક્કસ અહોભાવ જન્મે છે, કારણ કે ભગવાન શ્રીસ્વામિનારાયણે વૈદિક તત્ત્વજ્ઞાનને સામાન્ય જનસમુદાય સુધી પહોંચાડ્યું, દલિતોના ઉદ્ધારની સર્વપ્રથમ જ્યોત પ્રગટાવી, સ્ત્રીઓના ઉત્કર્ષ દ્વારા તેમના શીલ અને ગૌરવને પુનઃ સ્થાપિત કર્યું. મંત્ર-તંત્ર અને અંધશ્રદ્ધા-વહેમના જાળામાંથી સમાજને મુક્ત કર્યો, ગુર્જર અને સંસ્કૃત સાહિત્યના નવસર્જનનો નવ્યયુગ પ્રવર્તાવ્યો, ધર્મયુક્ત ભક્તિની શુદ્ધ પરંપરાની સ્થાપના કરી, તહેવારો-ઉત્સવોમાં પ્રવેશેલી બદીઓને તેઓએ દૂર કરી, ગુણાતીત સંત દ્વારા મોક્ષની વૈદિક વિભાવનાને સાકાર કરી, મંદિરો અને પ્રાચીન સ્થાપત્યની પવિત્ર પરંપરાનો પુનરોદય કર્યો, સમાજમાં રહીને ત્યાગ નિભાવનારા સેવાશીલ આદર્શ સંતોની ભેટ આપી.

આ લખાઈ રહ્યું છે ત્યારે સમાચાર આવે છે કે શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણકાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે, 70 ટકા કામ પૂરું થઈ ગયું છે અને 2024ના જાન્યુઆરીમાં ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપના થશે.

તો ચાલો, આજના રામનવમીના પર્વે, આવા અવતારી મહાપુરુષોમાં શ્રદ્ધા ધરાવીએ, એમને આપણા આદર્શ બનાવીએ અને તેમના શ્રીચરણોમાં યથાર્થ અંજલિ અર્પીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)