અમદાવાદના ‘ઉત્થાન’ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકોએ બનાવી વિશેષ રાખડીઓ

અમદાવાદ: સમાજમાં મનોદિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓને શિક્ષણની સાથે જીવનલક્ષી તાલીમ આપીને પગભર કરવાનું સરાહનીય કાર્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના કોચરબ પાલડી વિસ્તારમાં આવેલા અને ‘સ્ત્રી પ્રગતિ મંડળ’ દ્વારા સંચાલિત ‘ઉત્થાન તાલીમ કેન્દ્ર’ ખાતે 14 વર્ષથી વધુ વયના માનસિક દિવ્યાંગતા ધરાવતા લોકોને વિવિધ કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે આ મનોદિવ્યાંગ બાળકો અને યુવાનો દ્વારા તૈયાર કરાયેલી આકર્ષક ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ યોજાયું હતું.

નવનિર્મિત હોલમાં પ્રથમ વખત પ્રદર્શનનું આયોજન

ઉત્થાન તાલીમ કેન્દ્રના ભાવનાબહેન પંડ્યાએ ચિત્રલેખા.કોમને માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષે સંસ્થાના ભાઈ-બહેનો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓનું પ્રદર્શન થાય છે, પરંતુ આ વર્ષે વિશેષ આનંદ એ છે કે આ પ્રદર્શન સંસ્થાના જ નવનિર્મિત હોલમાં યોજવામાં આવ્યું છે.  આ નવનિર્મિત હોલ અને સુવિધાઓ પાછળ ઉત્થાન તાલીમ કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટી ડો.નિતિન સુમન શાહનો મોટો ફાળો રહ્યો છે. તેમણે અગાઉ ભોંયતળિયાના સમારકામ માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ત્યારબાદ આ વર્ષે પ્રથમ અને બીજા માળના નિર્માણ માટે વધુ 51 લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું છે. ઉત્થાન સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરને મળેલી આ આર્થિક સહાયના કારણે હવે મનોદિવ્યાંગ બાળકો વધુ આધુનિક સુવિધાઓ સાથે તાલીમ મેળવી શકશે.

હાથ બનાવટની આકર્ષક વસ્તુઓનું ડેમોસ્ટ્રેશન અને વેચાણ

આ વર્ષે પ્રદર્શનમાં મનોદિવ્યાંગ બાળકો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલી રંગબેરંગી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત પેપર બેગ અને ગિફ્ટ પેપર બેગ, ગ્રીટિંગ કાર્ડ્સ અને ઓફિસ સ્ટેશનરી ફાઈલો, મનોહર પેઈન્ટિંગ્સ અને ક્રાફ્ટ વર્ક, સુશોભન માટેના તોરણ, કંકાવટી અને દીવડાં, સૌંદર્ય પ્રસાધનો અને સુશોભનની વિવિધ સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું. કોચરબ પાલડી ખાતે પોતાના જ કેન્દ્રના પ્રાંગણમાં આયોજિત આ પ્રદર્શન, વેચાણ અને ડેમોસ્ટ્રેશન દરમિયાન ઉત્થાનના તમામ દિવ્યાંગ બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)