મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઔસામાં આવેલી એક સરકારી શાળાની વ્યવસ્થાઓને લઈને ઊભો થયેલો વિવાદ હવે કાનૂની કાર્યવાહી સુધી પહોંચી ગયો છે. ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન હેઠળ શાળાનું નિરીક્ષણ કરવા પહોંચેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે અને તેમના સાથીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ કાનૂની કાર્યવાહી શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલી સત્તાવાર ફરિયાદ બાદ કરવામાં આવી છે.
અભિજીત દીપકેના આક્ષેપો
આ વિવાદની શરૂઆત અભિજીત દીપકે દ્વારા શાળાની વ્યવસ્થાઓ પર ઉઠાવવામાં આવેલા સવાલોથી થઈ હતી. પોતાની મુલાકાત દરમિયાન દીપકે દાવો કર્યો હતો કે બાળકોને ભોજન પીરસવા માટે અચાનક નવી થાળીઓ લાવવામાં આવી હતી, જે તંત્રને તપાસની અગાઉથી જાણ થઈ હોવા તરફ ઈશારો કરે છે. આ ઉપરાંત, તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ભોજન માટે બેસાડવામાં આવેલા કેટલાક બાળકો તે શાળાના વિદ્યાર્થીઓ જ નહોતા. બીજી શાળામાંથી બાળકોને બોલાવીને નિરીક્ષણ દરમિયાન 1 કલાક સુધી ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા. દીપકે સવાલ ઉઠાવ્યો હતો કે જો શાળામાં વ્યવસ્થા યોગ્ય જ હતી, તો પછી નવી થાળીઓ મંગાવવાની અને અન્ય શાળાના વિદ્યાર્થીઓને અહી બેસાડવાની જરૂર કેમ પડી?

શિક્ષકોના ગંભીર આક્ષેપો અને પોલીસ કાર્યવાહી
સામે પક્ષે, શાળાના શિક્ષકોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યુ છે કે અભિજીત દીપકે અને તેમના સાથીઓ અજિંક્ય શિંદે સહિત 5 લોકોએ પરવાનગી વિના શાળા પરિસરમાં પ્રવેશ કર્યો હતો. તેમણે વર્ગખંડોમાં જઈને વિદ્યાર્થીઓને સવાલો પૂછ્યા હતા, તેમનું શૂટિંગ કર્યું હતું અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને શાળાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
શિક્ષકોનો દાવો છે કે જ્યારે તેમણે આ વર્તન સામે વાંધો ઉઠાવ્યો, ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપવામાં આવી હતી. આ ફરિયાદોના આધારે ઔસા પોલીસે અભિજીત દીપકે અને અજિંક્ય શિંદે સહિત 5 લોકો સામે ગુનો નોંધીને તમામ પાસાઓ પર આગળની તપાસ હાથ ધરી છે.




