અભિજિત દીપકેની વિપક્ષને ચૂંટણીનો બહિષ્કાર કરવાની સલાહ

નવી દિલ્હીઃ CJPના અભિજિત દીપકેએ ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. ધ ઇન્ડિયન એક્સપ્રેસની તપાસમાં SIR મુદ્દે ચૂંટણી પંચમાં મતભેદ સામે આવ્યા હતા. ત્યાર બાદ CJPએ જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર 2.0ની ચેતવણી આપી હતી. CJPના સંયોજક દીપકેએ વિપક્ષી પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે ચૂંટણીમાં કથિત ધાંધલીના આરોપો છતાં ચૂંટણી લડતા રહેવા અંગે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે તેનાથી એવી ચૂંટણી પ્રક્રિયાને માન્યતા મળે છે, જેને વિપક્ષ પોતે ગેરરીતિવાળી ગણાવી રહ્યો છે. દીપકેએ કહ્યું કે જો ચૂંટણી ખરેખર ગેરરીતિવાળી હોય તો વિપક્ષે તેમાં ભાગ લેવાને બદલે લોકશાહી માટે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. દીપકેએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે હા, ચૂંટણીમાં ધાંધલી થઈ રહી છે. પરંતુ જ્યારે તમે ધાંધલીવાળી ચૂંટણીમાં સતત ભાગ લેતા રહો છો, ત્યારે તમે આ ચૂંટણીઓને માન્યતા આપો છો અને એ બતાવવામાં મદદ કરો છો કે ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ છે.

રાજકીય અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ શા માટે?

દીપકેએ પોતાના X અકાઉન્ટ પર લખ્યું હતું કે કદાચ તમે એટલા માટે દરેક ચૂંટણી લડો છો કારણ કે તમને ડર છે કે જો તમે આવું નહીં કરો તો તમારું અસ્તિત્વ ખતમ થઈ જશે, પરંતુ જ્યારે મતની ચોરી થઈ રહી હોય, તમારા ધારાસભ્યો અને સાંસદો અન્ય પક્ષોમાં જઈ રહ્યા હોય અને તમારા પક્ષોમાં ભાગલા પડી રહ્યા હોય, ત્યારે તમે કેવા અસ્તિત્વને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? આ રાજકીય અસ્તિત્વ બચાવવું નથી. તમે માત્ર એવી વ્યવસ્થામાં ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છો, જે જ્યારે ઈચ્છે ત્યારે તમને નબળા બનાવી શકે છે, તમારા પક્ષને તોડી શકે છે અથવા તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાની સાથે લઈ શકે છે. તમે આ રીતે કેટલા સમય સુધી ટકી શકશો?