સર્વને માટે સમાનતા એટલે શું? કોઈને નબળા સમજીને એને આજીવન મદદ કરીને નબળા જ રહેવા દેવા?
કોઈને ખાસ સમજીને એના માટે ખાસ નિયમો બનાવવા? કોઈને આર્થિક રીતે પાંગળા જ રહેવા દેવા અને સતત મદદ કર્યા કરવી?
આવા ઘણા સવાલો ઘણાબધા લોકોના મનમાં ઊભા થતા હશે અને એના જવાબો શોધવામાં તકલીફ પણ પડતી હશે. જો અનેક પેઢીઓ સુધી મદદ મળ્યા પછી પણ કોઈનું ઉત્થાન ન થતું હોય તો શું માત્ર મદદ ચાલુ રાખવી પૂરતી ગણાય, કે પછી મદદની પદ્ધતિ અને તેની અસર વિશે પણ વિચારવું જોઈએ?
ધારો કે બે બાળકો પાસે આઇસક્રીમ છે. એક બાળક પોતાનો આઇસક્રીમ ખાઈને રડવા લાગે છે, જ્યારે બીજું બાળક પોતાના ભાગનો આઇસક્રીમ ધીમે-ધીમે ખાતું હોય. એવામાં મા બીજા બાળકને કહે કે, ‘તું એકલો કેમ ખાય છે? પેલો રડે છે, એને પણ આપ.’ અહીં લાગણી અને ન્યાય વચ્ચેનો પ્રશ્ન ઊભો થાય છે. સહાયનો સાચો હેતુ માત્ર તાત્કાલિક રાહત છે કે વ્યક્તિને સ્વાવલંબી બનાવવાનો પણ છે—એ વિચારવું જરૂરી છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈ-મેઇલ પર પૂછી શકો છો.
સવાલ: ધર્મ એટલે શું? અમુક રંગનાં કપડાં પહેરીને સરકારી મદદથી સંસ્થાઓ બનાવી, ભ્રષ્ટાચારને વેગ આપીને વૈભવી જીવન જીવવાની કળા? એક ધાર્મિક સંસ્થાનું કામ મળ્યું. ફી નક્કી કર્યા પછી પોતાને કેટલી સરકારી વગ છે એ દર્શાવવાનું શરૂ થયું. અબજો રૂપિયાની જમીન પર કરોડોનાં મકાનો હોવા છતાં જો એને સાદગી ગણાતી હોય તો એવી સાદગી બધાને મળવી જોઈએ. સાધુત્વ અને મોજશોખ ભેગાં ન જ થાય. કરોડોનું ફંડ લીધા પછી ફીમાં માત્ર એક પ્રસાદનું પેકેટ આપીને મોક્ષ ન આપવાની ધમકી આપતા લોકોને સાધુ ગણાય ખરા?
જવાબ: મોટાભાગના લોકો ડર અથવા સ્વાર્થ સાથે ધર્મનું પાલન કરે છે. ધર્મ અને કર્મ બંને એકબીજા સાથે જોડાયેલાં છે. જે વ્યવહાર કોઈ આપણી સાથે કરે અને એ આપણને પસંદ ન હોય એવો વ્યવહાર આપણે અન્ય સાથે ન કરીએ—એ સાચા ધર્મની એક સરળ સમજ છે.
કહેવાતા ધર્મ ગુરુઓ જેલમાંથી બહાર આવે અને લાખોની મેદની એમનું સ્વાગત કરવા ઉભી રહે ત્યારે આ સમજાય છે. સાધુ ત્યાગની મૂર્તિ હોવા જોઈએ. એમની અપેક્ષાઓ અને જીજીવીશાઓ જોઇને તમને સમજાઈ જવું જોઈતું હતું કે એ જગ્યાએ તમને ફી નહિ મળે. વળી પોતાને રાજકીય વગ છે એવું કહેનાર બધા સાચા નથી હોતા. તમે પણ માન્યું હતું કે ધાર્મિક સંસ્થા છે એટલે દગો નહિ કરે?
કોઈ એક રંગના કપડા માણસનું ચારિત્ર બદલવા સક્ષમ નથી. કોઈ પણ રંગના મકાનો ધર્મ દર્શાવવા સક્ષમ નથી. એ માણસને એના કર્મ માટે છોડીને ફરીથી ન છેતરાવાનો નિર્ણય લ્યો. કોઈ માણસ નસીબમાંથી નથી લઇ શકતા. તમારા નસીબનું તમને અન્ય જગ્યાએથી મળી જ જશે.

સવાલ: ગઈકાલે રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે એક ગાડી ધસમસતી આવી. એ એક બાઇક સાથે અથડાઈ અને બાઇક મારી સાથે અથડાઈ. મને ખૂબ વાગ્યું. ગાડીવાળો એક મોટા રાજકારણીનું નામ આપીને ધમકી આપવા લાગ્યો. ફૂટપાથ પર ચાલતા માણસને પોલીસની ધમકી મળે એ કેટલું વ્યાજબી છે? આડેધડ વાહન ચલાવનારને લાઇસન્સ આપે છે કોણ? વળી, એ લોકોએ પહેલેથી જ કહી દીધું કે પોલીસને કહેશો તો એટ્રોસિટીનો કેસ થશે.
જવાબ: આજકાલ જાણે બધાં જ ભાગી રહ્યા છે, પણ કોઈ ક્યાંય પહોંચતું નથી. જે માણસ અકસ્માત પછી ઊભો રહી ગયો, એ થોડું ધીમેથી વાહન ચલાવતો હોત તો કદાચ આવી સ્થિતિ જ ઊભી ન થાત. રસ્તા પર ઝડપ કરતાં જવાબદારી વધુ જરૂરી છે. કાયદો નાગરિકોની સુરક્ષા અને ન્યાય માટે છે. કોઈ પણ વ્યક્તિએ રાજકીય ઓળખ, સામાજિક ઓળખ કે કાયદાના નામનો ઉપયોગ કરીને બીજા વ્યક્તિને ધમકાવવો યોગ્ય નથી.
રોડ પર ચાલવાનો સહુથી પહેલો હક ચાલવાવાળાનો છે. એ કાયદો કેટલા લોકોને ખબર છે? તમે સાચા છો. પણ નિયમો અલગ છે. તમે બચી ગયા એ અગત્યનું છે.
સૂચન: વાસ્તુની પરંપરાગત માન્યતાઓમાં નૈઋત્ય દિશાના દોષને અકસ્માત કે અસ્થિરતા સાથે જોડવામાં આવે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)






