વાસ્તુ: સમાજમાં સંસ્કાર અને શિસ્તનું મહત્ત્વ કેમ ઘટી રહ્યું છે?

“ગાળો તો બધા બોલે.” આ આપણે એટલું સહજ રીતે બોલીએ છીએ, જાણે એ ગર્વ લેવા જેવી બાબત હોય. સંસ્કૃતમાં કોઈ અપશબ્દ જોવા મળે છે? ‘પરસ્પર દેવો ભવ’ જેવી સંસ્કૃતિથી અન્યને ઉતારી પાડવા સુધીના વિચારો દ્વારા સતત આપણી સંસ્કૃતિનું પતન થઈ રહ્યું છે. જાણે પૈસા કમાવા માટે જ માણસનો જન્મ થયો હોય, એ રીતે માણસ સતત કોઈને નીચા દેખાડવા મથી રહ્યો છે ત્યારે ઇતિહાસ તરફ નજર કરવાની ઇચ્છા થાય.

200થી વધારે વિદેશી આક્રમણો અને અનેક સંસ્કૃતિઓનાં સામ્રાજ્યો સામે ટકેલી આ ભૂમિ પર પોતાના દેશ માટે કેટલા લોકો લડ્યા? સમર્પિત થઈ જવાની ભાવનાએ આત્મસન્માનથી વિમુખ થવાની ભાવના ઊભી કરી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ : અમારા ઘરમાં ભારતીય વિચારોનું પ્રાધાન્ય છે. અપશબ્દો અને કેટલાક કટાક્ષ અમે હજુ પણ નથી સમજી શકતા, પણ કોઈની સાથે અપમાનજનક વ્યવહાર ન કરવાની સૂઝ છે. થોડા સમય પહેલાં અમારા ઘરથી નજીક સોસાયટી દ્વારા વેતન મેળવતા કેટલાક લોકો ઊંચા અવાજે અપશબ્દો બોલતા હતા. મેં એમને અમારા ઘર પાસે આવી ભાષા ન બોલવા વિનંતી કરી. એમણે કમિટીને ફરિયાદ કરી. કેટલાક લોકો લાકડી લઈને ડરાવવા આવ્યા. આખી સોસાયટીમાં કોઈએ સમર્થન ન આપ્યું અને અમુક લોકોએ કહ્યું, “આટલી નાની વાતમાં કોઈને રોકાય નહીં.” શું આ જ છે ભારતની આજની સ્થિતિ?

જવાબ : તમે વિરોધ કર્યો, એ જરૂરી છે. પણ જે પોતે જ અપશબ્દો બોલે છે, એ અન્યને કેવી રીતે રોકી શકે? “પહેલો પથ્થર એ મારે, જે પાપી ન હોય.” તમે સમજી ગયા હશો. નાનાં બાળકો આ શીખીને અજાણતાં જ જાહેરમાં જ્યારે આવી ભાષા બોલે છે, ત્યારે સમાજ આવો જ બને ને? દ્વિઅર્થી સંવાદો અને અપશબ્દોથી ભરેલી ફિલ્મો તથા સિરિયલો શા માટે ચાલે છે? કારણ કે એને દર્શકો મળી રહે છે. વિદેશમાં ખરાબ ભાષા ધરાવતી ફિલ્મોને સૌથી ખરાબ રેટિંગ મળે છે. પણ એ સમજણ જેને ત્યાંની સિસ્ટમ વિશે ખબર હોય એને આવે ને? આપણે વિદેશ પૈસા કમાવા જઈએ છીએ, ત્યાંની સંસ્કૃતિનો આધાર સમજવા નહીં.

તમે વિરોધ કર્યો, એ સારી વાત છે અને સમર્થન ન મળ્યું એ સહજ છે. કેટલાક લોકો ડરપોક બની ગયા છે. તમે માત્ર તમારો વિચાર કરો. દૂષણ તમારા સુધી ન આવે તો તમે સુખી છો.

સવાલ : અમારી ઓફિસમાં એક માણસ રાખ્યો છે. એ કોઈ પૈસાપાત્ર વ્યક્તિની ઓળખાણથી આવ્યો છે. એ કશું કામ નથી કરતો અને બધાને પેલા માણસની ધમકી આપે છે.

અમારે ત્યાં એમને કોઈ ઓળખતું પણ નથી. જેમની ઓળખાણથી આવ્યો છે એ પણ પેલાને કહે છે કે, “તું ચિંતા ન કર.” વળી, એ માણસની ડિગ્રી પણ ખોટી છે. આ માણસ પેલા ભાઈને ત્યાં ઓફિસ બોય હતો. દેહાતી ભાષામાં વાત કરવી, ઝઘડા કરવા વગેરે દુર્વ્યવહાર કર્યા બાદ પણ એ ધમકી આપે છે કે, “નોકરીમાંથી કાઢી મૂકશો તો હું જાતિવિષયક ફરિયાદ કરી દઈશ.”

જવાબ : આ આપણા દેશનું દુર્ભાગ્ય છે. જે નિયમો કોઈને મદદ કરવા માટે બન્યા, એ જ કેટલાક લોકો હથિયાર તરીકે વાપરી રહ્યા છે. અન્ય સમાજના લોકોને પણ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. મોટા ભાગે આપણે વિશ્વાસથી જીવીએ છીએ અને અમુક લોકો સ્વાર્થના આશયથી એ તોડતા રહે છે. જે વ્યક્તિએ એમના માણસને નોકરી અપાવી, એને ખબર જ હશે કે આની ડિગ્રી સાચી નથી. વળી, એ તમારી ઓફિસમાં દખલ કરવાનો પ્રયાસ કરે છે. સજ્જનતા માણસની આવકથી નક્કી નથી થતી. એ માણસ પ્રોબેશન પર છે. તમારે કડક વલણ અપનાવવું જરૂરી છે.

સૂચન : નકારાત્મક બેઠક વ્યવસ્થામાં બેસનારી દરેક વ્યક્તિના નિર્ણયો નકારાત્મક હોઈ શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )